Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માણસે કોઈના પ્રભાવમાં નહીં પણ પોતાના સ્વભાવમાં જીવવું જોઈએ

માણસે કોઈના પ્રભાવમાં નહીં પણ પોતાના સ્વભાવમાં જીવવું જોઈએ

Published : 28 October, 2026 04:47 PM | IST | Mumbai
Morari Bapu

સવારના સમયે સરોવરના પાણીના શાંત તરંગો આપણને પ્રભાવિત કરી શકે, પણ પ્રકાશિત ન કરી શકે. જોકે સૂરજનું પહેલું કિરણ પૃથ્વી પર પડે ત્યારે આપણા ઘાટ પ્રકાશિત થાય, સરોવરમાં રહેલાં કમળો પણ વિકસિત થાય.

મોરારી બાપુ

સત્સંગ

મોરારી બાપુ


હું હંમેશાં વ્યાસપીઠ પરથી કહ્યા કરું છું કે દુનિયામાં બીજાને પ્રભાવિત કરવાના ઉપાયો ઘણાબધા છે અને સહેલા પણ છે, પરંતુ સમાજને પ્રકાશિત કરવો એ બહુ જ અઘરી વાત છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે બીજાને પ્રકાશિત એ જ કરી શકે જે પહેલાં પોતે બળે છે. હવે બીજી વાત એ પણ કરવી છે કે બીજાને પ્રકાશિત કરી દેવા એ પણ બહુ મોટી વાત નથી. આપણે ત્યાં મહાકવિ કાલિદાસની ઇન્દુમતી જ્યારે સ્વયંવરમાં નીકળે છે ત્યારે તેના હાથમાં એક જ્યોત હોય છે. સ્વયંવર માટે ઇન્દુમતી જે રાજાની સામે જાય તે રાજા પ્રકાશિત થઈ જાય અને સ્વયં ઇન્દુમતી પણ એટલી સુંદર કે તેની સુંદરતાના અજવાળામાં રાજા દેખાય.

એક રાજાને છોડીને બીજા રાજાની પાસે જાય એટલે તે પ્રકાશિત થાય. પહેલો રાજા ઝાંખો પડી જાય. સમાજમાં પણ આપણા મહાપુરુષોની ચેતનાએ આજે પોતાના તેજથી ઘણા જીવોને પ્રકાશિત કર્યા છે અને કરે છે. સંસારમાં ઘણાં એવાં સ્થાનો છે જે સ્થાનની જ્યોત બધાને પ્રભાવિત કરે છે, પરંતુ એનું મોટું કામ માણસોને પ્રકાશિત કરવાનું છે.



સવારના સમયે સરોવરના પાણીના શાંત તરંગો આપણને પ્રભાવિત કરી શકે, પણ પ્રકાશિત ન કરી શકે. જોકે સૂરજનું પહેલું કિરણ પૃથ્વી પર પડે ત્યારે આપણા ઘાટ પ્રકાશિત થાય, સરોવરમાં રહેલાં કમળો પણ વિકસિત થાય.


એક વાર મને એક પત્રકારે સવાલ કર્યો કે તમે કઈ વ્યક્તિથી સૌથી વધુ પ્રભાવિત થયા છો? મેં ઘણી વાર કહ્યું છે કે માણસે કોઈના પ્રભાવમાં નહીં પરંતુ પોતાના સ્વભાવમાં જીવવું જોઈએ. આમ છતાં જો કોઈ એક વ્યક્તિનું નામ આપવાનું જ હોય તો હું એમ કહું કે હું આજે જે કંઈ છું એની પાછળ મારા સદ્ગુરુ એવા મારા ત્રિભુવનદાદાના માર્ગદર્શનનો સૌથી વધુ પ્રભાવ છે. એક વાર કોઈકે મને આવો જ સવાલ કર્યો હતો કે તમે કોની અસરમાં જીવો છો? મેં કહ્યું કે હું કરકસરમાં જીવ્યો છું પણ ક્યારેય કોઈની અસરમાં જીવ્યો નથી. હું કાયમ મારી પોતાની અસરમાં જીવું છું. આમ છતાં જો કોઈ એક વ્યક્તિનું નામ આપવું ફરજિયાત હોય તો હું એમ કહું કે હું જે કંઈ છું એ મુકામ સુધી મારી જીવનયાત્રાને પહોંચાડવામાં સૌથી વધુ અસર મારા સદ્ગુરુ ત્રિભુવનદાદા દ્વારા મને મળેલા પ્રેમસભર પથદર્શનની છે.

મારા દાદાએ મને પાંચ સૂચન કર્યાં હતાં.


૧. સત્યપ્રિય રહેવું. ૨. માનસ તથા ગીતાનો નિત્ય પાઠ કરવો. ૩. જીભથી કોઈની નિંદા અને જીવથી કોઈની ઈર્ષ્યા કરવી નહીં. ૪. બને એટલું મૌન રહેવું. પ. અભિમાન તો આવશે પણ સાવધાન રહેવું.

મને મારા દાદા તરફ નાનપણમાં મળેલાં આ પાંચ સૂત્રોએ મારા જીવનને પ્રભાવિત કર્યું છે અથવા સૂત્રોની મારા જીવનમાં અસર છે એમ કહી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 04:47 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK