આ જ સિરીઝના ટીલ-ગ્રીન ટ્રૅક સૂટ, પિન્ક ટ્રૅક સૂટ અને બ્લૅક માસ્કની ડિમાન્ડમાં પણ ગયા મહિને હેલોવીન દરમ્યાન જબરજસ્ત ઉછાળ આવ્યો હતો. આ બન્ને નવા ફૅશન ટ્રેન્ડ વિશે આજે વાત કરીએ
રાજ કુમાર રાવે એન્ગેજમેન્ટમાં શેરવાનીની સાથે વાઇટ સ્નીકર્સ પહેર્યા હતા.
યસ, આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. કોરિયન વેબસિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ના કારણે પુરુષોમાં ઑલ વાઇટ સ્લિપ ઑન શૂઝ હૉટ ફૅશન બની ગયાં છે. એક સમયે કમ્ફર્ટ અને કૅઝ્યુઅલ વેઅર સાથે જ પહેરાતાં વાઇટ શૂઝ હવે શેરવાની અને ફૉર્મલ્સ સાથે પણ ટ્રેન્ડમાં આવી ગયાં છે. આ જ સિરીઝના ટીલ-ગ્રીન ટ્રૅક સૂટ, પિન્ક ટ્રૅક સૂટ અને બ્લૅક માસ્કની ડિમાન્ડમાં પણ ગયા મહિને હેલોવીન દરમ્યાન જબરજસ્ત ઉછાળ આવ્યો હતો. આ બન્ને નવા ફૅશન ટ્રેન્ડ વિશે આજે વાત કરીએ
નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહેલી ‘સ્ક્વિડ ગેમ’ સાઉથ કોરિયન વેબસિરીઝે બહુચર્ચિત અને લોકપ્રિય થયેલી મની હાઇસ્ટના પણ તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. પ્લે ટુ અર્ન ક્રિપ્ટો પ્રકારના આ શોમાં ખિલાડીઓને અતિ હિંસક દર્શાવવામાં આવ્યા છે. જોકે આપણે આજે ગેમની નહીં, પણ ગેમમાં પ્લેયર્સ દ્વારા પહેરાયેલા કૉસ્ચ્યુમ્સની અને એ કૉસ્ચ્યુમ્સની રાતોરાત વધેલી લોકપ્રિયતા વિશે વાત કરવાના છીએ. ‘સ્ક્વિડ ગેમ’ની લોકપ્રિયતાએ ફૅશનજગતમાં હલચલ મચાવી દીધી છે. ગેમની પૉપ્યુલરિટીને કારણે હાલમાં ઑલ વાઇટ સ્લિપ ઑન શૂઝ હૉટ કૉમોડિટી બની ગઈ છે. ખાસ કરીને કોરિયન ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જબરી ગરમી આવી છે. આપણે જ્યારે દિવાળીના ટ્રેડિશનલ કપડાં પહેરીને સજીધજીને ફરતાં હતાં ત્યારે જપાન, કોરિયા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં હેલોવીન ફેસ્ટિવલ દરમ્યાન આબાલવૃદ્ધ સૌ ‘ટ્રૅક સૂટ, વાઇટ શૂઝ અને બ્લૅક માસ્ક’ની પાછળ પડ્યા હતા. એક સમાચાર મુજબ આ ફૅશન આઇટમના વેચાણમાં ૭૮૦૦ ટકાનો અધધધ વધારો નોંધાયો હતો. અમેરિકાના બાળકોમાં આ ઍપરલ્સનો એવો ક્રેઝ ઊભો થયેલો કે કેટલીક સ્કૂલોએ તો સત્તાવાર રીતે જાહેર કરવું પડેલું કે ‘સ્ક્વિડ ગેમ’ ઇન્સ્પાયર્ડ ઍપરલ પહેરીને આવવાની મનાઈ છે. મુંબઈ, પુણે, દિલ્હી અને બૅન્ગલોર જેવા શહેરોમાં પણ સ્ક્વિડ ગેમ થીમની હેલોવીન પાર્ટીઓ થઈ હતી અને આ જ ફૅશનનો વાયરો હવે ઇન્ડિયામાં આવી રહ્યો છે. ત્યારે જાણીએ એવું તે શું છે એમાં? ચાલો જાણીએ.
ADVERTISEMENT
ગ્લૅમરવર્લ્ડથી પબ્લિક સુધી
કોઈ પણ ફૅશન ગ્લૅમરવર્લ્ડમાંથી પબ્લિક સુધી પહોંચે છે. એક જમાનામાં વાઇટ શૂઝ જિતેન્દ્રનો ટ્રેડમાર્ક હતો. પહેલાં ગોવિંદા અને લેટેસ્ટમાં રણવીર સિંહ જેવાં કાબરચીતરાં આઉટફિટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આવા અનેક દાખલા છે. બૉલીવુડ સ્ટાર્સનાં વસ્ત્રો, શૂઝ, હેરસ્ટાઇલની કૉપી કરવી ફૅશનેબલ હોવાની નિશાની કહેવાય. ઇન્ટરનેટને કારણે ફૅશન ઇન્ડસ્ટ્રી વાઇડ બની છે. આજે વેબસિરીઝનો જમાનો છે તેથી લોકો એને ફૉલો કરે છે એવો અભિપ્રાય આપતાં કાંદિવલીનાં ઇમેજ કન્સલ્ટન્ટ પાયલ સુરેખા કહે છે, ‘સિરીઝથી પબ્લિકમાં બે ફૅશન આઇટમનો હાઇપ ઊભો થયો છે - વાઇટ સ્નીકર્સ અને ગ્રીન ટ્રૅક સૂટ. હવે પુરુષોને ટ્રેન્ડમાં રહેવું ગમે છે તેથી આ બન્ને પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી છે. જોકે સિરીઝમાં પ્લેયર્સે પહેરેલાં વાઇટ કલરનાં કૅન્વસ ક્લાસિક શૂઝ નવાં નથી. અમેરિકન કંપની વાન દ્વારા ૧૯૭૭માં આ પ્રોડક્ટ સ્ટાઇલ ૪૮ નામથી લૉન્ચ થઈ હતી. કંપની પાંચ દાયકાથી એનું ઉત્પાદન કરી રહી છે, પણ વેબસિરીઝની પૉપ્યુલરિટીથી આ બ્રૅન્ડના સ્નીકર્સનું સેલિંગ ટૉપ પર પહોંચી ગયું. વાસ્તવમાં ફૅશનવર્લ્ડ એક સાઇકલ જેવું છે. નવા અવતાર સાથે જૂની ફૅશન પાછી આવે છે. અત્યારે એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે - હૅશટૅગ ટીબીટી (થ્રો બૅક ટૂ). લોકો આ હૅશટૅગને ખૂબ ફૉલો કરે છે. જોકે પુરુષોના માઇન્ડસેટથી જોઈએ તો ફૅશનટ્રેન્ડની સાથે તેમને કમ્ફર્ટ પણ જોઈએ છે.’
સિનારિયો બદલાયો
વાઇટ સ્નીકર્સ વર્ષોથી આપણે પહેરીએ છીએ, પરંતુ આટલી બધી હાઇપ અને એક્સપોઝર મળવાનું કારણ વેબસિરીઝ ઉપરાંત હેલ્થ પ્રત્યે લોકોમાં જોવા મળતી સજાગતા છે. તાજેતરમાં નેટફ્લિક્સના સીઈઓ કો-સીઈઓ રીડ હૅસ્ટિંગ્સ કંપનીના થર્ડ ક્વૉર્ટરની ઑફિશ્યલ મીટિંગ અને ઇન્ટરવ્યુ માટે નંબરવાળું ટીલ-ગ્રીન ટ્રૅક સૂટ પહેરીને આવ્યા અને જાણે આ નવા ટ્રેન્ડ પર મહોર મારી હતી. ટ્રૅક સૂટ કદાચ હજીયે કૅઝ્યુઅલ વેઅર જ છે, પરંતુ વાઇટ સ્નીકર્સ હવે કમ્ફર્ટનો મામલો છે. હેલ્ધી અને કમ્ફર્ટેબલ અપ્રોચને લીધે સ્નીકર્સ એટલે સ્પોર્ટ્સ શૂઝ એવી જૂની માન્યતા બ્રેક થઈ છે એમ જણાવતાં પાયલ કહે છે, ‘અગાઉ સૂટની નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેરવાં એ ફૅશન બ્લન્ડર મનાતું હતું. લોકો એને ઍક્સેપ્ટ નહોતા કરતા. હવે એવું નથી રહ્યું. તાજેતરમાં સોનમ કપૂર અને એના હસબન્ડ આનંદ આહુજાએ પાવર સૂટ નીચે વાઇટ સ્નીકર્સ પહેર્યાં હતાં. સેલિબ્રિટીઝ, મલ્ટિનૅશનલ કંપનીના અધિકારીઓ અને મોટા-મોટા બિઝનેસમેન પણ મીટિંગ્સમાં પાવર સૂટ અથવા બ્લેઝર નીચે સ્નીકર્સ પહેરવા લાગ્યા છે, કારણ કે એનાથી પગનો દુખાવો થતો નથી. લૉન્ગ અવર્સ શૂઝ પહેરવાનાં હોય ત્યારે કમ્ફર્ટ વધુ મહત્ત્વ રાખે છે એવી સમજણ વિકસતાં બધા સ્નીકર્સ પ્રિફર કરવા લાગ્યા છે. માર્કેટમાં ઘણી વરાઇટી અવેલેબલ છે. ફૅશનટ્રેન્ડમાં રહેવાના પર્પઝથી ખરીદવાં હોય તો કોઈ પણ કંપનીનાં સ્નીકર્સ પહેરી શકો છો. ટ્રેન્ડ સાથે હેલ્થ પણ ફોકસમાં હોય તો બ્રૅન્ડેડ વાપરવા.’
લુક પણ જોઈએ
કમ્ફર્ટની સાથે પુરુષોને ઓવરઑલ લુકમાં પણ ચેન્જિસ જોઈએ છે. આ કારણસર ‘સ્ક્વિડ ગેમ’માં પ્લેયર્સે પહેર્યા છે એવા ટ્રૅક સૂટનું વેચાણ ડબલ થઈ ગયું છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘વર્કઆઉટ, જિમ, વૉકિંગ જેવી ઍક્ટિવિટી પુરુષોમાં વધતી જાય છે. પરિણામે ટ્રૅક સૂટની ડિમાન્ડ વધી છે. ઍરપોર્ટ અથવા ટ્રાવેલિંગ લુકમાં ટ્રૅક સૂટ પૉપ્યુલર થવાનું શ્રેય સેલિબ્રિટીઝને આપવું પડે. થોડા સમય અગાઉ વેકેશન દરમિયાન પુરુષો શૉર્ટ્સ અને ટી-શર્ટ પહેરતા હતા. હવે ટ્રૅક સૂટ પહેરે છે. વિન્ટર સીઝનમાં તો આ અટાયર ધૂમ મચાવે છે. પૉપ કલર્સનાં શૂઝ અને ટ્રૅક સૂટ બન્ને અત્યારે ટ્રેન્ડી ગણાય છે. યંગ ઍડલ્ટ પુરુષોમાં બન્ને આઇટમ ચાલે છે, જ્યારે મિડલ એજના પુરુષો સ્નીકર્સમાં વાઇટ કલર અને ટ્રૅક સૂટમાં પૉપ કલર્સ પસંદ કરે છે.’
વાઇટ સ્નીકર્સને આટલી બધી હાઇપ મળવાનું કારણ હેલ્થ પ્રત્યે લોકોમાં જોવા મળતી સજાગતા છે. સ્નીકર્સ એટલે સ્પોર્ટ્સ શૂઝ એ માન્યતા તૂટી છે. ઍરપોર્ટ કે ટ્રાવેલિંગ લુકમાં પૉપ કલર્સના ટ્રૅક સૂટ પૉપ્યુલર છે.
પાયલ સુરેખા
અન્ય મર્ચન્ડાઇઝ
‘સ્ક્વિડ ગેમ’થી ઇન્સ્પાયર્ડ ટી-શર્ટ, કીચેઇન, ફિજેટ ટૉય્ઝ, માસ્ક, હૂડીઝ, ડૉલ્સ એમ જાતજાતની ચીજો માર્કેટમાં ધૂમ મચાવી રહી છે.