માણસ નોકરી કરતો હોય - પછી એ નાની-મોટી કોઈ પણ હોય - તેણે શિસ્તબદ્ધ રહેવું પડે. પોતાની કામગીરીનો ક્યાંકને ક્યાંક જવાબ આપવો પડે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
વાત સાવ નાની પણ :
‘તમારે હવે શું કામ છે?’ આવો પ્રશ્ન અવારનવાર નિવૃત્તિકાળમાંથી પસાર થઈ રહેલા વરિષ્ઠ નાગરિકને સહજ ભાવે પુછાતો રહ્યો છે. પ્રશ્નકર્તાનો આશય આ વડીલને એવું સૂચવવાનો હોય છે કે એમની પ્રવૃત્તિઓમાં કોઈ ધાંધલ-ધમાલ ન હોય, ઉતાવળ ન હોય, જે કંઈ કરવું છે એ નિરાંતે થાય અને સમયની કોઈ પાબંદી રહે નહીં. આમ ઘરમાં પુછાતો આ પ્રશ્ન પેલા નિવૃત્ત વડીલ માટે તો સમભાવથી સભર છે પણ જેને આ પ્રશ્ન પુછાયો છે એ વડીલને એનાથી ચિત્તમાં એક સબાકો થવાનો સંભવ છે. ગઈ કાલ સુધી તેમની પાસે ઘણાં કામ હતાં. બધું સમયબદ્ધ હતું. એમને મળવા માટે પણ સમય લેવો પડતો હતો. આજે હવે પૂછવામાં આવે છે - તમારે હવે શું કામ છે?
ADVERTISEMENT
કામ હોવું અને ન હોવું
માણસ નોકરી કરતો હોય - પછી એ નાની-મોટી કોઈ પણ હોય - તેણે શિસ્તબદ્ધ રહેવું પડે. પોતાની કામગીરીનો ક્યાંકને ક્યાંક જવાબ આપવો પડે. ધંધો એટલે કે માણસ સ્વતંત્ર વ્યવસાયમાં હોય ત્યારે પણ કામકાજના બંધન વચ્ચે જ એણે વરસો પસાર કર્યાં હોય છે. નિવૃત્તિકાળ કોને કહેવાય એ વિશે પ્રશ્ન પેદા થઈ શકે. ગઈ કાલ સુધી જે કંઈ કામગીરી ધનપ્રાપ્તિ કે પછી સામાજિક પ્રતિષ્ઠા માટે થતી હતી એ બધાનો દિશાદોર આજથી બદલાઈ જાય છે. આ બદલાયેલા દિશાદોરને માણસે સમજી લેવો જોઈએ.
ગઈ કાલ સુધી ઘણું કામ રહેતું. મારે ઘણું કામ છે એવું કહેવામાં તમને સંતોષ થતો હોય છે. અહંકારનું એક પડ પણ વીંટળાતું હતું. માણસ કામ હોવાથી નથી થાકતો પણ કામ નહીં હોવાને કારણે એ થાકી જાય છે એનો પ્રત્યક્ષ અનુભવ હવે થાય છે. કામ નહીં હોવાની ક્ષણ પેદા જ ન થાય એની તૈયારી જ્યારે ખૂબ કામ હતું એ દિવસોમાં જ કરી લેવી જોઈએ.
બને છે એવું કે નિવૃત્તિકાળ એટલે કંઈ ન કરવાનો શાહી સમય હોય એવી ગેરમાન્યતાનો પણ માણસ શિકાર થઈ જાય છે. પોતે આવા શિકારનો ભોગ નથી બન્યો એવું દેખાડવા માટે પૂજાપાઠ અને દેવદર્શન જેવી દેખીતી પ્રવૃત્તિઓ કરવા માંડે છે. આ પ્રવૃત્તિ એના મનોભાવ સાથે સંકળાયેલી હોતી નથી.
આને સત્સંગ ન કહેવાય
મારા સદ્ગત પિતાશ્રી એક્યાસી વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા ત્યારે લગભગ છેલ્લા શ્વાસ સુધી તેઓ કાર્યરત રહ્યા હતા. તેમની જિંદગીનાં છેલ્લાં દસેક વર્ષમાં અમે તેમને નિવૃત્ત થવાનો આગ્રહ કરતા ત્યારે તેઓ સામેથી પૂછતા, ‘નિવૃત્ત થઈને હું શું કરું? પછી મારે શું કામ કરવું? આના જવાબમાં અમે તેમને કહેતા, ‘તમે આરામ કરો અને સવાર-સાંજ બે વાર અહીં મંદિરે કે હવેલીઓમાં જે સત્સંગ થાય છે એમાં જાજો.’ આના પ્રત્યુત્તરમાં પિતાજી કહેતા, ‘આ સત્સંગોમાં જે ડોસાડગરાઓ જમા થાય છે એમની પાસે બીજો કોઈ કામધંધો નથી એટલે વખત ખૂટાડવા ત્યાં આવે છે. એમને સાચા અર્થમાં સત્સંગમાં કોઈ રસ નથી.’ પિતાજીનું આ નિરીક્ષણ જલદ લાગે એવું હોય તો પણ સાચું તો છે જ. માત્ર ટોળું વળીને સમય ખૂટાડવા મંદિરના ઓટલે બેસી જવાથી સત્સંગ બનતો નથી.
નવરાશ ભારે જોખમી છે
તમારે હવે શું કામ છે? એવો પ્રશ્ન વડીલોને પૂછનારા કામઢા માણસોએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે આ પ્રશ્નમાં સમભાવ નથી પણ એક જાતની અવમાનના રહેલી છે. માણસે પોતે તો અવમાનનાની આવી પરિસ્થિતિમાં મુકાઈ ન જ જવું જોઈએ પણ સામાજિક સ્તરે સરકારી કે અન્ય વ્યવસ્થા તંત્રે સુધ્ધાં આવી નવરાશની પળો એમને ન મળે એવી ગોઠવણ કરવી જોઈએ. પ્રવૃત્તિકાળમાં માણસ પોતે જે નથી કરી શક્યો એ બધું હવે નિવૃત્તિકાળમાં રસપૂર્વક કરવા માંડે તો એને સંતોષ કે આનંદ મળવાની પરિસ્થિતિ પેદા થાય છે. હવે અહીં આર્થિક વળતરની અપેક્ષા એ સમજદારીના અભાવનું સૂચન કરે છે.
આવા નિવૃત્ત કહેવાતા વડીલોના કાને અવારનવાર તરુણ કહેવાતી પેઢી દ્વારા એક શબ્દ ઝૂમખું સંભળાતું હોય છે. વિજ્ઞાને ભારે પ્રગતિ કરી છે એમાં કોઈ શક નથી. ગઈ કાલે ટેલિફોન તો ઠીક પણ ટેલિગ્રામ સુધ્ધાં એક અદ્ભુત સાધન મનાતું હતું. આજે સંદેશવ્યવહાર અને બીજી જે સગવડો હાથવગી થઈ છે એનો ઉપયોગ આ નિવૃત્તો સ્વયં કરી શકતા નથી. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે વિજ્ઞાને આપેલી આ નવી પદ્ધતિઓ વડીલો સહજ ભાવે સ્વીકારે એવી માનસિકતાથી પણ દૂર થઈ ગયા હોય છે. પરિણામે શાળા કે કૉલેજના વિદ્યાર્થીઓ જે નવી વૈજ્ઞાનિક શોધખોળને રમતાં-રમતાં સહજ માને છે એવું આ વડીલો કરી શકતા નથી. પરિણામે આ તરુણ પેઢી એક વાત કહે છે - ‘તમને એ નહીં સમજાય.’ જે પેઢીએ સાઠ-સિત્તેર કે એંસી વર્ષમાં અનેક વૈશ્વિક પરિવર્તનો જોયાં અને સ્વીકાર્યાં પણ છે એમને આ નવાં પરિવર્તનો ભારે ગતિશીલ લાગે છે. આ ગતિ સાથે તેઓ દોડી શકતા નથી. તેઓ સમજી શકતા નથી એવું નથી, પણ તરુણ પેઢી જ્યારે તેમની સમજદારી વિશે શંકા કરે છે ત્યારે એમાં ઔચિત્યની ઊણપ આવી જાય છે.
આટલું કરજો
‘તમારે હવે શું કામ છે?’ અને ‘મારે હવે કોઈ કામ નથી’ કે ‘તમે સમજતા નથી’ એવું કોઈને કહેશો નહીં.


