Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અજબ પ્રેમ કી ગજબ કહાની

અજબ પ્રેમ કી ગજબ કહાની

14 February, 2023 05:23 PM IST | Mumbai
Bhavini Lodaya

ક્યારેક ફિલ્મી ઢબે થયેલી મુલાકાત પણ દિલમાં પ્રેમની ઘંટી બજાવી જાય છે. આજે પ્રેમના દિવસે ભાવિની લોડાયા અને વર્ષા ચિતલિયા એવાં યુગલોને મળાવશે જેમની લવ સ્ટોરી રોમાંચ જગાવી દે એવી છે

મિતેશ અને લીના જોશી

મિતેશ અને લીના જોશી


પ્રેમ એવી ફીલિંગ છે જે ક્યારે, કોના માટે અને કેવી રીતે જન્મી જાય એની ખબર જ નથી પડતી. એ નથી જોતો રૂપરંગ કે નથી જોતો જાતપાત. ક્યારેક ફિલ્મી ઢબે થયેલી મુલાકાત પણ દિલમાં પ્રેમની ઘંટી બજાવી જાય છે. આજે પ્રેમના દિવસે ભાવિની લોડાયા અને વર્ષા ચિતલિયા એવાં યુગલોને મળાવશે જેમની લવ સ્ટોરી રોમાંચ જગાવી દે એવી છે

પ્રપોઝ કર્યું એનાં ૧૧ વર્ષ બાદ લગ્ન થયાં આ બ્લૅક ઍન્ડ વાઇટ કપલનાં



દસમાના વેકેશનમાં પહેલાં મિતેશે લીનાને પ્રપોઝ કર્યું ત્યારે વાત ઉડાડી દીધી, પણ થોડાં વર્ષો પછી લીનાએ જ સામેથી રોમૅન્ટિક પહેલ કરી.


છોકરી રૂપાળી હોવી જોઈએ અને છોકરો હૅન્ડસમ. તો જ એ મેડ ફૉર ઇચ અધર લાગે એવી આપણે ત્યાં વણકહી માન્યતા છે, પણ છોકરી ગોરેવાન ન હોય અને છતાં કોઈ ગોરેવાન છોકરાને મનભાવન બની જાય ત્યારે શું? દિલના તાર મળી ગયા હોય તો બાકીનું બધું જ ગૌણ બની જાય છે અને એવું જ બન્યું છે મુલુંડમાં રહેતાં મિતેશ અને લીના જોશીની લવ સ્ટોરીમાં.  

હું જ્યારે નવમા ધોરણમાં હતો ત્યારે લીનાને પહેલી વાર જોઈને જ મને લવ ઍટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો હતો એવો એકરાર કરતાં મુલુંડના મિતેશ જોશી કહે છે, ‘ટેન્થના સેન્ડ ઑફ બાદ મેં તેને પ્રપોઝ કર્યું ત્યારે તેનો જવાબ હતો કે મારા ઘરેથી આ બધું કરવાનું અલાઉડ નથી. ત્યારે મને બહુ ફની લાગ્યું હતું અને મેં તેને જવાબ આપેલો કે કોઈના ઘરેથી પ્રેમ કરવા માટે અલાઉડ ન જ હોય, પણ ઠીક છે તું મને ભલે પ્રેમ ન કરતી હોય, પણ આપણે ઍટ લીસ્ટ સારા ફ્રેન્ડ તો બની જ શકીએ. હું નવમા ધોરણનો ફેલ્યર સ્ટુડન્ટ હતો પરંતુ તેની પ્રેરણાને કારણે હું નવમું, દસમું અને ત્યાર બાદ ગ્રૅજ્યુએશન અને બીએમએસ પણ મેં કર્યું. લીનાના મારા જીવનમાં આવવાથી આ મોટો ચેન્જ આવ્યો. મૂળે તો અમારી ફ્રેન્ડશિપ પણ બહુ અનોખા કારણસર થયેલી. લીના તેની ફ્રેન્ડની પ્રપોઝલ મારી પાસે લઈને આવી હતી કે તે તને લાઇક કરે છે. ત્યારે મેં જવાબ આપેલો કે હું જેને પ્રેમ કરું છું તે મને સમજતી નથી. મારી કૉલેજમાં બીજી એક સુંદર છોકરી હતી તેને મારા લીના પ્રત્યેના લાઇકિંગની ખબર હતી અને છતાં તેણે મને મને પ્રપોઝ કરીને પૂછ્યું હતું કે એવું તે તેનામાં શું છે જે મારામાં નથી. તેને મેં એક જ જવાબ આપેલો કે તું ભલે બહારથી સુંદર દેખાય છે, પણ લીનાની મનની સુંદરતા તારી સુંદરતા કરતાં વધારે સુંદર છે. થોડાં વર્ષો બાદ લીનાએ જ મને વૅલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રપોઝ કર્યું અને એ મારા જીવનનો ગોલ્ડન ડે બની ગયો. અને મને પ્રપોઝ કરવાનું રીઝન એક જ હતું કે તેને મારો નેચર ખૂબ જ ગમ્યો હતો. તે કહેતી તું ગમેતેટલો હૅન્ડસમ હોય પણ તારું મન અને હેલ્પિંગ નેચર મને બહુ ગમે છે. એ પછી અમે જ્યારે પણ સાથે હોઈએ તો અમે કોઈ ગાર્ડન કે બીચ પર ન જતાં ઑલ્વેઝ મંદિરમાં મળતાં જેથી અમારા વિચારોમાં કોઈ વિકાર ન આવે. લોકો અમને બ્લૅક ઍન્ડ વાઇટ કપલ કહેતાં.


બાકી ફ્રેન્ડ્સ લોકોને હંમેશાં એવું લાગતું કે હું લીના સાથે ટાઇમપાસ કરું છું અને થોડા દિવસો પછી હું તેને છોડી દઈશ. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે હું તેના રંગથી નહીં, પણ સુંદર મનથી પ્રેમ કરતો હતો. અમે અલગ-અલગ કૉલેજમાં ભણતાં હતાં. અને કૉલેજમાં ભણતાં-ભણતાં હું જૉબ પણ કરતો હતો કેમ કે મારે કંઈક કરી બતાવવું હતું. લીનાના પેરન્ટ્સને કન્વિન્સ કરવાના હતા કે હું લીનાને સંભાળી શકું એમ છું. અમે એક જ ક્લાસિસમાં ભણતાં હતાં અને ક્લાસિસ બહાર આવેલી એક કૅફેમાં અમે કલાકો સુધી બેસીને લગ્ન બાદ ફ્યુચરમાં શું કરીશું એના 
ખયાલી પુલાવ પકાવતાં. એ કૅફેની બધી જ ફ્લેવરના આઇસક્રીમ અમે ખાઈ લીધા હતા.’

લગ્ન કરવાનો નિર્ણય

એક દિવસ એવા આવ્યો કે લીનાના ઘરે ખબર પડી ગઈ અને ત્યાર બાદ તેના ભાઈને ખૂબ ગુસ્સો આવ્યો. લીના કચ્છી વીસા ઓસવાળ ને મિતેશ બ્રાહ્મણ. કાસ્ટ અલગ હોવાના લીધે બધા આ સંબંધના વિરોધમાં હતા એ વિશે મિતેશભાઈ કહે છે, ‘એ વખતે લીના ખૂબ જ ડરી ગઈ હતી. તેણે મને પૂછ્યું કે હવે મારો ભાઈ આવી વાત કરે છે તો હું શું કરું? ત્યારે મેં એક જવાબ આપેલો કે તને મારા પર વિશ્વાસ હોય તો તું તારા ભાઈને એક જ જવાબ આપ કે જો હું લગ્ન કરીશ તો આ છોકરા સાથે જ અને લગ્ન પછી હું ક્યારેય પાછી નહીં આવું. અને જો તારી ઇચ્છા હોય તો જ તું આ જવાબ આપજે નહીં તો આપણી ફ્રેન્ડશિપ હંમેશાં કાયમ રહેશે. થોડાં વર્ષો બાદ હું પોતે જ લીનાનાં મમ્મીને મળ્યો અને તેમને કન્વિન્સ કર્યાં કે હું તમારી દીકરીની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં અને હંમેશાં ખુશ રાખીશ. લીનાનાં મમ્મીએ પણ મારા વિશે બધી માહિતી કઢાવડાવી અને જ્યારે તેમને ખાતરી પડી કે હું તેમની દીકરીને લાયક છું ત્યારે તેમણે તેમના ઘરના બાકીના ફૅમિલી મેમ્બર્સને મનાવ્યા.’

સ્પાઉઝને ટાઇમ આપવો

૧૧ વર્ષ આ કોર્ટશિપ પિરિયડ રહ્યો અને એ પછી લગ્ન થયાં. સ્વાભાવિક રીતે લગ્નની જવાબદારીઓ નિભાવવામાં મિતેશભાઈએ કામકાજને મહત્ત્વ આપવાનું શરૂ કરતાં સંબંધોમાં મતભેદો શરૂ થયા. મિતેશભાઈ કહે છે, ‘લગ્ન પછી પરિવારને સેટ કરવા માટે હું પૈસા પાછળ ભાગવા લાગ્યો. વધુ પૈસા કમાવા માટે કામ, કામ અને કામ જ કરતો રહ્યો. એને કારણે લીનાને એવું લાગતું કે મેં મારા રિલેશનને ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ લીધું છે. એક-બે વર્ષ બાદ મારો અને લીનાનો ખૂબ મોટો ઝઘડો થયો અને લીના રડવા લાગી. એ વખતે તેણે સ્પષ્ટતા કરી કે મને પૈસા અને સુખસાહ્યબી નથી જોઈતાં; મને તું જોઈએ છે, મને તારો ટાઇમ જોઈએ છે. મને પણ એ વાત સમજાઈ. એ દિવસથી આજ સુધી મેં પૈસાની પાછળ ભાગવાનું છોડી દીધું. હા, જીવન ચલાવવા પૈસા ખૂબ જ જરૂરી છે, પણ પોતાના જીવનસાથીને દુખી કરીને નહીં. ત્યાર બાદથી મેં લીનાને ટાઇમ આપવાનું શરૂ કરી દીધું. લીનાને પ્રથમ પ્રાયોરિટી આપી. લીના માટે ક્યારેક સરપ્રાઇઝ ગિફ્ટ લઈ આવું, ક્યારેક બહાર ફરવા જાઉં. હું લીનાને ખુશ કરવા માટે ઘણી નાની-નાની વસ્તુઓ કરતો રહું છું અને એ વખતે તેની આંખમાં ખુશીનાં આંસુઓ જોઈને હું સૅટિસ્ફાઇડ થાઉં છું કે હું લીનાને ખુશ રાખી શકું છું.’

પરસ્પરનો સપોર્ટ 

લગ્નનાં ૧૭ વર્ષો બાદ પણ ખૂબ જ ખુશ છું અને લવિંગ લાઇફ જીવી રહ્યો છું. ઘણી વાર લીના સાથે ઘણી નાની-નાની ગોલ્ડન પળો જીવનને ખુશીથી ભરી દે છે એની વાત કરતાં મિતેશ કહે છે, ‘ગઈ કાલે  સવારે જ મેં તેના સેંથામાં સિંદૂર પૂર્યું અને મને મારાં લગ્નનો દિવસ યાદ આવતાં હું ઈમોશનલ થઈ ગયો. અમે એકબીજાનો મોબાઇલ ક્યારેય પણ ચેક કરી શકીએ છીએ. આજકાલ હસબન્ડનો મોબાઇલ વાઇફ લઈ લે તો તેને પરસેવો છૂટવા લાગે છે, પણ અમારું રિલેશન એકદમ ક્લિયર છે. તમારા સંબંધોમાં પારદર્શિતા હોવી જોઈએ. લીનાએ મને જે કૅર અને લવ આપ્યાં છે એના લીધે આજની તારીખમાં પણ હું યંગ અને હૅન્ડસમ દેખાઉં છું. લીનાએ બહુ નાની ઉંમરમાં પોતાના પિતા ખોયા હતા એટલે ઘરની રિસ્પૉન્સિબિલિટી નાની ઉંમરથી સંભાળી લીધી હતી. નાની ઉંમરમાં જ તેનામાં એ મૅચ્યોરિટી આવી ગઈ હતી. અને હું હંમેશાં તેને પિતાનો પ્રેમ આપવાનો પ્રયત્ન કરું છું. લીનાને બે વસ્તુ જોઈતી હોય તો તેને ચાર વસ્તુ લઈ આપું, હંમેશાં ડબલ ખુશી આપવાનો પ્રયત્ન કરું છું. તેણે પણ એટલું જ મને આપ્યું છે. બિઝનેસ ક્રાઇસિસમાં પોતાના દાગીના આપીને મારી બૅકબોન બની છે. હું હંમેશાં બિઝનેસની વાતો ઘરે નહોતો લઈ આવતો, પણ મારા ફેસ પરનાં એક્સપ્રેશનથી એ સમજી જતી કે બિઝનેસમાં કંઈક પ્રૉબ્લેમ ચાલી રહ્યો છે અને ત્યારે મને પૂછેલું કે શું થયું છે મને કહે. વાત સાંભળીને તરત જ તેણે પોતાના દાગીના આપી દીધા અને મને કહ્યું કે તારા ચહેરા પરની જે ખુશી છે એ જ મારા માટે દાગીનો છે. અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, અમે એકબીજાને ક્યારેય દુખી જોઈ શકતાં નથી. હંમેશાં એકબીજાના ફેસ પર ખુશી લાવવા માટેના પ્રયત્ન કરતાં હોઈએ છીએ.’

જ્યારે એક રાજપૂત કન્યાને મુસ્લિમ યુવક સાથે પ્રેમ થઈ ગયો...

જ્યારે બે ધર્મની વ્યક્તિઓ સાથે જીવવાનું નક્કી કરે ત્યારે કોઈ એક જ ધર્મને અપનાવવાને બદલે બન્ને ધર્મોનો સ્વીકાર થવા લાગે તો કેવી સુંદર પ્રેમકથા રચાય એનું ઉદાહરણ છે ભાંડુપનું આ કપલ. ૩૨ વર્ષની વિમલા રાજપૂત અને ૩૫ વર્ષના ઝુબેર જમાદારનાં દસ વર્ષ પહેલાં લવ-મૅરેજ  થયાં છે. તેમની લવ સ્ટોરી કોઈ ફિલ્મી ઘટનાથી કમ નથી.  

બીએડ કૉલેજમાં ભણતાં-ભણતાં વિમલા અને ઝુબેર વચ્ચે પ્રેમની ગાંઠ ક્યારે બંધાઈ ગઈ એની તેમને પોતાને પણ ખબર નહોતી પડી. પ્રેમની લાગણીનો ફણગો કઈ રીતે ફૂટ્યો એની વાત કરતાં વિમલા કહે છે, ‘ઝુબેર અને હું એક જ કૉલેજમાં હતાં. અમારી કૉલેજમાં સવારની પ્રાર્થના સાથે જ થતી. પ્રથમ વર્ષમાં બધા ફ્રેન્ડ સાથે મળીને પ્રોજેક્ટ્સ બનાવતા. આ બધા વચ્ચે મારી ઝુબેર સાથે બેસ્ટ ફ્રેન્ડશિપ થઈ. બીજા વર્ષે કૉલેજમાં સ્પોર્ટ્સ ડેની તૈયારીઓમાં કબડ્ડીની પ્રૅક્ટિસ કરતી વખતે જ્યારે પણ મને કે કોઈને પણ ઈજા થતી તો ફર્સ્ટ એઇડ ઝુબેર જ કરી આપતો. અને તેનો આ હેલ્પિંગ નેચર મને ખૂબ ગમી ગયો. એક દિવસ અમે ફ્રેન્ડ્સ મળીને ફરવા જવાનું નક્કી કર્યું. અમે કિલ્લો જોવા ગયાં. ત્યાર બાદ બૅન્ડ સ્ટૅન્ડ  ગયાં અને ત્યાં મેં તેને મારા મનની વાત કહી દીધી કે તું મને ખૂબ ગમે છે. જોકે એના જવાબમાં તેણે મને સમજાવ્યું કે જો તું કેટલી સુંદર અને સારા ઘરની છોકરી છે. તને તો મારા કરતાં પણ ઘણા સારા છોકરાઓ મળી રહેશે. મારી પાસે કંઈ જ નથી.’ પણ આખરે મેં તેને મનાવી લીધો અને થોડા ટાઇમ પછી તેણે મારા પ્રેમનો સ્વીકાર કર્યો. કૉલેજમાં તો અમે સાથે જ હતાં, પણ અલગ-અલગ ક્લાસમાં. હું ગુજરાતી મીડિયમમાં અને એ મરાઠી મીડિયમમાં હતો. પણ ઘણાંખરાં લેક્ચર અમારાં સાથે જ રહેતાં. અમે સાથે કૉલેજ આવતાં અને સાથે ટ્રેનમાં ઘરે પાછાં જતાં. કૉલેજ બાદ અમે અલગ-અલગ સ્કૂલમાં જૉબ કરતાં પણ સાંજે પાછાં ઘરે જતી વખતે સાથે જતાં. મારા ઘરના લોકો ખૂબ સ્ટ્રિક્ટ હતા એટલે મેં મારા આ વાતની ક્યારે જાણ કરી જ નહોતી, પણ તેણે તેના ફૅમિલીને  કહી દીધું હતું.’

ઝુબેર અને વિમલા જમાદાર

કોર્ટ મૅરેજ -  નિકાહ

વિમલાના ઘરે છોકરાઓ જોવાનું સ્ટાર્ટ થયું ત્યારે તેણે પોતાની સગાઈ બીજા સાથે થાય એ પહેલાં જ છુપાઈને ઝુબેર સાથે કૉર્ટ-મૅરેજ કરી લીધાં. આવી હિંમત ક્યાંથી આવી એની વાત કરતાં વિમલા જમાદાર કહે છે,  ‘સ્કૂલમાં જૉબ વચ્ચેથી ન છોડાય એટલે લગ્ન બાદ અમે પોતપોતાના ઘરે પાછાં ગયાં અને મૅરેજ કર્યા બાદ દોઢ મહિના પછી વેકેશન પડ્યું એટલે અમે મુંબઈથી બહાર નીકળી ગયાં. હવે ખરી પરીક્ષાઓ શરૂ થઈ હતી. હું ઘરેથી ફકત એક જોડી કપડાંમાં જ આવી હતી. મારી પાસે કોઈ જૉબ નહોતી. વેકેશન આખું અમે દેશમાં રહ્યાં. મારા પરિવારે તો ખૂબ વિરોધ દર્શાવ્યો હતો પણ અમે અમારા નિર્ણયથી પાછાં ન પડ્યાં. મેં મારા ઘરનાઓને કહી દીધું હતું કે હું અહીં ખુશ છું, હવે પાછી નહીં આવું. ઝુબેરના ઘર-પરિવારે અમને ઍક્સેપ્ટ કરી લીધાં અને અમે નિકાહ કર્યા. શરૂઆતનાં બેત્રણ વર્ષ અતિશય ફાઇનૅન્શિયલ તકલીફોનો પણ સામનો કર્યો. કંઈ જ હાથમાં ન હોવા છતાં અમે બન્નેએ એકબીજાનો સાથ આપ્યો અને ધીરે-ધીરે કરીને અમારી ગૃહસ્થીને મજબૂત કરતાં ગયાં.’

આ પણ વાંચો: બે લેક્ચર વચ્ચેના બ્રેકમાં આ ટીનેજર બિઝનેસ હૅન્ડલ કરે છે

એકબીજાના ધર્મ પ્રત્યે રિસ્પેક્ટ 

લગ્નનાં ત્રણ વર્ષ બાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો. તેના જન્મ બાદ અમે ક્યારેય પાછળ ફરીને નથી જોયું એમ જણાવતાં વિમલા કહે છે, ‘એમ કહેવાય છે કે, બચ્ચાના જન્મ પછી પ્યાર ઓછો થઈ જાય પણ અમારે ત્યાં ઊલટું થયું. દીકરાના જન્મ બાદ અમારા બે વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગ અને પ્રેમ ઑર વધ્યાં. પહેલાં ફક્ત અમારા બેની જ દુનિયા હતી, હવે અમારો દીકરો આહીલ અમારી દુનિયા છે. ઝુબેરે ક્યારેય મને કોઈ વાતની રોકટોક નથી કરી. અમારા ઘરમાં આજે પણ જન્માષ્ટમી, ગણપતિ, નવરાત્ર:િ, દિવાળી અને રમઝાન ઈદ, બકરી ઈદ બધા તહેવાર ઊજવાય છે. અમને બન્નેને એકબીજાના ધર્મ પ્રત્યે  પ્રત્યે રિસ્પેક્ટ અને પ્રેમ છે. મારા ઘરમાં ગીતાનું અને કુરાનનું એકસરખું સન્માન થાય છે. એવા જ સંસ્કાર અમે અમારા દીકરાને આપી રહ્યા છીએ. અમે બંનેએ કોઈ દિવસ અમારા બંનેના રિલેશનમાં ધર્મને વચ્ચે આવવા નથી દીધો. અમારાં ઇન્ટરકાસ્ટ મૅરેજ છે, પણ મારા ઘરમાં રોજ ભગવાનના દીવાબત્તી ઝુબેર જ કરે છે. તેણે ક્યારેય મને હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફોર્સ નથી કર્યો અને મેં પણ ક્યારેય તેનો ડિસરિસ્પેક્ટ નથી કર્યો. આ અમારા બંને વચ્ચેનો પ્રેમ જ છે કે અમે અલગ-અલગ હોવા છતાં એક છીએ. નવરાત્રિના નવ દિવસ મારા ઉપવાસ પણ હોય છે અને રમઝાન મહિનામાં આખો મહિનો અમારા રોજા પણ હોય છે. અમે હિન્દુ કે મુસલમાન તરીકે નથી જીવતાં, પણ અમે એક ભારતીય થઈને ભારતીય સંસ્કૃતિનું સન્માન કરીને અમારા પ્રેમને કાયમ રાખ્યો છે.’

સાચા પ્રેમનું કનેક્શન  

જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા પણ ક્યારેય પણ અમે એકબીજાનો સાથ નથી છોડ્યો એમ કહેનાર વિમલા કહે છે, ‘લગ્ન બાદ ઝુબેરે પોતે એમએ કમ્પ્લીટ કર્યું અને મારું ગ્રૅજ્યુએશન કમ્પ્લીટ કરાવ્યું. હું ઘણી વાર નાદાનિયત કરી બેસું તો ક્યારેક ઝુબેર ગુસ્સે પણ થઈ જાય, પણ થોડી જ વારમાં પાછું પ્રેમથી એ વાત સમજાવે. મારે ક્યારેય તેને કહેવું નથી પડતું કે મારે આ જોઈએ છે, મારા માગ્યા પહેલાં, મારા બોલ્યા પહેલાં એ વસ્તુ મારી પાસે પહોંચી ગઈ હોય અને આ જ કનેક્શનને સાચો પ્રેમ કહેવાય. મેં આજ સુધી તેને કોઈ ગિફ્ટ નથી આપી; ન વૅલેન્ટાઇન્સ ડે ગિફ્ટ, ન ઍનિવર્સરી ગિફ્ટ, ન બર્થ-ડે ગિફ્ટ. પણ એ હર ઓકેઝનમાં, હર વારતહેવારમાં મારા માટે ગિફ્ટ લઈ આવે છે. બધા એમ કહે છે કે ફાઇનૅન્શિયલ પ્રૉબ્લેમના લીધે લગ્નજીવન તૂટતાં હોય છે, પણ અમારા કેસમાં અમે ભલે ફાઇનૅન્શિયલી સ્ટ્રૉન્ગ નથી, પણ અમે ઇમોશનલી એકબીજાના એટલાં સપોર્ટિવ છીએ કે આર્થિક સમસ્યાઓ અમને ક્યારેય મોટા પ્રૉબ્લેમ જેવી લાગતી જ નથી. જો તમારે તમારું લગ્નજીવન સફળ કરવું હોય તો એકબીજા પ્રત્યે અતૂટ વિશ્વાસ, પ્રેમ અને સમાધાનવૃત્તિ રાખવી ખૂબ જ જરૂરી છે.’ 

ઍરપોર્ટ પર બૅગ બદલાઈ ગઈ એમાં યુગલનું દિલ એક્સચેન્જ થઈ ગયું

યશ ચોપડાની ફિલ્મો જોઈને ક્યારેક તમને એમ થયું છે કે કાશ, આપણી પણ આવી સુપરડુપર હિટ લવ સ્ટોરી હોય? કોઈ છોકરી સિમરનની જેમ ટ્રેન પકડવા માટે દોડતી-દોડતી આવે અને હું રાજની જેમ હાથ લંબાવીને તેને ખેંચી લઉં. યુવાનીમાં આવા આશિક મિજાજ ખ્યાલ બધાને આવતા હોય છે, પરંતુ મોટા ભાગે એ ખ્યાલ બનીને રહી જાય. જોકે અપવાદ હોય છે. સ્પોર્ટ્સ ચૅનલના કમેન્ટેટર ઍન્ડ ઍન્કર મનીષ બાટવિયા અને ઇન્શ્યૉરન્સ કંપનીમાં ઑર્ગેનાઇઝેશન ડેવલપર તરીકે કામ કરતાં ગ્રીષ્મા વોરાની રિયલ લાઇફ લવ સ્ટોરી રીલ લાઇફને ટક્કર મારે એવી છે. બન્ને વચ્ચે ફિલ્મી સ્ટાઇલથી પરવાન ચડેલી પ્રેમકથા શૅર કરતાં મનીષ કહે છે, ‘થયું એવું કે ૨૦૧૮માં હું દિલ્હીથી મુંબઈ આવતો હતો. ફ્લાઇટમાં મારી સીટ ઘણી પાછળ હતી તેથી બહાર નીકળતાં વાર લાગી. લગેજ આવે એટલી વારમાં ફ્રેશ થવા ચાલ્યો ગયો. આવીને જોઉં છું તો બધા પૅસેન્જર પોતાનો સામાન લઈને નીકળી ગયા હતા. એક બૅગ પડી હતી. હાથમાં લેતાં જ ટૅગ પર નજર પડી. ગ્રીષ્મા વોરાનું નામ અને નંબર લખેલાં હતાં. વાસ્તવમાં સેમ ટુ સેમ સૂટકેસ હોવાના કારણે તે ભૂલથી મારી બૅગ લઈને ચાલી ગઈ. તરત તેને ફોન લગાવી ઍરપોર્ટ પાછા આવવા જણાવ્યું.’

ગ્રીષ્મા વોરા અને મનીષ બાટવિયા

ટૅક્સી કરીને હું થાણે જવા નીકળી ગઈ હતી ત્યાંથી યુ-ટર્ન લેવો પડ્યો એની સ્ટોરી જણાવતાં ગ્રીષ્મા કહે છે, ‘મનીષ સ્ટારબક્સમાં મારી રાહ જોતો હતો. સૉરી કહીને તેને બૅગ પાછી આપી. એ દિવસે મુંબઈમાં ટૅક્સીના પ્રૉબ્લેમ્સ હતા એમાં તે ઊભો ન રહ્યો. બીજી ટૅક્સી આવે ત્યાં સુધી કૉફી પી લઉં વિચારી ઑર્ડર કર્યો. ઑનલાઇન પેમેન્ટ ફેલ જતાં સ્ટાફ સાથે રકઝક ચાલતી હતી. તેમનું મશીન ખરાબ હતું અને મારી પાસે કૅશ નહોતી. આ બધું જોઈને મનીષે કહ્યું કે હું આપી દઉં છું. આમ અજાણી વ્યક્તિ કૉફીના પૈસા આપે એ સારું ન લાગે એટલે ગૂગલ પે કરવા નંબર માગ્યો.’

ફરી વાતનો દોર હાથમાં લેતાં મનીષ કહે છે, ‘એ વખતે હું ગૂગલ પે નહોતો વાપરતો તેથી ગ્રીષ્માએ બૅન્ક અકાઉન્ટની ડીટેલ્સ માગી પણ ફોન-નંબર આપી ટાળી દીધું. આ વાતને એક વર્ષ થઈ ગયું. ક્યારેય એકબીજાને ફોન નહોતો કર્યો. ૨૦૧૯માં ગૂગલ પે વાપરવાનું શરૂ કર્યું એવું તેને નોટિફિકેશન ગયું હશે, કારણ કે મારા અકાઉન્ટમાં કૉફીના પૈસા આવ્યા. પહેલી વાર ફોન કર્યો, અરે ગાંડી, કૉફીના પૈસા અપાતા હશે? એકદમ કૅઝ્યુઅલ વાત કરીને ફોન મૂકી દીધો. ત્યાર બાદ કોઈક વાર વૉટ્સઍપ મેસેજ થતા પણ વધુ ટચમાં નહોતાં આવ્યાં. રિયલ લવ સ્ટોરી લૉકડાઉનમાં સ્ટાર્ટ થઈ.’

પેરન્ટ્સ ગુજરાતમાં અને મુંબઈમાં હું એકલી હોવાથી ડિપ્રેશનમાં આવી ગઈ એમ જણાવતાં ગ્રીષ્મા કહે છે, ‘એક દિવસ મનીષને ફોન કરીને કહ્યું કે ખૂબ રડવું આવે છે. ઘરમાં જરાય ગમતું નથી. તેણે સાંત્વના આપી. દરરોજ પંદર મિનિટ વાત થતી તોય સારું લાગતું. પરિસ્થિતિ થાળે પડ્યા બાદ હું પેરન્ટ્સ પાસે ચાલી ગઈ. આ તરફ મનીષ મને મિસ કરતો હતો અને ત્યાં હું પણ કંઈક ખૂટતું હોય એવું અનુભવતી. એક વાર ફોન કરીને મને કહે, ‘ચાલ હૉલિડે પર જઈએ? વાસ્તવમાં મારો રિસ્પૉન્સ જોઈને પ્રપોઝલ મૂકવા માગતો હતો. મેં કહ્યું, ‘ક્યાં અને કેટલા દિવસ માટે? જવાબ મળ્યો, લાઇફ લૉન્ગ હૉલિડે પર. પ્રેમના અંકુર બન્ને તરફ ફૂટ્યા છે એની અનુભૂતિ થતાં ૨૦૨૧માં લગ્ન કરી લીધાં.’

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2023 05:23 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK