આમિર ખાને આવું કહીને અન્ડરવર્લ્ડની પાર્ટીમાં જવા માટે પાડી દીધી હતી સ્પષ્ટ ના
આમિર ખાન
૮૦ અને ૯૦ના દાયકામાં બૉલીવુડ પર અન્ડરવર્લ્ડનો ઘણો પ્રભાવ હતો. ઘણી ફિલ્મોમાં અન્ડરવર્લ્ડના પૈસાનું રોકાણ થતું હતું. એ સમયે બૉલીવુડ પર અન્ડરવર્લ્ડનું એટલું જોર હતું કે તમામ ફિલ્મસ્ટાર્સે તેમની પાર્ટીઓનું આમંત્રણ સ્વીકારવું પડતું હતું અને પાર્ટીઓમાં જવું પડતું હતું. જોકે આમિરને આમંત્રણ મળ્યું તો તેણે નકારી દીધું. એ સમયે આમિર ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી સ્ટાર બન્યો હતો અને બધી જગ્યાએ તેની ચર્ચા ચાલી રહી હતી.
હાલમાં આમિરે આ ઘટનાક્રમ વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મેં દુબઈમાં તેમની પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ નકારી દીધું હતું. અન્ડરવર્લ્ડના કેટલાક લોકો મને પાર્ટીમાં આમંત્રિત કરવા માટે મારી પાસે આવ્યા હતા. હું કોઈનું નામ નથી લેતો, કારણ કે આ મારો સ્વભાવ છે. તેમણે ઘણી કોશિશ કરી. તેમણે મને પૈસા આપ્યા અને મારી પસંદગીનું કોઈ પણ કામ કરવાની ઑફર આપી. મેં એમ છતાં જવાનો ઇનકાર કરી દીધો. તેમણે તરત જ પોતાનો ટોન બદલી નાખ્યો અને કહ્યું કે મારે હવે આવવું જ પડશે, કારણ કે મારા આવવાની જાહેરાત પહેલેથી જ કરી દેવામાં આવી છે અને આ તેમની પ્રતિષ્ઠાનો મામલો હતો. મેં તેમને કહ્યું કે તમે એક મહિનાથી મળી રહ્યા છો અને હું તમને શરૂઆતથી જ કહી રહ્યો હતો કે હું નહીં આવું. તમે ખૂબ શક્તિશાળી છો એથી તમે મને મારી શકો છો, મારા માથા પર મારી શકો છો, મારા હાથ-પગ બાંધી શકો છો અને મને બળજબરીથી જ્યાં ઇચ્છો ત્યાં લઈ જઈ શકો છો; પરંતુ હું જાતે નહીં આવું. આ પછી તેમણે મારો સંપર્ક કરવાનું બંધ કરી દીધું.’
ADVERTISEMENT
આમિરે આ ઘટના જણાવીને કહ્યું હતું કે એ સમયે તે ખૂબ ડરી ગયો હતો. તેને બાળકોની સલામતીની ચિંતા હતી. પોતાની લાગણી વ્યક્ત કરતાં તેણે કહ્યું કે ‘એ સમયે મારાં બે નાનાં બાળકો હતાં. મારાં માતા-પિતા ખૂબ ચિંતિત હતાં. તેમણે કહ્યું કે તું શું કરી રહ્યો છે? તેઓ ખૂબ જોખમી છે. એથી મેં તેમને ત્યારે એક જ વાત કહી હતી કે હું મારું જીવન એવી રીતે જીવવા માગું છું જેવી રીતે હું ઇચ્છું છું. હું ત્યાં જવા નથી માગતો.’


