મર્યાદિત સંખ્યામાં થિયેટરો અને OTT પ્લૅટફૉર્મ પર ફિલ્મો જલદી આવતી હોવાથી કમાણી થતી જ નથી. મુંબઈમાં ગુરુવારે ખુલ્લા મૂકવામાં આવેલી વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ 2025માં ગઈ કાલે બીજા દિવસે આમિર ખાને પૅનલ ડિસ્ક્શનમાં ભાગ લીધો હતો.
ગઈ કાલે WAVES 2025માં બોલતો આમિર ખાન. તસવીર: સૈયદ સમીર અબેદી
મુંબઈમાં ગુરુવારે ખુલ્લા મૂકવામાં આવેલી વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) 2025માં ગઈ કાલે બીજા દિવસે આમિર ખાને પૅનલ ડિસ્ક્શનમાં ભાગ લીધો હતો અને હાલમાં બૉલીવુડની ફિલ્મો શા માટે બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી શકતી નથી એ વિશે વાત કરી હતી.
બૉલીવુડના આ સુપરસ્ટારની છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી હતી. તેણે આ મુદ્દાને સમજાવતાં કહ્યું હતું કે ‘ફિલ્મો કમાણી કરતી નથી, કારણ કે થિયેટરોની સંખ્યા ઓછી છે. ભારતમાં ભાગ્યે જ ૧૦,૦૦૦ સ્ક્રીન છે, જે અમેરિકા અને ચીનની સરખામણીમાં ખૂબ ઓછી છે, આપણા દેશની વસ્તીની સંખ્યામાં થિયેટરો ઓછાં છે. ભારતમાં વિશાળ સંભાવનાઓ છે અને એથી સ્ક્રીન્સની સંખ્યા વધારવામાં આવવી જોઈએ. જ્યારે વધારે પ્રમાણમાં થિયટરો ઊભાં થશે ત્યારે કમાણી પણ વધશે. ઓછાં થિયટરોને કારણે લોકો ફિલ્મ જોઈ શકતા નથી, તેઓ માત્ર સાંભળે છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે. દેશમાં ઘણી સ્ક્રીન હોવી જોઈએ.’
૬૦ વર્ષના આ ઍક્ટરે કહ્યું હતું કે ‘ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ આવવાને કારણે પણ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સારી રીતે ચાલી રહી નથી. જ્યારે કોઈ ફિલ્મ થિયેટર-રિલીઝના માત્ર ૪૫ દિવસમાં કોઈ પણ OTT પ્લૅટફોર્મ પર દર્શકો માટે ઉપલબ્ધ થાય છે ત્યારે લોકો થિયેટરમાં જઈને આ ફિલ્મ જુએ એ શક્યતા ઓછી થઈ જાય છે. થિયેટર અને OTT રિલીઝ વચ્ચેનો સમય ખૂબ જ ઓછો હોય છે. આમાં ફિલ્મવાળા તેમના પોતાના વ્યવસાયને મારી રહ્યા છે. તમે દર્શકોને થિયેટરમાં ફિલ્મ જોવા ન આવવાનું કહી રહ્યા છો. એથી જ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરતી નથી.’


