ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > કૉલમ > > > ચીન સમૃદ્ધ બને એ પહેલાં વૃદ્ધ થઈ જશે?

ચીન સમૃદ્ધ બને એ પહેલાં વૃદ્ધ થઈ જશે?

22 January, 2023 12:01 PM IST | Mumbai
Raj Goswami

વન ચાઇલ્ડ પૉલિસીના કારણે નેગેટિવ પૉપ્યુલેશન ગ્રોથ શરૂ થયો છે. ચીનની સમસ્યા બે મોરચે હોવાનું અનુમાન છે : એક તો જન્મદર ઓછો છે અને બીજું, ઉંમરવાળી આબાદી વધતી જાય છે

ચીન સમૃદ્ધ બને એ પહેલાં વૃદ્ધ થઈ જશે? ક્રૉસલાઇન

ચીન સમૃદ્ધ બને એ પહેલાં વૃદ્ધ થઈ જશે?

વન ચાઇલ્ડ પૉલિસીના કારણે નેગેટિવ પૉપ્યુલેશન ગ્રોથ શરૂ થયો છે. ચીનની સમસ્યા બે મોરચે હોવાનું અનુમાન છે : એક તો જન્મદર ઓછો છે અને બીજું, ઉંમરવાળી આબાદી વધતી જાય છે. ચીને પાછલાં અમુક વર્ષોમાં બાળકોનો જન્મદર વધે એ માટે ઘણી યોજનાઓ જાહેર કરી હતી. ૨૦૧૬માં ચીને ‘વન ચાઇલ્ડ પૉલિસી’માં સુધારો કરીને બે બાળકો અને ૨૦૨૧માં ત્રણ બાળકોની છૂટ આપી હતી

જે સમાચાર ઘણાં વર્ષોથી ‘આવું આવું’ કરતા હતા એ ઑલરેડી આવી ગયા છે. વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યુ (ડબ્લ્યુપીઆર)નો આધાર લઈને રૉઇટર સમાચાર સંસ્થાએ સંભાવના વ્યક્ત કરી છે કે એવું શક્ય છે કે જનસંખ્યાની બાબતમાં ભારત ચીનને પાછળ છોડીને ક્યારનુંય આગળ નીકળી ગયું છે. આ સંગઠન અનુસાર ૨૦૨૨ના અંતે ભારતની જનસંખ્યા ૧૩૮  કરોડ હતી. ૧૭ જાન્યુઆરીએ ચીને એની જનસંખ્યાના જાહેર કરેલા આંકડા (૧૪૧.૨૦ કરોડ) અનુસાર જોઈએ તો ભારતની અને એની વચ્ચે હવે બહુ અંતર નથી રહી ગયું. 
એમ તો સંયુક્ત રાષ્ટ્રસંઘે અનુમાન જ કર્યું હતું કે એપ્રિલ ૨૦૨૩માં ભારતની જનસંખ્યા ચીન કરતાં વધી જશે, પરંતુ ડબ્લ્યુપીઆરની ગણતરી પ્રમાણે ભારતે આ માઇલસ્ટોન જાન્યુઆરીમાં જ પાર કરી દીધો છે. મૅક્રોટ્રેન્ડ્ઝ નામના એક રિસર્ચ પ્લૅટફૉર્મ તરફથી જારી રિપોર્ટ પ્રમાણે ભારતની જનસંખ્યા ૧.૪૨૮ બિલ્યન થઈ ચૂકી છે. ભારત દરેક દાયકામાં એની જનસંખ્યાના આંકડા જાહેર કરે છે, પરંતુ કોવિડની મહામારીને લઈને ૨૦૨૧માં એને ટાળી દેવામાં આવ્યા હતા. 
ડબ્લ્યુપીઆરનો રિપોર્ટ કહે છે કે ભારતમાં જનસંખ્યાનો વિકાસ ઓછો થયો છે, પણ એની ગતિ ૨૦૫૦ સુધી જારી રહેશે. બીજી તરફ ચીનની જનસંખ્યા ઓછી થઈ રહી છે. ચીનની જનસંખ્યા ૨૦૨૨ની વસ્તી ગણતરીમાં ૮.૫૦ લાખ ઓછી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના આકલન મુજબ ૨૦૨૨ અને ૨૦૫૦ વચ્ચે વિશ્વની જનસંખ્યામાં જેટલો વધારો થવાનું અનુમાન છે એની અડધાથી વધુ જનસંખ્યા માત્ર આઠ દેશોમાં નોંધાશે : ભારત, પાકિસ્તાન, ફિલિપીન્સ, ગ્રીસ, ઇથોપિયા, કૉન્ગો, નાઇજીરિયા અને ટાન્ઝાનિયા.
ચીનમાં જનસંખ્યા ઘટવા પાછળ ઘટતો જન્મદર કારણભૂત છે. ચીનમાં હવે એવી સ્થિતિ છે કે જેટલાં બાળકો જન્મ લે છે એનાથી વધુ લોકોનાં મૃત્યુ થાય છે. ચીન સરકારે એના રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૨૨માં દેશમાં ૯૫.૬ લાખ બાળકોએ જન્મ લીધો હતો, જ્યારે ૧૦૪.૧ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ૧૯૬૬માં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ચૅરમૅન માઓ-ત્સે—તુંગે ચીની કમ્યુનિઝમનું શુદ્ધીકરણ કરવા અને સ્વદેશી વિચારધારા (જેને ચીનની બહાર માઓવાદ કહે છે) લાગુ કરવા માટે એક ક્રાંતિનું આહવાન કર્યું હતું. દસ વર્ષ પછી ૧૯૭૬માં માઓના અવસાન સાથે એ ક્રાંતિ નિષ્ફળ સાબિત થઈ હતી. જોકે એ દરમિયાન ચીનની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિને ભયાનક નુકસાન થયું હતું. 
ચીનના વિકાસની ગાડી પૂરપાટ દોડી માઓના અવસાન પછી. સાંસ્કૃતિક ક્રાંતિનું મૂળ માઓની ગ્રેટ લીપ ફૉર્વર્ડ ચળવળમાં છે. આપણે ત્યાં જેમ પંચવર્ષીય યોજના હતી એવી રીતે માઓએ ૧૯૫૮થી ૧૯૬૨ વચ્ચે આર્થિક અને સામાજિક સુધારાની ચળવળ શરૂ કરી હતી. અમુક લીડરો બહુ મોટી-મોટી યોજનાઓ ઘડતા હોય છે અને પછી વગર વિચારે એનો અમલ કરતા હોય છે. ગ્રેટ લીપ ફૉર્વર્ડ યોજના એવી જ હતી. એમાં દેશમાંથી પરંપરાગત કૃષિ અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી દઈને એના સ્થાને કમ્યુનિસ્ટ વિચારધારા અનુસાર સહકારી કૃષિ અને ઔદ્યોગિક વ્યવસ્થા લાવવાનો ઇરાદો હતો.
એમાં કૃષિ ક્ષેત્રે ભયંકર પાયમાલી થઈ હતી અને એમાં જન્મ કરતાં મૃત્યુની સંખ્યા વધી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે ૧૯૬૦ અને ૧૯૬૧ વચ્ચે સાત લાખ લોકો માર્યા ગયા હતા. જોકે ત્યારે જન્મદર ઘટ્યો નહોતો અને એ ચિંતાનો વિષય હતો. એટલા માટે જ ત્યાં જન્મસંખ્યાને કાબૂમાં લાવવા માટે અનેક પ્રયાસો થયા હતા. એમાંનો એક પ્રયાસ હતો ‘વન ચાઇલ્ડ પૉલિસી’. ૧૯૮૦ના આ કાનૂન મુજબ પતિ-પત્ની એક જ બાળકને જન્મ આપી શકતાં હતાં અને તેમને જ સરકારી નોકરીઓ મળતી હતી. 
જાણકાર લોકો કહે છે કે આ નીતિને કારણે નેગેટિવ પૉપ્યુલેશન ગ્રોથ શરૂ થયો છે. ચીનની સમસ્યા બે મોરચે હોવાનું અનુમાન છે : એક તો જન્મદર ઓછો છે અને બીજું, ઉંમરવાળી આબાદી વધતી જાય છે. ચીને પાછલાં અમુક વર્ષોમાં બાળકોનો જન્મદર વધે એ માટે ઘણી યોજનાઓ જાહેર કરી હતી. ૨૦૧૬માં ચીને ‘વન ચાઇલ્ડ પૉલિસી’માં સુધારો કરીને બે બાળકોની અને ૨૦૨૧માં ત્રણ બાળકોની છૂટ આપી હતી. 
ઘટતો જન્મદર લેબર માર્કેટમાં ચિંતાનું કારણ છે? નવા આંકડા જાહેર કરતી વખતે નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસની કૃષિ અને ગ્રામ્ય બાબતોની કમિટીના વાઇસ-ચૅરમૅન કાઈ ફેંગે કહ્યું હતું કે ચીનમાં હજી પણ માગના પુરવઠા સામે લેબર સપ્લાયનો પુરવઠો ઘણો વધુ છે એટલે લોકોએ જનસંખ્યામાં કમી આવી છે એની ચિંતા કરવા જેવી નથી. 
ચીન સુપરપાવર બનવા તરફ ગતિ કરી રહ્યું છે એને લઈને ભારત સહિતની પશ્ચિમની હરીફ અર્થવ્યવસ્થાઓ માટે કાયમ ચિંતા રહી છે, પરંતુ ચીનની તાકાતમાં વિશ્વાસ ધરાવતા નિષ્ણાતો પણ એ મતના હતા કે ચીનનો અનુમાનિત વિકાસ છેવટે એક સ્તર પર આવીને ધીમો થઈ જશે. એ સ્તર ધાર્યા કરતાં વહેલું આવ્યું હોવાનો મત હવે મજબૂત થઈ રહ્યો છે. 
એનો સંકેત એની જનસંખ્યાના અને એની અર્થવ્યવસ્થા ગયા વર્ષે ત્રણ ટકાના દરે જ વધી હોવાના તાજા ડેટામાંથી મળ્યો છે. સરકારનું અનુમાન એવું હતું કે અર્થવ્યવસ્થા ૫.૫ ટકાના દરે વધશે. અર્થવ્યવસ્થાની ધીમી ગતિ ચીનની ઝીરો-કોવિડ પૉલિસીને કારણે છે. ચીને કોવિડના કેસ શૂન્ય પર લાવવા માટે આક્રમક નીતિ અપનાવી હતી, પરંતુ લોકો વારંવારના લૉકડાઉનથી ત્રાસી જતાં હજી ગયા મહિને જ એ પૉલિસીમાંથી પારોઠાનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. 
જનસંખ્યાના દરમાં ઘટાડો એના માટે મુસીબત બની શકે છે. જાણકાર લોકો કહે છે કે આ નેગેટિવ પૉપ્યુલેશન ગ્રોથમાં કદાચ ક્યારેય સુધારો નહીં થાય. ૧૯૮૦ અને ૨૦૧૫ વચ્ચે ચીનમાં કામ કરતી વસ્તી (વર્કિંગ-એજ પૉપ્યુલેશન) ૫૯.૪ કરોડથી વધીને એક અબજની થઈ હતી. ૧૯૮૦માં ચીનમાં કામ કરતી વસ્તીની અપેક્ષાએ યુવા અને ઉંમરવાન વસ્તી ૬૮ ટકા હતી, જે ૨૦૧૫માં ઘટીને ૩૮ ટકા થઈ હતી. એનો અર્થ એ થયો કે કામ ન કરતી દરેક વ્યક્તિની સામે કામ કરતી વ્યક્તિની સંખ્યા વધુ હતી. 
નિષ્ણાતો કહે કે આ ટ્રેન્ડ હવે રિવર્સ થશે. હવે યુવાન વસ્તી ઘટશે અને ઉંમરવાન વસ્તી વધશે. કામ કરવાજોગ યુવા વસ્તી વધુ હોય અને એના પર નાની તેમ જ ઉંમરવાન વસ્તીની દરકાર કરવાનું દબાણ ન હોય એવી પરિસ્થિતિ જ ચીનના હરણ ઝડપે આર્થિક વિકાસ માટે કારણભૂત હતી. પાછલા એક દાયકામાં હજારોની સંખ્યામાં ચાઇનીઝ લોકો નિવૃત્ત થયા છે અને તેમની જગ્યાએ આવતા યુવાનોની સંખ્યા ઓછી થઈ છે. 
ચીન વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે એ સાચું, પરંતુ પ્રતિવ્યક્તિ (પર કૅપિટા)ની દૃષ્ટિએ એ હજીયે મધ્યમ આવકવાળો દેશ છે. અમેરિકા છોડો, એને યુકેની જેમ પ્રતિવ્યક્તિ ઉચ્ચ આવકવાળી અર્થવ્યવસ્થા બનવું હોય તો તોતિંગ આર્થિક વિકાસ કરવો પડશે. વિકાસનું એનું આ ગાડું ઉંમરવાન વસ્તીની વધતી સંખ્યામાં આવીને ફસાઈ જવાનું છે. ચીન સમૃદ્ધ બંને એ પહેલાં વૃદ્ધ થઈ જવાનું છે. 
એ જો ઝડપથી વિકાસ નહીં કરે તો એનો ભાર ઘરડાની કમરે આવવાનો છે. ૨૦૧૩ના એક અભ્યાસ અનુસાર ચીનના એક-ચતુર્થાંશ જેટલા વૃદ્ધ લોકો ગરીબીરેખા નીચે જીવે છે અને ચીનમાં - જપાન અને સાઉથ કોરિયા જેવા અન્ય ધનિક ઈસ્ટ એશિયન દેશોની માફક - સિનિયર સિટિઝનોને ટેકો મળી રહે એવી કોઈ ખાસ વ્યવસ્થા નથી. તેમની સંભાળ રાખવાવાળાં બાળકો હોય ત્યાં સુધી ઘરડી વસ્તીની કોઈ સમસ્યા નથી, પરંતુ વન ચાઇલ્ડ પૉલિસીના પરિણામે આજે ત્યાં વસ્તીનો ઊંધો પિરામિડ સરજાયો છે : 4-2-1. ચાર દાદા-દાદી અને બે પેરન્ટ્સ એક બાળકના આશ્રયે જીવે છે. 
વૃદ્ધોની સંખ્યા વધે, તેમને સરકારી યોજનાઓનો કોઈ ટેકો ન હોય અને બાળકો તેમની સંભાળ રાખવામાં ઘસાઈ જાય એનું સરવાળે પરિણામ દેશની અર્થવ્યવસ્થા પર પડે છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવા અને ખાસ તો ચીનનો મુકાબલો કરવા માટે ભારત માટે અહીં પાઠ ભણવા જેવું છે. એક તો એણે જન્મદર નિયંત્રિત કરવા માટે ચીન જેવા કોઈ કાયદા લાવવા ન જોઈએ જે ઊલટા પડે અને બીજું, ભારતમાં સિનિયર સિટિઝનો (ચીનની જેમ, અમુક રાજ્યોમાં એની સંખ્યા યુવાનો કરતાં વધુ છે)ની આબાદીનો ભાર પરિવારો પર ઓછો પડે એ માટે સરકારે વિશેષ યોજનાઓ વિચારવી જોઈએ. 
ત્રીજું, ભારતે એનાં તમામ રાજ્યોની આર્થિક પ્રગતિ પર ભાર આપવો જોઈએ. અત્યારે પ્રગતિનું ગાડું અસમાન ચાલી રહ્યું છે. અમુક રાજ્યોની પ્રગતિ સારી છે અને અમુકની ડામાડોળ છે. સર્વગ્રાહી પ્રગતિ માટે ભારતે એની સામાજિક સમસ્યાઓ અને વિરોધાભાસોને મિટાવી દેવા જોઈએ, વધુ મહિલાઓ રોજગારીમાં જોડાય એવી પ્રેરણા મળવી જોઈએ, ગ્રામીણ ક્ષેત્રે તકો વધવી જોઈએ, આરોગ્ય-વ્યવસ્થા ચુસ્ત થવી જોઈએ અને શિક્ષાનું સ્તર સુધારવું જોઈએ.

લાસ્ટ લાઇન


‘ગરીબી એટલે માત્ર પૈસાનો અભાવ નહીં. માણસ તરીકેની તેની પૂરી સંભાવનાને સાકાર કરવાની ક્ષમતા ન હોય એ પણ ગરીબી જ કહેવાય.’ - અમર્ત્ય સેન, અર્થશાસ્ત્રી


22 January, 2023 12:01 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK