Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટાઇગરનો દબદબો પણ રાજાથી ઓછો નથી હોં!

ટાઇગરનો દબદબો પણ રાજાથી ઓછો નથી હોં!

29 July, 2022 11:34 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

વાઘ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રમાં ભારતે મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે એને ધ્યાનમાં લઈ આજે વર્લ્ડ ટાઇગર ડેની ઉજવણી પ્રસંગે એવા કેટલાક લોકોને મળીએ જેમનો વાઘ સાથે નજીકનો નાતો છે

ટાઇગરનો દબદબો પણ રાજાથી ઓછો નથી હોં!

વર્લ્ડ ટાઇગર ડેે

ટાઇગરનો દબદબો પણ રાજાથી ઓછો નથી હોં!


દુનિયામાં જેટલા વાઘ છે એના અડધોઅડધ એકલા ભારતમાં હોવાથી વિશ્વભરના પર્યટકો વાઘ અભયારણ્ય જોવા આપણા દેશમાં આવે છે. વાઘ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રમાં ભારતે મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે એને ધ્યાનમાં લઈ આજે વર્લ્ડ ટાઇગર ડેની ઉજવણી પ્રસંગે એવા કેટલાક લોકોને મળીએ જેમનો વાઘ સાથે નજીકનો નાતો છે

અઠવાડિયાથી સોશ્યલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ છે. આ​ વિડિયોમાં ટ્રાફિક-પોલીસે રસ્તો ક્રૉસ કરી રહેલા વાઘ માટે વાહનો થોભાવી દીધાં હોવાનું જોઈ શકાય છે. પોલીસની લોકો ખૂબ સરાહના કરી રહ્યા છે પરંતુ સવાલ એ કે આમ રસ્તા પર વાઘ આવી કઈ રીતે ગયો? કોઈકે ખૂબ સરસ કહ્યું છે, ‘Tiger is not crossing the road, road is passing through forest.’ વાત તો સાચી જ છે. બુદ્ધિશાળી માનવીએ એમના કુદરતી રહેણાક વિસ્તાર પર કબજો જમાવતાં વાઇલ્ડ ઍનિમલ માટે સર્વાઇવ કરવું મુશ્કેલ બની રહ્યું છે. પ્રાણીઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. જોકે સેવ ટાઇગર પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા પ્રયાસોનું સારું પરિણામ સામે આવ્યું છે. છેલ્લા પ્રાપ્ત આંકડા અનુસાર હાલમાં ભારતમાં વાઘની સંખ્યા ત્રણ હજાર જેટલી છે. ૨૦૧૪માં આ આંકડો ૨૨૨૬ની આસપાસ હતો. દુનિયાભરમાં જેટલા વાઘ છે એના અડધોઅડધ એકલા ભારતમાં છે એ નાનીસૂની સિદ્ધિ નથી. વિશ્વભરમાંથી પર્યટકો ખાસ વાઘ અભયારણ્ય જોવા આપણા દેશમાં આવે છે. વાઘપ્રેમીઓમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં ટાઇગર રિઝર્વ ફેવરિટ છે. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કેરળ, આસામ, કર્ણાટકમાં પણ વાઘ અભયારણ્ય છે. આજે વર્લ્ડ ટાઇગર ડેની ઉજવણી પ્રસંગે એવા કેટલાક લોકોને મળીએ જેમનો વાઘ સાથે નજીકનો નાતો છે. 


આંકડો નક્કી થયો

મહારાષ્ટ્રના વિદર્ભ ભાગમાં વાઘ જોવા મળી શકે છે જ્યારે પશ્ચિમ ઘાટમાં આવેલા વાઘ અભયારણ્યમાં ટાઇગર સાઇટિંગ ઈઝી નથી. ૨૦૧૨થી સાતારા જિલ્લાના ઓનરરી વાઇલ્ડલાઇફ વૉર્ડન, વાઇલ્ડલાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો સાથે સંકળાયેલા, ઓરિન્ટોલૉજી, હર્પેટોલૉજીમાં નિપુણતા ધરાવતા તેમ જ વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા રોહન મધુકર ભાટે શાહ ઉપરોક્ત શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં કહે છે, ‘સહ્યાદ્રિ વિસ્તારમાં સોએ સો ટકા વાઘ છે, પરંતુ પર્વતો અને ગાઢ જંગલના કારણે એનાં દર્શન દુલર્ભ છે. વિદર્ભમાં એક કિલોમીટર વિઝિબિલિટી છે, જ્યારે સહ્યાદ્રિ ટાઇગર રિઝર્વમાં વિઝિબિલિટી પાંચ ફીટ જેટલી જ છે. અહીં વસવાટ કરતાં વાઇલ્ડ ઍનિમલ એક હજાર ફીટ જેટલું અપ ઍન્ડ ડાઉન કરે છે. વાઘનું પગેરું શોધવા અમે લોકોએ ઘણી મથામણ કરી છે. કૅમેરા ટ્રેક ઇમેજિસ ઑફ બ્રીડિંગ ટાઇગર, વાઘના પંજાના સ્કેચનું ડીએનએ ઍનૅલિસિસ અને અન્ય કેટલાંક નિરીક્ષણો બાદ સહ્યાદ્રિમાં સાત વાઘ હોવાનું ફાઇનલ થયું છે. સહ્યાદ્રિ ટાઇગર રિઝર્વના સાંદોલી ભાગમાં વસવાટ કરતો એક વાઘ કર્ણાટકના કાલી ટાઇગર રિઝર્વથી માઇગ્રેટ કરીને આવ્યો હોવાનું અનુમાન છે. વાસ્તવમાં અહીં વસવાટ કરતા વાઘ રેસિડેન્શિયલ ટાઇગર નથી. તેઓ માઇગ્રેટ કરતા રહે છે તેથી ટૂરિસ્ટો વાઘ જોવા નહીં પણ સહ્યાદ્રિની નૅચરલ બ્યુટી જોવા વધુ આવે છે. જોકે વન વિભાગ વાઘને બચાવવા અને એની સંખ્યા વધારવા કટિબદ્ધ છે.’
ઇકો સિસ્ટમ 

સેવ ટાઇગર મહત્ત્વનો પ્રોજેક્ટ છે. એના સંરક્ષણ અને સંવર્ધન વિશે કેટલીક ગેરમાન્યતાઓને દૂર કરવાની અત્યંત જરૂર છે એમ જણાવતાં રોહન કહે છે, ‘સેવ ટાઇગરનો અર્થ વાઘને બચાવવો એટલો જ નથી થતો. આ વાઇડ કન્સેપ્ટ છે. આ પૃથ્વી પરના દરેક જીવની મૂળભૂત જરૂરિયાત આહાર છે. વાઘને અઠવાડિયામાં ૨૫ કિલો જેટલું શાકાહારી પ્રાણીઓનું માંસ ખાવા જોઈએ. વાઘના આહારની આપૂર્તિ માટે હરણાં, સાબર, પિગ જેવાં પ્રાણીઓની સંખ્યા વધારવી પડે. શાકાહારી પ્રાણીઓના આહારની વ્યવસ્થા માટે ગ્રાસલૅન્ડ, હર્બ્સ, વૃક્ષો બચાવવાં પડે. હરણાં અને સાબરના આહારને હું કે તમે ઉગાડી નથી શકવાના. પક્ષીઓ દ્વારા વન વિસ્તારમાં સીડ્સ ડિસ્પર્સ થાય એમાંથી ઊગે છે. તેથી પક્ષીઓની પ્રજાતિ લુપ્ત ન થાય એ જોવું પડે. ડિસ્પર્સ થયેલાં સીડ્સને ગ્રો કરવામાં જીવજંતુ સહાયકની ભૂમિકા ભજવે છે. માત્ર વાઘ નહીં, બાયોડાઇવર્સિટીને બચાવવાની ઝુંબેશ છે. સહ્યાદ્રિ ટાઇગર રિઝર્વ ભારતનું એવું અભયારણ્ય છે જ્યાં સ્પૉટેડ ડીઅરની સંખ્યા સૌથી વધુ છે. ટાઇગર બ્રીડિંગની સાથે વાઘના શિકાર માટે સ્પૉટેડ ડીઅરના બ્રીડિંગ પર પણ કામ કરી રહ્યા છીએ.’
 
ક્રાઇમ પૅટ્રોલ
બાયોડાઇવર્સિટીની નેચર પ્રોસેસમાં ખલેલ ન પડે એ માટે ગ્રાસલૅન્ડ પ્રોટેક્શન મુખ્ય છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘છેલ્લાં ૩૦ વર્ષથી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ, વાઇલ્ડલાઇફ રીહૅબિલિટેશન, કન્સલ્ટન્સી, નેચર ફોટોગ્રાફી, નેચર એજ્યુકેશન સ્લાઇડ શો, બર્ડિંગ ટ્રેક્સ અને ટ્રેલ્સ જેવી કેટલીક પ્રવૃત્તિઓ કરું છું. વાઘના સંરક્ષણમાં વિવિધ પગલાં અપનાવવામાં મહારાષ્ટ્રના વન વિભાગની મદદ કરી છે. મારી કુશળતા અને બાજ નજરથી શિકારીઓ (દાણચોરો) પાસેથી વાઘની સ્કિન જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી છે. વાઇલ્ડલાઇફ સંબંધિત જુદા-જુદા ગુનામાં દરોડા પાડવામાં મારી વ્યક્તિગત હાજરીથી અત્યાર સુધીમાં ૧૪૨ અપરાધીઓની ધરપકડ કરવામાં આવી છે. જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર વૃક્ષ કાપવાં, ચંદનનાં લાકડાંની દાણચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવામાં અપરાધીઓ સાથે અનેક વાર હાથોહાથ લડાઈ કરી છે. સમયાંતરે વિવિધ અધિકારીઓ તેમ જ સરકારના મંત્રીઓને પત્ર લખતો રહું છું.’

 સેવ ટાઇગર વાઇડ કન્સેપ્ટ છે. વાઘના આહારની આપૂર્તિ માટે હરણાં, સાંબાર, પિગ જેવાં પ્રાણીઓની સંખ્યા વધારવી પડે. એમના આહારની વ્યવસ્થા માટે ગ્રાસલૅન્ડ, હર્બ્સ બચાવવાં પડે. ઓવરઑલ આ બાયોડાઇવર્સિટીને બચાવવાની આ ઝુંબેશ છે. 
રોહન ભાટે શાહ

2967
૨૦૧૮ની વાઘની વસ્તીગણતરી મુજબ ભારતમાં વાઘની સંખ્યા આટલી હતી.

ફર્સ્ટ લવ

વિદ્યાવિહારનો માત્ર અગિયાર વર્ષનો દિયાન શેઠ જબરો ટાઇગર લવર છે. આટલી નાની ઉંમરે એણે વાઘની ફોટોગ્રાફી કરી છે અને અઢળક ચિત્રો દોર્યા છે. એની પાસેથી ઘણું શીખવા મળે છે એવી વાત કરતાં દિયાન કહે છે, ‘અમારા ઘરમાં બધા જ ટાઇગર લવર્સ છે. તાડોબા, પેંચ અને કાન્હા ટાઇગર રિઝર્વની વારંવારની મુલાકાતમાં અનેકવાર ટાઇગરને નજીકથી જોયો છે. સામાન્ય રીતે હું, મમ્મી, નાનો ભાઈ, માસી અને માસીની દીકરી જતાં હોઈએ છે. આ વખતે પહેલીવાર ફેમીલી મેમ્બર વિના તાડોબા વિઝિટ કર્યું હતું. ટોટલ ૨૭ વખત હું જંગલ સફારીમાંથી પસાર થયો છું. જંગલનો રાજા ભલે સિંહ કહેવાતો હોય પણ વાઘની વાત નિરાળી છે. એનો રૂઆબ મને આકર્ષે છે. વાઘ સાથે બે વાઘણો અને એના બચ્ચાઓ ફરતાં હોય એ જોવાની મજા પડે. મારું ઑબ્ઝર્વેશન કહે છે કે ટાઇગર પોતાની ટેરીટરીનો રાજા છે. એ જ્યાં રહે ત્યાં બીજો વાઘ ન રહી શકે. ટેરીટરી નક્કી કરવા તે પોતાના નહોર વડે વૃક્ષ પર નિશાની કરે છે. જંગલ સફારી દરમિયાન હું એને હરકતોને ધ્યાનથી જોયા કરું. ઘરે આવીને માઇન્ડમાં જે ઇમેજ બની હોય એ પ્રમાણે ​ડ્રોઇંગ બનાવવું ખૂબ ગમે. મારી પાસે ટાઇગરના પેઇન્ટિંગ્સનું કલેક્શન છે.’

ઇન્ડિકેશનને સમજો

વીસેક દિવસ અગાઉ વાઘના દર્શન કરી આવેલા માટુંગાના બિઝનેસમેન ધીરેન ગડા અનુભવ શેર કરતાં કહે છે, ‘વાઇલ્ડલાઇફ સફારી મારું પૅશન છે. ભારતના તમામ જાણીતા અભયારણ્ય જોયાં છે. રણથંભોર બે વાર જઈ આવ્યો છું. સાઉથ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કની મુલાકાત પણ લીધી છે. પ્રાકૃતિક સૌંદર્ય અને પશુપંખીઓના ફોટા પાડવા માટે પ્રોફેશનલ કૅમેરા વસાવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનના રણથંભોર ટાઇગર રિઝર્વની મુલાકાત દરમિયાન વાઘને ખૂબ જ નજીકથી જોવાની તક મળી હતી. અભયારણ્યમાં ફરી રહ્યો હતો ને અચાનક ટાઇગર મુવમેન્ટના ઇન્ડિકેશન મળ્યા. ઘણાં વર્ષથી વન્યજીવનને નજીકથી જોઉં છું તેથી ઘણું ઑબ્ઝર્વેશન કર્યું છે. સાંબાર અને હરણાં ચીસો પાડીને ઝડપથી દોડવા લાગે, વાંદરાઓ વૃક્ષની ટોચ પર જઈને જોરજોરથી ઝાડ હલાવવા લાગે એટલે સમજી જવું કે વાઘ આવવાનો કૉલ છે. જોકે, ઘણીવાર હરણાંના બચ્ચાઓ ગંધ પારખી શકતા નથી. સામે હરણનું બચ્ચું હતું. વાઘે અટેક માટે જમ્પ માર્યો એ ક્ષણનો વિડિયો શૂટ કર્યો છે. મને હતું કે હરણનો શિકાર કરી લેશે, પણ ઍટેકની મુવમેન્ટ દાખવ્યા બાદ વાઘ તરત શાંત થઈ ગયો કારણકે એનું પેટ ભરેલું હતું. જંગલી પ્રાણીની ખાસિયત છે કે પેટ ભરેલું હોય તો શિકાર નથી કરતો. માનવી અને જાનવરમાં આ ફરક છે.’

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2022 11:34 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK