Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણે ભાર રાખવાનું ક્યારથી બંધ કરીશું?

આપણે ભાર રાખવાનું ક્યારથી બંધ કરીશું?

17 July, 2022 02:37 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

તમારી પ્રેઝન્સ માત્ર જો વાતાવરણને ભારે કરી દેતું હોય તો તમારે ખરેખર વિચારવું જોઈએ કે ત્યાં હાજર રહેલા સૌકોઈને તમારાથી કેવો ત્રાસ છૂટતો હશે

આપણે ભાર રાખવાનું ક્યારથી બંધ કરીશું?

આરંભ હૈ પ્રચંડ

આપણે ભાર રાખવાનું ક્યારથી બંધ કરીશું?


આપણે અગાઉ અક્ષયકુમારની થોડી વાતો કરી છે. અક્ષયકુમાર ઍક્ટર તરીકે તો મને, તમને બહુ ગમે, પણ મને અક્ષયકુમારની ઍક્ટિંગ સિવાયની પણ ત્રણ ક્વૉલિટી બહુ ગમે છે. એ ત્રણ ક્વૉલિટી એટલે હેલ્થ મૅનેજમેન્ટ, ટાઇમ મૅનેજમેન્ટ અને વર્ક મૅનેજમેન્ટ. જો તમે એ ત્રણ પર ધ્યાન આપો તો અચૂકપણે તમે ક્યારેય હેરાન ન થાઓ. આ ત્રણ ક્વૉલિટી ઉપરાંતની એક ક્વૉલિટી એવી છે જે રણવીર સિંહ પાસે છે, સ્માઇલ મૅનેજમેન્ટ.
તમે રણવીરને જ્યારે પણ જુઓ, જ્યાં પણ જુઓ અને કોઈની પણ સાથે જુઓ તમારા ફેસ પર સ્માઇલ આવી જ જાય. તે તમને હસાવતો ન હોય તો પણ સ્માઇલ આવી જાય અને તે તમારી સામે જોતો ન હોય તો પણ તેની હરકત જોઈને તમારા ફેસ પર સ્માઇલ આવી જ જાય. આ સ્માઇલ મૅનેજમેન્ટ આપણે સૌએ શીખવાની જરૂર છે. તમે કોઈને પણ મળો, ક્યારેય પણ મળો અને કોઈ પણ સંજોગોમાં મળો. જો તમારામાં પૉઝિટિવિટી હોય તો તમારી પ્રેઝન્સ માત્ર સામેની વ્યક્તિમાં પૉઝિટિવિટી ભરી દે, ચહેરા પર સ્માઇલ લાવી દે. તમે રણવીરની કોઈ પણ હરકત જોશો તો તમને સ્માઇલ જ આવશે. કારણ કે તે મનથી જીવે છે, દિલથી જીવે છે અને તે પોતાને માટે જીવે છે.
રણવીરની પ્રેઝન્સ જ તમને પૉઝિટિવ બનાવી દે એવી છે. હું કહીશ કે તમારી પણ હાજરી એવી જ હોવી જોઈએ. તમારા આવવાથી વાતાવરણ ભારે થઈ જતું હોય તો ખરેખર તમને શરમ આવવી જોઈએ. તમારા આવવાથી જો આજુબાજુમાં બધા શાંત થઈ જતા હોય તો તમારે ખરેખર તમારે માટે વિચારવું જોઈએ. જો તમે એટલા ભારરૂપ હો તો બહેતર છે કે તમે તમારા હોવાની વાત પર રીથિન્ક કરો. તમે પથ્થર નથી, તમે માણસ છો અને માણસ આવે એટલે કોઈના પણ ફેસ પર ખુશી પાથરી દેવી જોઈએ.
રણવીર ક્યાંય પણ હોય, કોઈની પણ સામે હોય તે તરત જ સ્માઇલ પ્રસરાવી દે છે. તે તમને ઍરપોર્ટ પર મળી જાય તો ત્યાં પણ તમારા ચહેરા પર સ્માઇલ લાવી દે. તમને રણવીરની એક વાત કહું. તે નજર નીચી કરીને ક્યારેય ચાલતો નહીં હોય. તેને એવું છે જ નહીં કે હું કોઈની સામે ન જોઉં. જે પોતાને મોટો માણસ માનતો હોય તે કોઈની સામે આંખ મિલાવે નહીં, પણ રણવીર એવો નથી. તે તો પ્રેમથી અને મન મૂકીને કોઈની પણ સામે જોઈ લેશે અને જોઈ લીધા પછી જો સામેની વ્યક્તિ સાથે તેની આંખો મળી જાય તો મોટું, સેવન્ટી એમએમ જેવડું સ્માઇલ પણ કરી દેશે. 
આપણે ત્યાં કેટલા સ્ટાર્સ આવું કરે છે? 
કદાચ, એક પણ સ્ટાર નહીં. અરે, ગુજરાતી ફિલ્મોમાં પણ થોડું નામ કમાઈ લીધું હોય એ સ્ટાર પણ આવું કરતા નથી. કારણ કે તેને પણ એમ જ છે કે પોતે કોઈની સામે જોવાનું ન હોય. રણવીર સિંહ આટલો મોટો સ્ટાર થયા પછી પણ તે જરાય ખચકાશે નહીં અને વિનાસંકોચ લોકોની સામે જોતો-જોતો પસાર થશે. રણવીર સિંહની આ એક આદત એવી નથી જેને કારણે તેના પર આટલું ઇમ્પ્રેસ થઈ જવાનું મન થાય. તેની બીજી પણ એક આદત મેં અત્યારે તમને કહી. તેની સાથે કોઈની પણ આંખો મળે એટલે તે સ્માઇલ કરે. આ આદત મેં યુરોપમાં જોઈ છે, અમેરિકામાં જોઈ છે. બસ, કદાચ આ આદત આપણે ત્યાં એશિયામાં અને ખાસ તો ઇન્ડિયામાં જ મને જોવા નથી મળી.
કોઈની પણ સામે અને ક્યારેય પણ સ્માઇલ કરવું એમાં નાનપ શાની, પણ આપણે એવું કરીએ છીએ. કરીએ છીએ અને આપણે એવું સૌને શીખવીએ પણ છીએ. બાળકોમાં જે નૅચરલ સ્વભાવ છે એને તમે યાદ કરો. તે કોઈની પણ સામે સ્માઇલ કરશે, તે કોઈની પણ સાથે રમશે. ઓળખાણ નહીં હોય તો પણ તે એવી રીતે સ્માઇલ કરી દેશે જાણે તે તેમને પહેલેથી ઓળખતો હોય. આ જે સ્વભાવ છે એ સ્વભાવ આપણને આગળ વધવા નથી દેતો. બાળક જો થોડું મોટું હોય તો આપણે તેને ખિજાઈશું કે ‘શું આ રીતે ગમે તેની સામે સ્માઇલ કરે છે, એવું નહીં કરવાનું.’ આવી આપણી કચકચને કારણે તો તેનો જે નિર્દોષ સ્વભાવ છે એ આપણે બદલી નાખીએ છીએ. આ જ કારણ છે કે આપણે રસ્તા પર સૌકોઈને સોગિયા મોઢા સાથે જોઈએ છીએ. એવા ચહેરે આપણે ફર્યા કરીએ છીએ જાણે આપણા પર દુઃખ તૂટી પડ્યું હોય. આપણે એ સમજવા પણ રાજી નથી કે દુઃખ હોય તો એ આપણું છે, એનાથી દુનિયાને ફરક નથી પડવાનો અને જો તેમને કોઈને ફરક ન પડવાનો હોય તો પછી શું કામ શોક મોઢા પર ઓઢીને ફરવાનું?
જરાઅમસ્તું સ્માઇલ ચહેરા પર હોય તો એ જોનારાને પણ સારું લાગે. તમે જ પૂછો તમારી જાતને, કોઈ તમારી સામે સ્માઇલ સાથે જુએ તો તમને ગમે કે નહીં?
ગમે જ. કોઈને પણ ગમે, તો પછી આ જ જવાબદારી આપણે પણ બીજા પ્રત્યે શું કામ ન નિભાવીએ, શું કામ આપણે પણ સ્માઇલ ઓઢીને ન ફરીએ. સ્માઇલ સાથે રાખીએ અને જે ભાર લઈને ફરીએ છીએ એ ભારને પડતો મૂકી દઈએ.
મેં રીતસર જોયું છે કે મોટા ભાગના યંગસ્ટર્સ ઘરમાં એવી રીતે બિહેવ કરતા હોય છે જાણે તેણે ઘરમાં આવીને બધા પર ઉપકાર કર્યો હોય. ઘરમાં આવીને તમે ફૅમિલી સાથે ભાર બનીને બિહેવ કરતા હશો તો કેવી રીતે અપેક્ષા રાખી શકાય કે એ લોકો તમારી સાથે નૉર્મલ થઈને રહે? કેવી રીતે એવું ધારી શકાય કે પપ્પા છે એ તમને હસાવે અને મમ્મી છે એ તમારી સાથે ટોન્ટ વિના વાત કરે. કેવી રીતે ધારી શકાય કે નાનો ભાઈ તમારી પાસે આવીને ઍડ્વાઇઝ લે અને કેવી રીતે વિચારી પણ શકાય કે બહેન આવીને તમને લાડ કરે? સિમ્પલ નિયમ છે દુનિયાનો, જેવું તમે આપશો એવું તમને મળશે.
તમે ભાર આપો છો એટલે તમને સામે ભાર સાથેનું બિહેવિયર જ મળશે. પપ્પા મનમાં ને મનમાં તમારા પર ગુસ્સો કરતા હશે અને મમ્મી પણ મનોમન ઘરમાં ઝઘડો ન થાય એને માટે પ્રેયર કરતી હશે. ભાઈ ઇચ્છતો હશે કે આ જાય તો સારું અને બહેનને તો પરવા પણ નહીં હોય કે તમે ઘરમાં છો કે નહીં. બહેતર છે કે તમારામાં આજે જ ચેન્જ કરો અને તમારો એ જે ભાર છે એ ભારને ઘરની બહાર મૂકી આવો.
મને એક નાનકડી સ્ટોરી યાદ આવે છે...
એક કઠિયારો હતો. કામ તેનું લાકડાં કાપવાનું એટલે જ તે કઠિયારો કહેવાતો. તે દરરોજ સવારના પહોરમાં ઘરેથી નીકળે અને છેક મોડી રાતે ઘરે આવે. આ વચ્ચેના સમયમાં તે લાકડાં કાપવાનું કામ કરે. સાંજ સુધી લાકડાં કાપે અને પછી એ બધાં લાકડાં બાંધી, પોતાના માથા પર મૂકી ગામમાં જઈને વેચી આવે. જે પૈસા આવે એ પૈસા લઈને તે બજારમાંથી રાશન ખરીદે અને પછી ઘરે જઈને આપે એટલે એ રાશનમાંથી તેની વાઇફ બધા માટે જમવાનું બનાવે. જમવાનું બની જાય એટલે બધાં સાથે હસતાં-હસતાં જમે અને પછી એ કઠિયારો-પપ્પા રાતે બધાં બાળકોને સ્ટોરી કહે. સ્ટોરી પૂરી થાય એટલે બધાં સૂએ અને સવારે બધાં જાગે એ પહેલાં તો જાગીને કઠિયારો કામ પર નીકળી જાય.
કઠિયારાનું આ રૂટીન. દરરોજ આમ જ કરવાનું, પણ આ આખા કામમાં એક વાત એવી હતી જે ભગવાને નોટિસ કરી. કઠિયારો લાકડાં વેચી, એમાંથી આવેલા પૈસામાંથી રાશન ખરીદી ઘરે આવે એટલે તે ઘરની દીવાલ પર પોતાના બે હાથ ઘસે અને હાથ ઘસ્યા પછી કપડાં ખંખેરી નાખે. 
આવું જોઈને ભગવાનને બહુ નવાઈ લાગી. વર્ષોથી ચાલતો આ નિયમ જોઈને ભગવાનથી રહેવાયું નહીં એટલે તેઓ પ્રગટ થયા અને કઠિયારાને પૂછ્યું, ‘આ તું શું કરે છે, હાથ દીવાલ પર ઘસવાના અને પછી કપડાં ખંખેરીને જ અંદર જવાનું, આવું શું કામ?’ કઠિયારાએ બહુ સરસ જવાબ આપ્યો,
‘હું મારો ભાર, થાક, કંટાળો અને આળસ ખંખેરીને ઘરમાં દાખલ થાઉં છું. કામ મારી જવાબદારી છે એટલે એ બધું બહાર મૂકી દેવાનું અને પછી જ ઘરમાં જવાનું અને બધાં સાથે પ્રેમથી રહેવાનું.’
નાનો હતો ત્યારે સાંભળેલી આ સ્ટોરી આજે યાદ આવે છે ત્યારે કહેવાનું મન થાય છે કે આપણે એ કઠિયારાથી પણ બદતર નથી બની ગયા?
પૂછજો તમારી જાતને અને જવાબ જો ‘હા’ આવે તો બધું બહાર ખંખેરીને ઘરમાં જવાનો નિયમ બનાવી લેજો.

 મોટા ભાગના યંગસ્ટર્સ ઘરમાં એવી રીતે બિહેવ કરતા હોય છે જાણે તેણે ઘરમાં આવીને બધા પર ઉપકાર કર્યો હોય. ઘરમાં આવીને તમે ફૅમિલી સાથે ભાર બનીને બિહેવ કરતા હશો તો કેવી રીતે અપેક્ષા રાખી શકાય કે એ લોકો તમારી સાથે નૉર્મલ થઈને રહે? 


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2022 02:37 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK