જેવી દિવાળી મેલીને આગળ વધીશું કે સટાસટી અમારા કાઠિયાવાડમાં લગનની કંકોતરીઓની બાકાંઝીંકી બોલવા માંડશે ને એમાં પાછા જાનમાં જાવાનું! સાચે જ હોં, માથું ફાટી જાય; પણ કરવાનું શું, કોકને લઈ ગ્યા હો તો હવે તેની જાન નીકળે ત્યારે જાવુંયે પડે
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
અમારા કાઠિયાવાડમાં મસ્તમજાની ઠંડી ચાલુ થઈ ગઈ છે. આમ તો હજી દિવાળી પણ નથી આવી ને ન્યાં જ ઠંડીએ ચમક દેખાડવાનું ચાલુ કરી દીધું. કાલની જ વાત કઉં. ગુલાબી ઠંડીમાં આદુંવાળી ચા પીતાં-પીતાં છાપું હાથમાં લીધું ત્યાં તો કંકોતરીની થપ્પી નીચે પડી. ચાલીસેક જેટલી કંકોતરી જોઈને મારા તો હોશ ઊડી ગયા. કંકોતરી આવી હોય એટલે પાછો વધાવો દેવો પડે! જાવ કે નો જાવ, વધાવો દેવાનો. કાઠિયાવાડીની આ પરંપરાને લીધે તો અમુક કંજૂસ કાકડીઓ ભૂલ્યા વિના આમંત્રણ મોકલે. હિમાદાદાનો એક નિયમ મને ગમે. હિમાદાદાએ ૪૦ વર્ષ પહેલાંનાં લગ્નના વધાવાની ઝેરોક્સ દીવાનખંડમાં સેટીની નીચે સંતાડેલી રાખી છે. જેવી કોઈ કંકોતરી આવે એટલે તરત હિમાદાદા એ જૂની ઝેરોક્સમાં તેનું નામ શોધે - જેમ પેલા સિદ્ધપુર પાટણમાં શ્રાદ્ધવાળા ચોપડામાં અમુક લોકો પોતાના વડવાઓ ગોતતા હોય એ રીતે. પછી કંકોતરીવાળી પાર્ટીએ જેટલા રૂપિયાનો વધાવો ઈ સમયમાં લખાવ્યો હોય એટલા જ રૂપિયા હિમાદાદા આ સમયમાં લખાવે. એટલે ઘણી વાર સાતસોની થાળી હોય ને મારા આ દાદાનો વધાવો એકસો એકનો હોય. હું ક્યારેક ધ્યાન દોરું તો હિમાદાદા મને કહી દે, ‘જેવા સાથે તેવા થાવું પડે સાંઈ... તને નો ખબર પડે...’
આ પ્રસંગમાં વધાવો લખાવાની સિસ્ટમ આપણા અભણ વડવાઓના મૅનેજમેન્ટનો એક અદ્ભુત દાખલો છે. સૌરાષ્ટ્રની અમુક કોમોમાં તો હજી ‘ચડત વધાવો’ લખાવાય છે. મતલબ તમે મારી દીકરીનાં લગ્નમાં પાંચસોનો વધાવો લખાવો એટલે મારે તમારા પ્રસંગમાં ૧૦૦૦ લખાવાના. આ મુદ્દા પાછળ આપણા વડવાઓનું લૉજિક એ હતું કે કોઈ આર્થિક રીતે નબળો બાપ તેની દીકરી પરણાવે ત્યારે ગામલોકો અને સ્વજનો વધાવાના વ્યવહા૨થી તેને ટેકો આપી શકે. કેટલી સરસ વાત. પણ હશે, આપણે વાત કરવાની છે શિયાળુ લગનની. શિયાળામાં લગન આવે એટલે આળસુ માણસના મોતિયા મરી જાય છે. કડકડતી ટાઢમાં જાન હંમેશાં વહેલી જ ઉપાડવાની હોય છે. આળસુ લોકો ઊંઘવાનો લહાવો ગુમાવે છે. દરેકે નોંધ્યું હશે કે આખી જાનને ટાઇમસર ઉપાડવા માટે ઘરના મોભી ત૨ફથી એક જણને રીતસર સોપારી આપવામાં આવે છે. (નોંધ : આ સોપારી પેલા દુબઈ કે મુંબઈના ભાઈલોગવાળી નથી હોતી, પરંતુ કાચી વીસ વિથ આછા ચૂનાવાળી સોપારી હોય છે.) એકાદ સિગારેટ અને ૪ બંધાયેલી ફાકી સાથે આ કુટુંબના જ શખ્સને વરનો બાપ કૃષ્ણે જેમ અર્જુનને તૈયાર કર્યો’તો એમ ‘નિદ્રાજ્ઞાન’ સંભળાવીને તૈયાર કરે છે કે આ તારા જ છે, પણ તે હજી સૂતા છે તેને ઉઠાડી નાખ...!
ADVERTISEMENT
વરના ઘરમાં કોઈ દારૂ ન પીતું હોવા છતાં અમુક જ્ઞાતિમાં જાનૈયાઓ માટે છાંટોપાણીની વ્યવસ્થા (!) ફરજિયાત કરવી પડે છે. ગંજીપો બાંટતાં ન આવડતો હોવા છતાં લગનટાણે આંગણે પધારેલા અદક-પાંહળાઓને જુગાર રમવા માટે અલાયદી રૂમ ફાળવવી જ પડે છે. વહુઓ કે દીકરીઓએ મર્યાદાસભર કપડાં જ પહેરવાં જોઈએ આવી ગુલબાંગો ફૂંકનારાઓ પોતાના ઘરે પ્રસંગટાણે પોતે બહુ હાઇ-ફાઇ ને વાઇ-ફાઇ છે એ ગામને બતાવવા માટે મુંબઈ કે અમદાવાદની ગોઠણથી ઉપર સ્કર્ટ પહેરેલી ચટાકેદાર કેટરર્સ મગાવે છે. ઘરની સામેના પાર્ટીપ્લૉટમાં કે વાડીમાં કો’કના દાંડિયારાસ રાત્રે સાડાદસે પોલીસે બંધ કરાવી જ દેવા જોઈએ એવો હઠાગ્રહ રાખનારાઓ પોતાના આંગણે પ્રસંગટા’ણે પોલીસ આવે ત્યારે તેને અને સરકારને ગાળો ભાંડે છે. મને તો સાલું એ જ નથી સમજાતું કે આપણા પરિવારમાં લગ્ન આપણે આપણી ખુશી માટે કરીએ છીએ કે પછી દારૂડિયા અને જુગારિયા સગાંઓનાં દૂષણો પોષવા માટે?
ખેર, આપણી વાત પેલી સોપારી આપીને જગાડનારા પર અટકી’તી. તે જવાબદાર શખ્સ મોંમાં ડબલ ફાકીના ડોઝ ચડાવી રાતે ૩ વાગ્યાથી જાનૈયાઓને પાટા મારીને જગાડવાનું શરૂ કરી દયે છે. ‘એ હાલોભાઈ, દાતણ-પાણી કરી લ્યો, ચા મુકાઈ ગઈ છે, કપ ઓછા છે. ગરમ પાણી એક જ કલાક મળશે, પછી રસોડું બંધ થઈ જાશે. વાડી સોંપવાની છે. જાનની બસ આવી ગઈ છે. હાલો ભાઈ હાલો, ઝટ જાન ઊપડવાની છે...’ ઉપરોક્ત વાક્યો દ્વારા તે ઘરધણીની આબરૂનો ફાલૂદો બોલાવી રહ્યો છે એની તેને સહેજ પણ ખબર હોતી નથી. વળી મૉરલ ઑફ ધ સ્ટોરી, જાનને જગાડવાની સોપારી લેનારો શખ્સ સંધાયને જગાડીને પછી પોતે સૂઈ જાય છે. સૌને અનુભવ હશે જ કે લગ્નની વાડીના બાથરૂમ અવાવરું ને કરોળિયાનાં જાળાંયુક્ત જ હોય છે જેમાં અજવાળાના અવશેષરૂપે માત્ર હોલ્ડર જ હોય છે, પરંતુ લૅમ્પ નથી હોતા. બાબા આદમના વખતના બાથરૂમ કે ટૉઇલેટના કટાઈને કાળા પડી ગયેલા નળ જો ચાલુ થાય તો બંધ નથી થાતા ને બંધ થાય તો ચાલુ નથી થાતા. હવે લગનમાં કુલ બાથરૂમ ૪ હોય અને નહાવાના દોઢસો જણ હોય. વળી બાથરૂમમાં સાબુના દુકાળ કાંઈ આજકાલના નથી, યે તો સદિયોં સે ચલી આતી પરંપરા હૈ. અમુક ચોખલિયા જાનૈયા તો રસોડામાંથી સર્ફ પાઉડરની કોથળી ચોરી આવે અને એનાથી સ્નાન કરી લ્યે. હવે ક્યાંય પણ લગનમાં તમને કોઈ વધુ પડતા ઊજળા અને ઊઘડેલા દેખાય તો નક્કી એ ‘પાઉડર પ્રતાપ’ માનજો.


