Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીના યહાં, મરના યહાં...

જીના યહાં, મરના યહાં...

26 February, 2023 03:16 PM IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

સરકારી શાળાઓને ગાળો ભાંડવાની ફૅશનના ગાલ પર તમાચો મારવાના હેતુથી સરકારી શિક્ષકની હાલત શું છે એ કહેવાનો પ્રયત્ન કર્યો છે. એમાં મારી અંદર રહેલા શિક્ષકની વેદના છુપાયેલી છે. જો પારખી શકો તો પારખી લેજો

પ્રતીકાત્મક તસવીર

લાફ લાઈન

પ્રતીકાત્મક તસવીર


શેરીમાંથી એક કસાઈ એક બકરીને ખેંચીને હલાલ કરવા લઈ જતો હતો. બકરીને ભાંભરતી જોઈને દસ વરસના એક બાળકે કસાઈને પૂછ્યું, ‘બકરીને ક્યાં લઈ જાઓ છો?’
કાકા કસાઈ કહે, ‘હલાલ કરવા.’ 
છોકરો કહે, ‘ઓય... ઓય... તો આ બકરી ૨ડે છે શું કામ? મને તો એમ કે તમે એને નિશાળે લઈ જાતા હશે!’
ગોવર્ધન પર્વત જેવડું દફ્તર ઉપાડી-ઉપાડીને પ્રાથમિક શાળામાં ભણતાં ભૂલકાંઓના વાંહા રહી ગ્યા છે, પણ વાલીઓને ક્યાં ફિકર છે? રેસના ઘોડાની જેમ બાળકોને ટકાવારી માટે દોડાવ્યે જાય છે. તગડી ફી ભરીને છોકરાને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવો મોભો ગણાય છે. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એટલે આપણા દેશમાં પહેલાં ગુરુકુળો સ્થપાતાં અને હવે બાળકોને આખો દી’ સાચવવાં ન પડે એટલે આ ડે-સ્કૂલોનો જન્મ થયો છે.
પપ્પા બિઝનેસ અને મોબાઇલમાંથી નવરા થાય તો તેનાં બાળકોને વાર્તા કહેને? મમ્મીને સિરિયલો અને કિટી પાર્ટીમાંથી ટાઇમ મળે તો હાલરડાં ગાયને! જોકે હવેનું ઍડ્વાન્સ જનરેશન હાલરડાં શરૂ થાય ઈ ભેગું સૂઈ જાય. તે વિચારે કે મમ્મીનાં આવાં બેસૂરાં હાલરડાં સાંભળવાં એના કરતાં તો સૂઈ જાવું સારું!
સિમેન્ટનાં રાક્ષસી જંગલો જેવાં શહેરોમાં માટીની ધૂળમાં રમતા બાળપણનું ક્યાંક દફનાવાઈ ગયું છે. કૉન્વેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓનો જે દિ’ જન્મ પણ નહોતો થયો ત્યારે માત્ર સરકારી પ્રાથમિક શાળાઓ જ હતી. ટાંચાં સાધનો હોવા છતાં કેળવણીની ઊંચી ગુણવત્તા હતી. સુરત, અમદાવાદ, રાજકોટ કે મુંબઈમાં સર્વે કરી લેવાની છૂટ.
શહેરના ટોચના ઉદ્યોગપતિ, ડૉક્ટર કે કોઈ પણ ક્ષેત્રના સફળ માણસને પૂછજો; તેનું બાળપણ ગામડામાં વીત્યું હશે અને અભ્યાસ સરકારી નિશાળમાં! આનો સીધો અર્થ ઈ કે કેળવણી, સફળતા, સભ્યતા કે સંસ્કારો કોઈ સિલેબસ કે મીડિયમનાં મહોતાજ નથી હોતાં વ્હાલા!
આપણે નાના હતા ત્યારે ઢઈડીને આપણને નિશાળે તાણી જાવા પડતા’તા, કારણ કે આપણને દલપતરામ ને નરભેશંકર ને મંછારામ જેવા કાનમાંથી વાળ દેખાતા હોય એવા છત્રીધારી, ખાદીધારી, ટોપીધારી ને ધોતિયાધારી કડક માસ્તરો ભણાવતા હતા.

અત્યારની પેઢી સામેથી હરખુડી થઈને નિશાળે વહેલી ભાગે છે કે તેને જીન્સ અને ટી-શર્ટમાં ચિત્રા ટીચર, વિદ્યા ટીચર ને પિન્કી ટીચર ભણાવે છે. આયી બાત સમઝ મેં? યાદ રાખજો, જ્યારથી માસ્તરોએ સોટી મૂકી છેને ત્યારથી જ આ દેશમાં પોલીસે ધોકો ઉપાડવો પડ્યો છે. સરકારી નિશાળુના શિક્ષકોની હાલત શું છે? લ્યો સાંભળો સાવ સાચકલી વારતા! 
બી.એલ.ઓ. નામની એક બલા માતેલા સાંઢની જેમ કેળવણીના ખેતર ૫૨ છેલ્લાં પાંચ વરહથી બેફામ થઈને ફરી ને ચરી રહી છે. શિક્ષણ સાથે સીધી રીતે ન સંકળાયેલી જાહેર જનતા કદાચ ન જાણતી હોય તો કહી દઉં કે આપણા દેશમાં જેટલી પણ રાષ્ટ્રીય કામગીરીઓ કરવાની હોય છે એમાં નેવું ટકા પ્રાથમિક શાળાના શિક્ષકો ફરજિયાત હોય છે (બાળશિક્ષણના ભોગે). 
ચૂંટણીઓમાં તમે જોયું હશે કે જે મતદારયાદીની સ્લિપનું વિતરણ દરેક પક્ષના ભાડે રાખેલા સાવ નવરા કાર્યકર્તાઓ કરતા હતા એ કામગીરી પણ આ બિચાડા બી.એલ.ઓ.ને સોંપવામાં આવી હતી, કારણ કે આપણી સિસ્ટમ કદાચ (મારા મતે) એવું માને છે કે મતદા૨ના છોકરાઓ ભણશે નહીં તો ચાલશે, પણ તેમના ફોટો યાદીમાં નહીં આવે તો ધ૨તી રસાતળ જશે ને દેશનો વિકાસ રૂંધાઈ જશે! સમજી ગયાને? 



હજી તો રાહ જુઓ. આ માસ્તરોને પરિપત્રો આપવાના બાકી છે કે તમે વર્ગખંડો છોડીને તે મતદા૨ના ઓટલે જ લેણિયાતની જેમ બેઠા રહો. મતદારના ઘરે કોઈને સારા દિવસોની શરૂઆત થાય કે તરત સુવર્ણપ્રાશન અને સુખડી પહોંચાડો. તેના ઘરમાં કો’ક નવું જન્મે તો તરત વસ્તીગણતરીમાં નામ ઉમેરો ને એનો પણ ફોટો મામલતદાર કચેરીએ તાત્કાલિક પહોંચાડો. મતદારના ઘરે ટીવી કે સ્કૂટર આવે કે તરત આર્થિક ગણતરીમાં ઉમેરી લ્યો. તેનું છોકરું હાલતું થાય કે તરત તેને આંગણવાડી સુધી લઈ આવો. જેવું ઈ બાળક દોડતું થાય કે તેને સીધું ‘પ્રવેશોત્સવ’માં નિશાળે ખેંચી લાવો. યાદ રાખજો માસ્તરો, દેશની વસ્તી વધવી ન જોઈએ અને નિશાળમાં ‘વસ્તી’ (?) ઘટવી ન જોઈએ. 
હું એવા મારા ઘણા બી.એલ.ઓ. મિત્રોને નામજોગ ઓળખું છું જેમના ખિસ્સામાંથી મતદારયાદીમાં બાકી રહી ગયેલી મહિલાઓના ફોટો નીકળ્યા અને તે માસ્તર સાહેબનાં પત્ની વિફર્યાં. મેં મધ્યસ્થી કરીને મામલતદાર કચેરીના સ્ટાફ સાથે ઈ ભાભીની વાત કરાવીને તેનું દામ્પત્યજીવન પતી જાતાં અટકાવ્યું છે. નહીંતર બિચાડો બી.એલ.ઓ. બાયડીમાંથી પણ લટકી જાત.
યાદ રાખજો કે જે દેશના શિક્ષકને ડરપોક બનાવી દેવામાં આવે એ દેશની આવનારી પેઢી માનસિક રીતે નપુંસક પાકે. આ કોઈ સર્વે નથી, એક શિક્ષકની ભવિષ્યવાણી છે; કારણ કે અહીં ક્લેક્ટર ડેપ્યુટી ક્લેક‍્ટરને ઘઘલાવે છે એટલે ડેપ્યુટી કલેક્ટર પોતાની નીચે આવતા કેળવણી નિરીક્ષકોને તતડાવે છે. નિરીક્ષકો આચાર્યોને ધમકાવે તો પછી આચાર્યો માસ્તરોને સંભળાવે છે અને અંતે માસ્તરો બાળકો પર તૂટી પડે છે. થોકબંધ આંકડાકીય કામગીરીઓના કરોળિયાનાં જાળાંઓથી કંટાળીને માસ્તરો સક્રિય રીતે નિષ્ક્રિય થઈ જાય છે અને અંતે બાળકની કેળવણીનો કચ્ચરઘાણ વળી જાય છે.
શિક્ષકપ્રેમીઓ જાગો! હે સંગઠનના મોભીઓ જાગો! રાષ્ટ્રીય કામગીરીઓનો જે ગાંઠો શિક્ષકોના પગમાં બટકી ગ્યો છે એ જો ટા’ણાસર નહીં કાઢો તો સમગ્ર દેશની કેળવણી લંગડાઈ જાશે. સાચો શિક્ષક ડાયનોસૉરની જેમ લુપ્ત થઈ રહ્યો છે. તેનો આત્મવિશ્વાસ ઑક્સિજન પર આવી ગ્યો છે. ડૂંટીએ ફૂંક મારીને માસ્તરોની બીક ઉડાડો બાપલા!
હે વાલીમિત્રો, સરકારી નિશાળમાં શિક્ષણ ખાડે ગયું છે એવું બોલતાં પહેલાં ઈ પણ વિચારજો કે ઈ ખાડો કોણે-કોણે ગાળ્યો છે? ઑલરેડી એ બિચાડા ઉત્સવો–મેળાઓ અને ભાતભાતના સર્વેના ટાંગામેળ કરવામાંથી ઊંચા જ નથી આવતા. એમાં આ બી.એલ.ઓ. પડ્યા પર પાટા સમાન છે.


શિક્ષકો કામચોર હરગિજ નથી, પણ એમને શિક્ષણ સિવાયનું જ બધું કામ માથા ૫૨ મેમાની રિવૉલ્વર રાખીને સોંપાઈ રહ્યું છે એ અટકાવી શકાય તો અટકાવો, નહીંતર પછી સફાઈ-કામદારોને પણ રજા આપી દો.

મૉરલ ઑફ ધ સ્ટોરી, શિક્ષકો કામચોર હરગિજ નથી, પણ તેમને શિક્ષણ સિવાયનું જ બધું કામ માથા ૫૨ મેમાની રિવૉલ્વર રાખીને સોંપાઈ રહ્યું છે એ અટકાવી શકાય તો અટકાવો, નહીંતર પછી સફાઈ-કામદારોને પણ રજા આપી દો. શિક્ષકો શેરીની ગટરું પણ સાફ કરી નાખશે. વર્ગો રેઢા મૂકીને ગામની ભૂંડ-ગણતરી, ખૂંટિયા-ગણતરી ને ઉંદર-ગણતરી પણ કરવા લાગશે. એકાદ ફલાણી-ઢીંકણી કલમ દાખવતો પરિપત્ર ઠપકારો એટલે માસ્તરો તો મરેલા કૂતરા પણ ઉપાડી આવશે! આમે’ય તમને આવા શિક્ષિત–સમજદાર અને મૂંગા ગુલામ આ ભાવે થોડા મળવાના છે? હા, સમય મળે તો નિશાળુના ફળિયામાં કેળવણીની લાશ પડી છે. પરિપત્ર વગર તમે ઉપાડી જાજો.
માસ્તર બાપડો તો કાગળિયાં લઈને ગણતરીમાં લાગી ગ્યો છે. 
જાએં તો જાએં કહાં? 
જીના યહાં મરના યહાં...


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2023 03:16 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK