તેમની મહેનત એવો રંગ લાવી કે પછાત વર્ગના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો ઉત્સાહ વધે એવા પ્રોજેક્ટમાં સેંકડો લોકો જોડાઈ ગયા

હર્ષા સાવલાના જનકલ્યાણનાં કાર્યો
આ પ્રાર્થનામાં કેટલી શક્તિ છે એનો સ્વ-અનુભવ કરી ચૂકેલાં દાદરનાં હર્ષા સાવલાએ જનકલ્યાણનાં કાર્યો પાર પાડવા શરૂઆતમાં બહેનપણીઓ અને દેરાણી-જેઠાણીઓને આર્થિક સહાય કરવાની વિનંતી કરી. તેમની મહેનત એવો રંગ લાવી કે પછાત વર્ગના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો ઉત્સાહ વધે એવા પ્રોજેક્ટમાં સેંકડો લોકો જોડાઈ ગયા
પોતાના ગામમાં સ્કૂલ ન હોવાથી નદી તરીને કે ડુંગરા ચડીને બીજા ગામમાં અભ્યાસ કરવા જતા હોય એવા વિદ્યાર્થીઓના સમાચાર આપણે અવારનવાર સાંભળીએ છીએ. તેમના માટે દયાભાવ જાગે અને સોશ્યલ મીડિયા પર સિસ્ટમ પ્રત્યે આક્રોશ પણ વ્યક્ત કરીએ. શું એનાથી તેમને કોઈ ફાયદો થાય ખરો? જરાય નહીં. એ માટે આપણે આર્થિક અને શારીરિક રીતે મદદરૂપ થવું પડે અને ગ્રામીણ વિસ્તારના પછાત વર્ગના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો ઉત્સાહ વધે એવા પ્રોજેક્ટ લાવવા પડે. વર્તમાન સમયમાં દરેક વર્ગનાં બાળકો માટે એજ્યુકેશન કેટલું અનિવાર્ય છે એ બાબતની ગંભીરતાને બખૂબી સમજતાં દાદરનાં હર્ષા સાવલાએ અન્ય મહિલાઓ સાથે મળીને ગ્રામીણ વિસ્તારમાં કેટલાક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા. દર મહિને એક પ્રોજેક્ટ પૂરો કરવાનું બીડું ઝડપનારાં હર્ષાબહેને શરૂઆત ક્યાંથી કરી અને તેમના પ્રોજેક્ટની વિશેષતા શું છે એ જાણીએ.
વૉટર પ્રોજેક્ટ
જનકલ્યાણ સંસ્થા એજ્યુકેશન જેટલું જ મહત્ત્વ વૉટર પ્રોજેક્ટને આપે છે. મહારાષ્ટ્રના ખડવલી ગામના જરૂરિયાતમંદ પરિવારોને બોરવેલ બનાવી આપવાના પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો હતો. અનેક દાતાઓએ બોરવેલ માટે ફન્ડ ફાળવવાની તૈયારી બતાવતાં હવે તેઓ આ દિશામાં પણ કામ કરી રહ્યાં છે.
લેટેસ્ટ પ્રોજેક્ટ
જુલાઈ મહિનામાં સાઇકલ ડિસ્ટ્રિબ્યુશનનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો એવી માહિતી શૅર કરતાં ૫૧ વર્ષનાં હર્ષા સાવલા કહે છે, ‘મહારાષ્ટ્રના શાહપુર વિસ્તારમાં એવી ઘણી સ્કૂલો છે જ્યાં દૂર-દૂરથી વિદ્યાર્થીઓએ ચાલતા આવવું પડે છે. આ વિદ્યાર્થીઓને અમે સાઇકલ આપવા માગતા હતા. મુંબઈમાં સ્કૂલ શરૂ થવાના પહેલા દિવસે હાજરી ફરજિયાત છે, જ્યારે ગામડાંઓમાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને નિયમિતરૂપે સ્કૂલમાં આવતાં પંદરેક દિવસ નીકળી જાય છે તેથી અમે જુલાઈમાં જવાનું રાખ્યું. અમારી સંસ્થા પાસે મર્યાદિત રકમ હોવાથી મૂળ પ્રોજેક્ટમાં પચીસેક સાઇકલ આપવાનો પ્લાન હતો. જોકે વૉટ્સઍપના મેસેજે કમાલ કરી. દાતાઓની સહાયતાથી શાહપુરમાં ૯૫ નવી સાઇકલ અને ૭૦ જૂની સાઇકલ તેમ જ અમલનેર ગામના વિદ્યાર્થીઓને ૯૦ નવી સાઇકલ આપવાનું કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શક્યા. આ પહેલાં જળગાવમાં એક હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ-બૅગ, ટિફિન-બૉક્સ, વૉટર-બૉટલ અને સ્ટેશનરીની આઇટમોની સહાય કરી હતી. પેંઢારી અને મુરબાદમાં પણ જઈ આવ્યા છીએ. બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને શિક્ષણ તેમનું હથિયાર. તેથી એવા પ્રોજેક્ટ વધુ લઈએ જેનાથી તેમનું જીવન સુધરે.’
વિચાર વહેતો થયો
વેરી યંગ એજથી મનમાં ઊંડે-ઊંડે સમાજસેવા કરવાની ઇચ્છા હતી, પણ પારિવારિક જવાબદારીમાં ઓતપ્રોત રહેવામાં સમય નહોતી ફાળવી શકતી. બાળકો મોટાં થયાં એ પછી વિલંબ કર્યા વિના આગળ વધવાનો નિર્ધાર કર્યો. જોકે શરૂઆત ક્યાંથી કરવી એ સમજાતું નહોતું. ચાર વર્ષ પહેલાંની વાત યાદ કરતાં જનકલ્યાણ નામની બિનસરકારી સંસ્થાનાં સંસ્થાપક હર્ષાબહેન કહે છે, ‘ઇચ્છા હોવી અને એને અમલમાં મૂકવી બન્ને જુદી વાત છે. સમાજસેવા માટે સૌથી પહેલાં તો આર્થિક પીઠબળ જોઈએ. હિન્દમાતા વિસ્તારમાં બ્રિજની નીચે પડ્યા રહેતા ગરીબો તેમ જ શ્રમિકોને જમવાનું આપીએ તો? બહેનપણીઓ, દેરાણી-જેઠાણીઓ અને અન્ય મહિલાઓ સમક્ષ આવો પ્રસ્તાવ મૂક્યો. બધાને સૂચન ગમી જતાં દર મહિને પાંચસો રૂપિયા જમા કરવાનું નક્કી થયું. મેમ્બરો ઓછા અને રકમ નાની હોવાથી હિન્દમાતા એરિયા માંડ કવર થતો. ત્યાર બાદ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં જરૂરિયાતનો સામાન આપવાનું સ્ટાર્ટ કર્યું. જેમ-જેમ આગળ વધતા ગયા એમ રસ્તો દેખાવા લાગ્યો. અમારાં જેવાં બીજાં ગ્રુપો સાથે ઓળખાણ થઈ. બળજબરીપૂર્વક દેહવ્યવસાયમાં સપડાયેલી છોકરીઓને રેસ્ક્યુ કરવામાં આવતી હોય એવી સંસ્થાના સંપર્કમાં આવ્યા બાદ દિશા બદલાઈ. અમે જોયું કે આ છોકરીઓને ગામડાંઓમાંથી ફોસલાવીને લાવવામાં આવી હતી. મુંબઈના સ્લમ એરિયામાં અનાજનું વિતરણ કરનારાઓની કમી નથી. જરૂર ગામડાંઓમાં છે અને ત્યાં સુધી જવાનો કોઈની પાસે સમય નથી એ સમજાયું. ગયા વર્ષે પછાત વર્ગની બાળાઓ અને આદિવાસી બાળકોની અભ્યાસમાં રુચિ વધે એવા પ્રોજેક્ટ લાવવાનો નવો વિચાર વહેતો થયો.’
લોગ જુડતે ગયે
જનકલ્યાણ સંસ્થા સાથે ૪૫ મહિલાઓ જોડાયેલી છે. એમાંથી ૩૦ મહિલાઓ દર મહિને પાંચસો રૂપિયા જમા કરાવે તો પંદર હજાર થાય. આંકડાકીય જાણકારી આપતાં તેઓ કહે છે, ‘મુંબઈની બહારના પ્રોજેક્ટને વ્યવસ્થિત રીતે પાર પાડવા આટલી રકમ ઓછી પડે. એક હજાર વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને મુંબઈથી ટેમ્પો લઈને ગામમાં જવાનો ખર્ચ ગણીને સહેજે ૩૫ હજાર રૂપિયા થઈ જાય. ફન્ડ ભેગું કરવા વૉટ્સઍપ પર મેસેજ શૅર કરીએ, જેથી ગ્રુપમાંથી કેટલીક વધુ રકમ ભેગી થઈ જાય. સંપર્કમાં આવેલી અન્ય સંસ્થાઓ પણ ક્યારેક ફન્ડ ફાળવે. પ્રોજેક્ટ જોઈને દાતાઓ આગળ આવે. આજ સુધીમાં એકેય પ્રોજેક્ટ નિષ્ફળ નથી ગયો. મોટા ભાગે અમે ધારીએ એના કરતાં વધારે સારી રીતે કામ થઈ જાય છે. મારો અનુભવ કહે છે કે જનકલ્યાણની ચાહ હોય તો કશું જ અશક્ય નથી. ભગવાન પાસે એટલું જ માગો કે જરૂરતમંદ સુધી પહોંચાડજે.’
હર્ષાબહેન અને તેમની ટીમ દર મહિને એક પ્રોજેક્ટ લઈને આવે છે. પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટ માટે ફન્ડ મળી રહે છે, પરંતુ દર વખતે તેમની સાથે જવા માટે કોઈની પાસે સમય નથી. ક્યારેક બહેનપણી, ક્યારેક દેરાણી-જેઠાણી તો ક્યારેક હસબન્ડને લઈ જવા પડે. એકાદ પ્રોજેક્ટ તેમણે એકલપંડે પાર પાડ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં એજ્યુકેશન તેમનું ફોકસ છે તો મુંબઈમાં વળી જુદો સેવાયજ્ઞ ચાલતો હોય. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે વાડિયા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળદરદીઓ માટે તેમણે મૅજિક શોનું આયોજન કર્યું હતું. આવતા મહિને નાલાસોપારાના સ્લમ એરિયામાં રહેતાં દિવ્યાંગ બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ જવાના છે.
"બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને શિક્ષણ તેમનું હથિયાર. તેથી એવા પ્રોજેક્ટ વધુ લઈએ જેનાથી તેમનું જીવન સુધરે". : હર્ષા સાવલા