જો તમે સદ્ભાગી હશો તો બાલ્યાવસ્થામાં એટલે કે સ્મરણો જાગૃત રહે એવડી પાંચ-સાત વર્ષની વયે દાદા-દાદી કે નાના-નાનીનાં લાડ-પ્યાર પામ્યા હશો.
પ્રતીકાત્મક તસવીર
જો તમે સદ્ભાગી હશો તો બાલ્યાવસ્થામાં એટલે કે સ્મરણો જાગૃત રહે એવડી પાંચ-સાત વર્ષની વયે દાદા-દાદી કે નાના-નાનીનાં લાડ-પ્યાર પામ્યા હશો. કોઈક રાત્રે પથારીમાં પડ્યા પછી બાજુમાં સૂતેલાં દાદા-દાદીને કે નાના-નાનીને તમે હળવેકથી કહ્યું પણ હશે, ‘મા, મને વાર્તા કહોને!’
પછી માએ વાર્તા માંડી હશે -
ADVERTISEMENT
‘એક હતી ચકી અને એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો. બેએ રાંધી ખીચડી.
આ પછી ચકીથી છાનોમાનો ચકો ખીચડી ખાઈ જાય અને પછી ચકી રાજાને ફરિયાદ કરે ત્યારે રાજા ઊંડા કૂવા ઉપર સહુને હીંચકા ખવડાવે. ચકો ધબાક કરતો કૂવામાં પડી જાય, કારણ કે એ ખોટું બોલ્યો હતો.’
આ વાર્તામાં તમે ક્યાંય એવું નહોતું પૂછ્યું કે, ‘ચકો-ચકી ખીચડી કેવી રીતે બનાવે કે પછી રાજા કૂવાને કાંઠે આવું બધું કરે?’
‘હા, કરે!’ કારણ કે જે સાચું હોય એ સમજાઈ જાય અને જે ખોટું હોય એ કૂવામાં પડે. આ વાત રાજા જાણતો હતો, ચકી જાણતી હતી, ચકો જાણતો હતો અને સહુ એ પછી ખાઈ-પીને સૂઈ ગયા.
એક વાર્તા પૂરી થાય એટલે બીજી રાતે બીજી વાર્તા મંડાય.
‘ઠાગાઠૈયા કરું છું, ચાંચૂડી ઘડાવું છું, જાઓ, કાબરબાઈ આવું છું.’
પછી તો કાબરબાઈ એકલા હાથે ખેતર ખેડે, અનાજનો ઢગલો થાય અને કામચોર કાગડા ભાઈના ભાગે ઢુઆનો ઢગલો આવે અને કાગડાભાઈ ફસાઈ જાય. અનાજનો ઢગલો મહેનતુ કાબરબાઈને મળે અને કામચોર ઠાગાઠૈયા કરતા કાગડાભાઈ લટકી જાય.
અહીં પણ સવાલ તો થવો જોઈએ પણ તમને ત્યારે સવાલ થયો નહોતો. કાબરબાઈને એની મહેનતનું ફળ મળ્યું અને કામચોરી કરતા કાગડાભાઈ રખડી પડ્યા.
બનવાજોગ છે કે આ પછી
મમ્મી-પપ્પાએ પણ આવી કોઈક વાર્તા કહી હશે. આ વાર્તા આંગળી ચીંધીને તમને એક રસ્તે દોરી જતી હતી. ચકાભાઈની જેમ ખોટું ન બોલાય, કાગડાભાઈની જેમ કામચોરી ન કરાય, કાબરબહેનની જેમ પરસેવો પાડીને મહેનત કરવી જોઈએ તો જ ફળ મળે. આદિ કવિ વાલ્મીકિથી માંડીને આજના રામ મોરી સુધીના વાર્તાકારોની રચનાઓને જરા આવા પ્રકાશમાં તપાસી જોજો. વાર્તાકૃતિમાંથી તો તમને સીધેસીધી વાર્તા મળી જાય પણ એ પછી તમે ભવાઈ જોવા જતા અને એમાં પણ જુદાં-જુદાં પાત્રો જે અભિનય કરતાં એ અભિનયના સાતત્યમાં તમે વાર્તા શોધી કાઢતા. ‘પછી શું થયું?’ આવો પ્રશ્ન તો ઊભો જ રહે. ભવાઈથી આગળ વધીને ગીત કે ગરબા ગવાય ત્યારે એમાંય ક્યાંક વાર્તા તો જડવી જ જોઈએ.
એવી એક વાર્તા કહો
ઈસુની ચોથી સદીમાં લખાયેલા કહેવાતા ગુણાઢ્યના એક ગ્રંથ બૃહદ કથામંજરી - આજે તો જોકે એ ઉપલબ્ધ નથી પણ એમાં શિવપાર્વતી સંવાદ લખાયેલો છે. પાર્વતીજી શિવજીને કહે છે કે મને એક એવી વાર્તા કહો કે જે બહુ લાંબી પણ ન હોય અને ટૂંકી પણ ન હોય અને અગાઉ કોઈએ સાંભળી પણ ન હોય ને રસપ્રદ પણ હોય. વાર્તા એટલે કે કોઈ પણ પ્રકારની સાહિત્યિક રચનામાં આ ત્રણ લક્ષણો હોવાં જોઈએ. આ ત્રણના અભાવે જે કંઈ લખાય એ લિખિત અથવા મુદ્રિત હસ્ત વ્યાયામ છે. એ વાત સાચી કે કોઈ પણ લેખક એવું તો ન જ કરી શકે કે તેની પ્રત્યેક રચનામાં આ ત્રણ સદ્ગુણો હોય, ક્યારેક ન પણ હોય. માણસ છે ભાઈ, ભૂલ કરે પણ લેખકના હાથે થયેલો આ વ્યાયામ પેન્સિલના છેવાડે લાગેલા રબર જેવો હોય છે. પેન્સિલ આખી ઘસાઈ જાય ત્યારે છેવાડેના રબરનું ટોપકું થોડુંક ઘસાયેલું હોય.
મેઘાણીભાઈએ પણ આ સંદર્ભમાં એવું કહ્યું છે કે તમે જે કંઈ નવું લખો એ જો અગાઉ લખાયેલા જૂના લખાણથી જુદું ન હોય તો લખવાની કોઈ જરૂર નથી. લેખકને રાજ્યાશ્રયની કોઈ જરૂર ખરી? કદાચ કીર્તિ મળે, કલદાર મળે પણ એનાથી પેલી વાર્તા એટલે કે સાહિત્ય રૂડું રૂપાળું થાય ખરું? કાલિદાસને જો વિક્રમાદિત્ય જેવો રાજા ન મળ્યો હોત તો ‘શાકુંતલમ’ કે ‘મેઘદૂત’ જેવી રચનાઓ આપણને ન મળી હોત એવી કહેવાની હિંમત આપણામાં છે ખરી? પદ્મશ્રી બનવા માટે કે પછી પદ્મશ્રી બન્યા પછી પદ્મભૂષણ થવા માટે સહાય શોધતા સાહિત્યકારોને તમે નથી જોયા? ન જોયા હોય તો તમે નસીબદાર. હું તમારા જેટલો નસીબદાર નથી. મેં જોયા છે.
મારી વાર્તા લખો
ગુજરાતની એક કૉલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ થોડોક વાર્તાલાપ કરવાનો અવસર એક વાર મને મળ્યો હતો. વાર્તાલાપ પૂરો થયો અને પ્રિન્સિપાલના ખંડમાં અમે થોડાક જણ ચા-નાસ્તો કરીને વિખેરાયા ત્યારે દાદરના દરવાજા પાસે ઊભેલી એક નાનકડી છોકરીએ લાજતાં, શરમાતાં મારી નજીક આવીને હળવેકથી મને કહ્યું હતું, ‘મારે તમને એક વાર્તા કહેવી છે. તમે એ લખશો?’ ત્યારે મેં એ કન્યાને હળવો ઉત્તર વાળ્યો હતો, ‘તું પોતે જ કેમ નથી લખતી, બેટા?’ છોકરી થોડીક વાર ઊભી રહી અને પછી બોલી, ‘મારી વાત હું લખું એટલે બધાને ખબર પડી જાય.’
પ્રત્યેક સાહિત્યકાર માટે કલમ હાથમાં લેવાની ક્ષણે એક પડકાર ઊભો હોય છે. બધાને ખબર પાડવી છે અને ખબર પાડવાની આ પ્રક્રિયાથી જો તેની પીઠ ઉપર કોઈની સોટીનો સોળ ઊઠી આવે તો એ જીરવવા પણ પડશે. અક્ષર જોડેની સચ્ચાઈ એનાથી વધુ આકરી પળો સાહિત્યકાર માટે બીજી એકેય નથી. મુદ્રિત લખાણને વાંચી સમજીને સાહિત્ય સુધી પહોંચાડવું એનાથી વધુ પવિત્ર ફરજ વાચક માટે બીજી કોઈ હોઈ ન શકે.


