શુક્રવારે એવા ન્યુઝ આવ્યા કે કૅન્સરને કારણે પૂનમ પાન્ડેનું મોત થયું અને આખી ઇન્ડસ્ટ્રી શૉક્ડ થઈ ગઈ, પણ પછી ગઈ કાલે પૂનમે સામે આવીને જે અનાઉન્સમેન્ટ કરી એ સાંભળીને જાણે ભદ્દી મજાક થઈ હોય એવો અનુભવ થયો
પૂનમ પાંડે
પહેલી વાત, અહીં વાત નુક્તેચીની કરવાની નહીં, પણ સમજણને આંખ સામે રાખવી જોઈએ એ સંબંધની છે. બે દિવસ પહેલાં એવા ન્યુઝ આવ્યા કે પૂનમ પાન્ડેનું મૃત્યુ થયું. કૅન્સરથી પીડાતી પૂનમ પાન્ડેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અગાઉ, અમુક કલાક પહેલાં જ અપલોડ થયા હોય એવા વિડિયો હતા અને એ પછી પણ આ ન્યુઝ આવ્યા એટલે બધા શૉક થઈ ગયા. કોઈ એટલે કોઈને મનમાં પણ નહોતું કે આ એક એવો સ્ટન્ટ છે જેની ચોખવટ સાંભળ્યા પછી આપણને ખરેખર ગુસ્સો આવી જવાનો છે. ગઈ કાલે પૂનમ પાન્ડેએ જ સામે આવીને બધાને કહ્યું કે હું જીવું છું, આ તો મેં સર્વાઇકલ કૅન્સરની અવેરનેસ માટે એ મેસેજ ફ્લોટ કર્યો હતો.
અવેરનેસની વાત સારી છે, જરૂરી છે, પણ તમે એ કામ કરતાં હો એ સમયે તમને ખબર હોવી જોઈએ કે તમે કોઈની લાગણી સાથે તો રમત નથી કરતાંને? પૂનમ પાન્ડેએ એ જ કર્યું અને એનું જ દુઃખ છે. ઍગ્રી કે પાન્ડેબહેને અન્ય કોઈના નહીં પણ પોતાના જ મોતના ફેક ન્યુઝ ફેલાવ્યા હતા, પણ એ ન્યુઝ ફેલાવ્યા તો સોશ્યલ મીડિયા પર, સોશ્યલ મીડિયાનો આવો દુરુપયોગ તો ન જ થવો જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે સોશ્યલ મીડિયા થકી તમે તમારું અસ્તિત્વ ટકાવીને બેઠાં હો. ક્યારેય ભૂલવું નહીં કે તમે ફૅન્સ ધરાવતાં હો છો ત્યારે તમારી જવાબદારી બને છે કે અજાણતાં પણ તમે તમારા ફૅન્સને એવું કશું ન શીખવી બેસો જે કરવાનો વિચાર તેના મનમાં રહી જાય.
ADVERTISEMENT
વિચારો કે પૂનમ પાસેથી આવી જ પ્રેરણા લઈને જો કોઈ આગળ વધ્યું તો તેના પેરન્ટ્સથી માંડીને ફૅમિલી-મેમ્બરની શું હાલત થાય? પૂનમે કૅન્સરનું કારણ અને કૅન્સર પ્રત્યેની અવેરનેસની વાત કરી, પણ ધારો કે કોઈ યંગસ્ટર પોતાના મનની વાત સમજાવવા કે મનાવવા માટે આવો રસ્તો અપનાવે તો શું હાલત થાય?
આપણે જે સ્થાન પર છીએ એ સ્થાન પરથી બહુ જવાબદારી સાથે વર્તવાનું હોય છે. આપણે એ જવાબદારીને સમજવાની હોય અને એનો અમલ પણ કરવાનો હોય. મારે કૅન્સર કે પછી એઇડ્સ કે પછી કોરોના માટે જો અવેરનેસ લાવવી હોય તો હું મારા સ્થાન પરથી એ કામ કરી જ શકું છું. હા, બને કે એ અવેરનેસમાં તીવ્રતા ન હોય. બને કે એ અવેરનેસને અમુક લોકો સ્કિપ પણ કરી દે અને એવું પણ બની શકે કે એ અવેરનેસ ધારી અસર ન છોડી જાય, પણ તમારું કામ અવેર કરવાનું છે, અવેર કરતાં-કરતાં તમારે કોઈને ડરાવવાના નથી કે પછી કોઈને ધ્રાસકો નથી આપવાનો. પૂનમબહેને એવો જ કાંડ કર્યો અને કાંડ કરવાની સાથોસાથ તેણે એક ચોક્કસ વર્ગને એક ખોટી દિશા પણ દેખાડી દીધી. અવેરનેસ લાવવા માટે પણ કયો અને કેવો રસ્તો વાપરવો જોઈએ એની અવેરનેસ હોવી જોઈએ. જો એ અવેરનેસ ન હોય તો તમારે પ્રયાસ ન કરવા જોઈએ.
એક ચોક્કસ વર્ગ એવો ઊભો થવા માંડ્યો છે કે એ ડિમાન્ડ કરે છે કે આને અવેરનેસ પણ ન ગણવી જોઈએ, આને પબ્લિસિટી સ્ટન્ટ જ ગણવો જોઈએ અને આ સ્ટન્ટ માટે પૂનમ પાન્ડેની સામે કેસ પણ થવો જોઈએ. કોઈ દુષ્પ્રેરણા લઈને આગળ ન વધે એ માટે આ વાત, આ તર્ક પણ ખોટો નથી, પણ સાથોસાથ એ પણ કહેવાનું કે ઇરાદો સારો હતો એટલે એટલું આકરું થવું પણ જરૂરી નથી. બાકી, જેને જેમ ઠીક લાગે એમ.


