Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આજે પણ વપરાય છે અહીં માટીનાં વર્સેટાઇલ વાસણો

આજે પણ વપરાય છે અહીં માટીનાં વર્સેટાઇલ વાસણો

Published : 01 January, 2023 11:36 AM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુજરાતના આદિવાસી બેલ્ટ દાહોદ, તાપી, ડાંગ, લીમખેડા, ઝાલોદ, સોનગઢ, ગરબાડામાં આજે પણ રસોઈ બને છે માટીનાં વાસણોમાં. અહીં આધુનિકીકરણ એટલું પ્રવેશ્યું ન હોવાથી આજે પણ અનાજનો સંગ્રહ કરવા માટે માટી અને છાણમાંથી હાથે બનાવેલી કોઠીઓ વપરાય છે

માટીનાં વાસણ બનાવી રહેલા મીઠાલાલ રાઠોડ.

માટીનાં વાસણ બનાવી રહેલા મીઠાલાલ રાઠોડ.


શિયાળાની મૌસમ જામી છે. સ્વાદના શોખીનોને તો તડાકો પડી જાય એવી અવનવી વાનગીઓ, વસાણા અને જાત-જાતની શાકભાજીઓ આ સીઝનમાં મળતી હોવાથી મોજ પડી જાય એવું છે, ત્યારે માટીની હાંડીમાં બનેલી શાકભાજી, ખીચડી, હાંડવો સહિતની રસોઈ જમી છે? કલાડીમાં બનેલાં રોટલા કે રોટલી ખાધી છે? માટીના વાટકામાં જમાવેલા દહીંની છાશ બનાવીને પીધી છે? કદાચ આ વાંચીને ઘણા એમ કહેશે કે ‘હા, અમેય કલાડીમાં બનેલા રોટલા ખાધા છે.’ પણ ઘણાને થશે કે ‘અરે, માટીનાં વાસણો તો કંઈ હોતાં હશે અને એમાં જમવાનું બનતું હશે?’ પણ તમારી જાણ માટે કહી દઉં કે આજે પણ દાહોદ, તાપી, ડાંગ, લીમખેડા, ઝાલોદ, સોનગઢ, ગરબાડા, મહીસાગર, અંબાજી સહિત ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં માટીનાં વાસણોનો રસોઈ બનાવવામાં પરંપરાગત ઉપયોગ થઈ રહ્યો છે. માટીના વાસણમાં રાંધવાથી રસોઈમાં મીઠાશ પકડાય છે. એટલુ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દૃ​ષ્ટિએ પણ માટીનાં વાસણોમાં બનતી રસોઈ અકસીર હોવાનું જાણકારો ગણાવી રહ્યા છે.

લાલ અને કાળી માટીમાંથી બનતી કલાડી, હાંડી, માટલા સહિતનાં વાસણોમાં ફરક શું હોય છે?, ઉનાળામાં બનતા માટલામાં અને શિયાળામાં બનતા માટલામાંથી ઠંડક વધુ કયા માટલામાં આવે? માટીનાં વાસણોમાં બનતી રસોઈ સ્વાસ્થ્ય માટે કેમ ઉત્તમ ગણાય? માટીના વાસણમાં બનતી રસોઈ આરોગીએ તો અપચો કેમ નથી થતો? આવી બધી વાતો જાણવા જેવી છે.



લીમખેડામાં વર્ષોથી માટીનાં વાસણો બનાવતા ૬૫ વર્ષીય મીઠાલાલ રાઠોડ અને તેમનાં ૬૨ વર્ષનાં પત્ની સુભદ્રાબહેનને ઢળતી ઉંમરે પણ માટીનાં વાસણો બનાવવામાંથી જાણે કે ફુરસદ મળતી જ નથી એ રીતે કલાડી, હાંડી, માટલા, પાણીની બૉટલો સહિતનાં માટીનાં વાસણો બનાવવા સવાર પડતાં જ બેસી જાય છે. માટીમાંથી બનતાં વાસણોની પાછળ પણ એક સાયન્સ રહેલું છે. લાલ અને કાળી માટીમાંથી બનતાં વાસણો વચ્ચેના ફરકની વાત અને માટીનાં વાસણોમાં બનતી રસોઈ સ્વાસ્થ્ય માટે કેવી બની રહે છે એ વિશે વાત કરતાં મીઠાલાલ રાઠોડ કહે છે કે ‘લાલ કરતાં કાળી માટીનાં વાસણો વધારે ટકાઉ અને મજબૂત હોય છે. કાળી માટીનાં વાસણો બંધ ભઠ્ઠામાં મૂકીને ૨૪ કલાક રહેવા દઈએ છીએ અને પછી બહાર કાઢીએ છીએ, જ્યારે લાલ માટીનાં વાસણો ખુલ્લા ભઠ્ઠામાં પકવીએ છીએ. એમાંથી ચાર કલાક રહીને વાસણો બહાર કાઢી લઈએ છીએ. દેશી માટી અમે ખેતર અને તળાવમાંથી લાવીને મિક્સ કરીને એમાંથી માટીનાં વાસણો બનાવીએ છીએ, જેમાં રસોઈ બનાવો તો શરીરને કોઈ નુકસાનકારક નથી. માટીનાં વાસણોમાં રાંધીને ખાવાથી બીમારી થતી નથી. માટીનાં વાસણોનો ઉપયોગ કરવાથી શરીરને ફાયદો થાય છે. એમાં માટીના રજકણ ભળે છે. અમે અમારા ઘરે માટીનાં વાસણોમાં જ રાંધીએ છીએ. માટીનાં વાસણોમાં રસોઈ બનાવવાથી જે મીઠાશ પકડાય છે એવી મીઠાશ ધાતુનાં વાસણોમાં આવતી નથી. માટીનાં વાસણોમાં વરાળથી શાકભાજી બફાય અને કુદરતી તત્ત્વો એમાં ભળે એવું ધાતુનાં વાસણોમાં નથી થતું. હા, માટીનાં વાસણોમાં રસોઈ બનતાં થોડી વાર લાગે, પણ સ્વાસ્થ્ય માટે એ વાસણો સારાં છે.’


શિયાળામાં બનતાં માટલાં અને ઉનાળામાં બનતાં માટલાંનો ફરક બતાવતાં તેઓ કહે છે કે ‘ઋતુઓની અસર પણ માટી પર થાય છે. શિયાળામાં માટી ઠંડી પકડી લે છે, એટલે શિયાળામાં માટીનું માટલું બનાવીએ ત્યારે માટીએ ઠંડક પકડી લીધી હોવાથી પાણી એકદમ ઠંડું રહે છે, જ્યારે ઉનાળામા ગરમીનું પ્રમાણ વધારે હોય છે એટલે ઉનાળામાં માટલાં બનાવીએ એમાં પાણી ઠંડું વધારે રહેતું નથી. માટીની ક્ષમતા ઠંડીને લીધે વધી જાય છે અને ગરમીમાં ઘટી જાય છે, આ કુદરતી પ્રક્રિયા છે. અમે દહીં બનાવવા માટે દહીં-હાંડી બનાવીએ છીએ, એમાં તળાવની માટી વાપરીએ છીએ જે દહીંના પાણીનું શોષણ કરી લે છે અને દહીં જાડું અને મીઠું બને છે.’

એક સમયે માટીનાં વાસણોમાં જેઓ જમતા હતા તે ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસપ્રધાન કુંવરજી હળપતી માટીનાં વાસણોમાં બનતી રસોઈનું મહત્ત્વ અને સ્વાસ્થ્ય વિશે વાત કરતાં કહે છે કે ‘માટીનાં વાસણોની ખોટી ઇફેક્ટ થતી નથી. લાકડાં સળગાવીને ચૂલા પર માટીનાં વાસણોમાં રસોઈ બનાવીએ એટલે સ્વાદિષ્ટ ભોજન બને છે. આ વાસણમાં બનતી રસોઈ શરીર માટે ખૂબ ઉપયોગી છે, હાનિકારક નથી. મારાં મધર માટીનાં વાસણોનો ઉપયોગ કરતાં હતાં અને મેં પણ એ વાસણોમાં ભોજન લીધું છે. એમાં વ્યવસ્થિત રીતે ખોરાક શેકાય, બફાય, બળે નહીં, કાચો ન રહે અને ધીરે-ધીરે રંધાઈ જાય છે અને પાચનશક્તિમાં ઉપયોગી થાય છે. ખોરાક હેલ્ધી બનતાં કોઈ ગડબડ ઊભી થતી નથી એ મહત્ત્વનું કારણ છે. ખોરાક સારો રંધાય એટલે શરીરમાં અપચો થતો નથી. ડાંગ, તાપી, સુરતના જંગલ-વિસ્તારમાં માટીનાં વાસણોનો ઉપયોગ થાય છે.’


માટીની કોઠીઓ

આદિવાસી બેલ્ટમાં તો આજે પણ અનાજનો સંગ્રહ કરવા માટે માટીની કોઠીઓ બનાવવાની પરંપરા જાળવી રાખી છે. માટીમાંથી કોઠીઓ બનાવીને તેઓ એમાં અનાજ ભરે છે, જે લાંબો સમય સુધી બગડતું નથી કે એમાં જીવાત પણ નથી પડતી. આ બાબતે વાત કરતાં સોનગઢ તાલુકાના એકલખામ ગામમાં જેમનો પરિવાર રહે છે તે પ્રીતમ વસાવા કહે છે કે ‘અમારા ઘરે અનાજ ભરવા માટે માટીની કોઠીઓ વર્ષોથી છે. અમે એને બોદડી કહીએ. પહેલાંના સમયે અનાજનો સંગ્રહ ક્યાં કરવો એ પ્રશ્ન હતો, અનાજ બગડી જશે એવો ભય રહેતો એટલે માટીની કોઠીઓ બનાવી. આ કોઠીઓ માટી અને ભાતની પરાળ તેમ જ છાણ મિક્સ કરીને બનાવીએ છીએ. સાડાચારથી પાંચ ફુટ ઊંચી અને બેથી અઢી ફુટ પહોળી માટીની કોઠીઓ અમે બનાવીએ છીએ. કોઠી બની ગયા પછી એમાં અનાજ ભરી દઈએ છીએ. કોઠીની નીચે, વચ્ચે તેમ જ ઉપરના ભાગે લીમડાનાં પાન નાંખવાનાં એટલે અનાજ વર્ષો સુધી બગડે નહીં અને એમાં જીવાત ન પડે. કોઠીનું ઢાંકણું બનાવી દેવાનું અને અનાજ ભરીને ઢાંકળાને છાણથી લીંપણ કરી દેવાનું એટલે એમાં ઉંદર કે કીડી પણ ન જઈ શકે. અમારી આજુબાજુનાં ગામોમાં ઘણા લોકો અનાજ ભરવા માટે માટીની બે-ત્રણ કોઠીઓ તેમના ઘરમાં રાખે છે.’

પાંચ વર્ષ પહેલાં જે માટીની કોઠીમાં અનાજ ભર્યું હતું એ અનાજનો ઉપયોગ હમણાં કર્યો એની વાત કરતાં પ્રીતમ વસાવા કહે છે કે ‘વર્ષ ૨૦૧૭માં મારાં માતા મૃત્યુ પામ્યાં હતાં ત્યારે અમે કોઠીમાં ડાંગર ભરી હતી. એ ડાંગર હમણાં કાઢીને એનો ઉપયોગ કરેલો. મારા ભત્રીજાના જન્મદિવસે કોઠીમાંથી ડાંગર કાઢીને એનો ઉપયોગ કર્યો હતો. ઘરમાં નાનકડો પ્રસંગ હોય તો અમે કોઠીમાંથી અનાજ કાઢીએ છીએ. વર્ષો સુધી એ અનાજ ચાલે છે, બગડતું નથી.’

આદિવાસી પરિવારો મજૂરીકામે જતા હોય ત્યારે ખાસ કરીને ઉનાળામાં માટીના કાળા કલરના માટલામાં લોટમાં દહીં અથવા છાશ નાંખીને પીવા માટેનું આરોગ્યવર્ધક ભડકું બનાવે અને એનો ઉપયોગ કરે એ વિશે વાત કરતાં તાપી જિલ્લાના કપુરા ગામનાં પારુલ ચક્રવર્તી કહે છે કે ‘ગ્રામીણ વિસ્તારમાં લોકો કાળા કલરના માટલામાં રાતે અથવા સાંજે જુવાર કે ચોખાનો લોટ નાંખે, એમાં દહીં કે છાશ નાંખીને આથી મૂકે. બીજા દિવસે ભડકું બનાવે. ઉનાળામાં આ ખાસ બનાવે, કેમ કે મજૂરી કરવા માટે જાય ત્યારે તેઓ આ ભડકું સાથે લઈને જાય, કામ કરીને એ પીવે, એનાથી ભૂખ ઓછી લાગે અને તાકાત પણ બની રહે. ઘણા લોકો કણકી અને દેશી ચોખાનું પણ ભડકું બનાવે. આ આરોગ્યવર્ધક પીણું માટીના માટલામાં બનાવે છે.’

લીમખેડાની બહેનોએ બનાવેલાં માટીનાં વાસણો મુંબઈ, દિલ્હી, હૈદરાબાદમાં ફેમસ છે

માટીનાં વાસણો બનાવવા ઉપરાંત લીમખેડાની બહેનો તેમના ઘરમાં આર્થિક મદદ કરી રહી છે. ૬૨ વર્ષનાં સુભદ્રાબા રાઠોડ તો માટીનાં વાસણો બનાવીને દેશમાં વિવિધ સ્થળોએ એનું વેચાણ કરવા પણ જાય છે. સુભદ્રાબા રાઠોડ કહે છે કે ‘માટીમાંથી વાસણો બનાવવાનો આ અમારો વારસાગત-બાપદાદાનો ધંધો છે. મા બ્રહ્માણી કુંભારીકામ કલાકારી નામે અમારું સખીમંડળ ચાલે છે. એમાં ૧૧ બહેનો માટીનાં વાસણો બનાવી રહી છે. અમે માટીની કલાડી, હાંડી, ભૂમલી એટલે કે માટલી આકારનું વાસણ, દહીં-પોટ, માટલાં, પાણી ભરવાની બૉટલ, કોડિયાં, કુલ્લડ, જગ, વાટકી, ગ્લાસ સહિતની ૩૫ જેટલી વસ્તુઓ બનાવીએ છીએ. માટીનાં વાસણોનું માર્કેટ આવ્યું છે. લોકો માટીનાં વાસણ લઈ જાય છે. અમારા દાહોદ જિલ્લામાં લીમખેડા, ગરબાડા, ઝાલોદ સહિતના વિસ્તારોમા લોકો માટીનાં વાસણોમાં જમવાનું બનાવે છે.’

બહારગામ પણ માટીનાં વાસણો વેચવા જતાં સુભદ્રાબા કહે છે કે ‘અમે મુંબઈમાં બોરીવલી, બાંદરા, પનવેલના મેળામાં માટીનાં વાસણો લઈ આવીએ છીએ. આ ઉપરાંત ગોવા, દિલ્હી, હૈદરાબાદ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા સહિતનાં સ્થળોએ જઈએ છીએ.’ 

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 11:36 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK