જ્યાં મનમાં પાપ નથી, દ્વેષ નથી, સ્વાર્થ નથી ત્યાં સદા આનંદ પ્રવર્તે છે. કોઈ પણ દુ:ખ, આપત્તિ કે મુશ્કેલી કાયમ રહેતાં નથી
પ્રતીકાત્મક તસવીર
સમૃદ્ધ બનવા માટે આનંદમાં રહેવું જોઈએ, પણ પ્રશ્ન એ છે કે હંમેશાં આનંદમાં રહી શકાય ખરું? એનો જવાબ છે હા. માનવી સંસારની સમસ્યાઓ હોવા છતાં હંમેશાં ધારે તો પ્રસન્ન રહી શકે છે. જ્યાં મનમાં પાપ નથી, દ્વેષ નથી, સ્વાર્થ નથી ત્યાં સદા આનંદ પ્રવર્તે છે. કોઈ પણ દુ:ખ, આપત્તિ કે મુશ્કેલી કાયમ રહેતાં નથી. એ જે રીતે આવે છે એ રીતે ચાલી પણ જાય છે.
માનવી પોતે જ પોતાના સુખ કે દુ:ખનો જન્મદાતા છે. સાંસારિક વસ્તુઓ તરફ તમે જેટલી માયા રાખશો એટલા દુ:ખી થશો. આવી વસ્તુઓ તરફ તમે જેટલા ઉદાસીન રહેશો એટલા વધુ આનંદી બની શકશો. માનવી જ્યારે આસક્તિનો ત્યાગ કરે છે તેમ જ ઇન્દ્રિયોના સુખ માટે વસ્તુઓનો મોહ છોડી દે છે ત્યારે દુઃખ દૂર થઈ જાય છે અને હૃદય અવિનાશી આનંદથી સભર બની જાય છે. જે વ્યક્તિનું હૃદય સ્વાર્થરહિત બની જાય છે તેની અંદર આનંદ નિવાસ કરે છે. જે શાંતિ અને પવિત્રતાપૂર્વક જીવન જીવે છે તેની ખરી સંપત્તિ આનંદ છે. એક જ વાક્યમાં કહેવું હોય તો સ્વાર્થમાં દુ:ખ અને નિ:સ્વાર્થમાં આનંદ સમાયેલો હોય છે, પણ આજે સૌને સમૃદ્ધ થઈને સુખી થઈ જવું છે. પ્રત્યેક વ્યક્તિ સમૃદ્ધિને પામવા માગતી હોય છે.
ADVERTISEMENT
સમૃદ્ધ બનવા ઇચ્છનારે એક વાત ખાસ નોંધી રાખવી જરૂરી છે કે બાહ્ય નિર્ધનતા પર વિજય મેળવતાં પહેલાં મનની નિર્ધનતા પર વિજય મેળવવો જરૂરી છે, કેમ કે સાચી સમૃદ્ધિ મનની સમૃદ્ધિથી જ પ્રાપ્ત થતી હોય છે. આપણી અંદર અખૂટ શક્તિનો ભંડાર હોય જ છે, પણ આપણામાંના મોટા ભાગના લોકોને આપણી આ શક્તિઓ પ્રત્યે સંદેહ અને અવિશ્વાસ હોય છે. આપણે આપણી માનસિક કાબેલિયત દસગણી ખીલવી શકીએ છીએ એ વાત તેઓ જાણતા જ નથી.
સમૃદ્ધિનો પ્રવાહ હંમેશાં પ્રસન્ન મનની તરફ જ વહેતો હોય છે. એનો પ્રવાહ વિષાદથી ભરેલા મન તરફ વહેતો નથી એટલા માટે આપણે આપણા હૃદયને સમૃદ્ધિના સ્વાગત માટે પ્રસન્ન રાખવું જરૂરી છે, કારણ કે ૪ કે ૮ વૉલ્ટનો બલ્બ લગાડીને આપણે ૧૦૦ કિલોવૉટના બલ્બના પ્રકાશની આશા રાખી શકીએ નહીં.
જો તમે ગરીબાઈને દૂર કરવા કમર કસી હશે તો ગરીબાઈની મજાલ નથી કે એ લાંબો સમય ટકી શકે. મનમાંથી નિર્ધનતાના વિચારો કાઢીને સમૃદ્ધિના વિચારો કરવાની સાથે સતત પ્રયત્નો પણ કરતા રહો, સફળતા જરૂર મળશે. જેમને સમૃદ્ધિની અપેક્ષા હોય તેમણે ઉત્તમ મનુષ્યો સાથે મૈત્રી કરવી. આવા સજ્જનોનું હૃદય શુદ્ધ હોય છે એટલે છળકપટ, ઈર્ષા કે વેરઝેરને તેઓ જીવનમાં પ્રવેશવા દેતા નથી અને બીજાને મદદરૂપ થવા હંમેશાં તૈયાર હોય છે.
-હેમંત ઠક્કર


