અજાણતાં જ ડેકોરેશનમાં વ્યક્તિ એવી ચીજવસ્તુ ગોઠવી બેસે છે જે સરસ તૈયાર થયેલા ઘરમાં નકારાત્મકતા, હિંસાત્મકતા, નિરાશા અને નારાજગી ઉમેરવાનું કામ કરે છે
પ્રતીકાત્મક તસવીર
તૂટેલી ચીજવસ્તુ, તિરાડ પડેલા મિરર કે ક્રૉકરી, કાંટાવાળા છોડ કે વપરાશમાં ન હોય એવી ચીજવસ્તુ ઘરમાં ન રાખવી જોઈએ. એ જ લિસ્ટને આજે આગળ વધારવાનું છે અને ઘરના ડેકોરેશનમાં શું-શું ન વાપરવું જોઈએ એની ચર્ચા કરવાની છે. શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે ઘણી વાર વ્યક્તિ એવી ચીજ ઘરમાં રાખે છે જે નકારાત્મકતા વધારવાની સાથોસાથ દુખ લાવવાનું કામ કરે છે. અહીં કેટલીક એવી આઇટમો દર્શાવી છે જેનો ઉપયોગ ઘરમાં ક્યારેય ન કરવો જોઈએ.
ડ્રાય ફ્લાવર્સનો ઉપયોગ ટાળો
ADVERTISEMENT
આજકાલ ડ્રાય ફ્લાવર્સ વાપરવાની ફૅશન ચાલી છે, જેના પર સ્પ્રે કરીને એ ફ્લાવર્સથી ઘરને મહેકતું રાખવામાં આવે છે. જોકે એ શક્ય હોય તો ડ્રાય ફ્લાવર્સનો ઉપયોગ ન કરવો જોઈએ. જો ફૂલ ગમતાં હોય તો રિયલ ફ્લાવર્સ રાખવાં જોઈએ. ધારો કે રોજેરોજ ફૂલ લાવવાં શક્ય નથી તો ખીલેલાં આર્ટિફિશ્યલ ફ્લાવર્સનો ઉપયોગ કરો, પણ સૂકાં ફૂલ વાપરવાં વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય નથી.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ડ્રાય ફ્લાવર્સ ઘરની પૉઝિટિવ એનર્જીને ખેંચી લે છે અને ઘરને ધીમે-ધીમે ઊર્જાવિહીન બનાવવાનું કામ કરે છે.
પેઇનફુલ પિક્ચર્સ કે પેઇન્ટિંગ્સ
એક ઘરમાં મેં જોયું હતું કે ઇથિયોપિયામાં પડેલા દુકાળના બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફ્સથી દીવાલ ડેકોરેટ કરવામાં આવી હતી. એવાં પેઇનફુલ ફોટો કે પેઇન્ટિંગ્સ ક્યારેય ઘરમાં રાખવાં નહીં. નજર સામે સતત રહેતાં એ પ્રકારનાં દુખ અને પીડા આપતાં દૃશ્યો ઘરમાં દુખ, પીડા અને અશાંતિ લાવવાનું કામ કરી શકે છે. અહીં સિમ્પલ સાઇકોલૉજી પણ કામ કરે છે. તમે જે જુઓ એ જ મેળવો. સાઇકોલૉજિસ્ટ પણ આ વાત સતત કહેતા રહ્યા છે અને એમ પણ કહે છે કે સારું જુઓ અને સારું પામો. તો પછી શું કામ ઘરમાં પેઇનફુલ પિક્ચર્સ અને પેઇન્ટિંગ્સ રાખવાં.
ઘણા લોકો ઘરમાં યુદ્ધનાં પેઇન્ટિંગ્સ રાખે છે. એવા ઘરમાં નાની-નાની વાતમાં તકરારની સંભાવના રહે છે તો સાથોસાથ સંબંધોમાં ક્લેશ પણ ઉમેરાતો રહે છે.
બેઠેલો ઘોડો ક્યારેય ન રાખો
સામાન્ય સંજોગોમાં ઘોડો તમને ઊભો જ જોવા મળશે. પછી એ સ્ટૅચ્યુના ફૉર્મમાં હોય કે પેઇન્ટિંગના ફૉર્મમાં હોય. એનું કારણ એ છે કે ઘોડો ત્યારે જ બેસે છે જ્યારે એ થાકે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે બેઠેલો ઘોડો ક્યારેય ઘરમાં રાખવો નહીં. એ આળસ અને થાકને ઘરમાં લાવવાનું કામ કરે છે. જો ઘરમાં ઘોડાનું પોસ્ટર, પેઇન્ટિંગ કે પછી મૂર્તિ રાખવી હોય તો આગળના બે પગ પર ઊભા થયેલા ઘોડાને રાખવો જોઈએ. ઘોડાની આ મુદ્રા વિજયી મુદ્રા કહેવાય છે જે ફોકસ આપવાનું કામ કરે છે. જોકે બેઠેલા ઘોડાનું પેઇન્ટિંગ કે મૂર્તિની સાથોસાથ હિંસક પ્રાણીઓનાં પેઇન્ટિંગ્સ કે ફોટો પણ ઘરમાં રાખવાં જોઈએ નહીં.
ઘણાં ઘરોમાં સિંહ, વાઘ કે ચિત્તાના ફોટોવાળું કૅલેન્ડર, પોસ્ટર કે પછી બીજા કોઈ ફૉર્મમાં એ ફોટો રાખવામાં આવે છે; પણ એવું ક્યારેય કરવું નહીં. આંખ સામે રહેતા આ પ્રકારનાં હિંસક પ્રાણીઓના ફોટોગ્રાફ ઘરની શાંતિ હણે છે, સ્વભાવમાં ઉદ્વેગ વધારે છે અને ઘરમાં અકારણ કજિયો કરાવવાનું કામ કરી શકે છે.
શિંગડાં, હાડકાં કે ચર્મ-ચીજ નહીં
મહેલો કે મ્યુઝિયમમાં આજે પણ સાબર અને કાળિયારનાં શિંગડાંને સજાવીને દીવાલ પર રાખવામાં આવ્યાં હોય એવું જોઈએ છીએ. એ પ્રકારનાં શિંગડાં કે ખોપડી કે હાડકાંનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ચીજવસ્તુ રાખવી ન જોઈએ. એવી જ રીતે ક્યારેય પ્રાણીઓની ખાલમાંથી બનેલી ચીજવસ્તુ પણ ઘરમાં કે વપરાશમાં લાવવી જોઈએ નહીં. આ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાથી કે સતત આંખ સામે રહેતી હોય તો એ હિંસાત્મક માનસિકતા ઊભી કરે છે.
સસલાથી માંડીને હરણના ચામડામાંથી બનતાં પર્સ, ગેંડાની ખાલમાંથી બનેલું કડું કે બેલ્ટ અને એવી અન્ય ચીજવસ્તુઓ વેચવા-ખરીદવા પર આપણે ત્યાં બૅન છે અને એ પછી પણ એ માર્કેટમાં મળતાં હોય છે. એનો વપરાશ કરવો ન જોઈએ. કહ્યું એમ એ વ્યક્તિને હિંસક બનાવવાની સાથોસાથ ઉન્માદી પણ બનાવે છે.
અસ્પષ્ટ કલા કે કારીગરી
મૉડર્ન આર્ટના નામે આજે આ પ્રકારની અનેક કલાકૃતિઓ અને પેઇન્ટિંગ્સ જોવા મળતાં હોય છે અને લોકો ઘરમાં એ ડેકોરેશન માટે ગોઠવે પણ છે, પરંતુ એવી કોઈ કલાકૃતિ ઘરમાં ન રાખવી જોઈએ જેનું તમારે વર્ણન કરવું પડે કે પછી તમારે એ શું છે એ જોનારાને કહેવું પડે. આ પ્રકારની કલાકૃતિ રાખવાથી ઘરમાં શંકાનું વાતાવરણ વધતું જાય છે તો સાથોસાથ એકમેકના સંબંધોમાં પણ શંકા વધતી જાય છે.
મૉડર્ન આર્ટને બદલે ટ્રેડિશનલ આર્ટ પસંદ કરો અને જે જોયા પછી વ્યક્તિ સહજ અને સરળ રીતે સમજી જાય એવી કલાકૃતિ રાખો. એમાં પણ ખાસ ધ્યાન રાખો કે એ હિંસાત્મક કે ઝેરી દર્શાવતી કલાકૃતિ ન હોય. એમાં સૌમ્યતા હોવી જોઈએ. ઉદાહરણ તરીકે ઘરમાં સૈનિકનું સ્ટૅચ્યુ રાખવાને બદલે રાજાનું સ્ટૅચ્યુ રાખવું. ઘરમાં ગરદન સુધીના બુદ્ધને બદલે બુદ્ધનો સંપૂર્ણ દેહ દર્શાવવામાં આવ્યો હોય એવું સ્ટૅચ્યુ કે વૉલ-આર્ટ વાપરવી.
-આચાર્ય દેવવ્રત

