મારા કાકા ઘણાં વર્ષોથી અમેરિકામાં રહે છે. તેઓ મારા દીકરાને અમેરિકામાં ભણવા માટે સ્પૉન્સર કરવા રાજી છે. જો મારો દીકરો આ વાત એના સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુમાં જણાવે તો તેને વિઝા આપવામાં આવશે?
પ્રતીકાત્મક તસવીર
મારો દીકરો ભણવામાં હોશિયાર છે. તેને માસ્ટર્સનો કોર્સ કરવા માટે અમેરિકા જવું છે. પણ મારી પાસે તેને અમેરિકામાં ભણાવવા માટેના પૈસાની સગવડ નથી. મારા કાકા ઘણાં વર્ષોથી અમેરિકામાં રહે છે. તેઓ મારા દીકરાને અમેરિકામાં ભણવા માટે સ્પૉન્સર કરવા રાજી છે. જો મારો દીકરો આ વાત એના સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુમાં જણાવે તો તેને વિઝા આપવામાં આવશે?
અમેરિકામાં ભણવા માટેનો, રહેવા-ખાવાનો અને પરચૂરણ જે ખર્ચો આવી શકે એની તમારા દીકરા પાસે યોગ્ય જોગવાઈ છે એ તેણે તેના સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુમાં દેખાડી આપવાનું રહેશે. આ ઉપરાંત તેણે એવું પણ દેખાડી આપવાનું રહેશે કે ભારતમાં તેના નાણાકીય સંબંધો સારા છે. જો તેનો બધો જ ખર્ચો તમારા કાકા ઉપાડવાના હોય તો તમારો દીકરો ઇન્ટરવ્યુમાં આ જે દેખાડવાનું રહે છે એ કેમ કરતાં દેખાડી શકશે? મારી તમને સલાહ છે કે કોઈ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર અનુભવી ઍડ્વોકેટને મળો, તમારી સંપૂર્ણ આર્થિક પરિસ્થિતિ વિશે એને જાણ કરો અને પછી એમની પાસેથી તમારા દીકરા માટે યોગ્ય માર્ગદર્શન મેળવો.
ADVERTISEMENT
અમેરિકન સિટિઝન પત્ની સાથે ડિવૉર્સ લીધા પછી મારી જોડે લગ્ન કરશે, એ ચાલે?
હાલમાં જ હું દુબઈ ફરવા ગઈ હતી. ત્યાં મારી એક અમેરિકન સિટિઝન યુવક જોડે ઓળખ થઈ. મને તેઓ ગમી ગયા. હું પણ તેમને ગમી. જેટલા દિવસ દુબઈમાં રહી એટલા દિવસ અમે સાથે હર્યાંફર્યાં. છેલ્લે વિદાય લેતાં એકબીજાને પરણવાનાં વચનો આપતાં તેમણે જણાવ્યું કે તેઓ તો પરિણીત છે, પણ તેમની પત્ની જોડે તેમને બનતું નથી અને તેઓ એનાથી છૂટા થવા ઇચ્છે છે. આથી તેઓ તેમની પત્નીથી છૂટા થઈ મારી જોડે લગ્ન કરશે. આ શું બરાબર છે?
એ અમેરિકન સિટિઝન સાચું બોલે છે કે તેણે ફક્ત તમને રાજી રાખવા એવું જણાવ્યું છે કે તે તેની પત્નીથી છૂટા થવા ઇચ્છે છે અને તમારી જોડે લગ્ન કરવા ચાહે છે? જો તેમની આ વાત સાચી હોય તો પણ શું તેમની પત્ની તેમને છૂટાછેડા આપવા માટે રાજી થશે? સંમતિથી પણ છૂટાછેડા લેવાના હોય તો થોડા મહિનાઓ લાગે છે અને જો પત્ની સંમતિ આપવાની ના પાડે તો તો કોર્ટ પાસેથી છૂટાછેડા મેળવતાં લાંબો સમય, વર્ષ-બે વર્ષ કે એથી પણ વધુ સમય નીકળી જશે. અને છૂટાછેડા મળશે જ એવી કોઈ ગૅરન્ટી નથી. આ સર્વે ધ્યાનમાં રાખીને તમે તમારો નિર્ણય લેજો.
મારે એલ-૧ વિઝા કે ઈબી-૫ વિઝામાંથી કયા લેવા સારા? આંતરકંપની ટ્રાન્સફરી મૅનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના એલ-૧ વિઝા અને એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળમાં નવા ઉમેરવામાં આવેલા ઈબી-૫ વિઝા આ બેમાંથી કયા વિઝા મેળવવા સારા?
બન્ને પ્રકારના વિઝા સારા જ છે. ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ તમે જે આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવો છો. એ મળતાં તમને આજે ત્રણથી ચાર વર્ષ લાગશે. રોકાણની રકમ ઉપરાંત ઍડ્મિનિસ્ટ્રેટિવ ફી, ઍટર્નીની ફી, ફાઇલિંગ ફી, વિઝા ફી વગેરે ખર્ચો આવશે. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ રકમ ‘ઍટ રિસ્ક’ હશે. આની સરખામણીમાં એલ-૧ વિઝા માટે જો પ્રીમિયમ પ્રોસેસિંગ હેઠળ અરજી કરવામાં આવે તો પિટિશન દાખલ કરો કે પંદર દિવસમાં એનો જવાબ આવી જાય છે. સામાન્ય રીતે એલ-૧ વિઝા ચાર-છ મહિનાની અંદર મળી શકે છે. એ માટે તમારો પહેલા અમેરિકામાં તમારી ભારતમાં જે કંપની હોય એની શાખા ખોલાવવાની રહેશે. પછી એ અમેરિકન શાખાનું બૅન્ક અકાઉન્ટ ખોલાવવાનું રહેશે, જેમાં તમારી કંપનીમાંથી લાખેક ડૉલર ટ્રાન્સફર કરાવવાના રહેશે. અમેરિકામાં જે બિઝનેસ કરવાના છો એને લગતો બિઝનેસ પ્લાન તૈયાર કરાવવો પડશે. પછી પુરાવાઓ સહિત એલ-૧ વિઝા માટેની પિટિશન દાખલ કરવાની રહેશે. જો વધારાની પ્રીમિયમ પ્રોસેસિંગ ફી આપશો તો એ પિટિશન ઉપર પંદર દિવસમાં નિર્ણય લેવામાં આવશે. અન્યથા આવી પિટિશનો ઉપર ચાર-છ મહિનામાં નિર્ણય અપાઈ જાય છે. પિટિશન અપ્રૂવ થાય એટલે તમારે એલ-૧ વિઝાની અરજી કરીને લાયકાત દેખાડીને એ મેળવવાના રહે છે. મૅનેજરો અને એક્ઝિક્યુટિવો એલ-૧ વિઝા ઉપર સાત વર્ષ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ પાંચ વર્ષ કામ કરી શકે છે. તેઓ એમની સાથે એમની પત્ની યા પતિ અને એકવીસથી નીચેની વયનાં અપરિણીત સંતાનો માટે પણ ડિપેન્ડન્ટ એલ-૨ વિઝા મેળવી શકે છે. જો તમે ધંધાર્થે અમેરિકા જવા ઇચ્છતા હો તો એલ-૧ વિઝા ઉચિત છે. જો ત્યાં કાયમ રહેવાનો ઇરાદો હોય તો ઈબી-૫ પ્રોગ્રામ ફાયદાકારક છે.


