Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મંગળફેરા : મ્યુઝિકલ કે ટ્રેડિશનલ?

મંગળફેરા : મ્યુઝિકલ કે ટ્રેડિશનલ?

27 April, 2023 04:40 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

લગ્નવિધિ દરમિયાન ગોરબાપા દ્વારા ઉચ્ચારવામાં આવતા મંત્રોચ્ચારને ઑડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે રજૂ કરવાના ટ્રેન્ડને યુગલો ફૉલો કરશે કે પરંપરાગત રીતે જ પરણવાનું પસંદ કરશે એ તો આવનારો સમય કહેશે, પણ આ કન્સેપ્ટમાં છે શું એ જોઈ લો

પ્રતીકાત્મક તસવીર

શાદી મેં ઝરૂર આના

પ્રતીકાત્મક તસવીર


સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ। 
સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ।।
સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ। 
સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ।। 

ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનાં લગ્નમાં જે મંત્રોચ્ચાર થયા હતા એ જ પરંપરાથી આજનાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. હિન્દુ ધર્મના સોળ સંસ્કારમાં સૌથી મહત્ત્વપૂર્ણ વિવાહ સંસ્કાર છે, જેમાં સ્વજનો અને અગ્નિ દેવતાની સાક્ષીએ મંત્રોચ્ચાર સાથે મંગળફેરા લઈને વિવાહ સંપન્ન થાય છે. માણેકસ્તંભ રોપવો, વરરાજાને તિલક, કન્યાની પધરામણી, હસ્તમેળાપ, મંગળફેરા એમ દરેક માંગલિક વિધિમાં ગોરબાપા દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે લગ્નની વિધિ ચાલતી હોય એમાં વર-વધૂ અને પરિવારના સભ્યો સિવાય કોઈને રસ પડતો નથી. ગોરબાપા જે ઝડપથી વિધિવિધાનો કરાવે છે એ ઘણી વાર વર-વધૂને પણ સમજાતાં નથી. આજનું યુથ વિવાહ સંસ્કારનું મહત્ત્વ અને મંત્રોનો અર્થ સમજી શકે એ માટે કેવા પ્રયાસો થઈ રહ્યા છે જોઈ લો.



મંગલમયી વિધિઓ


માંગલિક વિધિઓ વિશે શાસ્ત્રોમાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે એવી માહિતી આપતાં શાસ્ત્રીજી રાજેન્દ્ર જોશી કહે છે, ‘આ દિવસે વરરાજા નારાયણનું રૂપ ધારણ કરીને આવે છે તેથી એને પોંખવાની વિધિ છે. કન્યાની માતા વરરાજાને પોંખવા જાય ત્યારે રવૈયો, મુશળ, ધૂંસરી, તરાક, સંપુટ વિધિ થાય છે. માખણ કાઢવા માટે જેમ દહીંને વલોવવામાં આવે છે એવી રીતે લગ્નજીવનને પ્રેમમય બનાવવા મનોમંથન કરવાનું છે. મુશળ અર્થાત સાંબેલા વિધિમાં વરરાજાને ચેતવણી આપવામાં આવે છે કે ખંડાઈ જઈશ. ગૂશળ અર્થાત બળદની જેમ ભાર ઉપાડવો પડશે. તરાક એટલે રૂ કાંતવું. લગ્નજીવન રેંટિયા જેવું છે, જેમાં સ્નેહરૂપી દોરામાં બંધાઈને રહેવાનું છે. સંપુટ અર્થાત્ ઇચ્છાઓને ભાંગીને જોડે રહેવાનું છે. લગ્નમંડપમાં દરવાજા નથી હોતા. આ બધી જવાબદારીઓ સમજાવ્યા પછી પણ વરરાજા ભાગી જવાને બદલે પરણવા આવે છે તેથી સાસુમા નાક ખેંચે છે. લગ્ન બાદ બન્નેના ગ્રહો બદલાઈ જાય તેથી ગ્રહશાંતિની વિધિ છે. મંગળફેરા વખતે મંગલાષ્ટક બોલવામાં આવે છે એનો અર્થ યુગલનું દાંમ્પત્યજીવન મંગલમય બની રહે. પરંપરાગત રીતે અનુસરવામાં આવતા દરેક રીતરિવાજ અર્થપૂર્ણ છે. એને સમજી લેવાથી વૈવાહિક જીવન સારી રીતે ચાલે છે.’

જાણવાની ઉત્કંઠા


વરરાજાના પગ ધોવાની વિધિ શું કામ કરવાની? ફેરા અગ્નિ સમક્ષ જ કેમ ફરવાના? નવી પેઢીને એના લૉજિકલ જવાબ જોઈએ છે. એક કલાકાર તરીકે એમાં મારું કૉન્ટ્રિબ્યુશન કઈ રીતે આપી શકું એવા વિચારમાંથી ધ વેડિંગ ચૅન્ટ્સની જર્ની શરૂ થઈ એવી વાત કરતાં સિંગર ધારિણી ઠક્કર કહે છે, ‘ગોરબાપા વિધિ કરાવતા હોય ત્યારે પરિવારના સભ્યોને મંડપમાં હાજર રહેવું પડે જ્યારે મહેમાનો ખાણીપીણીનો જલસો કરવામાં વ્યસ્ત થઈ જાય. મને વિચાર આવ્યો કે રૂટીન લગ્નગીતોમાં કંઈક એવું ઍડઑન કરીએ જેથી વર-વધૂ મંત્રોનો અર્થ સમજી શકે અને મહેમાનોનો લગ્નવિધિમાં રસ જળવાઈ રહે. શ્લોક ગાવાનું હંમેશાંથી ગમતું હતું અને અનેક વખત ગણેશવંદના લેતા જ હતા. ઈશા અંબાણીનાં લગ્ન આવ્યાં ત્યારે વૈદિક શ્લોકોને મ્યુઝિક સાથે કમ્પોઝ કરી રજૂ કર્યા. શાસ્ત્રોક્ત વિધાન અનુસાર વરરાજા વિષ્ણુ સ્વરૂપ ધારણ કરીને આવ્યા હોય તેથી તેમના પગ ધોવામાં આવે છે. અગ્નિ પ્રત્યક્ષ દેવતા છે. દેવીદેવતાના આશીર્વાદથી નવજીવનની શરૂઆત કરવી જોઈએ તેથી આહ્વાન કરવામાં આવે છે. મંત્રોચ્ચાર કરીને અમે એનો અર્થ સમજાવીએ. શ્લોકો એ જ છે, રજૂઆત જુદી છે. સમજાવતી વખતે અંગ્રેજી ભાષાના શબ્દોનો પ્રયોગ કરીએ. અલગ જ રીતે ડિઝાઇન કરેલી મ્યુઝિકલ ઇવેન્ટથી યુગલો, વડીલો અને યંગ જનરેશન પ્રસંગ સાથે કનેક્ટ થઈ જાય છે.’

આ પણ વાંચો : દેશી લગ્નમાં વિદેશી મહેક

બ્રાહ્મણો અપગ્રેડ થયા

આજનાં યુગલો સમજવા માગે છે, પરંતુ વડીલો દેખાદેખીમાં ટ્રેન્ડ ફૉલો કરવાનો આગ્રહ રાખે છે એવો અભિપ્રાય આપતાં રાજેન્દ્રભાઈ કહે છે, ‘જમાના પ્રમાણે નવતર પ્રયોગો કરો એનો વિરોધ નથી, પરંતુ મંત્રોચ્ચાર કરવાનો અધિકાર બ્રાહ્મણોનો છે. શાસ્ત્રોમાં તો ગાયત્રી મંત્ર પણ બ્રાહ્મણ જ ઉચ્ચારે એવો ઉલ્લેખ છે. હિંદુ ધર્મમાં ચાર વર્ણ બનાવવામાં આવ્યા છે. એમાં ઊંચનીચ નથી પણ દરેકને જુદા કામ સોંપવામાં આવ્યાં છે. જેમ સોનાની પરખ સોનીને હોય એવી રીતે આ કાર્ય બ્રાહ્મણના હાથે થાય ત્યારે એનું ઉચિત ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ‘કન્યા પધરાવો’ વિધિવિધાન છે. અર્થાત્ બ્રાહ્મણ બોલાવે ત્યારે કન્યા લગ્નમંડપમાં આવે. ત્યાં સુધી વરરાજા કન્યાનું મોઢું જોતાં નથી. આ વિધિનું મહત્ત્વ વીસરાઈ ગયું છે. કન્યા અને વરરાજા સામસામે આવે અને મિત્રો તેમને ઊંચા કરે એવો રિવાજ નથી, પણ ટ્રેન્ડ બની ગયો છે. વિવાહ સંસ્કારમાં ટ્રેન્ડ સેકન્ડરી હોવો જોઈએ. બ્રાહ્મણો ઝડપથી મંત્રોચ્ચાર કરે છે એમાં યજમાનની ઉતાવળ હોય છે. દસ વાગ્યાનું મુરત હોય અને ફોટોસેશન પાછળ કલાક વેડફાઈ જાય. બધાને લગ્નપ્રસંગ માણવો હોય એ સાચું પણ યજમાને મંગલમયી વિધિઓની અગત્ય સમજાવવા સમય આપવો જોઈએ. અગાઉ બ્રાહ્મણો પર શ્રદ્ધા રાખીને યુગલો વિધિ કરતાં. આજનાં યુગલો પ્રશ્નો પૂછે છે એ રૉન્ગ નથી. સમયની સાથે બ્રાહ્મણો પણ અપગ્રેડ થયા છે. તેઓ વધારે સારી રીતે સમજાવી શકશે.’

 વિવાહ સંસ્કારમાં ટ્રેન્ડ સેકન્ડરી હોવો જોઈએ. બ્રાહ્મણો ઝડપથી મંત્રોચ્ચાર કરે છે એમાં યજમાનની ઉતાવળ હોય છે. આજે બ્રાહ્મણો પણ અપગ્રેડ થયા છે. સમય આપો તો તમામ વિધિવિધાનો તેઓ સારી રીતે સમજાવી શકે છે. રાજેન્દ્ર જોશી

ટાઇઅપ હોય 

મ્યુઝિકલ ફેરાની ઇવેન્ટ ક્રીએટ કરવામાં ઘણી મગજમારી છે તેથી મોટા ભાગના બ્રાહ્મણો એમાં પાર્ટિસિપેટ કરવાનું ટાળે છે એવો અભિપ્રાય આપતાં અન્ય એક શાસ્ત્રીજી કહે છે, ‘કલાકારો અને ગોરબાપા વચ્ચે ટાઇઅપ હોય ત્યારે જ મ્યુઝિકલ ફેરાની ઇવેન્ટ ઑર્ગેનાઇઝ થાય. આમાં હંમેશાંથી તમારા પરિવારના પ્રસંગોમાં વિધિ કરાવતા ગોરબાપાને બોલાવવાનો આગ્રહ છોડવો પડે. તેથી સામાન્ય યજમાનોના પ્રસંગોમાં વધુ ટ્રેન્ડિંગ નથી.’

કો-ઑર્ડિનેશન જરૂરી હૈ

મ્યુઝિકલ ઇવેન્ટ ક્રીએટ કરવાથી ગોરબાપાનું મહત્ત્વ ઘટી નથી જતું. લગ્નવિધિમાં તેમની ભૂમિકા યથાવત્ જ રહે છે એવી વાત કરતાં ધારિણી કહે છે, ‘અમે જ્યારે ધ વેડિંગ ચૅન્ટ્સ લઈને આવ્યા ત્યારે લોકોને શંકા હતી કે લગ્નગીતો ગાતા કલાકારો સંસ્કૃત ભાષાના અક્ષરો અને અનુસ્વારના ઉચ્ચારો ખોટા કરશે. આજની પેઢી આપણી સંસ્કૃતિ તરફ વળે એવો અમારો ઉદ્દેશ્ય અને ઉચ્ચારોની ક્લૅરિટી મળ્યા બાદ પ્રયોગ સફળ થયો છે. લગ્ન પહેલાં ગોરબાપા સાથે સીક્વન્સને સમજવા અમે મીટિંગ કરીએ છીએ. વિધિ એ જ છે પણ જુદી-જુદી જ્ઞાતિમાં વિધિઓ આગળ-પાછળ થતી હોય તેથી સીક્વન્સને સમજ્યા બાદ અમારી ટીમ ​ગોઠવણી કરે. લગ્નમંડપમાં ગોરબાપા જે શ્લોક બોલે એ જ સમયે અમે સ્ટેજ પરથી એને ગાઈએ એવું કો-ઑર્ડિનેશન જરૂરી છે. માંગલિક વિધિની વચ્ચેના સમયમાં મધુરાષ્ટકમ્ જેવા સ્તોત્ર જ લઈએ જેથી સંસ્કૃત ભાષાનો ફ્લો જળવાઈ રહે. મંત્રોચ્ચાર ઉપરાંત રામાયણની ચોપાઈઓ પણ ગાઈએ છીએ. આજે ઑડિયો-વિઝ્યુઅલનો જમાનો હોવાથી કલરફુલ કૉસ્ચ્યુમમાં પ્રેઝન્ટ કરવાથી બ્યુટિફુલ લાગે છે.’

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2023 04:40 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK