બિલ્ડિંગ કે રોડ-રસ્તા બનાવવામાં વપરાતા કાળા પથ્થરો મંદિર માટે નહીં વપરાવા પાછળ બે કારણો છે, જેમાંથી એક કારણ ખૂબ વાજબી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આપણે વાત કરીએ છીએ પથ્થરોની અને એમાં આપણે વાત કરી ગ્રેનાઇટની. તમને કહ્યું એમ ગ્રેનાઇટની શાઇનિંગ લાંબો સમય ટકે છે, પણ આ જે ગ્રેનાઇટ છે એ બહુ મજબૂત પથ્થર છે એટલે કાર્વિંગમાં એનો ઉપયોગ થઈ શકતો નથી. એવું નથી કે એના કારીગરો નથી. સાઉથમાં હજી પણ એવા કારીગરો છે જેઓ ગ્રેનાઇટ પર કાર્વિંગ કરે છે, પણ જો તમારે ઝીણું કાર્વિંગ કરવું હોય તો એ માટે બહુ સમય જોઈએ અને એ ધીરજનું કામ છે. બીજું, ગ્રેનાઇટ બહુ મોંઘો પથ્થર છે એટલે પણ એનો વપરાશ મર્યાદિત રીતે થાય છે.
ગ્રેનાઇટનું એક મંદિર બનાવો એટલા ખર્ચમાં તો આપણા બંસી પહાડપુરનાં ચારથી પાંચ મંદિર બની જાય. ધારો કે કોઈ એવો ખર્ચ કરવા તૈયાર હોય તો પણ એમાં જે સમય લાગે એ પણ બહુ વધારે છે. અયોધ્યાના રામમંદિરની વાત કરું તો શરૂઆતના સમયમાં એને ગ્રેનાઇટનું બનાવવા વિશે સહેજ અમસ્તી ચર્ચા થઈ, પણ સમયની મર્યાદાની વાત આવી અને ગ્રેનાઇટ પર કાર્વિંગ કરનારા કારીગરોની ઓછી સંખ્યા જોઈને જ એ વાત તરત પડતી મુકાઈ ગઈ. રામમંદિરમાં જે પિલરો બનાવ્યા છે એ બનાવવામાં જે સમય લાગ્યો એના કરતાં પાંચગણો સમય હોય તો ગ્રેનાઇટના પિલરો ઊભા થયા હોત.
ADVERTISEMENT
કારીગરો ઓછા હોવાને લીધે જ ગ્રેનાઇટના સીધા મોટા પથ્થરો જ મૂકવાની પ્રથા પડી ગઈ છે. ઘણાં મંદિરોમાં ભોંયતળિયે કે પછી દીવાલો પર આજે પણ ગ્રેનાઇટના સીધા પથ્થરો જડવામાં આવે છે, પણ જો એમાં કોતરણી કરવી હોય તો કારીગરોની અછત અને એના કરતાં પણ વધારે એ પથ્થરની ઘનતાને લીધે અઘરું પડી જાય છે.
પથ્થરોની બાબતમાં આપણો દેશ ખૂબ નસીબદાર છે. બંસી પહાડપુરના પથ્થરોની વાત તો તમને બહુ કરી છે, પણ એ વાતો દરમ્યાન એક વાત કહેવાનું ચૂકી ગયો કે બંસી પહાડપુરના પથ્થરોમાં પણ બે કલરના પથ્થરો મળે છે. પિન્ક પથ્થરનું ચલણ વધ્યું છે, પણ આ પિન્ક ઉપરાંત લાલ રંગનો પણ પહાડપુરમાંથી પથ્થર મળે છે. સદીઓ પહેલાં જે લાલ કિલ્લો બન્યો એ લાલ રંગના પહાડપુરના પથ્થરનો છે. અક્ષરધામમાં અમે લાલ અને પિન્ક એમ બન્ને કલરના પથ્થરોનો ઉપયોગ કર્યો છે. ગાંધીનગરના અક્ષરધામની બહારનો જે કૉરિડોર છે એ લાલ પથ્થરોનો છે, જ્યારે બાકીનું બંધ કામ પિન્ક પથ્થરમાંથી થયું છે. સૂર્યની રોશનીમાં કે પછી વરસતા વરસાદ વચ્ચે તમે જુઓ તો તમને લાલ અને પિન્ક પથ્થર વચ્ચેનો કલરભેદ બહુ સરસ રીતે જોવા મળે.
ઘણા મને પૂછે છે કે આપણે ત્યાં જે કાળો પથ્થર મળે છે એનો ઉપયોગ બાંધકામ કે રસ્તો બનાવવામાં જ શું કામ થાય છે? એ પથ્થરોમાંથી મંદિર કે ઇમારત શું કામ નથી બનતાં? આજે એનો જવાબ આપું. સિમેન્ટ-કૉન્ક્રીટનાં મંદિરોમાં એ પથ્થર વપરાય જ છે, પણ પથ્થરનું મંદિર બનાવવાની વાત આવે ત્યારે બે કારણસર એનો ઉપયોગ નથી થતો. પહેલું કારણ અનુમાનના આધારે આપું છું. એ પથ્થર કાળો હોય છે. કાળા કલરનો ઉપયોગ આપણે ત્યાં ધાર્મિક સ્થળે કરવામાં આવતો નથી એટલે કદાચ કાળા પથ્થરનો ઉપયોગ ન થતો હોય એવું બની શકે. બીજું કારણ પ્રૅક્ટિકલ છે.
કપચી તરીકે તમે જેને જુઓ છો, ઓળખો છે એ કાળો પથ્થર આપણે ત્યાં લાંબા ટુકડામાં નથી મળતો. કાઢતી વખતે જ એ તૂટી જાય છે. તમે જો કાળા પથ્થરનો વીસ ફુટ બાય વીસ ફુટનો આખો પીસ માગો તો પથ્થરના સપ્લાયર કે માઇન્સ ઑપરેટરને પરસેવો છૂટી જાય. આખો પથ્થર મળે જ નહીં. એ પથ્થરમાં પાણી પીવાની ક્ષમતા ન હોવાને લીધે એ પથ્થરને સહેજ અમસ્તી ઠોકર લાગે તો પણ એ તરત તૂટી જાય છે. અમે તો અનેક વખતે એ પથ્થરના ઑર્ડર આપ્યા છે અને પછી રાહ જોવામાં ખોટો સમય પણ પસાર કર્યો છે. આ જે બીજું કારણ છે એને લીધે પથ્થરના મંદિરમાં કાળા પથ્થરનો ઉપયોગ નથી થતો. હા, એવું બને કે પથ્થરો જ્યાંથી નીકળતા હોય ત્યાં બખોલ જેવું બની જાય અને પછી એની આસપાસ મંદિર ઊભું કરી દેવામાં આવે; પણ પહેલેથી પ્લાનિંગ સાથે એ કાળા પથ્થરમાંથી તો મંદિર બનાવવાનું કામ લગભગ અશક્ય છે, કારણ કે એની સપ્લાય જ નથી. કાળા પથ્થર માટેનું ત્રીજું કારણ એને પણ સળંગ ટુકડાના સ્વરૂપમાં વાપરી શકાય છે, એના પર કાર્વિંગ શક્ય નથી અને ધારો કે કોઈ કરે તો એના માટે મગજ પર બરફ રાખીને જ બેસવું પડે એવું કહું તો પણ ચાલે.


