દુનિયામાં એવો એકેય માણસ નથી જે પોતાને સારો માણસ માનતો ન હોય. માણસ પોતાનામાં રહેલી ખરાબીને નથી સમજતો એવું નથી, પણ આ ખરાબીને તે સારા પ્રમાણમાં સિદ્ધ કરવાની આજીવન મથામણ કરતો હોય છે
પ્રતીકાત્મક તસવીર
કેટલાક પરિવાર કાંદા-લસણને ખોરાકી વ્યંજન તરીકે સ્વીકારતા નથી. કાંદા અને લસણ બન્ને વૈદકીય દૃષ્ટિએ ખોરાકી પદાર્થ તરીકે ઉપયોગી છે અને છતાં સાંપ્રદાયિક કારણસર કેટલાય પરિવારમાં એને બહિષ્કૃત કરવામાં આવે છે. એ જ રીતે માંસાહાર વિશે પણ કહી શકાય. માંસાહાર નહીં કરનારાઓની સંખ્યા કંઈ નાનીસૂની નથી. તો માંસાહાર કરનારાઓની સંખ્યા એનાથી અવશ્ય ઘણી મોટી છે. જે લોકો કાંદા-લસણ કે માંસને પોતાના ભોજનમાં વર્જ્ય ગણે છે તેમના ચિત્તમાં કાંદા-લસણ કે માંસને આહાર તરીકે સ્વીકારનારાઓ પ્રત્યે ઊંડો-ઊંડો અણગમો પણ ધરબાયેલો હોય છે. આ અણગમો તેઓ વ્યવહારમાં પ્રગટ નથી કરતા એ સામાન્ય સભ્યતાની નિશાની છે. એટલું જ નહીં, પોતે કાંદા-લસણ કે માંસ નથી ખાતા એટલે આવું ખાનારાઓ કરતાં પોતે કંઈક ચડિયાતા છે એવી એક લાગણી પણ તેમના મનમાં રહેલી જ હોય છે. વાત-વાતમાં ક્યારેક આ લાગણીનો ઊભરો પ્રગટ પણ થઈ જાય છે, ‘બીજું બધું તો ઠીક, પણ એ ભાઈ માંસાહારી છે એટલે...’ એટલું કહીને વાક્ય અધૂરું છોડી દઈને કહેનાર ઘણું કહી દે છે.
એક અઘરી શોધ
મૂળ મહાભારતમાં ક્યાંય નથી અને છતાં કથાકારો મહાભારતના નામે એક વાત અવારનવાર કહે છે કે એક વાર હસ્તિનાપુરના રાજકુમારોને અભ્યાસ કરાવતા ગુરુ દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પૂછ્યું,
‘યુધિષ્ઠિર, આ જગતમાં સૌથી ખરાબ માણસ કોણ છે?’
‘ગુરુદેવ!’ યુધિષ્ઠિરે તાત્કાલિક ઉત્તર આપ્યો, ‘મને તો આ જગતમાં કોઈ માણસ ખરાબ દેખાતો જ નથી.’
‘અને બેટા દુર્યોધન!’ હવે ગુરુદેવે દુર્યોધનને પૂછ્યું, ‘તને શું લાગે છે? તારી દૃષ્ટિએ દુનિયામાં સૌથી સારો માણસ કોણ છે?’
‘સારો માણસ!?’ દુર્યોધને ટપાક કરીને જવાબ આપ્યો, ‘મને તો આ દુનિયામાં કોઈ માણસ સારો લાગતો જ નથી.’
કથાકારો આ પ્રસંગને એવું કહીને સમજાવી દે છે કે યુધિષ્ઠિર સારા માણસ હતા એટલે તેમને કોઈ માણસ ખરાબ દેખાતું નહોતું. બધા જ માણસો સારા લાગતા હતા. દુર્યોધન સારો માણસ નહોતો એટલે તેને આખી દુનિયામાં બધા જ માણસો ખરાબ લાગતા હતા. વાસ્તવમાં ઝીણવટથી કશાય વળગણ વિનાના તટસ્થ ભાવે જોઈએ તો યુધિષ્ઠિર અને દુર્યોધન બન્ને તેમના નિરીક્ષણમાં સાચા છે.
દુનિયામાં એવો એકેય માણસ નથી જે પોતાને સારો માણસ માનતો ન હોય. માણસ પોતાનામાં રહેલી ખરાબીને નથી સમજતો એવું નથી, પણ આ ખરાબીને તે સારા પ્રમાણમાં સિદ્ધ કરવાની આજીવન મથામણ કરતો હોય છે.
ઢીંકણીબહેન કે ફલાણાભાઈ સારા માણસ છે એવું જ્યારે કોઈ કહે ત્યારે એનો અર્થ એટલો જ થાય કે એ ભાઈ અથવા બહેન તમારી કોઈ ચોક્કસ માન્યતા કે ગમા-અણગમા સાથે સહમત થાય છે. એ તત્કાલીન-તાત્પૂરતી જ વાત હોય છે. આવતી કાલે કશુંક એવું બને છે કે તમારી માન્યતા બદલાઈ જાય છે. આ બદલાવ માટે વાજબી કારણ પણ હોય અને આમ છતાં પહેલાં ફલાણાભાઈ કે ઢીંકણીબહેન તમારા આ પરિવર્તન સાથે સહમત ન થાય, તમારા આ વાજબી કારણને વાજબી ન માને તો તેમના વિશેનો તમારો મત પણ બદલાઈ જવાનો. એવું બને કે સમાજના વ્યવહારમાં તમારા સૌજન્યને ક્યાંય ડાઘ ન લાગે એટલા પૂરતું તમે પેલા માણસને ખરાબ માણસ તરીકે પ્રસ્થાપિત નહીં કરો, પણ તમારા મનમાં પેલી જૂની છાપ તો બદલાઈ જ જશે.
થપ્પો મારીએ અને પછી....
બને છે એવું કે આપણે આપણા વિશે એક ચોક્કસ ઇમેજ ઊભી કરી લઈએ છીએ. ‘હું આવો છું’ કે ‘હું તેવો નથી’ એ પ્રકારની એક મૂર્તિ મનોમન ઘડી કાઢીએ છીએ. એ પછી આપણો સમગ્ર જીવનવ્યવહાર આ મૂર્તિના રક્ષણ માટે જ જાણ્યે-અજાણ્યે ઘડાઈ જાય છે. એ પછીનો આ વહેવાર પારિશ્રમિક પણ નથી હોતો, સાવ સહજ બની જાય છે. આપણે જેવા છીએ એના કરતાં કેવા હોવા જોઈએ એ વાદળિયા શિલ્પના રક્ષણને જીવનકર્મ માની લઈએ છીએ. અહીં સારું-ખરાબ કે સાચું-ખોટું કહેવાનો આશય નથી. માત્ર નઠોર વાસ્તવિકતાને સમજવાનો આયાસ છે.
‘મારાથી ખોટી વાત સહન જ ન થાય’ એવું પોતાના વિશે છડેચોક કહેનાર કેટલા માણસોને તમે સાંભળ્યા છે? બનવાજોગ છે કે તમે પણ આમાંના એક હો અને છતાં પરિવારમાં, પાડોશમાં, મિત્રો વચ્ચે, વ્યવસાયમાં ખોટી વાત સમજવા છતાં શાંત રહેવું પડે છે એને યાદ કરો. આ આત્મનિરીક્ષણ ભારે અઘરું છે, ખાસ કરીને પ્રામાણિક આત્મનિરીક્ષણ! માથામાં વાળ
ઓળવા પૂરતું અરીસામાં ચહેરો જોઈ લઈએ એટલું પૂરતું નથી. વધુ વાર અરીસા સામે ઊભા રહીને આંખમાં આંખ પરોવવી એ ભારે દુષ્કર કામ છે.
સારાઈ બૂરાઈથી વધારે બૂરી છે
કેટલીક વાર શાસ્ત્રોમાં સારપને સ્વભાવગત કહે છે. આ સ્વભાવ એટલે આજની ભાષામાં તમે એને ‘જીન્સ’ પણ કહી શકો. કેટલાક માણસની પ્રકૃતિ જ એવી હોય છે કે ગમે એવી બૂરાઈ સામે પણ સારપ છોડી શકે નહીં. યુધિષ્ઠિર સારા માણસ હતા એટલે દ્રૌપદીનું અપહરણ કર્યા પછી પણ જયદ્રથને કેદ પકડવા છતાં શિક્ષા ન કરી - ક્ષમા કરી દીધો - મુક્ત કરી દીધો. દુર્યોધનને ગંધર્વ પાસેથી છોડાવીને તેને પણ માફ કરી દીધો. સારપ જ્યારે અમુક સરહદ વળોટી જાય છે ત્યારે એ સારપ નથી રહેતી. સંતપુરુષ સ્વભાવગત જ સારા માણસ હોય છે. નદીમાં સ્નાન કરી રહેલા એક સંતે પાણીમાં ડૂબી રહેલા એક કરચલાને પોતાની હથેળીમાં ઊંચકીને બચાવી લીધો. સંતની આ પ્રકૃતિદત્ત સારપ હતી, પણ પેલા બચી ગયેલા કરચલાએ તરત જ સંતની હથેળીમાં ડંખ દીધો. ડંખની પીડાને કારણે સંતની હથેળીમાંથી કરચલો પાછો પાણીના પ્રવાહમાં પડી ગયો અને ડૂબવા માંડ્યો. સંતે ફરી પાછો એને હથેળીમાં ઊંચકીને બચાવી લીધો. સંત સારપનો તેમનો સ્વભાવ ન છોડે અને કરચલો કરડવાની એની ઝેરી પ્રકૃતિ ન છોડે એવું અહીં ઉદાહરણાર્થે કહી શકાય, પણ વહેવારિક જીવનમાં સંતે કરચલા સાથેના વ્યવહારમાં સારપ એકાદ વાર દેખાડાય, પણ એ પછી તો એ સારપને છોડવી જ પડે. કેટલીક બૂરાઈઓ સુધી સારપ ન પહોંચે એમાં જ એની સારપ છે.
માણસજાતની સારપ કે બૂરાઈ, કાંદા-લસણ કે માંસાહાર જેવી મર્યાદાને ઉલ્લંઘી જાય એટલું જ નહીં, આ મર્યાદાની પેલે પાર પહોંચીને એને સાચા અર્થમાં ઉજ્જ્વળ કરે એ દિવસની રાહ જોઈએ.
કામ : કયું સારું અને કયું ખરાબ?
ADVERTISEMENT
દુનિયાના કણેકણમાં પ્રત્યેક ક્ષણે કોઈ ને કોઈ કામ અવિરત ચાલુ જ હોય છે. દરેક કામ વિશે એનો કર્તા એવું જ માનતો હોય છે કે તે એક સારું અને ઉપયોગી કામ કરી રહ્યો છે. યુદ્ધ કોઈને ગમતું નથી અને આમ છતાં યુદ્ધ વિનાનો એકેય દિવસ ઊગતો નથી કે કોઈ દિવસ આથમતો નથી. છેલ્લા થોડા દસકાઓમાં આતંકવાદ નામનો ભયાનક રાક્ષસ માણસજાતને શરમજનક અવસ્થામાં મૂકી રહ્યો છે અને છતાં આતંકવાદનો વિસ્તાર વધતો જાય છે. આનો અર્થ એવો થાય છે કે માણસનું સારપ કે બૂરાઈ એ બન્ને વચ્ચે કોઈ ચોક્કસ વિભાજન રહ્યું જ નથી! બળાત્કાર જેવા અધમાધમ ગણાયેલા કામ માટે પણ અત્યંત સખત સજા જાહેરમાં થવી જોઈએ. એવા કૃત્યને પણ સારપ સ્પર્શી જાય એ માનવજાતની લાચારી છે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

