Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરકારી સુરક્ષા દળો કોનું રક્ષણ કરે છે?

સરકારી સુરક્ષા દળો કોનું રક્ષણ કરે છે?

17 January, 2021 02:19 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

સરકારી સુરક્ષા દળો કોનું રક્ષણ કરે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અંગરક્ષકનું હોવું ભારતીય સામાજિક કે સાંસ્કૃતિક પરંપરામાં કોઈ અજાણી વાત નથી. રાજા-મહારાજાઓ, યુદ્ધ સાથે સંકળાયેલા સેનાપતિઓ કે એવા હોદ્દેદારોએ તેમની રોજિંદી કામગીરીમાં બીજાઓને અણગમતા હોય એવા કેટલાય નિર્ણયો લેવા પડે છે. આને કારણે તેઓ પોતાની ફરજને કારણે બધાને બધો વખત રાજી રાખી શકતા નથી હોતા. જેમનું હિત સંકળાયું હોય અને આવા શાસકીય નિર્ણયોથી જેઓ ઘવાયા હોય તેઓ પોતાને જે અન્યાય લાગ્યો હોય એ અન્યાયનું વેર વાળવા આવા રાજા-મહારાજા અથવા હોદ્દેદારો પર હુમલો કરે છે. આવા ઓચિંતા હુમલામાંથી રક્ષણ મેળવવા અંગરક્ષકોની ગોઠવણ થતી હોય છે. 

વર્તમાન લોકશાહી કહેવાતી રાજ્યવ્યવસ્થામાં પણ આ અંગરક્ષકની વ્યવસ્થા બીજા સ્વરૂપે જોવા મળે છે. રાષ્ટ્રપતિથી માંડીને સામાન્ય નાગરિક સુધી હવે સૌકોઈ પોતાને ભય જેવું લાગે ત્યારે અંગરક્ષક મેળવી શકે છે. આ અંગરક્ષકની ગોઠવણ જરાક સમજવા જેવી છે. જાહેર જીવનમાં જેઓ સેવાના નામે કામગીરી કરે છે તેમને સરકારી હિસાબે અને જોખમે આવા અંગરક્ષકોની ફોજ નૈતિક રીતે હોવી ન જોઈએ. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના ગાંધીજી પર પ્રાર્થનાસભામાં હુમલો થયો. આ હુમલો પ્રાણઘાતક નીવડ્યો. હુમલાખોર હુમલો કર્યા પછી નાસી નહોતો ગયો, સ્વેચ્છાથી પકડાઈ પણ ગયો હતો. તેને ફાંસીની સજા થઈ. આ અગાઉ દસ વાર ગાંધીજી પર આવા નાના-મોટા હુમલા થયા હતા. ગાંધીજીએ ધાર્યું હોત તો અંગરક્ષકોની ફોજ તેમની સાથે હોત. છેલ્લા પ્રાણઘાતક હુમલા પહેલાં આઠ-દસ દિવસે તેમના પર બૉમ્બ ફેંકાયો હતો અને આમ છતાં તેમણે કોઈ અંગરક્ષક સ્વીકારવાની ના પાડી હતી. ‌



ગાંધીજીએ અંગરક્ષક માટે શું કહ્યું?


ગાંધીજીના માથે જાનનું જોખમ હતું જ. તેમની ઉપર વારંવાર હુમલા પણ થતા હતા. તેમને અંગરક્ષકોની ગોઠવણ સ્વીકારવાનો આગ્રહ પણ વારંવાર થતો હતો છતાં તેમણે એ સ્વીકાર્યો નહોતો અને કહ્યું હતું, ‘આ શરીર જાહેર જનતા સાથે હળતાં-મળતાં કે સંવાદ કરતાં સરકારી રક્ષણ માગે તો એ શરીરની ઈશ્વરને હવે જરૂર નથી એવો જ અર્થ થાય.’

ગાંધીજીએ કોઈ બાહ્ય રક્ષણ સ્વીકાર્યું નહીં અને તેમણે મૃત્યુ વહોરી લીધું.


અંગરક્ષકોથી મૃત્યુ રોકી શકાય?

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાનના પ્રશ્ને સિખો સાથે વેર વહોરી લીધું હતું એ જાણીતી વાત છે. ખાલિસ્તાનના પ્રશ્ને તેમને મોતની ધમકી પણ મળી હતી. આમેય વડા પ્રધાન તરીકે તેમની સુરક્ષા સરકારની ફરજ ગણાય. આ સુરક્ષા તેમને સહજતાથી ઉપલબ્ધ પણ થઈ હતી. ખાલિસ્તાની મુદ્દે સિખોની ધમકી પછી તેમણે પોતાની સુરક્ષા વધુ સખત પણ કરી હતી. આવી સુરક્ષા કરનાર આખરે તો કોઈ ને કોઈ માણસ જ હોય છે. આવા માણસ પર વિશ્વાસ કરવો એ જ તો સુરક્ષાનો અંતિમ સ્તર હોય છે. આ સ્તરમાં જ જો ગાબડું પડે તો કોઈ શું કરી શકે? ઇન્દિરાજીના અંગરક્ષકોએ જ તેમની હત્યા કરી. બધી વ્યવસ્થા તૂટી પડી.

હુમલો કરવો સહેલો છે

ઇન્દિરાજીની વિદાય પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા. તેમણે શ્રીલંકાના પ્રશ્ને તામિલભાષીઓ સાથે વેર વહોરી લીધું હતું. સત્તાસ્થાને બેઠેલાઓએ દેશના હિત માટે લાંબા ગાળાના નિર્ણયો લેવા પડે છે અને એ નિર્ણયોથી કેટલાક જણ નારાજ પણ થાય. રાજીવ ગાંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ક્યાંય પણ કોઈ પણ માણસ અણધાર્યો હુમલો તો કરી જ શકે. રાજીવના કિસ્સામાં પણ એમ જ બન્યું. મજબૂત સુરક્ષા હોવા છતાં તેમની ઉપર હુમલો થયો અને તેમના પ્રાણ હણાયા.

સરકારી સુરક્ષા એ પ્રતિષ્ઠા છે?

આજે એવું બન્યું છે કે નાના-મોટા શેરી નેતાથી માંડીને ટોચના રાજકીય કાર્યકરો પોતાને સરકારી સુરક્ષા મળે એને પ્રતિષ્ઠા માને છે. સરકારી સુરક્ષા હેઠળ સેવાનું ઓઠું લેવું એ ખરેખર તો ભારે લજ્જાસ્પદ કામ ગણાય. સરકારી સુરક્ષા અમુક કોઈક કહેવાતી V.I.P. વ્યક્તિને જ મળે એ ભારે ઘૃણાસ્પદ લાગવું જોઈએ. દેશના તમામ નાગરિકોને સુરક્ષા મળવી જ જોઈએ. એક માણસ પોતાના અંગત કારણોસર બીજા ઉપર હુમલો કરીને તેને ઈજા પહોંચાડે કે પછી તેની હત્યા કરે આ સંજોગોમાં સરકાર જ દોષપાત્ર ગણાય. આવા હુમલાખોરોને તત્કાલ પકડી લેવો અને ઉચિત સમયમાં સજા કરવી એ સરકારનું કામ છે.

હુમલાખોર પકડાય અને લાંબી કાનૂની શાબ્દિક ચાવળાઈ ચાલે એ સશક્ત સરકાર કહી શકાય નહીં. આવી સરકાર જેઓ ચલાવતા હોય તેઓ જ પોતાના રક્ષણ માટે તથા પોતાના લાગતા-વળગતા ભાણેજ-ભત્રીજાઓની સુરક્ષા માટે સરકારી ખર્ચે વ્યવસ્થા કરે એ ખરેખર તો બિલકુલ ચલાવી ન લેવાય. વ્યવસ્થાતંત્ર એ સુરક્ષા નથી. જાહેર સામાજિક વ્યવસ્થામાં ટોળાશાહીનું નિર્માણ થાય જ. આ ટોળાશાહી ઉપર કાયદાની સરકારી ધાક હોવી જોઈએ. આજે બન્યું છે એવું કે કોઈ પણ નેતાને સો-બસો ભાડૂતી માણસો એકઠા કરીને વ્યવસ્થાના નામે ગેરવ્યવસ્થા ઊભી કરવાનું ફાવી ગયું છે. જે ગેરવ્યવસ્થા ઊભી કરી શકે એ જ સાચો નેતા એવી વ્યાખ્યા બળકટ બની છે. આ ભ્રામક માન્યતાએ પોતાને નેતા કહેવડાવવા, સરકારી સુરક્ષા વ્યવસ્થા જાણે પારિવારિક ગોઠવણ હોય એમ લહાણી થાય છે. દેશના ભૂતપૂર્વ સદ્ગત ચીફ જસ્ટિસ હિદાયતુલ્લાએ બહુ જ ટૂંક સમય માટે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામગીરી કરી હતી. તેમણે પોતાની આત્મકથામાં આ કામગીરીના એક-બે અનુભવો લખ્યા છે. આખો દિવસ આ કહેવાતા સુરક્ષા દળના અંગરક્ષકો રાષ્ટ્રપતિને રેઢા મૂકે નહીં અને છેક રાત્રે બેઠકખંડમાં રાષ્ટ્રપતિ તેમનાં પત્ની સાથે બેઠાં હોય ત્યારે પણ પહેલાં સુરક્ષા દળો દરવાજામાં ઊભાં રહે. એનાથી નારાજ થઈને રાષ્ટ્રપતિનાં પત્નીએ પૂછ્યું, ‘આ લોકો આપણા બેડરૂમમાં તો નહીં આવેને?’

સુરક્ષા એટલે ભય નહીં પણ નિર્ભયતા

જેઓ ભયભીત છે તેઓ સુરક્ષા માગે છે. આવા નેતાઓએ ભયના વાતાવરણમાંથી દૂર ખસી જવું અને નિર્ભયતાનું વાતાવરણ તૈયાર કરવું એ જ સાચી સુરક્ષા છે. અસામાજિક તત્ત્વ, ગુંડાગર્દી, બાવડાનું બળ આ બધું અટકવું જ જોઈએ. આમ છતાં કાયમ માટે એને રોકી શકાતું નથી. સરકારે દંડો ઉગામવો જોઈએ અને જે સરકાર દંડો ઉગામી શકતી નથી એ સરકાર શાસન કરવાને લાયક નથી. દંડો ઉગામાય એ જ પૂરતું નથી, ક્યાં અને કેટલો દંડ ઉગામાય એ સૂઝ પણ સરકારને હોવી જોઈએ. આવી સૂઝ વગરની સરકાર પાસે સુરક્ષા દળો હોય તો પણ શું અને ન હોય તો પણ શું?

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2021 02:19 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK