Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વન્ડરફુલ વર્લ્ડ કપ

વન્ડરફુલ વર્લ્ડ કપ

Published : 19 November, 2023 02:16 PM | IST | Mumbai
Dinesh Savaliya | feedbackgmd@mid-day.com

આજે જ્યારે વર્લ્ડ કપ ૨૦૨૩નો ફાઇનલ જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે પાછા વળીને જોઈએ તો આખીયે ટુર્નામેન્ટ ક્રિકેટજગત માટે જબરજસ્ત ઐતિહાસિક રહી. ગૌરવથી ગજગજ છાતી ફૂલે એવા વિક્રમો ભારતીય ક્રિકેટરોએ બનાવ્યા અને છેલ્લે થોડાક વિવાદો પણ થયા. આજે ટીમ ઇન્ડિયા ત્રીજા

વન્ડરફુલ વર્લ્ડ કપ

World Cup

વન્ડરફુલ વર્લ્ડ કપ



આજે રાતે ૧૩મા વન-ડે વર્લ્ડ કપના વિજેતાનો નિર્ણય આવી જશે. અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડના લાર્જેસ્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ વખતના ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા અને બે વખતના વિજેતા તથા યજમાન ભારત વચ્ચે નિર્ણાયક જંગ જામવાનો છે. ભારતે પહેલી વાર એકલા હાથે આ ક્રિકેટના મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન કરીને વર્લ્ડ ક્રિકેટમાં પોતાની ધાક વધુ મજબૂત કરી છે. ૧૯૮૭માં ભારત સાથે પાકિસ્તાન સહ-યજમાન હતું. ૧૯૯૬માં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આયોજન કર્યું હતું અને છેલ્લે ૨૦૧૧માં ભારત, શ્રીલંકા અને બંગલાદેશે સાથે મળીને વર્લ્ડ કપ યોજ્યો હતો. 
પાંચમી ઑક્ટોબરથી શરૂ થયેલા આ ક્રિકેટપર્વની ૪૬ દિવસની સફર એવી રોમાંચક રહી છે કે ક્રિકેટરસિકોને હવે આવતી કાલથી ખૂબ સૂનું-સૂનું લાગશે. શરૂઆત ધીમી હતી અને ચાહકોનો ઉત્સાહ ઓછો હોવાની ચર્ચા થવા માંડી હતી, પણ ટીમ ઇન્ડિયાના શાનદાર પર્ફોર્મન્સને લીધે ધીમે-ધીમે ચાહકોના ઉત્સાહનો સ્ટ્રાઇક રેટ વધતો ગયો અને પછી તો ભારતે તમામ ૧૦ મૅચ જીતીને રંગ રાખ્યો. આજે ફાઇનલ માટે ૨૫૦૦ રૂપિયાની ટિકિટનો ભાવ ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા અને અમુક કિસ્સામાં તો એનાથી પણ વધુ ભાવ ચર્ચાઈ રહ્યો છે.
૪૬ દિવસની સફરની નવા-જૂની પર એક નજર...

કોઈ ફ્લૉપ સ્ટાર
આ વખતે અનેક સ્ટાર ખેલાડીઓએ નિરાશ કર્યા છે તો અનેક પ્લેયરે મેદાન ગજાવીને વાહવાહી મેળવી છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડે આ વખતે સૌથી વધુ નિરાશ કર્યા છે અને તેમના જ સ્ટાર ખેલાડીઓ કૅપ્ટન જૉસ બટલર, જૉ રૂટ, બેન સ્ટોક્સ અને જૉની બેરસ્ટૉના કંગાળ પર્ફોર્મન્સને લીધે ઇંગ્લૅન્ડ સેમી ફાઇનલમાં તો નહોતું પહોંચી શક્યું, પણ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પણ માંડ-માંડ ક્વૉલિફાય થઈ શક્યું હતું. સ્ટોક્સ ઇન્જરીને લીધે બોલિંગ નહોતો કરી શક્યો અને બૅટિંગમાં ૬ મૅચમાં ૩૦૪ રન બનાવી શક્યો હતો. રૂટે ૯ મૅચમાં ૨૭૬ અને બેરસ્ટૉએ માત્ર ૨૧૫ રન જ બનાવ્યા હતા. ભારતમાં આઇપીએલમાં મેદાન ગજાવતો બટલર તો ૯ મૅચમાં માત્ર ૧૩૮ રન જ બનાવી શક્યો છે. તેની કૅપ્ટન્સી પાસે જેણે મોટી આશા રાખી હશે એ સાવ ઠગારી નીવડી છે.
એ ઉપરાંત પાકિસ્તાનનો પેસ બોલર હૅરિસ રઉફ તેનો રોફ નહોતો જમાવી શક્યો અને ૯ મૅચમાં ૧૬ વિકેટ લઈ શક્યો હતો. તેણે ૬.૭૪ની ઇકૉનૉમી સાથે રન પણ ભરપૂર (૫૩૩) આપ્યા હતા. એ ઉપરાંત પાકિસ્તાનને તેમના અનુભવી ઑલરાઉન્ડર શાદાબ ખાનની નિષ્ફળતા પણ ભારે પડી હતી. શાદાબને ૬ મૅચમાં રમાડવામાં આવ્યો હતો અને એમાં તે માત્ર બે જ વિકેટ લઈ શક્યો હતો અને ૧૨૧ રન બનાવી શક્યો હતો. 
ઑસ્ટ્રેલિયાનો અનુભવી સ્ટીવ સ્મિથ જોઈએ એવી કમાલ નહોતો દેખાડી શક્યો અને ૯ મૅચમાં ૩૬૪ બૉલમાં ૨૯૮ રન બનાવી શક્યો હતો. માર્કસ સ્ટૉઇનિસ પણ ખાસ ગાજ્યો નહોતો અને ૬ મૅચમાં ૮૭ રન બનાવી શક્યો અને ચાર વિકેટ ઝડપી શક્યો હતો. 
સાઉથ આફ્રિકાની ટીમ સેમી ફાઇનલ સુધી પહોંચી શકી હતી, પણ એના કૅપ્ટન ટેમ્બા બવુમા બધી રીતે સુપરફ્લૉપ સાબિત થયો હતો. ઇન્જરીને લીધે બે મૅચમાં ન રમનાર ‍બવુમા ૮ મૅચમાં ૧૯૭ રન બનાવી શક્યો હતો. એ ઉપરાંત તેની કૅપ્ટન્સીમાં પણ કોઈ ભલીવાર નહોતો અને તેને લીધે જ સાઉથ આફ્રિકા આજે ફાઇનલમાં નથી રમી રહ્યું.
બંગલાદેશના કૅપ્ટન શાકિબ-અલ-હસને ૭ મૅચમાં ૯ વિકેટ લીધી અને  ૧૮૬ રન બનાવીને તેણે ચાહકોને ભારે નિરાશ કર્યા હતા.
.



..તો કોઈ સુપરસ્ટાર
બીજી તરફ અનેક ખેલાડીઓએ ચાહકોને કમાલના પર્ફોર્મન્સ વડે રાજીના રેડ કરી દીધા હતા. આ એડિશનનો નંબર-વન સુપરસ્ટાર વિરાટ કોહલી રહ્યો છે. તેણે ૧૦ મૅચમાં ૩ સેન્ચુરી અને પાંચ હાફ-સેન્ચુરી સાથે રેકૉર્ડબ્રેક ૭૧૧ રન ફટકારીને મેદાન ગજાવ્યાં છે. વિરાટે વન-ડેમાં સચિન તેન્ડુલકરની ૪૯ સેન્ચુરીના રેકૉર્ડની બરોબરી કર્યા બાદ સેમી ફાઇનલમાં રેકૉર્ડબ્રેક ૫૦મી સેન્ચુરી ફટકારીને ચાહકોને ઘેલા કરી દીધા હતા. વિરાટે બૅટ વડે બોલર્સના ગાભા કાઢી નાખ્યા છે તો બીજી તરફ મોહમ્મદ શમીએ બૉલ વડે બૅટર્સને બરાબરના ભયભીત કર્યા છે. શરૂઆતમાં શમીને પ્લેઇંગ ઇલેવનમાં મોકો નહોતો મળ્યો, પણ હાર્દિક પંડ્યા ઈજા પામતાં તેને ચાન્સ મળ્યો અને તેણે બધી કસર કાઢી નાખીને ૬ મૅચમાં હાઇએસ્ટ ૨૩ ખેલાડીઓને પૅવિલિયનભેગા કરી દીધા હતા. શમીએ ૬ મૅચમાંથી ત્રણમાં તો પાંચ વિકેટ લઈને કમાલ કરી દીધી હતી. તેણે સેમી ફાઇનલમાં કિવીઓ સામે ૫૭ રનમાં વિક્રમજનક ૭ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. 
વિરાટ અને શમી બાદ સૌથી વધુ ચર્ચા ન્યુ ઝીલૅન્ડના યુવા ઑલરાઉન્ડર રા‌ચિન રવીન્દ્રની થઈ રહી છે. રાચિને ૧૦ મૅચમાં ૩ સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી સાથે થર્ડ હાઇએસ્ટ ૫૭૮ રન સાથે કમાલ કરી છે. સાઉથ આફ્રિકન વિકેટકીપર-બૅટર ક્લિન્ટન ડિકૉક પણ ૧૦ મૅચમાં ચાર સેન્ચુરી સાથે સેકન્ડ હાઇએસ્ટ ૫૯૪ રન ફટકારીને ટીમને એકલા હાથે સેમી ફાઇનલ સુધી લઈ ગયો હતો. ડિકૉકે કીપિંગમાં પણ કમાલ કરીને હાઇએસ્ટ ૨૦ શિકાર (૧૯ કૅચ, એક સ્ટમ્પિંગ) કર્યા હતા.


ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલના નામે આ એડિશનનો હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર અણનમ ૨૦૧ રનનો છે. મૅક્સવેલની આ ૨૦૧ રનની ઇનિંગ્સ વર્લ્ડ કપના ઇતિહાસની વન ઑફ ધ બેસ્ટ ઇનિંગ્સના લિસ્ટમાં સામેલ થઈ છે. ૨૯૨ રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ઑસ્ટ્રેલિયા ૯૧ રનમાં ૭ વિકેટ ગુમાવીને દયનીય હાલતમાં મુકાઈ ગયું હતું, પણ મૅક્સવેલે ઇન્જરી હોવા છતાં ૧૨૮ બૉલમાં ૧૦ સિક્સર અને ૨૧ ફોર સાથે ૨૦૧ રનની અણનમ ઇનિંગ્સ સાથે ટીમને યાદગાર જીત અપાવી હતી. એ પહેલાં નેધરલૅન્ડ્સ સામે પણ મૅક્સવેલ-મૅજિક જોવા મળ્યો હતો અને આ એડિશનની ફાસ્ટેસ્ટ સેન્ચુરી તેણે ૪૦ બૉલમાં ફટકારી હતી. મૅક્સવેલે ૮ મૅચમાં બે સેન્ચુરી સાથે ૩૯૮ રન કર્યા છે. 
આ ઉપરાંત કિવી બૅટર ડૅરિલ મિચેલ પણ ૧૦ મૅચમાં બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી સાથે ૫૫૨ રન કરીને બરાબરનો ખીલ્યો હતો. સેમી ફાઇનલમાં તો તેણે ૧૩૪ રનની ઇનિંગ્સ રમીને ભારતીય ટીમ અને ચાહકોને ટેન્શનમાં મૂકી દીધા હતા. ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ પણ ૧૦ મૅચમાં એક સેન્ચુરી અને ૩ હાફ સેન્ચુરી સાથે ૫૫૦ રન કરી ટીમને આક્રમક શરૂઆત કરાવી આપી હતી અને લાજવાબ કૅપ્ટન્સીને કારણે આજે ભારતીય ટીમ ત્રીજા વર્લ્ડ કપની નજીક પહોંચી ગઈ છે. ભારતીય મિડલ ઑર્ડર બૅટર શ્રેયસ ઐયર (બે સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરી, ૫૨૬ રન) અને કે. એલ. રાહુલે (એક સેન્ચુરી, એક હાફ સેન્ચુરી, ૫૨૬ રન) પણ ફૉર્મ બતાવ્યું છે. લોકેશે બૅટિંગ ઉપરાંત કીપિંગમાં પણ ચાહકોનાં દિલ જીતી લીધાં છે. રાહુલે વિકેટ પાછળ સેકન્ડ હાઇએસ્ટ

૧૬ શિકાર (૧૫ કૅચ અને એક સ્ટમ્પિંગ) કર્યા છે. 
બોલર્સમાં શ્રીલંકાના યુવા પેસ બોલર દિલશાન મદુશંકાએ ૯ મૅચમાં થર્ડ હાઇએસ્ટ ૨૧ વિકેટ, ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પાએ ૧૦ મૅચમાં સેકન્ડ હાઇએસ્ટ ૨૨ વિકેટ તથા સાઉથ આફિક્રન પેસ બોલર કૉએટ‍્ઝીએ ૮ મૅચમાં ૨૦ વિકેટ લઈને કમાલ કરી છે. 


સિક્સરનો વરસાદ... ‍રોહિત નવો સિક્સર ‌‌કિંગ
અત્યાર સુધી ૪૭ મૅચમાં બૅટર્સે રેકૉર્ડબ્રેક ૬૩૬ સિક્સર ફટકારી છે. વર્લ્ડ કપની સિંગલ એડિશનમાં ફટકારાયેલી આ સૌથી વધુ સિક્સર છે. આ પહેલાંનો રેકૉર્ડ ૪૬૩ સિક્સરનો હતો, જે ૨૦૧૫માં ઑસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપમાં નોંધાયો હતો. આ વખતે સૌથી વધુ ૯૯ સિક્સર સાઉથ આફ્રિકાના બૅટર્સે ફટકારી છે. એક જ એડિશનમાં કોઈ ટીમ દ્વારા સૌથી વધુ સિક્સરનો આ પણ એક રેકૉર્ડ છે. અત્યાર સુધી આ રેકૉર્ડ ઇંગ્લૅન્ડના નામે હતો. એણે ૨૦૧૯માં રેકૉર્ડ ૭૬ ‌સિક્સર ફટકારી હતી. સિક્સર ફટકારવામાં સાઉથ આફ્રિકનો બાદ બીજા નંબરે ઑસ્ટ્રેલિયા (૯૦ સિક્સર), ત્રીજા નંબરે ભારત (૮૮ સિક્સર), ચોથા નંબરે ન્યુ ઝીલૅન્ડ (૮૨ સિક્સર) અને પાંચમા નંબરે પાકિસ્તાન (૬૩ સિક્સર) છે. 
ખેલાડીઓની વાત કરીએ તો ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ૨૮ સિક્સર સાથે ક્રિસ ગેઇલને પાછળ રાખીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. એક જ એડિશનમાં સૌથી વધુ સિક્સરનો રેકૉર્ડ ગેઇલના નામે ૨૬ સિક્સરનો હતો જે તેણે ૨૦૧૫માં નોંધાવ્યો હતો. રોહિત બાદ ૨૪ સિક્સર સાથે બીજા નંબરે શ્રેયસ ઐયર છે. ખરેખર તો શ્રેયસને આ વખતના સિક્સર-સ્પેશ્યલિસ્ટ તરીકે પણ ઓળખાવી શકાય.
રોહિતે છગ્ગાની આ કમાલ સાથે ઓવરઑલ વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સરના મામલે પણ ગેઇલને પછાડી દીધો છે. ગેઇલની ૪૮ સિક્સર સામે રોહિતની હવે ૫૧ સિક્સર છે. ૪૩ સિક્સર સાથે ગ્લેન મૅક્સવેલ ત્રીજા નંબરે છે.

શતક પે શતક

આ એડિશનમાં અત્યારે રેકૉર્ડ ૩૯ સેન્ચુરી નોંધાઈ છે. આ પહેલાંનો રેકૉર્ડ ૩૮ સેન્ચુરીનો હતો, જે ૨૦૧૫માં નોંધાયો હતો. નેધરલૅન્ડ‍્સ સિવાય બધી ટીમનો બૅટર્સે કમસે કમ એક સેન્ચુરી ફટકારી છે. સૌથી વધુ ૯ સેન્ચુરી સાઉથ આફ્રિકાના નામે છે. ૭ સેન્ચુરી સાથે ભારત અને ઑસ્ટ્રેલિયા બીજા નંબરે છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડ ૬ સેન્ચુરી સાથે ત્રીજા ક્રમે છે. શ્રીલંકા અને પાકિસ્તાનના ૩, ઇંગ્લૅન્ડના બે તેમ જ બંગલાદેશ અને અફઘાનિસ્તાના એક-એક 
બૅટરે સેન્ચુરી ફટકારી છે. ખેલાડીઓમાં સૌથી વધુ ૪ સેન્ચુરી ક્વિન્ટન ડિકૉકે, તો ત્રણ સેન્ચુરી વિરાટ કોહલીએ 
ફટકારી છે.

૩૫૦ રન તો રમતવાત
આ વખતે ચોક્કા-છગ્ગાના વરસાદ સાથે રનનો ઢગલો થતો હતો. ૪૭ મૅચમાં પચીસ વાર તો ૩૦૦ પ્લસનો સ્કોર થયો હતો. આ પચીસ મૅચમાં વિક્રમજનક ૧૨ વખત ૩૫૦-પ્લસનો સ્કોર, તો બે વાર ૪૦૦-પ્લસનો સ્કોર થયો હતો. 

તૈયારી સ્પિનર્સની, છવાયા પેસર્સ
ભારતમાં આ વર્લ્ડ કપ રમાવાનો હોવાથી દરેક ટીમ સ્પિનર સામે બરાબરની પ્રૅક્ટિસ કરીને તથા સારામાં સારા સ્પિનર લઈને આવી હતી. જોકે અત્યાર સુધીના સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં નજર કરતાં ટૉપ ફાઇવમાં ચાર-ચાર પેસ બોલરનો સમાવેશ છે. મોહમ્મદ શમી (૨૩), મદુશન્કા (૨૧), કૉએટ‍્ઝી (૨૦) અને જસપ્રીત બુમરાહ (૧૮) વચ્ચે ઑસ્ટ્રેલિન સ્પિનર ઍડમ ઝૅમ્પા (૨૨) જ એકમાત્ર સ્પિનર છે. ભારતીય પેસ ત્રિપુટી બુમરાહ, શમી અને સિરાજનો ખોફ તમામ ટીમે જોયો અને હવે કાંગારૂઓ આજે બીજી વાર જોશે.

‘ટાઇમ્ડ આઉટ’ ઍન્જેલોએ રચ્યો ઇતિહાસ
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વાર ‘ટાઇમ આઉટ’નો બનાવ બન્યો હતો. છઠ્ઠી નવેમ્બરે બંગલાદેશ સામેની લીગ મૅચમાં સદીરા સમરાવિક્રમા આઉટ થતાં શ્રીલંકાનો ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝ બૅટિંગમાં આવ્યો હતો. નિયમ પ્રમાણે વિકેટ પડ્યા બાદ નવા બૅટરે બે મિનિટની અંદર પ્રથમ બૉલનો સામનો કરવા તૈયાર રહેવું પડે. મૅથ્યુઝ ક્રીઝ પર પહોંચી ગયો હતો, પણ હેલ્મેટ પહેર‌તી વખતે તેનું સ્ટ્રેપ્સ તૂટી જતાં તેણે બીજી હેલ્મેટ મગાવી હતી, પણ એ દરમ્યાન નિર્ધારિત સમય વીતી ગયો હતો અને બંગલાદેશના કૅપ્ટન શાકિબને એક સાથી-ખેલાડીએ ટાઇમઆઉટ નિયમની જાણ કરતાં શાકિબે અપીલ કરી હતી અને નિયમ પ્રમાણે અમ્પાયરે મૅથ્યુઝને ટાઇમઆઉટ જાહેર કરીને નવો ઇતિહાસ રચ્યો હતો. મૅથ્યુઝે હેલ્મેટની સમસ્યા જો અમ્પાયરને જણાવી દીધી હોત તો તે કદાચ બચી ગયો હોત, પણ તેની એ ભૂલને લીધે ભારે નિરાશા અને ગુસ્સા સાથે તેણે મેદાન છોડી જવું પડ્યું હતું. મેદાનની બહાર આવતી વખતે મૅથ્યુઝે હેલ્મેટ ફેંકી દીધી હતી અને બૅટ પર ગુસ્સો કાઢ્યો હતો. શ્રીલંકા એ મૅચ ૩ વિકેટે હારી ગયું હતું અને મૅચ પછી શ્રીલંકાના ખેલાડીઓએ બંગલાદેશના ખેલાડીઓ સાથે હાથ પણ નહોતા મિલાવ્યા. એ મતમતાંતર વચ્ચે આઇસીસીએ અમ્પાયરના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. 

છેલ્લે છેલ્લે પિચની મચમચ
વાનખેડેમાં રમાયેલી રોમાંચક સેમી ફાઇનલ બાદ ભારતીય ટીમે છેલ્લી ઘડીએ પિચ બદલાવી હતી એવો વિવાદ થયો હતો. સેમી ફાઇનલ માટે નવેસરથી બનાવેલી પિચને બદલે ભારતીય સ્પિનર્સને મદદરૂપ થાય એ માટે અગાઉ એક મૅચમાં ‘વપરાયેલી’ પિચ પર જ રમવાનું પસંદ કરવામાં આવ્યું હોવાનો આરોપ થયો હતો. વર્લ્ડ કપના આયોજક આઇસીસીએ સ્પષ્ટતા કરી હતી કે પિચના ફેરફાર સંબંધનો નિર્ણય સ્વતંત્ર પિચ કન્સલ્ટન્ટ ઍન્ડી ઍટ‍્કિન્સનનું ધ્યાન દોર્યા પછી જ લેવામાં આવ્યો હતો. આવો ફેરફાર કંઈ પહેલી વાર નથી થયો. અગાઉ બે વાર આવું બની ચૂક્યું છે. પિચ ક્યુરેટરની ભલામણના આધારે જ ફેરફાર થયો હતો.’
નારાજ ડેવિડ વિલીની વિદાય

વર્લ્ડ કપ દરમ્યાન આશ્ચર્યજનક રીતે ઇંગ્લૅન્ડે કૉન્ટ્રૅક્ટેડ ૨૮ ખેલાડીઓનાં નામની જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં પેસ બોલર ડેવિડ વિલીનો સમાવેશ ન હોવાથી નારાજ થઈને તેણે વર્લ્ડ કપ બાદ બધાં ફૉર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. વિલીએ ૬ મૅચમાં ૧૧ વિકેટ લેતાં ઇંગ્લૅન્ડ વતી આદિલ રાશિદ (૧૫ વિકેટ) બાદ તે સેકન્ડ હાઇએસ્ટ વિકેટ ટેકર બોલર રહ્યો હતો. વિલીનો છેલ્લી મૅચમાં ૪૫ રનમાં ૩ વિકેટ સાથેનો બેસ્ટ પર્ફોર્મન્સ રહ્યો હતો. 
નો ઓપનિંગ, શાનદાર ક્લોઝિંગ 
દર વખતની પરંપરાને બદલે ભારતીય ક્રિકેટ બોર્ડે આ વખતે જરાય ધામધૂમ કર્યા વગર વર્લ્ડ કપની શરૂઆત કરી હતી. ચાહકોને અપેક્ષા હતી કે ફિલ્મસ્ટાર્સના મેળાવડા સાથે શાનદાર ઓપનિંગ સેરેમની યોજાશે, પણ 

એવું કંઈ નહોતું થયું. જોકે એની કસર પૂરી કરવા આજે ફાઇનલના દિવસે ઍર-શો સાથે શાનદાર સ્ટાર્સ-પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જ દરેક વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન્સને આમંત્રણ આપીને તેમનું બહુમાન કરવામાં આવશે.  

ભારતનો દબદબો, કાંગારૂઓનું કમબૅક
૧૯૯૯થી ૨૦૦૭ દરમ્યાન ઑસ્ટ્રેલિયાએ જે રીતે દબદબો જમાવ્યો હતો એવો જ આ વખતે ભારતીય ટીમનો જોવા મળી રહ્યો છે. નવેનવ લીગ મૅચ જીતીને વટથી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને સેમી ફાઇનલમાં પણ દમદાર પર્ફોર્મન્સ સાથે આજે અણનમ રોહિતસેના ફુલ કૉન્ફિડન્સ સાથે ફાઇનલ રમવા મેદાનમાં ઊતરશે. ટીમ ઇન્ડિયાને એની આ ફાઇનલ સુધીની સફરમાં ભાગ્યે જ કોઈ ટીમ પડકાર આપી શકી છે. 
બીજી તરફ પાંચ વખતનું ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા શરૂઆતની બન્ને મૅચ (ભારત અને સાઉથ આફ્રિકા સામે)માં પરાજય જોયા બાદ પૉઇન્ટ‍્સ ટેબલમાં છેલ્લા ક્રમાંકે પહોંચી ગયું હતું, પણ ત્યાર

બાદ કમાલનું કમબૅક કરીને સળંગ આઠ જીત સાથે આજે અમદાવાદમાં ભારત સામે ફાઇનલમાં ટકરાશે.

વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમને મળશે ૩૩ કરોડ રૂપિયા
રનર-અપને ૧૬.૫૦ કરોડ રૂપિયા અપાશે ઃ કુલ ૮૩ કરોડનાં ઇનામોની લહાણી
આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારો વન-ડેનો વર્લ્ડ કપ જીતનારી ટીમને ટ્રોફી સાથે ૪૦ લાખ ડૉલર (અંદાજે ૩૩.૧૮ કરોડ રૂપિયા)ની ઇનામી રકમ મળશે. આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઇનલ બાદ ચૅમ્પિયન ટીમને ઇનામી રકમનો ચેક અપાશે.
વર્લ્ડ કપમાં કુલ મળીને એક કરોડ ડૉલર (આશરે ૮૩ કરોડ રૂપિયા)નાં ઇનામો આપવામાં આવી રહ્યાં છે. ૨૦૧૫ અને ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પણ કુલ આટલાં ઇનામો આપવામાં આવ્યાં હતાં. 
રનર-અપ ટીમને ટ્રોફી સાથે ૨૦ લાખ ડૉલર (૧૬.૫૦ કરોડ રૂપિયા) મળશે. સેમી ફાઇનલ 
હારી જનાર પ્રત્યેક ટીમ (ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા)ને 
૮ લાખ ડૉલર (૬.૬૪ કરોડ રૂપિયા) મળશે.
૪૫ મૅચના લીગ રાઉન્ડમાં પ્રત્યેક મૅચની જીત બદલ ટીમને ૪૦,૦૦૦ ડૉલર (૩૩ લાખ રૂપિયા) મળશે અને સેમી ફાઇનલમાં ક્વૉલિફાય ન થનાર છ ટીમને (પ્રત્યેકને) એક લાખ ડૉલર (૮૩ લાખ રૂપિયા) આપવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 02:16 PM IST | Mumbai | Dinesh Savaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK