ઍડલ્ટ દ્વારા પોતાના ક્રોધને બહાર કાઢવાનો આજે પણ બાળકો સૉફ્ટ ટાર્ગેટ છે. નિર્દોષ બાળક શું પ્રતિકાર કરવાનો ? કદાચ આ જ કારણ છે કે આજે પણ બાળકો મોટેરાઓની હિંસાનો બેફામ ભોગ બની રહ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
આજકાલ ડિવૉર્સના કેસ માઇનર ઝઘડાથી શરૂ થઈને મેજર સુધી જાય એમાં બાળકની મનોસ્થિતિ કથળી જતી હોય છે. બાળકને કોર્ટ શું છે એ ખબર નથી હોતી અને તેને કોર્ટમાં લાવવામાં આવે. ૯૯ ટકા કેસમાં પેરન્ટ્સના ઈગોને કારણે તે સફર કરતું હોય છે.
નેહા લાયજાવાલા, ઍડ્વોકેટ
ત્રણ અઠવાડિયાં પહેલાંના જ સમાચારઃ ટીવી-અભિનેત્રી ચંદ્રિકા સહાના ૧૫ મહિનાના બાળકને તેના હસબન્ડે ફ્લોર સાથે ત્રણ વખત અફાળ્યું. સીસીટીવી કૅમેરામાં આ ઘટના જોયા બાદ અભિનેત્રીએ સિંગલહૅન્ડેડ બાળકની કસ્ટડીની માગ કરી.
ADVERTISEMENT
ત્રણ વર્ષ પહેલાંનો કેસ ઃ ૪૫ વર્ષના અંકલે ત્રણ વર્ષની દીકરીને સાતમા માળેથી ફેંકી દીધી. આ ઘટના પાછળ કોઈ કારણ સામે ન આવ્યું.
આજે પણ ઍન્જલિના જોલી અને બ્રૅડ પિટનો કેસ અવારનવાર પાને ચડે છે. ઍન્જલિનાના કહેવા પ્રમાણે બ્રૅડ તેના મોટા દીકરા સાથે બહુ વાયલન્ટ હતો અને એ જ કારણ બન્યું તેમના ડિવૉર્સનું. ઍડલ્ટ્સની આ કેવી દુનિયા કે તેમના ગુસ્સાનો શિકાર માસૂમ બાળકોએ થવું પડે? વિશ્વ સેલિબ્રિટીઝ માઇકલ જૅક્સન, ડ્રુ બેરીમોર કે તેમના અગ્રેસિવ અને વાયલન્ટ પેરન્ટ્સને
કારણે તેમને શો-બિઝમાં આવવું પડ્યું. એમાં પણ હાલમાં રિલીઝ થયેલી હૉલીવુડની અભિનેત્રી બ્રુક શીલ્ડના જીવન પર બનેલી ડૉક્યુમેન્ટરી ‘પ્રિટી બેબી’નું ટ્રેલર જોઈને જ કાંપી જઈએ કે મોટેરાંની દુનિયામાં બાળકોના મનની વાત કોણ સાંભળે છે? ૧૦ વર્ષની બ્રુક શીલ્ડની જે ટ્રૉમામાંથી પસાર થઈ એ ૫૮ વર્ષે પણ તાજું હોય એ રીતે
પોતાની ડૉક્યુમેન્ટરીમાં વર્ણવે છે. તમને લાગે કે બાળકો બધું ભૂલીને રમવા માંડે, પણ તમે આ દૃશ્ય જુઓ છો કારણ કે તમારે જોવું છે. સચ્ચાઈ તો કંઈક જુદી જ હોય છે. દર વર્ષે ૪ જૂને વિશ્વભરનાં શારીરિક, માનસિક અને ઇમોશનલ અબ્યુઝથી પીડિત બાળકોની પરિસ્થિતિ બાબતે જાગૃતિ લાવવા યુનાઇટેડ નેશન્સ દ્વારા ‘ઇન્ટરનૅશનલ ડે ઑફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટિમ્સ ઑફ અગ્રેશન’ ઊજવવામાં આવે છે. આ નિમિત્તે ભારતનાં બાળકોનું શું સ્થિતિ છે એ જાણીએ.
