કાશ, મારી આ વાર્તા તમારાં પંદર વર્ષ બચાવી દે
પ્રતીકાત્મક તસવીર
એક નગરશેઠ હતા. રોજ ચાંદીના પાટલા પર બેસીને સોનાની થાળીમાં કેસરિયો ભાત જમે. આ કેસરિયા ભાતની સોડમ એવી કે ગામ આખામાં પ્રસરે અને લોકો શેઠના બંગલાની બહાર આવીને ઊભા રહી જાય. લોકોનો આ નિત્યક્રમ. શેઠ કેસરિયો ભાત પોતાની થાળીમાં લે એટલે સોડમ પ્રસરે અને લોકો એ સોડમથી ખેંચાઈને આવી જાય. બધાને થાય કે એક વાર આ કેસરિયો ભાત ચાખવો.
એક દિવસ ગામમાંથી એક અજાણ્યો માણસ પસાર થતો હતો. તેને પણ આ સોડમ આવી અને તે પણ સોડમની દિશામાં ખેંચાતો શેઠના બંગલા સુધી પહોંચી ગયો. બધા લોકોને ટોળે વળીને ઊભેલા જોઈને તે પણ ત્યાં ઊભો રહીને જોવા માંડ્યો. પછી તેણે હિંમત કરીને શેઠને કહ્યું કે મને આ કેસરિયો ભાત ચખાડો, એક કોળિયો મને ખાવા આપો. શેઠે પેલા અજાણ્યા માણસને કહી દીધું કે આ કેસરિયા ભાતનો કોળિયો એમ ન મળે, એના માટે તારે મારે ત્યાં ૧પ વર્ષ નોકરી કરવી પડશે, તું ૧પ વર્ષ નોકરી કર પછી તને મારી બાજુમાં બેસાડીને આ કેસરિયો ભાત ખવડાવીશ. પેલા યુવાનને કોણ જાણે શું થયું કે તેણે હા પાડી દીધી અને લાગી ગયો શેઠને ત્યાં નોકરીએ. સવાર-બપોર-સાંજ તનતોડ મહેનત કરે. થાકી જાય ત્યારે તેને પેલો કેસરિયો ભાત યાદ આવે અને તેના શરીરમાં નવું જોમ આવી જાય.
ADVERTISEMENT
જોતજોતામાં પંદર વર્ષ પૂરાં થયાં અને નક્કી કર્યો હતો એ દિવસ આવી ગયો. શેઠે પોતાનું વચન પાળ્યું. સવારના પહોરમાં પેલા માણસને અત્તરથી નવડાવ્યો અને પછી જમવા બાજુમાં પોતે વાપરતા એવા ચાંદીના પાટલા પર જ બેસાડ્યો. થોડી વારમાં સોનાની થાળી આવી અને પછી આવ્યો કેસરિયો ભાત. ખુશ્બૂ ગામ આખામાં પ્રસરી અને લોકો જોવા માટે એકઠા થઈ ગયા. પેલા માણસે ખાવાનું શરૂ કર્યું. પહેલો કોળિયો અને બીજો કોળિયો હજી તો તેના પેટમાં ગયો ત્યાં ટોળામાં તેના જેવો જ એક અજાણ્યો માણસ ઊભો હતો. તેણે પૂછ્યું, મને આ કેસરિયા ભાતનો કોળિયો મળે.
પેલો માણસ થાળી સાથે ઊભો થઈને તે અજાણ્યા માણસ પાસે ગયો અને તેને થાળી આપી દીધી કે કોળિયો શું, આખી થાળી ખાઈ જા. શેઠને નવાઈ લાગી એટલે તેમણે કારણ પૂછ્યું. ત્યારે પેલાએ કહ્યું, ‘જે સંતોષ અને તૃપ્તિ મને સાદા બાફેલા ભાતમાં મળતા એ જ તો આ કેસરિયા ભાતમાં મળે છે, પણ મેં મારી લાલચ અને આ મેળવી લેવાની લાયમાં મારા જીવનનાં મહામૂલાં પંદર વર્ષ ખર્ચી નાખ્યાં. જો અત્યારે જ આને આ ભાતનો ટેસ્ટ કરાવી દઈશ તો તેનાં તો પંદર વર્ષ બચી જશે.’
એકતા કપૂરથી માંડીને અબ્બાસ-મસ્તાન અને ટીવી-સિરિયલોના મોટા-મોટા શોના હેડ રહ્યા પછી મને પણ આ વાત સમજાઈ છે અને એટલે ઇચ્છું છું કે કાશ, મારી આ વાર્તા તમારાં પંદર વર્ષ બચાવી દે.
- અનુરાગ પ્રપન્ન (ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-ડિરેક્ટર અનુરાગ પ્રપન્ને અનેક ફિલ્મો અને ટીવી-સિરિયલો પણ લખી છે)

