ગુજરાતી સંસ્કૃતિ લોહીમાં વણાયેલી છે એટલે ક્રિસમસ પર્વમાં પ્રભુ ઈસુની પ્રાર્થના કરવાની સાથોસાથ આ તહેવારમાં ગુજરાતી ક્રિશ્ચિયનો ઘરમાં સફાઈકામ કરે છે, ઘર સજાવે છે, રોશની કરે છે, દિવાળીની જેમ ઘૂઘરા, સેવ, મકાઈનો ચેવડો, ચૂરમાના લાડુ સહિતના નાસ્તા-મીઠાઈ...
ગ્રાન્ટ રોડમાં આવેલા મેથોડિસ્ટ ચર્ચમાં કરવામાં આવેલું ડેકોરેશન અને ગરબે ઘૂમતા મુંબઈના ગુજરાતી ક્રિશ્ચિયનો.
નાતાલનું પર્વ આવી પહોંચ્યું છે ત્યારે દેશ અને દુનિયામાં ક્રિસમસનો માહોલ જામ્યો છે. પ્રભુ ઈસુના જન્મની વધામણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતી ક્રિશ્ચિયનોમાં પણ ઉત્સાહ અને ઉમંગ છવાયો છે. ગુજરાતી સંસ્કૃતિ લોહીમાં વણાયેલી છે એટલે ક્રિસમસમાં પણ પ્રભુ ઈસુની પ્રાર્થના કરવાની સાથોસાથ આ તહેવારમાં ગુજરાતી ક્રિશ્ચિયનોમાં દિવાળી જેવો માહોલ હોય છે. તેઓ ઘરમાં સફાઈકામ કરે છે, ઘર સજાવે છે, રોશની કરે છે, દિવાળીની જેમ ઘૂઘરા, સેવ, મકાઈનો ચેવડો, ચૂરમાના લાડુ જેવા નાસ્તા અને મીઠાઈ બનાવે છે, ચર્ચમાં તેમ જ ઘરે-ઘરે જઈને કેરલ્સ સિન્ગિંગ કરે છે, ભજનોની રમઝટ જામે છે અને ગરબાને તો કેમ ભૂલે? એટલે ગરબે ઘૂમીને ઉજવણી પણ કરે છે. મુંબઈ અને અમદાવાદના ગુજરાતી ક્રિશ્ચિયનો કેવી રીતે નાતાલનું પર્વ ઊજવે છે એ વિશે તેમની પાસેથી જાણીએ.
ગુજરાતી ક્રિશ્ચિયનો નાતાલ પર્વની ઉજવણી કેવી રીતે કરે છે અને તેમના કેવા રિવાજ છે એ વિશે વાત કરતાં ગ્રાન્ટ રોડમાં આવેલા મેથોડિસ્ટ ચર્ચના ફાધર રેવ. ભરત સોલંકી કહે છે કે ‘ઑલઓવર વર્લ્ડમાં ક્રિસમસ ઊજવાય છે એ રીતે જ ગુજરાતી ક્રિશ્ચિયનોમાં પણ ક્રિસમસની ઉજવણી થાય છે. બીજો કોઈ પર્ટિક્યુલર રિવાજ નથી, પણ અમુક બાબતમાં ગુજરાતી ટ્રેડિશન આવે છે. જેમ કે નાતાલના દિવસોમાં ગરબાના કાર્યક્રમોનું આયોજન થાય એ આપણું ટ્રેડિશનલ છે. ઘણી જગ્યાએ ગરબાના કાર્યક્રમ થાય છે. ભક્તિગીતો ગવાય છે. ગુજરાતમાં વીકલી કાર્યક્રમો યોજાય છે. ગરબા અને ગીતોના કાર્યક્રમ યોજાય છે. ચર્ચમાં ડેકોરેશન થાય છે, ઘરે સ્ટાર લગાવીને શણગારવામાં આવે છે. આ દિવસોમાં કેરલ્સ સિન્ગિંગ થાય છે. ઘરે-ઘરે જવાનું અને પ્રભુ ઈસુના જન્મની વધામણી આપવાની અને ખ્રિસ્ત જયંતીનો આનંદ ઉઠાવાનો. આપણું જીવન બહેતર બનાવવા, શાંતિ આપવા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા છે એની ઉજવણી ગાઈને થાય છે. પ્રભુના આગમનને સેલિબ્રેટ કરાય છે. ચર્ચમાં આરાધના થાય છે.’
ADVERTISEMENT
ક્રિસમસના સેલિબ્રેશન વિશે વાત કરતાં તેઓ કહે છે કે ‘ગ્રાન્ટ રોડ પર આવેલા આ ચર્ચને ૧૪૫ વર્ષ પૂરાં થયાં છે. આ ગુજરાતી જૂનું ચર્ચ છે જ્યાં ક્રિસમસની પ્રાર્થના ગઈ કાલે થઈ હતી. આજે ચર્ચમાં ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરીને મૂકવામાં આવશે. સવારે પ્રભુ ઈસુની પ્રાર્થના થશે. બાળકો પ્રભુ ઈસુના જન્મનું નાટક ભજવશે તેમ જ ડાન્સ પર્ફોર્મ કરશે. સૅન્ટા ક્લૉઝ પણ આવશે અને એકઠા થયેલા લોકોને સ્વીટ વહેંચશે.’

ક્રિસમસમાં ગવાતા ગરબા અને ભજન વિશે વાત કરતાં ગુજરાતી ક્રિશ્ચિયન કમ્યુનિટીમાં સંગીતની દુનિયામાં જેમનું આગવું નામ છે એ અંધેરીમાં રહેતા સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર સી. વનવીર કહે છે, ‘નાતાલના પર્વમાં ગુજરાતીપણું આવી જાય છે અને એમાં પણ ગરબા ખાસ થાય છે. મુંબઈ ઉપરાંત અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતમાં બધે ગરબાના કાર્યક્રમ થાય છે. અમારો ગુજરાતી ભજનસંગ્રહ છે, જેમાં લગભગ ૬૦૦ જેટલાં ભજન છે. ક્રિસસમનાં ભજનો અમે ગાઈએ છીએ. ઘણા અંગ્રેજીમાંથી ટ્રાન્સલેટ થયેલાં ગીતો પણ છે જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એ ગીતો અને ભજનો ગાઈને પ્રભુ ઈસુની ભક્તિ કરીએ છીએ. પહેલાં તો એવું હતું કે અમે એકાદ મોટી ગાડી કરી લઈએ અને એક વ્યક્તિ ફાધરનો ડ્રેસ પહેરી લે. બીજી કોઈ વ્યક્તિ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે લઈને ક્રિશ્ચિયન ફૅમિલીના ઘરે-ઘરે જઈને કેરલ્સ ગાઈને ઉજવણી કરતા. હવે આ ઓછું થઈ ગયું છે, કેમ કે અમારા વિલે પાર્લે ચર્ચના સભ્યો બાંદરાથી લઈને છેક વિરાર સુધી રહે છે એટલે હવે બધાના ઘરે-ઘરે જવું મુશ્કેલ હોય છે એટલે આ વખતે અમારા ચર્ચમાં ગયા રવિવારે કેરલ્સ સિન્ગિંગની ઉજવણી કરી હતી અને બધા સભ્યો એકઠા થઈને ભજન ગાઈને પ્રભુ ઈસુના જન્મની ઉજવણીની ખુશી વ્યક્ત કરી હતી. બધા તેમની સાથે ગિફ્ટ લઈને આવે છે. ગિફ્ટ પર કોઈનું નામ નથી લખ્યું હોતું અને એ ગિફ્ટ ફાધર પાસે મૂકી દઈએ. જેકોઈ ભજન કે ગીત ગાવા આવે તેને ફાધર ગિફ્ટ આપે. અમારા ચર્ચમાં કેરલ્સ સિન્ગિગં થયું તેમ અન્ય ચર્ચમાં આ રવિવારે પણ કેરલ્સ સિન્ગિંગ થશે.’
દિવાળીની જેમ નાતાલમાં બનતા નાસ્તા અને સ્વીટ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘દિવાળીમાં જેમ નાસ્તા બનાવીએ એવી રીતે ગુજરાતી ક્રિશ્ચિયનો નાતાલના પર્વમાં ઘરે નાસ્તા બનાવે. ઘૂઘરા, સેવ, મકાઈનો ચેવડો અને એવા બધા નાસ્તા બનાવીએ છીએ. ખાસ તો ક્રિસમસની મેઇન વસ્તુ ચૂરમાના લાડુ છે. ચૂરમાના લાડુ દરેક ઘરમાં બનાવાય છે. કેક બનાવે, પણ મોટા ભાગે રેડીમેડ લાવે છે, પણ ચોખ્ખા ઘીમાં અને બદામ નાખીને લાડુ તો અવશ્ય બનાવીએ. કોઈ એક કિલો તો કોઈ બે કિલો લાડુ બનાવે અને નાતાલના પર્વમાં કોઈ મહેમાન ઘરે આવે તો લાડુ મૂકીને મોઢું મીઠુ કરવામાં આવે છે તેમ જ એકબીજાના ઘરે લાડુ પણ આપીએ છીએ.’

દિવાળીમાં જેમ ગુજરાતીઓ ઘરની સફાઈ કરીને વર્ષમાં એક વાર ઘર ચોખ્ખુંચણક બનાવી દે એમ ક્રિસમસ પર્વ પૂર્વે ગુજરાતી ક્રિશ્ચિયનો પણ તેમના ઘરની સફાઈ કરતા હોય છે એની વાત કરતાં અમદાવાદનાં સોનલ ક્રિસ્ટી કહે છે, ‘અમે ગુજરાતી ક્રિશ્ચિયન ધર્મ ક્રિશ્ચિયનનો પાળીએ છીએ. જે લોકોએ અહીં ધર્મનો પ્રચાર કર્યો તેમના તરફથી વારસામાં અંગ્રેજી સંસ્કૃતિ મળી છે અને સાથે બેઝિકલી અમે ગુજરાતી છીએ એટલે ગુજરાતી સંસ્કૃતિ આપણા લોહીમાં વણાયેલી છે. આપણી સંસ્કૃતિમાં એવું છે કે કોઈ પણ મોટો તહેવાર હોય તો ઘરની સાફસૂફ કરીએ, સજાવીએ એ રીતે અમે ક્રિસમસ પૂર્વે અમારા ઘરને સાફસૂફ કરીને સજાવીએ છીએ. ઘરમાં સ્ટાર લટકાવીને ઘરમાં રોશની સાથે સુશોભન કરીએ છીએ. ઘરમાં ક્રિસમસ ટ્રી લાવીને એને પણ લાઇટથી સજાવીએ છીએ. નાતાલના પર્વમાં પરદેશમાં સિસ્ટમ છે કે એકબીજાને ગિફ્ટ આપે એમ અહીં પણ સૌ એકબીજાને ગિફ્ટ આપીને ખુશી વહેંચીએ છીએ. આપણે જેમ દિવાળીમાં બાળકો ઘરે આવે ત્યારે શુકનમાં પૈસા આપીએ એમ નાતાલમાં ગિફટ અપાય છે અને નાતાલની વધામણી એકબીજાને આપીએ છીએ. પ્રભુ ઈસુનો જન્મ ગભાણમાં થયો હતો એટલે અમે એ દિવસોમાં ઘરમાં તેમ જ ચર્ચમાં ગભાણ બનાવીએ છીએ, એને સજાવીએ છીએ એમાં બાળ પ્રભુ ઈસુ, માતા મરિયમ અને પશુ-પંખીઓ મૂકીએ છીએ અને પ્રભુ ઈસુને યાદ કરીને તેમની વધામણી કરીએ છીએ કે તારણહાર જન્મ્યો છે. માનવજાત માટે પ્રભુએ જન્મ લીધો છે એમ કહીને પ્રભુના જન્મને સેલિબ્રેટ કરીએ છીએ.’

અમદાવાદ સહિત ગુજરાતમાં લોકોના ઘરે-ઘરે જઈને ગવાતા કેલ્સ સિન્ગિંગની વાત કરતાં તેઓ કહે છે, ‘આપણી કોઈ પણ ઉજવણી ગીત-સંગીત વગર અધૂરી છે. તિમશનરીએ આપેલા કેરલ સૉન્ગ છે એ અંગ્રેજી અને લેટિન ભાષામાં લખાયાં છે જેને ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરાયાં છે. એનો રાગ ઓરિજિનલ રખાયો છે, પરંતુ ગવાય છે ગુજરાતીમાં, એટલે ક્રિસમસમાં કેરલામાં ગુજરાતી ટચ આવે છે. નાતાલ પર્વના આ દિવસોમાં અમદાવાદમાં અમે રાતે એકબીજાના ઘરે જઈને વાજિંત્ર વગાડીને કેરલ્સ સિન્ગિંગ કરીને પ્રભુ ઈસુના જન્મની વધામણી આપીએ છીએ અને ઉજવણી કરીએ છીએ. અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા ચર્ચ ઑફ નૉર્થ ઇન્ડિયામાંથી ૨૪ ડિસેમ્બરે રાતે કૅન્ડલ લાઇટ સરઘસ નીકળ્યું હતું. આ પરંપરા પહેલાં ચાલતી હતી જે થોડો સમય બંધ રહી હતી અને હવે ફરી ચાલુ થઈ છે. એનો હેતુ એ છે કે પ્રભુ પ્રકાશરૂપે છે. ઈશ્વરનો પ્રકાશ આપણા જીવનમાં પથરાય તો આપણા જીવનના અંધકારને દૂર કરે છે એવી લાગણી રહેલી છે.’
આપણા ગુજરાતીઓમાં એવું વર્ષોથી કહેવાયું છે કે ‘જ્યાં વસે એક ગુજરાતી, સદાકાળ ગુજરાત ત્યાં’ એમ ગુજરાતી ક્રિશ્ચિયનો પણ પ્રભુ ઈસુના જન્મનાં વધામણાં માટે ઊજવતા ક્રિસમસના પર્વમાં પણ ગુજરાતી સંસ્કૃતિને બખૂબી રીતે જોડીને ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપ સૌને હૅપી ક્રિસમસ.


