આમિરે સ્વીકાર્યું કે ઠગ્સ ઑફ હિન્દોસ્તાં નબળી ફિલ્મ હતી, પણ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાથી બહુ હતાશ થયો હતો
આમિર ખાન
આમિર ખાનની ગણતરી બૉલીવુડના સફળ સ્ટારમાં થાય છે. જોકે તે પણ બીજા સ્ટાર્સની જેમ જ માનવીય લાગણીઓથી ઘેરાયેલો છે અને તેના પર તેની ફિલ્મોની સફળતા અને નિષ્ફળતાની ઊંડી અસર પડે છે. આ જ વાતનો પડઘો પડે છે આમિરના ઇન્ટરવ્યુમાં. આમિરે પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં નિષ્ફળ ફિલ્મોની તેના પર થતી અસર વિશે જણાવ્યું કે ‘જ્યારે મારી ફિલ્મો નિષ્ફળ જાય છે ત્યારે હું ડિપ્રેશન અનુભવું છું, ઇમોશનલ થઈ જાઉં છું અને બે-ત્રણ અઠવાડિયાં સુધી રોતો રહું છું. આ પછી હું મારી ટીમ સાથે બેસીને એ સમજવાનો પ્રયાસ કરું છું કે શું કાચું કપાયું છે? અમે દર્શકોનું મન જાણવાનો પ્રયાસ કરીએ છીએ જેથી ભવિષ્યમાં ભૂલનું પુનરાવર્તન ટાળી શકાય. આ સમગ્ર પ્રોસેસ થઈ ગયા પછી હું મારા નેક્સ્ટ પ્રોજેક્ટ માટે કામ કરવા ઉત્સાહપૂર્વક તૈયારી શરૂ કરું છું. વ્યક્તિએ નિષ્ફળતામાંથી પણ પૉઝિટિવ વસ્તુઓ ગ્રહણ કરવી જોઈએ. એનાથી તમારા કામમાં સુધારો થાય છે.’
આમિર ખાનની છેલ્લી બે ફિલ્મો ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાં’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’એ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મો વિશે વાત કરતાં આમિરે જણાવ્યું કે ‘મને આ નિષ્ફળતાથી બહુ ખરાબ લાગ્યું હતું. અમે આ ફિલ્મોથી કમાણી નહોતા કરી શક્યા. મને લાગે છે કે ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ નબળી ફિલ્મ હતી અને અમે એને જે રીતે બનાવવા ધારી હતી એ રીતે એ બની શકી નહોતી. ‘લાલ સિંહ ચઢ્ઢા’થી મને બહુ આશા હતી, પણ હું મારા પર્ફોર્મન્સથી લોકોનાં દિલ જીતી ન શક્યો. ફિલ્મમેકિંગ એક અઘરું કામ છે અને ઘણી વખત ધાર્યું પરિણામ નથી મળી શકતું.’
