Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રવિવારે આૅફિસના કૉલ્સ કે મેસેજ તમારી મજા બગાડે છે?

રવિવારે આૅફિસના કૉલ્સ કે મેસેજ તમારી મજા બગાડે છે?

09 January, 2023 04:38 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

વીકલી ઑફના દિવસે અથવા વેકેશન દરમિયાન કર્મચારી પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી શકે એ માટે તેમને કૉલ્સ, ઈ-મેઇલ્સ અને મેસેજિસમાંથી લૉગઑફ રાખવા માટે ગેમિંગ કંપની ડ્રીમ 11એ અનપ્લગ્ડ પૉલિસી બનાવી છે. આ રસપ્રદ પૉલિસી વિશે પુરુષોના અભિપ્રાયો જાણીએ

પ્રતીકાત્મક તસવીર

વર્ક કલ્ચર

પ્રતીકાત્મક તસવીર


શનિ-રવિની રજામાં ફૅમિલી સાથે માથેરાનમાં ગુલાબી ઠંડીનો આનંદ માણી રહ્યા હો ત્યારે સિનિયરનો ફોન આવે કે ઈ-મેઇલ ચેક કરીને ક્લાયન્ટને રિપ્લાય કરી દો. આ કામ અત્યારે જ થવું જોઈએ. એ વખતે અંદરખાને ગુસ્સો આવે. બે-ચાર શબ્દો સંભળાવી દેવાનું મન થઈ આવે, પણ નોકરીનો સવાલ હોય એટલે બોલતી બંધ થઈ જાય. આવું આપણામાંથી ઘણા સાથે થતું હશે. હવે વિચારો, વેકેશનમાં ડિસ્ટર્બ કરનારા બૉસને દંડ ફટકારવાની જોગવાઈ હોય તો? વાંચીને હસવું આવતું હોય તો કહી દઈએ કે ભવિષ્યમાં આવી પૉલિસી આવી શકે છે. 

હાલમાં જ ફૅન્ટસી ગેમિંગ કંપની ડ્રીમ 11એ એક રસપ્રદ પૉલિસી બનાવી છે. વીકલી ઑફના દિવસે અને વેકેશન દરમિયાન કૉલ્સ, મેસેજિસ, ઈ-મેઇલ્સ વગેરેથી કર્મચારીઓ પરેશાન થઈ જાય છે અને રજાની ખરી મજા માણી શકતા નથી એ બાબતને ગંભીરતાથી લઈ કંપનીએ અનપ્લગ્ડ પૉલિસી જાહેર કરી છે. લિંક્ડઇન પોસ્ટમાં કંપનીએ લખ્યું છે કે ‘ઉપરી અધિકારી અથવા સહકર્મચારી રજાના દિવસે કોઈ પણ કર્મચારીને હેરાન કરશે તો તેમને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. ડ્રીમ 11માં અમે ખરેખર ડ્રીમસ્ટર (કર્મચારીઓ)ને લૉગઑફ કરીએ છીએ.’ ડ્રીમ 11ની આ પહેલ વિશે નોકરિયાત પુરુષોના અભિપ્રાયો જાણીએ.  વીક ડેમાં રજા હોય તો ગમે


ઈ-મેઇલ્સ મારફત ક્લાયન્ટ્સના ડૉક્યુમેન્ટ્સ વેરિફાઇ કરવામાં ઝાઝો સમય જતો નથી તેથી રજાની મજા છીનવાઈ ગયા જેવું નથી લાગતું. ફાઇનૅન્સ કંપનીમાં જૉબ કરતા થાણેના રિતેશ ગલૈયા આવો મત વ્યક્ત કરતાં કહે છે, ‘અમારું કામકાજ એવું છે જ્યાં ક્લાયન્ટ્સ રવિવારે જ અવેલેબલ હોય. ક્યારેક તેમને ફોન કરીને સમજાવવું પડે તો ઘણી વાર મીટિંગ પણ ગોઠવવી પડે છે. આજે દરેક વ્યક્તિ કરીઅરમાં ગ્રોથ કરવા માગે છે તેથી ફીલ્ડની ડિમાન્ડ હોય એ રીતે કામ કરવાની તૈયારી રાખવી જોઈએ. વીકલી ઑફમાં ઘરે જ હોઈએ તેથી થોડુંઘણું કામ કરવામાં વાંધો નથી આવતો. 

આ પણ વાંચો :  ઇન આંખોં કી મસ્તી કે


સોશ્યલ લાઇફમાં હાજરી આપવી આવશ્યક હોય અથવા વેકેશન પર જઈએ ત્યારે સહકર્મચારીઓ મૅનેજ કરી લેતા હોય છે. આ અરસપરસ અન્ડરસ્ટૅન્ડિંગનો વિષય છે. મારા મતે દરેક ફીલ્ડને એકસરખી પૉલિસી લાગુ ન પડે. ઇન ફૅક્ટ ટીમમેટ્સ વચ્ચે કો-ઑર્ડિનેશન સારું હોય તો પૉલિસી બનાવવાની જરૂર નથી. જોકે ડ્રીમ 11ની પૉલિસી વિશે જાણ્યા પછી એક વિચાર આવ્યો ખરો. ફીલ્ડ પ્રમાણે વીકલી ઑફનો દિવસ ચેન્જ કરવાનો ઑપ્શન ખુલ્લો રાખી શકાય. અમારી રજા વીક ડેમાં હોય તો ટોટલી રિલૅક્સ્ડ રહી શકીએ.’

પૉલિસી બન્ને તરફી હોવી જોઈએ

શૅરબજારની ઑફિસમાં કામ કરતા અને ફોર્ટ વિસ્તારમાં રહેતા પ્રવીણ પટેલ કહે છે, ‘ડ્રીમ 11ની પૉલિસીમાં મને ખાસ દમ નથી લાગતો. ઑફિસમાં કામ કરતા હો ત્યારે ઘરેથી ફોન આવે તો ઉપાડો છોને? એવી જ રીતે રજાના દિવસે કામનો ફોન ઉપાડી શકાય. કોઈ પણ કૉલ ૧૦ મિનિટથી વધારે નથી ચાલવાનો. દરેક પૉલિસીનાં બે પાસાં હોય છે. વર્કપ્લેસ પર પર્સનલ કૉલ્સ અટેન્ડ કરવાની પરવાનગી કંપની આપતી હોય તો બિઝનેસ ગ્રોથ માટે કર્મચારીએ પ્રોફેશનલ કૉલ્સ રિસીવ કરવા જોઈએ. આ મારો જનરલ ઓપિનિયન છે. કર્મચારીના હિત માટે કઈ પૉલિસી ઇફેક્ટિવ છે એ મૅનેજમેન્ટે નક્કી કરવાનું છે. અંગત અનુભવની વાત કરું તો શનિ-રવિ શૅરબજાર બંધ હોય છે તેથી અમારા ફીલ્ડમાં આવી સમસ્યા નથી. મોટા ભાગે અમને આરામ મળતો હોય છે. ચાર-છ મહિને એક્સ્ટ્રા કામ કરવાની જરૂર પડે ખરી. એ વખતે શનિવારે કામ કરી લઈએ, પરંતુ રવિવારનો ​દિવસ પરિવાર માટે રિઝર્વ્ડ હોય છે.’

દરેક પૉલિસીનાં બે પાસાં હોય છે. વર્કપ્લેસ પર પર્સનલ કૉલ્સ અટેન્ડ કરવાની પરવાનગી કંપની આપતી હોય તો બિઝનેસ ગ્રોથ માટે કર્મચારીએ પ્રોફેશનલ કૉલ્સ રિસીવ કરવા જોઈએ. કર્મચારીના હિત માટે કઈ પૉલિસી ઇફેક્ટિવ છે એ મૅનેજમેન્ટે નક્કી કરવાનું છે. : પ્રવીણ પટેલ

આ પણ વાંચો :  રિયલ્ટી સેક્ટરની રિયલિટી શું છે?

પગલાં લેવાં વધારે પડતું કહેવાય

કર્મચારીઓ વીક-એન્ડનો સમય સારી રીતે પસાર કરી શકે એવી પૉલિસી આવકારદાયક છે, પરંતુ ડ્રીમ 11એ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવી જે ઘોષણા કરી છે એ પગલું વધારે પડતું કહેવાય. આવો અભિપ્રાય આપતાં મુલુંડના સૉફ્ટવેર ડેવલપર હિરેન જેઠવા કહે છે, ‘સામાન્ય  રીતે આ પ્રકારની પૉલિસીઓ એમએનસી સેક્ટરની કંપનીઓ બનાવતી હોય છે. હું જે કંપનીમાં કામ કરું છું એમાં ૫૦-૬૦ લોકો જ કામ કરે છે. રજાના દિવસે કામ કરવાનો કંટાળો આવે એ સાચું. કૉલ્સ અટેન્ડ કરવા પડે તો ક્યારેક મનમાં થાય કે રજા શેના માટે લીધી છે? આજે એન્જૉય કરવા દો. જોકે તમને હેરાન કરવામાં સિનિયરને કંઈ મજા નથી આવતી. તેમના પર હાયર ઑથોરિટીનું પ્રેશર હોઈ શકે છે. તમને કૉલ કર્યો મતલબ તેઓ પણ પ્રોફેશનલ વર્ક જ કરી રહ્યા છે. વાસ્તવમાં કામનું પ્રેશર અને ટાર્ગેટ ઉપરી અધિકારીથી લઈને જુનિયર લેવલ સુધીના દરેક કર્મચારી પર હોય છે. ઇમર્જન્સી હોય ત્યારે દરેક કર્મચારીએ કામ માટે તત્પરતા દાખવવી એ ફરજનો એક ભાગ છે. પૉલિસી બનાવવામાં મને કોઈ લૉજિક દેખાતું નથી.’

પૉલિસીની જરૂર નથી પડી

પૅન ઇન્ડિયામાં અંદાજિત ત્રણ હજાર અને મુંબઈમાં ૧૨૦૦ જેટલા કર્મચારીઓ જેમાં કામ કરે છે એવી લોન ડિસ્ટ્રિબ્યુશન કંપનીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છાયા રાયચુરા પોપટ કહે છે, ‘પૅન્ડેમિક બાદ અનેક કંપનીઓએ તેમના કર્મચારીઓ પરિવાર સાથે સારો સમય પસાર કરી શકે એવી જુદી-જુદી પૉલિસીઓ બનાવી છે. આઇટી જેવા ફીલ્ડમાં વર્કપ્રેશરમાંથી બ્રેક લઈને પાછા ફરતા કર્મચારીઓ ડબલ જોશથી કામ કરે અને પ્રોડક્ટિવિટી વધી જાય એવું શક્ય છે. જોકે ડ્રીમ 11ની પૉલિસી વધારે પડતી દંડાત્મક હોય એવું પ્રતીત થાય છે. આ કન્સેપ્ટ દરેક ઇન્ડસ્ટ્રી માટે નથી. અમારી કંપનીમાં રજાના દિવસે કામ કરવું ફરજિયાત નથી, પરંતુ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ક્લાયન્ટની અવેલેબિલિટી ઘણી મહત્ત્વની હોવાથી ક્લાયન્ટ એમ કહે કે મને સન્ડે ફાવશે તો કામ કરવું પડે. વાસ્તવમાં ભારતીયો ઘણા મોટિવેટેડ હોય છે. તેમને ક્લાયન્ટ છોડવા નથી હોતા. કર્મચારીઓ જાતે ક્લાયન્ટ સાથે રિલેશનશિપ મેઇન્ટેન કરી નિર્ણય લઈ લેતા હોય છે, સિનિયરે તેમને મૉનિટર કરવાની જરૂર નથી પડતી. લોન ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ ટાઇમ પર ફુલફિલ થવી જોઈએ અન્યથા કંપની સર્વાઇવ ન કરી શકે તેથી અમે લોકોએ આવી કોઈ પૉલિસી બનાવી નથી. બેશક, અમે માનીએ છીએ કે કર્મચારીઓને વેકેશન જોઈએ. તેઓ બહારગામ જાય ત્યારે સહકર્મચારીઓ સાથે મૅનેજ કરી લેતા હોય છે. ઘણી વાર અઠવાડિયાનું વેકેશન માણીને પરત ફર્યા પછી અનેક કર્મચારીઓને એમ લાગે છે કે ક્લાયન્ટ હાથમાંથી જતો રહ્યો. એટલે જ તેઓ રિપ્લાય આપતા રહે છે.’

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2023 04:38 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK