અર્શદ વારસીએ જણાવ્યું છે કે ઍક્ટર્સને પૈસાની જરૂર તો હોય જ છે, પરંતુ સાથે જ તેમને પ્રશંસાની પણ જરૂર હોય છે. ‘મુન્નાભાઈ M.B.B.S.’માં અર્શદે ભજવેલો સર્કિટનો રોલ આજે પણ યાદગાર છે
ફાઇલ તસવીર
અર્શદ વારસીએ જણાવ્યું છે કે ઍક્ટર્સને પૈસાની જરૂર તો હોય જ છે, પરંતુ સાથે જ તેમને પ્રશંસાની પણ જરૂર હોય છે. ‘મુન્નાભાઈ M.B.B.S.’માં અર્શદે ભજવેલો સર્કિટનો રોલ આજે પણ યાદગાર છે. ત્યાર બાદ ‘લગે રહો મુન્નાભાઈ’માં પણ તે જામી ગયો હતો. તેણે ‘જૉલી LLB’, ‘તેરે મેરે સપનેં’, ‘ઇશ્કિયા’, ‘ગોલમાલ’, ‘ટોટલ ધમાલ’, ‘પાગલપંતી’, ‘હલચલ’ અને ‘બચ્ચન પાન્ડે’માં કામ કર્યું છે. ઍક્ટર્સની ઇચ્છા વિશે અર્શદ વારસીએ કહ્યું કે ‘પૈસા રળવા એ જરૂરી તો છે, પરંતુ સાથે જ લોકો પ્રશંસા કરે એની વધુ જરૂર હોય છે. તમે ચાહો કે લોકો તમારી પાસે આવીને કહે કે ‘શું ફિલ્મ છે, શું રોલ છે અને અમને એ રોલ ગમ્યો...’ એ જ મારો અવૉર્ડ અને રિવૉર્ડ છે. હું એને માટે જ ઉત્સુક હોઉં છું. મને લાગે છે કે હું જન્મજાત પ્રેમાળ છું અને હું જે પણ પાત્ર ભજવું એ પોલીસ હોય, વિલન હોય કે અન્ય કોઈ પણ હોય. મારી ઇચ્છા હોય છે કે લોકો મારા કામની પ્રશંસા કરે, પછી એ પૉઝિટિવ હોય કે નેગેટિવ હોય. તેમને કૅરૅક્ટર ગમવું જોઈએ પછી એ કોઈ પણ હોય. હું નસીબદાર છું કે મેં જે કામ કર્યું છે એ દરેકને પસંદ પડ્યું છે. ફિલ્મ અથવા તો સિરીઝ સારી ચાલે તો એ સોનામાં સુગંધ ભળવા જેવું હોય છે. એનાથી વિશેષ લાગણી કોઈ ન હોઈ શકે.’
OTTએ દરેકને પ્લૅટફૉર્મ આપ્યું છે એ વિશે અર્શદ વારસીએ કહ્યું કે ‘મને લાગે છે કે અમારામાંથી ઘણા લોકો એવા છે જેમની પાસે યોગ્ય પ્લૅટફૉર્મ નથી, તેમને માટે ડિજિટલ પ્લૅટફૉર્મ જેવો એક મંચ પૂરો પાડ્યો છે. એમાં સર્વશ્રેષ્ઠ હીરોની જરૂર નથી. કમર્શિયલ ફિલ્મમાં હજી પણ એની જરૂર છે. જોકે અહીં તો દરેક માટે સ્થાન છે. મારા જેવા જે હીરો જેવા નથી દેખાતા તેમને હવે ફાઇનલી ઓળખ મળી છે.’