ADVERTISEMENT
આમિર હવે મહાભારત બનાવવાના પ્લાનિંગમાં- ઍક્ટરે જણાવ્યું કે તે હવે બાળકોને ધ્યાનમાં રાખીને વધારે ને વધારે કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવા માગે છે
છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે આમિર ખાન ‘મહાભારત’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. લાગે છે કે હવે આ માટે યોગ્ય સમય આવી ગયો છે. આમિર ખાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘મારું એક બહુ જૂનું સપનું ‘મહાભારત’ બનાવવાનું છે. હવે મારી પાસે સમય છે ત્યારે હું કદાચ મારું આ સપનું પૂરું કરવાની દિશામાં વધારે સક્રિય બનીને પ્રયાસો કરી શકીશ. આમાં મારા માટે કોઈ રોલ છે કે એ હજી નક્કી નથી, પણ મને આ વિષય હંમેશાં પ્રોત્સાહિત કરે છે.’ આમિરે ઇન્ટરવ્યુમાં પોતાના ફ્યુચર પ્લાન વિશે ચર્ચા કરતાં કહ્યું કે ‘હું હવે એવું સર્જન કરવા ઇચ્છું છું જેના કેન્દ્રમાં બાળકો હોય. હું માનું છું કે ભારતમાં બાળકો વિશે બહુ ઓછી કન્ટેન્ટ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે બાળકો માટેની કન્ટેન્ટ વિદેશથી લાવીએ છીએ, ડબ કરીએ છીએ અને રિલીઝ કરીએ છીએ. હું બાળકો માટે વધારે ને વધારે વાર્તાઓ રજૂ કરવા ઇચ્છું છું. ઍક્ટર તરીકે હું એક સમયે એક જ ફિલ્મ કરીને ખુશ છું, પણ પ્રોડ્યુસર તરીકે વધારે ને વધારે ફિલ્મો કરવા ઇચ્છું છું. આવતા મહિને હું ૬૦ વર્ષનો થઈ જઈશ અને આવતાં ૧૦થી ૧૫ વર્ષ સુધી હું મહત્તમ કામ કરીને વધારે ને વધારે નવી ટૅલન્ટને તક આપવા ઇચ્છું છું. હું મારા પ્રોડક્શન હાઉસને વધારે વાઇબ્રન્ટ બનાવવા ઇચ્છું છું.’
દીકરા જુનૈદની ફિલ્મ લવયાપા ફ્લૉપ જવાથી આમિર ખાન બહુ દુખી
આમિર ખાને દીકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ ‘લવયાપા’નું બહુ જોરશોરથી પ્રમોશન કર્યું હતું છતાં આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સફળતા નથી નળી. આમિર ખાને આ ફિલ્મની સફળતા વિશે પોતાની લાગણી વ્યક્ત કરી અને કહ્યું કે આ ફિલ્મ ફ્લૉપ જવાથી મને બહુ દુઃખ થયું છે. આમિરે સ્વીકાર કર્યો કે મને મારા પોતાના પ્રોજેક્ટ કરતાં આ ફિલ્મની વધારે ચિંતા હતી. આમિરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘કમનસીબે ‘લવયાપા’ ખાસ ચાલી નથી અને આ વાતનો મને અફસોસ છે. આ ફિલ્મ અને જુનૈદની ઍક્ટિંગ બન્ને સારી હતી છતાં એને બૉક્સ-ઑફિસ પર સારો પ્રતિભાવ નથી મળ્યો. હું આ સ્થિતિને દૂરથી મૂલવી રહ્યો છું અને મારું દિલ હતાશા અનુભવી રહ્યું છે.’
જુનૈદની ‘લવયાપા’ ૨૦૨૫ની ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ખુશી અને જુનૈદ સિવાય ગ્રુશા કપૂર, આશુતોષ રાણા, તન્વિકા પાર્લિકર, કિકુ શારદા, દેવિશી મંડન, આદિત્ય કુલશ્રેષ્ઠ, અમન અને નિખિલ મહેતા જેવાં કલાકારો પણ હતાં. આ ફિલ્મને આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ ડિરેક્ટ કરનાર અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી હતી.
‘લવયાપા’ની રિલીઝ પહેલાં જુનૈદ ‘મહારાજ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ જોકે ઓવર ટુ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને એમાં જુનૈદની દમદાર ઍક્ટિંગનાં વખાણ પણ થયાં હતાં. આ પછી આમિર અને જુનૈદે ‘લવયાપા’નું ભરપૂર પ્રમોશન કર્યું હતું જેના કારણે ઍક્ટ્રેસ ખુશી કપૂર સાથેની જુનૈદની ‘લવયાપા’ રિલીઝ પહેલાં ચર્ચામાં હતી, પણ એને સફળતા નથી મળી.
આમિરે દીકરા જુનૈદના ભવિષ્ય વિશે જણાવતાં કહ્યું કે ‘જુનૈદ અને સાઉથની ઍક્ટ્રેસ સાંઈ પલ્લવીની ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે અને આ ફિલ્મ નવેમ્બર કે ડિસેમ્બર સુધી રિલીઝ થઈ શકે છે. આ એક લવસ્ટોરી છે.’


