Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લગ્નના ઢોલ ઢબૂકે ત્યારે...

લગ્નના ઢોલ ઢબૂકે ત્યારે...

27 April, 2024 11:20 AM IST | Mumbai
Dr. Dinkar Joshi

આ Wedding Festivities એટલે લગ્ન પૂર્વેનો આનંદ ઓચ્છવ

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


દુનિયાના ટોચના ધનપતિઓમાં જેમની ગણના થાય છે એવા શ્રી મુકેશ અંબાણીના ઘરમાં હમણાં એક લગ્નપ્રસંગ ઊજવાયો. આ લગ્નપ્રસંગ નિમિત્તે તેમના પરિવારે જેને Wedding Festivities આવા શબ્દથી ઓળખાવ્યો હતો એવો ઉત્સવ જામનગરમાં થયો હતો. આ Wedding Festivities એટલે લગ્ન પૂર્વેનો આનંદ ઓચ્છવ.

અખબારી અહેવાલોને જો સાચા માનીએ તો ત્રણ દિવસમાં બારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. આ Pre-Wedding ઉપરાંત Pre-Wedding Photographs પણ પડાવાય છે. આ ફોટોગ્રાફીમાં એક પૂરી ટીમ સાથે વર-કન્યા પસંદગીના હિલ-સ્ટેશન કે એવા જ કોઈક રમણીય સ્થાને જઈને જાતજાતની અને ભાતભાતની તસવીરો પડાવે છે.



લગ્ન પૂર્વેનો પારિવારિક આનંદ ઓચ્છવ એ કોઈ નવી વાત ન કહેવાય. હવે લગ્ન માટેનું સ્થળ પણ વર કે કન્યાનું નિવાસસ્થાન નથી રહ્યું. હવે Wedding destination તરીકે ખિસ્સાને અનુકૂળ આવે એવા દુનિયાભરમાં કોઈ પણ સ્થળની પસંદગી કરવામાં આવે છે. આમાં વિદેશી સ્થળ પણ સમાવિષ્ટ થઈ જાય છે અને જેની એક અવરજવર માટે લાખ રૂપિયાની ટિકિટ થાય એવા સ્થળે એ ઓચ્છવ માણવામાં આવે છે.


જુઓ અમારા આ ઓચ્છવને

અંબાણી પરિવારની આ ધામધૂમને કારણે આપણી વ્યવસ્થામાં જે ધામધૂમ થતી રહી છે એને સંભારવા જેવી છે. આપણી પરંપરામાં આ Pre-Wedding જે રીતે વિધિવિધાન તરીકે રિવાજ કે રૂઢિની જેમ ગોઠવાઈ ગયા છે એ વિશે નજર નાખવા જેવી છે. સામાન્ય રીતે લગ્નના દિનાંક વિશે વરકન્યાના વડીલો વચ્ચે સમજૂતી થઈ જાય કે પછી કન્યાના પિતૃગૃહથી વરના પિતૃગૃહે જેને કંકોતરી કહેવાય છે એને નિમંત્રણ તરીકે મોકલવામાં આવે છે. જે દિવસથી કંકોતરી લખાય છે એ જ દિવસથી બન્ને પરિવારોમાં આ Pre-Wedding festivities શરૂ થઈ જાય છે. કંકોતરી લખાયાના/મળ્યાના જ દિવસથી રોજ સવારે બન્ને આંગણે નિયમિત ઢોલ-શરણાઈ વગાડવાની શરૂઆત થઈ જાય છે. અહીં આ પરિવારમાં લગ્ન છે એની જાણ લોકોને થઈ જાય છે. આ કંકોતરીના દિવસથી જ રોજ સાંજે આડોશપાડોશ તથા સગાંસ્નેહી પરિવારની સ્ત્રીઓ એકત્રિત થઈને લગ્નગીતો ગાય છે. આ લગ્નગીતો પર પણ એક નજર નાખવા જેવી છે. વરકન્યાની પસંદગી ભલે પરિવારના વડીલોએ કરી હોય, પણ પહેલું જ લગ્નગીત કન્યાના સ્વયંવરનું સૂચન કરે એવું છે. એના શબ્દો જુઓ :


કુમારી કંઈ ચડી છે રે માળ સુંદર વરને નિરખવા અહીં દીકરી પોતાના ભરથારને પસંદ કરવા દાદાની હવેલીના ઉપરના માળે ચડીને ગામમાં નજર નાખે છે. પસંદગી થતાં વેંત તે દાદા પાસે આવે અને દાદાને લાડપૂર્વક કહે છે :

દાદા મોરા એ વર પરણાવો

એ વર છે વહેવારિયો

અહીં વ્યવહારકૌશલ્યને સૌપ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. વરમાં બીજી કશી વિશેષતા હોય કે ન હોય, પણ વ્યવહારમાં શાણપણ અને વિવેક સૌથી પ્રથમ સ્થાને રહે છે. આ પછી આ કન્યા દાદાને વરની પસંદગી માટેનાં બીજાં પ્રમાણો આપે છે.

ભણતો’તો ભટ્ટની નિશાળે

અક્ષરે મારા મન મોહ્યા

રમતો’તો ગેડી દડુલે

દડુલે મારા મન મોહ્યા

કન્યાની આ પસંદગીનું પ્રમાણ તપાસો - વર ભણેલોગણેલો હોવો જોઈએ એનો સંકેત આ ભટ્ટની નિશાળમાં છે અને પછી શારીરિક સ્વસ્થતા અને સ્વાસ્થ્યનો સંકેત તે ગેડી-દડે રમે છે એનો ઉલ્લેખ કરીને થયો છે. (આ ગેડી-દડો તમને યાદ છે? ગોકુળમાં કૃષ્ણે બાળસખાઓ સાથે રમતી વખતે જે દડાને કાળી નાગના રહેઠાણમાં ફેંકી દીધો હતો એ રમતનું નામ ગેડી-દડો.) રોજ લગ્નગીતો ગવાયા પછી ખારેક કે પતાસાંની વહેંચણી થાય અને મીઠું મોઢું કરીને સહુ છૂટા પડે.

પીઠી અને મીંઢળ

નિશ્ચિત થયેલી લગ્નતિથિના એક કે બે દિવસ પહેલાં બન્ને પરિવારોના આંગણે મંડપારોપણ કરવામાં આવે છે. આ મંડપારોપણ શુભનો સંકેત છે. વર અને કન્યા બન્નેના દેહ હળદર વડે ચોળવામાં આવે છે એને પીઠી કહે છે. હળદરની પસંદગી પાછળનું રહસ્ય સમજવા જેવું છે. હવે આજથી વર-કન્યાનો દૈનિક સ્નાનવિધિ બંધ થઈ જશે. હવે પછીનું બીજું સ્નાન લગ્નના દિવસે જ કરવામાં આવશે. આની પાછળ જે સમજ રહેલી છે એને આપણા પૂર્વજોએ કામશાસ્ત્ર સાથે સાંકળી લીધી છે. લગ્ન પછીનો બીજો દિવસ એટલે વર-કન્યાની સુહાગ રાત. આ રાત એટલે બ્રહ્મચર્યાશ્રમની વિદાય અને દામ્પત્ય ધર્મનો આરંભ. આ આરંભમાં શરીર સૌંદર્ય, અંગોપાંગોનું માર્દવ વધારે ઉત્તેજિત તત્ત્વ છે. શરીર પર ચોળેલી હળદરમાં એક સૌંદર્યવર્ધક ગુણ સમાયેલો છે. આ ગુણને આવા વિધિવિધાન વડે પારંપરિક કરી દેવામાં આવ્યો છે. હવે વર-કન્યા બન્નેથી બહાર નહીં જવાય. બન્ને કોઈ અજાણી જગ્યામાં જાય અને ક્યાંક ન થવા જેવું થઈ જાય એવું જોખમ હવે ન લેવાય. આસપાસ હવામાનમાં જે પ્રદૂષણ ફેલાયેલું હોય એનો પ્રતિકાર કરવા માટે મીંઢળમાં પ્રાકૃતિક વિશેષતા રહેલી છે. આમ વર-કન્યા બન્નેને આવી રહેલી સુહાગ રાત માટે અગાઉથી જ સુરક્ષિત કરી દેવામાં આવે છે.

લગ્ન - ઓચ્છવથી કંઈક વિશેષ

લગ્ન એટલે બન્ને પરિવારોમાં ઓચ્છવ તો ખરો જ પણ ઓચ્છવ ઉપરાંત એક સામાજિક અને આધ્યાત્મિક પ્રસંગ છે એની યાદ આપવામાં આવે છે. આ લગ્નગીતો સુધ્ધાંમાં જે શાબ્દિક વણાટ હોય છે એના સાંકેતિક અર્થ સાથે સમજવા જેવો છે. કન્યાવિદાયની ક્ષણે સાસરે જતી કન્યાને શીખ આપવામાં આવે છે. માતા દીકરીને વળામણાં કરતાં ગીતમાં કહે છે :

જેઠ દેખીને ઝીણા બોલજો જેઠાણીના વાદ ન વદજો, નાની નણંદ જાશે સાસરે એનાં માથડાં ગૂંથજો, નાનો દિયરિયો લાડકો એના હસવાને ખમજો દીકરી લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેવાની છે એટલે સંયુક્ત પરિવારમાં નવી આવેલી વહુએ શી રીતે રહેવાય એનું અહીં નિદર્શન કરવામાં આવ્યું છે. જેઠ અને જેઠાણી સાથે રહેવું કે નણંદ કે દિયર સાથે કેમ વર્તન કરવું એ સમજાવી દેવામાં આવે છે. ઓચ્છવ પૂરો થઈ જાય, સહુ કોઈ વિખેરાઈ જાય એ પછી જે સંસાર શરૂ થવાનો છે એ સંસારમાં વ્યવહારિક શાણપણ અનિવાર્ય છે. આ વ્યવહારિક શાણપણના પદાર્થ પાઠ આપણી Pre-Wedding ceremonyમાં ગૂંથી લેવામાં આવ્યા છે. આ ceremonies ને રિવાજ કે રૂઢિ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.

બન્યું છે એવું કે આ રિવાજ કે રૂઢિના અસલી રૂપને પાછળ હડસેલીને નર્યો ઓચ્છવ નવા રૂપરંગ સાથે છવાઈ ગયો છે. આખરે તો માણસને આનંદ જોઈએ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 11:20 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK