કોઈ વૃક્ષને કપાતું જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને દુઃખ થાય; પણ એને બચાવવા માટે કેટલા લોકો છે જેઓ એ વૃક્ષ પર ચડી શકે, પોલીસ સાથે મગજમારી કરી શકે, નજરબંધ પણ થઈ શકે કે કોર્ટમાં જઈને લડી પણ શકે? વિલે પાર્લેમાં રહેતા અભય આઝાદ આ બધું જ કરી શકે છે!
અભય આઝાદ
૧૯૭૩માં હાલના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થાનિક લોકોએ જંગલને બચાવવા માટે ચિપકો આંદોલન કરેલું. પ્રશાસન જંગલ કાપવા માગતું હતું અને ત્યાંના સ્થાનિક લોકો એક-એક ઝાડ સાથે ચિપકી ગયા હતા. પર્યાવરણપ્રેમીઓના ઇતિહાસમાં આ ઘટના અમર થઈ ગઈ છે. ઝાડ માટેનો આવો અમર પ્રેમ ફક્ત જંગલમાં રહેતી વ્યક્તિઓમાં જ મળે એવું નથી. મુંબઈ જેવા મેટ્રો શહેરમાં રહેતી વ્યક્તિમાં પણ હોય. ૨૦૧૬-’૧૭ની વાત છે. ચર્ચગેટમાં જમશેદજી તાતા માર્ગ પર વડનું એક મોટું ઝાડ હતું. ચાર જણ હાથ ભેગા કરીને બાથ ભરે ત્યારે માંડ એનું થડ પકડાય એવું જબ્બર મહાકાય. એને કાપવામાં આવી રહ્યું હતું. આ મુંબઈકરે અઢળક પ્રયત્ન કર્યા કે તે એ કર્મચારીઓને રોકે અને આ વૃક્ષને બચાવી લે, પરંતુ તેઓ માનતા નહોતા ત્યારે ઝાડને બચાવવા આ ભાઈ ઝાડ પર ચડી ગયા. જો આ ૧૯૭૩ હોત અને જંગલ હોત તો ઝાડને બચાવવા ઝાડ પર ચડી ગયેલા ભાઈ ચિપકો આંદોલનની જેમ વખાણાયા હોત પરંતુ ૨૦૧૬ના મુંબઈમાં એ ભાઈને પોલીસે પકડ્યા. પૂછપરછ કરી અને જ્યાં સુધી તેમનું કામ થઈ ન ગયું એટલે કે ઝાડ કપાઈ ન ગયું ત્યાં સુધી તેમને છોડ્યા નહીં. જોકે આ એક ઝાડ પૂરતી સીમિત ઘટના નથી. આ પ્રકારની ઘટનાઓ અંધેરી, વિલે પાર્લે, ફોર્ટ અને આરે એવા જુદા-જુદા વિસ્તારોમાં બનતી જ રહી. એક ઝાડ માટે પોલીસના હાથે પડનાર, નજરબંધ થનાર, હાઈ કોર્ટ જઈ-જઈને સ્ટે લાવનાર આ સંવેદનશીલ પર્યાવરણવિદ એટલે વિલે પાર્લેમાં રહેતા અભય બાવીશી જેમને મુંબઈના પર્યાવરણપ્રેમીઓ અભય આઝાદના નામે ઓળખે છે.



