બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ જીતવા બદલ શાહરુખ ખાન અને વિક્રાન્ત મેસીને એક-એક લાખ રૂપિયા મળ્યા
નૅશનલ અવૉર્ડના વિજેતાઓ
૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શાહરુખ ખાનને ‘જવાન’ માટે અને વિક્રાન્ત મેસીને ‘12th ફેલ’ માટે સંયુક્ત રીતે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમ શાહરુખને કરીઅરનો પહેલો નૅશનલ અવૉર્ડ મળ્યો છે. સામાન્ય રીતે બેસ્ટ ઍક્ટરના અવૉર્ડના વિજેતાને ઇનામમાં બે લાખ રૂપિયા રોકડ આપવામાં આવતી હોય છે, પણ શાહરુખને બે લાખને બદલે એક લાખ રૂપિયા જ મળ્યા છે. જોકે આની પાછળનું કારણ એ છે કે શાહરુખને આ અવૉર્ડ વિક્રાન્ત મેસી સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. આ કારણે બન્ને અભિનેતાઓને એક-એક મેડલ, એક-એક સર્ટિફિકેટ અને એક-એક લાખ રૂપિયાની રોકડ ઇનામ મળી છે. નૅશનલ અવૉર્ડ આપવાનો નિયમ છે કે જો અવૉર્ડ બે જણ વચ્ચે શૅર કરવામાં આવે તો તેમને મેડલ અને સર્ટિફિકેટ તો અલગ-અલગ મળે છે, પરંતુ રોકડ રકમને અડધી-અડધી વહેંચવામાં આવે છે.


