ફિલ્મમાં રાણા દગુબટ્ટી અને ફહાદ ફાઝીલ બાદ અમિતાભ બચ્ચનની એન્ટ્રી
અમિતાભ બચ્ચન
રજનીકાન્તની આગામી ફિલ્મ વધુ ને વધુ ગ્રૅન્ડ બની રહી છે. આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘થલાઇવર 170’ આપવામાં આવ્યું છે, કારણ કે આ તેમની ૧૭૦મી ફિલ્મ છે. આ ફિલ્મમાં હવે તેમની સાથે રાણા દગુબટ્ટી અને ફહાદ ફાઝીલ સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. ડિરેક્ટર ટીજે જ્ઞાનવેલની આ ફિલ્મમાં અનિરુદ્ધ રવિચંદર મ્યઝિક આપી રહ્યો છે. અનિરુદ્ધ તેના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે જાણીતો છે અને તેણે હાલમાં ‘જવાન’નું મ્યુઝિક પણ આપ્યું હતું. રજનીકાન્તની ફિલ્મમાં રાણા કામ કરવાનો છે એ વાત ચર્ચાનો વિષય બની હતી અને હવે એમાં ફહાદ ફાઝીલનો સમાવેશ થઈ રહ્યો છે. આ ફિલ્મને લાયકા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ પ્રોડક્શન-હાઉસ દ્વારા ફહાદનો ફોટો શૅર કરીને તે આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ તેમના ફૅન્સ ખૂબ ખુશ થઈ ગયા હતા. તેમનું માનવું છે કે એક જ ફિલ્મમાં આટલા બધા મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા હોવાથી આ ફિલ્મ વધુ ગ્રૅન્ડ બની રહી છે. જોકે આ તમામ ચર્ચા વચ્ચે લાયકા પ્રોડક્શન દ્વારા ફરી એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે ‘ઇન્ડિયન સિનેમાના શહેનશાહ મિસ્ટર અમિતાભ બચ્ચનનું ‘થલાઇવર 170’માં સ્વાગત કરીએ છીએ. અમારી ટીમ ફિલ્મની કાસ્ટ દ્વારા અલગ જ ઊંચાઈ પર પહોંચી રહી છે, કારણ કે અદ્ભુત ટૅલન્ટેડ ઍક્ટર અમિતાભ બચ્ચન પણ ફિલ્મ સાથે જોડાયા છે.’
રજનીકાન્ત અને અમિતાભ બચ્ચને અગાઉ ‘હમ’માં સાથે કામ કર્યું હતું. અમિતાભ બચ્ચનની ‘ગિરફતાર’માં રજનીકાન્તે અને રજનીકાન્તની ‘અંધા કાનૂન’માં અમિતાભ બચ્ચને નાનકડી ભૂમિકા ભજવી હતી. ‘થલાઇવર 170’માં તેમની સાથે મંજુ વૉરિયર, રિતિકા સિંહ અને દુશારા વિજયન પણ જોવા મળશે. આ ફિલ્મ બાદ ‘માસ્ટર’, ‘કૈથી’, ‘વિક્રમ’ અને ‘લિયો’ જેવી ફિલ્મ બનાવનાર લોકેશ કનગરાજની ફિલ્મમાં રજનીકાન્ત જોવા મળશે અને એ તેમની ૧૭૧મી ફિલ્મ હશે.