ભૂલ કોની?
આ વિષય પર વાતની શરૂઆત કરીએ ૪૫ વર્ષના અનુભવી પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ સાથે. તેઓ કહે છે, ‘ફૂડ, બિહેવિયર અને ઍકૅડેમિક્સ આ ત્રણ બાબતો એવી છે જેમાં પેરન્ટ્સ અગ્રેસિવ હોય છે. આપણો સમાજ કમ્પૅરિઝનમાં જીવે છે. આપણી પરંપરા, આપણો ઉછેર એવો છે કે આ બાબતોમાં સૌથી વધારે પેરન્ટ્સનું અગ્રેશન જોવા મળે. તેનો છોકરો ડાહ્યો છે તો મારો કેમ ડાહ્યો નહીં? તે છોકરાના આટલા માર્ક તો તારા કેમ નહીં? દસમાંથી નવ વાત નેગેટિવ હોય છે. જમવા બેસે તો સીધો બેસ, રોટલી ખા, પાણી નહીં પીતો. એકદમ અનપ્લેઝન્ટ અનુભવ ઊભો કરે એટલે તે સારી રીતે જમી જ ન શકે. તેને મીલમાં પ્રૉબ્લેમ નથી, મીલ-ટાઇમમાં પ્રૉબ્લેમ છે. પછી ફરિયાદ આવે કે બહારનું વધારે સારી રીતે ખાય છે કે પાર્ટીમાં વધારે સરસ રીતે ખાય છે. માર્ક્સ માટે તો મહાભારત થાય છે. એ સમયે બાળકો ઍસિડિટી, ઍન્ગ્ઝાયટી, હેડેક અને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી લડે છે. પરીક્ષા આમાં દુશ્મન નથી, પણ પેરન્ટ્સનાં રીઍક્શન્સ દુશ્મન છે. પહેલાંના સમયમાં ક્યારેય તમે સુસાઇડ વિશે આટલું કૅઝ્યુઅલી સાંભળો જ નહીં. કૅરમ પર જેટલું જોરથી સ્ટ્રાઇકર મારીએ એટલું જોરથી સ્ટ્રાઇકર પાછું આવે અને કૉઇન કાણામાં પણ જાય નહીં. જેન્ટલી તમે સ્ટ્રાઇકર મારો તો કૉઇન કાણામાં પણ જાય અને તમે સાધેલું લક્ષ્ય પૂરું પણ થાય. જ્યારે બાળકો થોડાં મોટાં થાય રિવેન્જ, મિસબિહેવના રૂપમાં બહાર આવે, કારણ કે આટલાં વર્ષોનું સપ્રેશન હતું.’
પેરન્ટ્સના ઈગો
ઇમોશનલ સપ્રેશન તો દસ-વીસ કે ત્રીસ વર્ષે પણ બહાર આવે. ઍડ્વોકેટ નેહા લાયજાવાલા કહે છે, ‘૧૨-૧૩ વર્ષનાં બાળકો જે ડિપ્રેશનમાંથી ગુજરતાં હોય તેમના કેસ અમે લેતા હોઈએ છીએ. આજકાલ ડિવૉર્સના કેસ બહુ જ વધી ગયા છે તો એ જે માઇનર ઝઘડાથી શરૂ થઈને મેજર સુધી જાય એમાં બાળકની મનોસ્થિતિ કથળી જતી હોય છે. બાળકને કોર્ટ શું છે એ ખબર નથી હોતી અને તેને કોર્ટમાં લાવવામાં આવે. ૯૯ ટકા કેસમાં પેરન્ટ્સના ઈગો અને ઍડ્જસ્ટમેન્ટ ઇશ્યુને કારણે બાળક સફર કરતું હોય છે. એક કેસની વાત કરું. દીકરી ત્રણ વર્ષની હતી તે ૧૦ વર્ષની થઈ ત્યાં સુધી તેના પેરન્ટ્સના ડિવૉર્સની મૅટર ચાલી. એટલે ફાધર સાથે બૉન્ડિંગ જ નહીં. કોર્ટ તરફથી બાળકને મળવાનો એક સમય આપવામાં આવે એ સમય દરમિયાન ફાધરને પણ ખબર નહીં કે શું કરવું. સૌથી વધારે ખરાબ વાત એ થાય કે દરેક ડિવૉર્સ કેસમાં મમ્મી બાળકને કહેતી હોય કે તે જ સાચી છે અને તેના ફાધર ખોટા છે. આની બહુ જ સિવિયર અસર થતી હોય છે. પછી છોકરાઓને ખબર જ નથી પડતી કે ફાધર ફિગર શું છે. મમ્મી રી-મૅરેજ કરે તો નવા ફાધર સાથે પણ બચ્ચાને ઍડ્જસ્ટમેન્ટમાં પ્રૉબ્લેમ આવે. પછી બાળકમાં જ પ્રૉબ્લેમ છે ત્યાંથી વાત શરૂ થાય. કોઈ વિચાર નથી કરતું કે તેમની માનસિકતા કઈ હદે ડિસ્ટોર્ટ થતી હશે. અત્યારે વાયલન્સ એટલું વધી ગયું છે કે બે પાર્ટી વચ્ચે ઍડ્જસ્ટ થતું જ નથી.’
સેલ્ફ હાર્મની વૃત્તિ
કેવી રીતે ખબર પડે કે બાળક આ પ્રકારના વાતાવરણનું વિક્ટિમ બન્યું છે? એમબીબીએસ પછી એમડી સાઇકિયાટ્રી કરીને ચાઇલ્ડ સાઇકિયાટ્રીમાં ફેલોશિપ કરીને છેલ્લાં પાંચ વર્ષથી સાઇકિયાટ્રિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં જલનિધિ નાણાવટી કહે છે, ‘મેસ્લોની હાયરઆર્કી પ્રમાણે બાળકની સૌથી પહેલી જરૂરિયાત સેફ્ટી આવે. તો જ્યારે વુન્ડેડ બાળપણ સાથે ઉછેર થાય તો ઇનર ચાઇલ્ડ કોઈ પણ ઉંમરે અગ્રેશન બતાવે એટલે ઍડલ્ટની દુનિયામાં અગ્રેસિવ શબ્દ છે. ઍડલ્ટ્સ અનકૉન્શ્યસલી એ ટ્રૉમા બાળક પર પાસ કરે. જ્યારે બાળક બિહેવિયર ચૅલેન્જમાં ઇમોશનલી અગ્રેશન, ગુસ્સો કે વર્બલી હર્ટ કરે અથવા તો ફિઝિકલી હર્ટ કરે એ તેનું સરાઉન્ડિંગ રિફ્લેક્ટ કરે છે. એના પરથી નક્કી કરી શકો કે બાળક અગ્રેશનનો ભોગ બન્યું છે. બાળકનો નેચર છે કે તે પોતાની દુનિયામાં જે પણ અનુભવ કરે એ પોતાની રમત દ્વારા રજૂ કરે છે. દાખલા તરીકે જેસીબી કે ટ્રૅક્ટર જુએ તો કોઈ પણ વસ્તુને તે ટ્રૅક્ટર બનાવીને રમશે. સાત-આઠ વર્ષની ઉંમરે બાળક સુસાઇડલ અને સેલ્ફ હાર્મની વૃત્તિ રજૂ કરે એના પરથી ખ્યાલ આવે કે તે કઈ હદ સુધીના અગ્રેશનનો શિકાર બનેલું છે. ડોમેસ્ટિક વાયલન્સ, મલ્ટિપલ ટ્રૉમાનું એક્સપોઝર જેમાં ફાધર ઍડિક્ટેડ હોય. સેક્સ્યુઅલ અબ્યુઝમાં બાળકોનો વિચાર એક જ હોય કે આ બધા એક્સ્પીરિયન્સ મેં એટલા માટે કર્યા છે, કારણ કે હું ગિલ્ટી છું. બાળક પાસે તર્ક નથી હોતો એટલે તેનું પોતાનું ગિલ્ટ તેને સેલ્ફ હાર્મ સુધી લઈ જાય છે. એના પરથી બાળક કયા પ્રકારની હિંસામાંથી પસાર થઈ રહ્યું છે એની ડિગ્રી નક્કી કરી શકાય. વુન્ડેડ ઇનર ચાઇલ્ડને ક્યૉર કરીએ તો જ બાળકોને સુરક્ષિત દુનિયા આપી શકાય.’
પોતાના પ્રત્યક્ષ અનુભવો પરથી કાઉન્સેલર શું કહે છે?
બહુ જ હળવાશથી શરૂ થયેલી વાતની એકદમ આક્રમક બાજુ પણ છે. વુમન અને ચાઇલ્ડ વેલ્ફેર અંતર્ગત આવતા જિલ્લા બાળસુરક્ષા એકમમાં છેલ્લાં ૯ વર્ષથી કાઉન્સેલર તરીકે ફરજ બજાવતાં અને એ પહેલાં વૉલન્ટિયર તરીકે ડ્રગ્સ સંબંધિત સમસ્યાઓના વિક્ટિમનું કાઉન્સેલિંગ કરી ચૂકેલાં અપર્ણાકુમારી કહે છે, ‘આજ સુધીમાં લગભગ ૩૦,૦૦૦ હજાર જેટલાં બાળકોના કેસ લઈ ચૂકી છું. બાળસુરક્ષામાં બે વિભાગ આવે. એમાં એકમાં વિક્ટિમ હોય અને બીજામાં અક્યુઝ્ડ હોય. હું બંનેમાં કાઉન્સેલિંગ કરું છું. જે શબ્દો બહુ જ સામાન્ય લાગે એ જ બાળકોને વિક્ટિમ કે અક્યુઝ્ડ બનાવે છે. બાળકને રસ નથી તો પણ પેરન્ટ્સે તેને ડૉક્ટર બનાવવો છે અને કોઈ બાળક હોશિયાર છે તો તેને મા-બાપ કહે છે જે કરવું હોય તે કર, શું ફરક પડે. આ શબ્દો બહુ હાર્સ રીતે કહેવામાં આવે છે. પેરન્ટ્સ સવારથી સાંજ કામ પર હોય, સાંજે આવીને થાકીને ઊંઘી જાય. આખો દિવસ બાળક ઇગ્નૉર થયું હોય. બાળકો પર હાઈ-એક્સપેક્ટેશન, લો-એક્સપેક્ટેશન, જેન્ડરબેઝ્ડ પાર્શિયાલિટી, અવગણના, ખોટી કમેન્ટ પાસ કરવી આવાં કારણોને લીધે કંઈક ઘટના બનતી હોય જેના કારણે તેઓ બેમાંથી એક એકમમાં આવતાં હોય છે. તાજેતરના જ એક કેસમાં પંદર વર્ષની બહેને તેના ૧૨ વર્ષના ભાઈનું મર્ડર કર્યું, કારણ કે મમ્મી દરેક વસ્તુ તેને જ આપતી હતી. હવે અહીં નૉન-અગ્રેસનનો કેસ છે. માત્ર ઇગ્નૉર થવાને કારણે હિંસા થઈ. મેસ્લોની હાયરઆર્કી પ્રમાણે ફિઝિયોલૉજિકલ નીડ, સેફ્ટી, લવ અને અંતે સેલ્ફ-એસ્ટીમ આવે. બાળક એ લેવલ સુધી પહોંચી જ નથી શકતું. અમે બાળકોને એ લેવલ સુધી પહોંચાડવા માટે કામ કરીએ છીએ.’