આ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે બન્યું છે એવું કે માતાપિતા પોતાના સંતાનને પોતાની જેવું ઘડવા અથવા નહીં ઘડવા માટે જે મથામણ કરે છે
પ્રતીકાત્મક તસવીર
દરેક માતાપિતાનો પોતાના સંતાનના ભવિષ્ય વિશે વધતા-ઓછા અંશે એક ચોક્કસ ખ્યાલ હોય છે. પિતા કે માતા જે થવા માગતાં હતાં એ થઈ શક્યાં નથી અથવા તો જેવાં થયાં છે એને પોતાની જાતને સફળ માનતાં હોવાને કારણે પોતાનું સંતાન પણ પોતાના જેવું જ થાય એવી તેમની ઇચ્છા રહે છે. આમાં કશું ખોટું પણ નથી. પોતાની અધૂરી ઇચ્છા પૂરી કરવા માટે દરેકને એક મહત્ત્વાકાંક્ષા હોય છે.
પણ આ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે બન્યું છે એવું કે માતાપિતા પોતાના સંતાનને પોતાની જેવું ઘડવા અથવા નહીં ઘડવા માટે જે મથામણ કરે છે એના પરિણામે બે પેઢી વચ્ચે એક અંતર ઊભું થઈ જાય છે. સમય એટલી ઝડપથી બદલાતો જાય છે કે દસ વર્ષનું સંતાન અને ત્રીસ વર્ષની વયનાં માતાપિતા વચ્ચે એક અણધારી ખાઈ પેદા થઈ જાય છે. આજે હવે ઇતિહાસ, ભૂગોળ કે ભાષા જેવા વિષયો શીખવામાં બાળકને રસ નથી પડતો. બાળકને આ વિષયો શીખીને જ્ઞાન પ્રાપ્ત કરવામાં રસ નથી. પોતે જે શીખે છે એનું દેખીતું વળતર એ મેળવવા માગે છે. વિજ્ઞાન, ગણિત અને એવા વિષયો જે સ્થૂળ પ્રગતિને આગળ લઈ જઈ શકે છે એ પ્રગતિથી તે અંજાઈ જાય છે. માતાપિતાની બીજી કોઈ ઇચ્છા તે સ્વીકારી શકતો નથી.
ADVERTISEMENT
હું તમારાથી આવ્યો છું
ભગવાન તથાગત બુદ્ધના જીવનની એક વાત યાદ કરવા જેવી છે. રાજકુમાર સિદ્ધાર્થ કપિલવસ્તુ તથા પરિવારને છોડીને પરમની શોધમાં જતા રહ્યા. છ વર્ષની તપશ્ચર્યાને અંતે તેમણે જે કંઈ મેળવ્યું એ લઈને પાછા કપિલવસ્તુ પણ આવ્યા છે. કપિલવસ્તુમાં પિતા રાજા શુદ્ધોદને હવે ભગવાન બનેલા પુત્ર સિદ્ધાર્થનું સ્વાગત કર્યું. તેમણે પુત્રને કહ્યું છે કે ‘હે પુત્ર! તને મેં જન્મ આપ્યો છે. તું મારું સંતાન છે. મારી અધૂરી વાતને આગળ વધારીને પૂરી કરવી એ તારો ધર્મ છે. ચાલ, તું રાજગૃહે પાછો ફર.’
પુત્ર સિદ્ધાર્થ પિતાને કહે, ‘હે પિતા, હું તમારો પુત્ર છું એ વાત સત્ય છે. મેં આ જગતમાં મારો જે પ્રવાસ છે એને તમારા થકી આગળ વધાર્યો છે. હું તમારો નથી પણ તમારાથી આગળ વધેલો યાત્રિક છું.’
આપણે બધા જાણીએ છીએ કે રાજા શુદ્ધોદને પુત્રની વાત સ્વીકારી નહોતી અને પુત્ર સિદ્ધાર્થે પિતા શુદ્ધોદનની વાતનો સ્વીકાર કર્યો નહોતો. આ પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે.
પેઢી-દર પેઢીનાં બદલાયેલાં વલણોની ઝીણવટપૂર્વક તપાસ કરીએ ત્યારે એમ લાગ્યા વિના રહેતું નથી કે આગલી પેઢી કરતાં બીજી પેઢી બદલાઈ ગઈ છે. પણ ત્યાર પછીની ત્રીજી પેઢી પેલી બદલાયેલી બીજી પેઢી કરતાં અનેકગણી વધુ બદલાઈ ગઈ છે. બે કે ત્રણ દસક પહેલાં માત્ર વાણી કે વિચારો જ નહીં પણ વર્તન સુધ્ધાં જે હતું એ હવે સાવ જુનવાણી થઈ ગયું છે. સત્ય, અહિંસા, ઔદાર્ય આ બધાં પરમ તત્ત્વો જે ગઈ કાલે સહજ લાગતાં હતાં એ આજે સહજ નથી રહ્યાં. આજે એની મહત્તાનો તો એવો ને એવો જ સ્વીકાર કરવામાં આવે છે, પણ વર્તનને સંબંધ છે ત્યાં સુધી એની વ્યાખ્યા બદલાઈ જાય છે. આ બદલાયેલી વ્યાખ્યાને જ હવે સત્ય કહેવામાં આવે છે.
સત્ય એટલે શું?
મહાભારત કાળ કે કદાચ એનાથી પણ આગળના સમયમાં માણસે સત્યનું રટણ તો સતત કર્યું છે. જે માણસજાતે મેળવ્યું નથી અને જે મેળવવા માટે તેણે સતત રટણ કર્યું છે એને તે સત્ય કહે છે. જે પરમ સુખ છે, જે માણસને કોઈક અગોચર તત્ત્વ પાસે લઈ જઈને એને તેણે માની લીધેલા પરમાત્મા પાસે લઈ જાય છે એને તે સત્ય કહેવા માગે છે. આજે જે સત્ય લાગે છે એ આવતી કાલે પણ એવું ને એવું રહેશે એમ કહી શકાય નહીં. આ વાત જોકે ભારે વિવાદાસ્પદ છે. સત્ય વિશેની સનાતન વ્યાખ્યા તો આપણને એ જ સમજાવવામાં આવી છે કે જે ગઈ કાલે હતું, એવું ને એવું આજે અને આવતી કાલે પણ એવું જ રહેશે એ જ સત્ય છે. અને આ સત્ય જે સાંપ્રત પેઢી મેળવી શકી નથી એ સત્ય તેમનાં સંતાનો એટલે કે બીજી પેઢીને પ્રાપ્ત થાય એવી ઝંખના પ્રત્યેક માતાપિતા એક યા બીજા સ્વરૂપે સેવતાં હોય છે.
આકાંક્ષાઓ વચ્ચેનું અંતર
માતાપિતા અને સંતાનો વચ્ચે જે મહાકાળ ઊભો છે એને સમજવો સહેલો નથી. રાજકુમાર સિદ્ધાર્થે પિતા શુદ્ધોદનને જે કહ્યું છે એને એ જ યુગમાં નવાં દર્શન સાથે પેદા થયેલા ભગવાન મહાવીરે જે કહ્યું અને કર્યું છે એની સરખામણી કરવા જેવી છે. ભગવાન મહાવીર રાજકુમાર હતા. તેમણે ગૃહત્યાગ કરીને તપશ્ચર્યા માટે જવાની વાત પિતા સમક્ષ કરી ત્યારે પિતાએ પુત્રને કહ્યું છે, ‘હે પુત્ર! માતાપિતાની ઉપસ્થિતિમાં તારે ક્યાંય જવાની જરૂર નથી. તું અમારો પુત્ર છે અને તારે અમારા જીવનકાળ દરમિયાન અમારી સાથે જ રહેવાનું છે.’
રાજકુમાર સિદ્ધાર્થે પિતા શુદ્ધોદનની આવી જ વાત સ્વીકારી નહીં પણ રાજકુમાર વર્ધમાને પિતાની આ વાત સ્વીકારી અને તેમના જીવનકાળ દરમિયાન તે ત્યાં જ તેમની સાથે રહ્યા.
સંતાન પાસેથી માતાપિતાની અપેક્ષા અને માતાપિતા પાસેથી સંતાનની વળતી અપેક્ષા ક્યારેક સામસામે છેડે હોય છે. પ્રત્યેક નવજાત શિશુ પોતાના પૂર્વજન્મની કેટલીક આકાંક્ષાઓ લઈને જ નવા જન્મમાં આવે છે. નવા જન્મમાં તેનું સંવર્ધન થાય છે કે પછી સંઘર્ષ એ પણ તેના પૂર્વજન્મની જ એક ગણતરી હોય છે. આ બધું સહેલાઈથી સમજાતું નથી પણ એના અસ્તિત્વનો ઇનકાર પણ કરી શકાય એમ નથી.

