Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લૉકડાઉન શું કામ ઇમ્પોર્ટન્ટ છે?

લૉકડાઉન શું કામ ઇમ્પોર્ટન્ટ છે?

15 April, 2021 12:39 PM IST | Mumbai
JD Majethia

ચાર મહિનાનું લૉકડાઉન જોયા પછી આપણને હવે લૉકડાઉનની બીક નથી રહી પણ હકીકત એ છે કે આ લૉકડાઉન અત્યારના તબક્કે બહુ જરૂરી હતું. ઑક્સિજનથી માંડીને હૉસ્પિટલના બેડ અને ઇન્જેક્શન કે દવાઓ સુધ્ધાંની શૉર્ટેજ છે ત્યારે માણસ ઘરની બહાર ન નીકળે એ જરૂરી છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


લ્યો બોલો, મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉન. આ લૉકડાઉનનો હવે આપણને એટલો મોટો હાઉ નથી લાગતો. હું એમ નથી કહેતો કે લૉકડાઉનનો કોઈ ફાયદો નથી કે એની કોઈ અસર નથી. સારી, નાનકડી કે ભયંકર મોટી અસર થાય છે; પણ આપણને એની આદત પડી ગઈ છે. ચાર મહિનાનું લૉકડાઉન ગયા વર્ષે જોયું છે એટલે હવે એનો એવો મોટો હાઉ હવે નથી રહ્યો. કહ્યુંને, આપણને આદત પડી ગઈ છે આ લૉકડાઉન સાથે જીવવાની અને ક્યાંથી, શું, કેવી રીતે મેળવીને કે પછી કોઈ ચીજ વિના કેવી રીતે ચલાવી લેવું એ બધાની પણ. આસાનીથી આપણે એને સંભાળી લઈએ છીએ. પણ મિત્રો, આ દેખાય છે એટલું સાદું અને સરળ લૉકડાઉન નથી.

મુખ્ય પ્રધાન ગઈ કાલે મરાઠીમાં બોલ્યા, તમે તેમની એ સ્પીચ મિસ કરી હોય કે પછી મરાઠી બહુ સમજાતું ન હોય તો ગમે તેમ કરીને એના મુખ્ય મુદ્દા સમજવાનો પ્રયત્ન કરજો. અત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રમાં બહુ ગંભીર પરિસ્થિતિ છે. એક મિત્રએ મને જે વાત કરી એનાથી હું આખેઆખો હલી ગયો. તમારી સાથે મારે એ વાત એટલા માટે શૅર કરવી છે જેથી તમને પણ એની ગંભીરતા સમજાય. હું ખાતરીપૂર્વક કહું છું કે એ સાંભળીને તમે પણ હલી જશો. એ મિત્રએ મને કહ્યું કે સ્મશાનમાં જે લોખંડના ખાટલા પર ઠાઠડી બાળવામાં આવે છે એનું ખાટલાનું લોખંડ થોડું પીગળી ગયું એટલી મોટી સંખ્યામાં મૃતદેહો બળી રહ્યા છે. સાચે જ, હું એ સાંભળીને ધ્રૂજી ગયો. આવી જ વાતો તમને મારી અત્યારના અનુભવોની, મારા અંગત અનુભવોની કરું તો આપણી સિરિયલ ‘વાગલે કી દુનિયા’માં પૉઝિટિવ કેસિસ આવ્યા, શૂટિંગ બંધ થયું અને રિપીટ એપિસોડ શરૂ કરવા પડ્યા. પણ સાચું કહું? આ વાત હવે મને નાનકડી લાગવા માંડી છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં કેટકેટલા ફોન હૉસ્પિટલમાં બેડ માટે, આઇસીયુ માટે, ઑક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર માટે આવે છે કે કર્યા છે કે ન પૂછો વાત.



જે ઑક્સિજન સિલિન્ડરનો આપણે ક્યારેય વિચાર નહોતો કર્યો એ ઑક્સિજન સિલિન્ડર દેશભરના ખૂણે-ખૂણેથી મંગાવવાની આવશ્યકતા ઊભી થઈ ગઈ છે. આ જ સરકારે વડા પ્રધાનને પત્ર લખ્યો છે કે મહારાષ્ટ્રને લશ્કરની મદદ કરો અને એમની સેવાથી અમને ઑક્સિજન સિલિન્ડર મુંબઈ પહોંચાડો.


આ વાંચતી વખતે તમારું ઑક્સિજન લેવલ ચેન્જ થાય તો તમને એક નાનકડું નૉલેજ આપવાનું. જો તમે ઘરમાં ઑક્સિમીટર પર તમારું ઑક્સિજન લેવલ ચેક કરતા હો તો સામાન્ય રીતે એ ઑક્સિજન ૯૪-૯પ રહેવું જોઈએ. જો એ લેવલ ૯૨ની આસપાસ આવે તો થોડી શાંતિ રાખવી અને પછી ડીપ-બ્રીધ કરી, થોડી મિનિટો પછી ફરી ઑક્સિજન લેવલ ચેક કરવું. ધારો કે એ ૯૨ જ દેખાડે કે પછી એની આસપાસ જ રહે અને થોડી વાર પછી ફરીથી એમાં ઘટાડો દેખાય અને જો તમને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે હાર્ટની બીમારી હોય તો તાત્કાલિક હૉસ્પિટલનો સંપર્ક કરવો.

અહીં મને કહેવું છે કે આ વાત સામાન્ય રીતે કહેવામાં આવતી. આઇ રિપીટ, આવું કહેવામાં આવતું હતું અને આવું જ લોકો કરતા હતા. થોડીઘણી દોડાદોડી થાય કે બેચાર ફોન કરવામાં આવે અને એ પછી હૉસ્પિટલમાં બેડ મળી જતો હતો. ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં પણ બેડ મળી જાય અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે પણ બેડ મળી જાય, પણ અત્યારે પરિસ્થિતિ ગંભીર છે અને એ જ વાતને ધ્યાનમાં રાખવાની છે.


હૉસ્પિટલમાં જ્યાં બે કે ત્રણ જણને રાખી શકાય ત્યાં પાંચથી છ પેશન્ટ છે. આઇસીયુમાં પેશન્ટને બેડ નથી મળતો એટલે પેશન્ટને આઇસીયુ ટ્રોલી પર રાખવામાં આવે છે. અમારા એક ઓળખીતાને પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા, મંગળવારે રાત્રે ડૉક્ટરે રિલેટિવ્સને કહી દીધું કે આમને શિફ્ટ કરી દો, કારણ કે તેમને વધારે ઑક્સિજનની જરૂર પડે એવું લાગે છે અને અમારી પાસે આવતી કાલ પછી સ્ટૉક ખાલી થવાનો છે. અમે ડઘાઈ ગયા. શું કરવું એની સમજણ નહોતી પડતી, પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે અમે રાત્રે ત્રણ વાગ્યે હૉસ્પિટલ બદલી.

એક ઇન્જેક્શન વિશે તમે હમણાં-હમણાં બહુ સાંભળ્યું હશે, રેમડેસિવિર. આ એક પ્રકારનું લાઇફ સેવિંગ ડ્રગ ગણવામાં આવે છે અને એ હશે પણ ખરું. વચ્ચેના સમયગાળામાં કોવિડ ટાઢો પડ્યો એ દરમિયાન આ ઇન્જેક્શનની માગ ઘટી એટલે કંપનીએ એ બનાવવાનું ઓછું કરી નાખ્યું, પણ હવે અચાનક માગ વધી ગઈ. માગ વધી એનો અર્થ એવો તો નથી કે રાતોરાત પ્રોડક્શન પણ વધી જાય. અછત ઊભી થઈ છે આ ઇન્જેક્શનની. અછત ઊભી થઈ છે મેડિકલ ઑક્સિજનની અને અછત ઊભી થઈ છે હૉસ્પિટલના બેડની.

આ એક મોટું કારણ લૉકડાઉન કરવાનું. લૉકડાઉન આવે તો ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને આ બધી સગવડની ઓછામાં ઓછા‍ લોકોને જરૂર પડે જેથી લૉકડાઉનના આ સમયગાળા દરમ્યાન જરૂરી બધી દવા, ઑક્સિજન અને બીજી આવશ્યક મેડિકલ ક્ષેત્રની ચીજવસ્તુઓ વિપુલ પ્રમાણમાં ભેગી કરી શકાય.

ઘણાને મનમાં એમ થતું હોય છે કે બે અઠવાડિયાં જેવા લાંબા સમયનું લૉકડાઉન શું કામ તો કહેવાનું કે કોરોનાનો વાઇરસ જેને વળગ્યો હોય તેનામાં સામાન્ય રીતે ૧૪ દિવસ સક્રિય રહે. બે અઠવાડિયાં સુધી બધા બહાર રખડતા-ભટકતા અટકે અને જેમને થયો હોય પણ લક્ષણ ન હોય એ પણ એને ફેલાવતા અટકે. આ પ્રકારના લોકોને સુપરસ્પ્રેડર્સ કહેવાય. એ મોટા પ્રમાણમાં ફેલાવે છે, જે લોકોને મદદ કરતા હોય એવા લોકોને ભૂલથી વાઇરસ આપી દે છે.

મારા બે નજીકના લોકો જે અલગ-અલગ કુટુંબના, અલગ-અલગ પ્રકારના છે એની વાત કહું તમને. એકને તો રેપ્યુટેડ હૉસ્પિટલમાંથી બે-ત્રણ દિવસમાં રજા આપી દીધી, પણ રાત્રે ઘરે ખરાબ રીતે તબિયત બગડી. પછી તો એ જ હૉસ્પિટલમાં બેડ ન મળે. જેમ-તેમ કરીને પાછા ઍડ્મિટ થયા અને બહુ કફોડી સ્થિતિમાં બીજા છ દિવસ કાઢ્યા. એક બહુ મોટા કલાકાર, જેમનો રિપોર્ટ બાર દિવસ પછી નેગેટિવ પણ આવી ગયો, મારી સાથે વિડિયો કૉલમાં વાત કરતા હતા પણ મને બરાબર ન લાગતાં મેં કહ્યું કે આ રિપોર્ટ માટે તમે સેકન્ડ ઓપિનિયન લઈને મને પણ મોકલો. મેં બીજા ડૉક્ટર પાસે તેમનો સેકન્ડ ઓપિનિયન લીધો અને ડૉક્ટરે મને કહ્યું કે હમણાં જ હૉસ્પિટલમાં દાખલ કરો.

કહેવાનો ભાવાર્થ એટલો કે આ વાઇરસ બહુ વિચિત્ર છે. બને એટલું ધ્યાન રાખજો, આરામ કરજો; કારણ કે આ બહુ જ ટ્રિકી અને સરપ્રાઇઝ આપતો વાઇરસ છે. ક્યારે શું થશે અને કેવું વર્તશે એની તમને ખબર પણ નહીં પડે.

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2021 12:39 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK