Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે આ બહેને બનાવેલાં બાળગીતો

ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે આ બહેને બનાવેલાં બાળગીતો

18 January, 2022 01:33 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આ જોડકણાં અને બાળગીતો યુટ્યુબ ચૅનલના માધ્યમથી ભારત ઉપરાંત યુએસ અને ફિલિપીન્સ જેવા દેશોમાં પણ ખાસ્સાં પૉપ્યુલર થયાં છે ત્યારે જાણીએ બિંદીની સફર કઈ રીતે ખાસ છે એ 

ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે આ બહેને બનાવેલાં બાળગીતો

ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે આ બહેને બનાવેલાં બાળગીતો


બિંદી શાહ મહેશ અવનવી રાઇમ્સ અને બાળગીતો લખીને કમ્પોઝ કરીને ગાય છે અને પછી એનાં ઍનિમેટેડ વર્ઝનમાં વિડિયો બનાવે છે.  તેમનાં આ જોડકણાં અને બાળગીતો યુટ્યુબ ચૅનલના માધ્યમથી ભારત ઉપરાંત યુએસ અને ફિલિપીન્સ જેવા દેશોમાં પણ ખાસ્સાં પૉપ્યુલર થયાં છે ત્યારે જાણીએ બિંદીની સફર કઈ રીતે ખાસ છે એ

‘વર્ષોથી બાળકોના જીવનમાં બાળગીતોનું મહત્ત્વ ઘણું રહ્યું છે. નાનપણથી શીખેલાં બાળગીતો જીવનભર યાદ રહેતાં હોય છે. એની છાપ બાળમન પર ખૂબ ઘેરી હોય છે. પરંતુ મોટા ભાગનાં બાળગીતો હંમેશાં મજા માટે બનાવાયેલા પ્રાસવાળા શબ્દોથી વિશેષ નથી હોતાં. બાળગીતો એવાં હોવાં જોઈએ જે ગાવાની ખૂબ મજા આવે પરંતુ એની સાથે-સાથે એમાંથી ઘણું શીખવા મળે. નિરર્થક શબ્દોની જગ્યાએ એવી કન્ટેન્ટ હોય જે ગાતાં-ગાતાં બાળક ઘણું શીખી પણ જાય અને આપણને ખબર પણ ન પડે.’


આવું માનવું છે બિંદી શાહ મહેશના, જે બાળગીતોની ઇંગ્લિશ અને હિન્દી એમ બે જુદી-જુદી યુટ્યુબ ચૅનલ ધરાવે છે જેમાં કુલ તેણે પોતાના લખેલાં, કમ્પોઝ કરેલાં અને ગાયેલાં ૩૦૦ બાળગીતો ઍડ કર્યાં છે. મૂળ ગુજરાતી બિંદીએ એક તામિલિયન સાથે લગ્ન કર્યાં છે જેથી એ તેની જૂની સરનેમ શાહ અને તેના પતિનું નામ બન્ને તેના નામની પાછળ લખે છે. બિંદીની અંગ્રેજી યુટ્યુબ ચૅનલનું નામ બિંદીઝ મ્યુઝિક ઍન્ડ રાઇમ છે અને હિન્દી બાળગીતોની ચૅનલનું નામ બિંદી કે બાલગીત છે. તેની ઇંગ્લિશ ચૅનલના ૪૧.૭ હજાર અને હિન્દીના ૧૬.૨ હજાર ફૉલોઅર્સ છે જે પોતાનામાં એક મોટી અચીવમેન્ટ કહી શકાય છે. 

શરૂઆત કઈ રીતે?
બાળગીતો બનાવવાની શરૂઆત કઈ રીતે થઈ એ બાબતે વાત કરતાં બિંદી કહે છે, ‘મારી મોટી દીકરી જ્યારે કિન્ડર ગાર્ટનમાં હતી ત્યારે એને રાઇમની કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ કૉમ્પિટિશનમાં મેં તેને એક રાઇમ બનાવી આપી અને તેને ગાતાં શીખવી. તેને ગાતાં જોઈને તેના ટીચર્સ જ નહીં, બીજા પેરન્ટ્સ પણ ખૂબ ખુશ થયા પછી બધા કહેવા લાગ્યા કે તેમનાં બાળકો માટે પણ હું બનાવી આપું. બસ, પછી આવી રીતે હું રાઇમ્સ બનાવવા લાગી અને બાળકોને શીખવવા લાગી. એ જોઈને મારા પતિએ મને કહ્યું કે આ વસ્તુ તું ખાલી આમ જ કરે છે એના કરતાં એને થોડું ગંભીરતાથી લે અને પ્રોફેશનલી આ કામ શરૂ કર.’ 

મ્યુઝિક 
રાઇમ્સ લખવા માટે ભાષા પર વધુ નહીં તો પણ થોડું પ્રભુત્વ અને ક્યા શબ્દોનું ચયન કરવું એ મહત્ત્વનું હોય છે. એના સિવાય એને કમ્પોઝ કરવા માટે મ્યુઝિક પણ આવડવું જોઈએ એમ જણાવતાં બિંદી કહે છે, ‘મને નાનપણથી જ મ્યુઝિકનો ભારે શોખ છે. ૯ વર્ષની ઉંમરે મને ગાતાં શીખવું હતું એટલે હું જુહુના સંગીત મહાભારતીમાં ગઈ હતી પરંતુ એ સમયે વોકલમાં ઍડ્મિશન ન મળતાં મેં સિતારમાં ઍડ્મિશન લીધું જે મેં ૧૫ વર્ષ સુધી શીખી. એની સાથે-સાથે તુલિકા ઘોષ પાસેથી હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ પણ શીખ્યું. ગુજરાતી લાઇટ મ્યુઝિકમાં પણ મને રસ હતો એટલે હેમાંગિની દેસાઈ પાસેથી એ શીખ્યું. સંગીત એક એવી વસ્તુ છે કે તમે એ જેટલી શીખો એટલો તમને ભાસ થાય કે હજી તો ઘણું શીખવાનું બાકી છે. એટલે જ મેં જીવનભર એ શીખ્યું. અઢી વર્ષ સંગીત મહાભારતીમાં જ ટીચર બનીને મેં શીખવ્યું પણ.’
બિંદીએ પ્રોફેશનલી કોઈ જગ્યાએ ગાયું નહોતું કે ન તો કોઈ દિવસ કમ્પોઝ કર્યું હતું. પરંતુ બાળકોની રાઇમ્સને તેણે સારી રીતે કમ્પોઝ કરી. એ જોઈને તના પતિ મહેશે તેને યુટ્યુબ ચૅનલ શરૂ કરવાની પ્રેરણા આપી. આ સમય હતો ૨૦૧૮નો. એ યાદ કરતાં બિંદી કહે છે, ‘કરવું તો હંમેશાં સારું કરવું, નહીંતર કરવાની જરૂર નથી એમ વિચારીને મેં આ કામ શરૂ કર્યું. મ્યુઝિકની અરેન્જમેન્ટ માટે ગુજરાતી સંગીતના જાણીતા કમ્પોઝર અને સિંગર આલાપ દેસાઈ, જે મારા ઘણા સારા મિત્ર છે તેમની મને મદદ મળી. મેં આલાપને કહ્યું કે મને આવું કંઈક કામ કરવાની ઇચ્છા છે અને તેમણે સહર્ષ મ્યુઝિક અરેન્જમેન્ટમાં મારી મદદ કરી. હાલમાં પ્રતીક શાહ છે જે મારું અરેન્જમેન્ટ જુએ છે. એ જ રીતે અમે વિચાર્યું કે બાળકોનાં ગીત છે એટલે એમાં ઍનિમેશન તો જોઈશે જ. એના માટે પણ પ્રયાસ ચાલુ કર્યા. બાળગીતો ગાવા માટે કોરસમાં બાળકોની પણ જરૂર પડી તો મેં બિલ્ડિંગનાં બાળકોને ભેગાં કર્યાં. તેમને શીખવ્યું અને મારી સાથે તેમનું પણ રેકૉર્ડિંગ કર્યું. લોકોને લાગે છે કે યુટ્યુબ પર વિડિયો બનાવવા એક ટાઇમપાસ જૉબ છે પરંતુ એવું નથી, એ એક ફુલ ટાઇમ જૉબ છે.’
ભારતની બહાર પણ પૉપ્યુલર 
આ આખી પ્રોસેસમાં સમયની સાથે-સાથે પૈસા પણ એટલા જ ઇન્વેસ્ટ થાય છે, કારણ કે ઍનિમેશન આજની તારીખે પૈસા માગી લે છે એટલું જ નહીં, મ્યુઝિક અરેન્જમેન્ટ્સ અને રેકૉર્ડિંગ 
સ્ટુડિયોઝના ખર્ચા જુદા. શરૂઆતમાં ભલે મારા બિલ્ડિંગનાં બાળકોએ મદદ કરી; હાલમાં હું પ્રોફેશનલ બાળકો સાથે રેકૉર્ડિંગ કરાવું છું તો તેમને પણ પૈસા આપું જ છું એમ જણાવીને સ્પષ્ટતા કરતાં બિંદી કહે છે, ‘હું હિસાબ લગાવું તો મારો એક વિડિયો મને લગભગ ૧૫,૦૦૦ જેવા ખર્ચે પડે છે. ૨૦૧૮માં ખોલેલી મારી પહેલી યુટ્યુબ ચૅનલ ઇંગ્લિશ રાઇમ્સની હોવાને કારણે યુએસમાં ઘણી જ પ્રચલિત થઈ. એ પછી બે વર્ષ બાદ મેં હિન્દીમાં ‘બિંદી કે બાલગીત’ શરૂ કરી. પહેલી ચૅનલ ૧૧ મહિનામાં અને બીજી ૮ જ મહિનામાં ખાસ્સી પૉપ્યુલર બની ગઈ. યુએસ જ નહીં, ફિલિપીન્સમાં પણ ઑડિયન્સ વધ્યું. ભારતમાં તો લોકો જુએ પરંતુ જ્યારે બહારના લોકોમાં પણ એ પૉપ્યુલર બને ત્યારે એનો આનંદ જુદો હોય છે.’ 
પૈસા માટે નહીં 
આ ચૅનલ શરૂ કરવા પાછળ ફક્ત પૈસા કમાવાનો ઉદ્દેશ નથી એવી સ્પષ્ટતા કરતાં તે કહે છે, ‘યુટ્યુબમાંથી તમારી કન્ટેન્ટ કોઈ ઉઠાવે અને પોતાની વેબસાઇટ પર પોસ્ટ કરે એટલે યુટ્યુબ તમને નોટિફિકેશન મોકલે છે કે તમારી કન્ટેન્ટ બહાર જઈ રહી છે. તમે ઇચ્છો તો એને રોકી શકો છો. પરંતુ મેં આવું નથી કર્યું. મારી કન્ટેન્ટ બહાર જતી હોય તો મને વાંધો નથી, કારણ કે એટલાં બાળકોને વધુ સારું એક્સપોઝર મળશે અને હું તેમને ઉપયોગી થઈ શકીશ. આ એના જેવું છે કે શહેરમાં મોટો પુસ્તકોનો મેળો ભરાયો છે અને એમાં અમુક હજાર પુસ્તકોની ચોરી થઈ. આ ચોરી પર ગુસ્સો આવવાને બદલે એક પ્રકારે હર્ષ થવો જોઈએ. લોકો ચોરીને પણ પુસ્તક લઈ જતા હોય તો એ સમાજ માટે ખોટી રીતે પણ ઉપયોગી બાબત ગણાશે એમ જ મારી આ કન્ટેન્ટ ચોરીથી જઈ રહ્યું છે પણ સમાજ ઉપયોગી તો છે.’  

બિટ્ટી ત્રિવેદી ઍન્ડ કંપની 

બિંદીની કેટલીક ફેમસ રાઇમ્સ 
બિંદીની પહેલી રાઇમ સોલાર સિસ્ટમ એટલે કે સૌર મંડળ પર હતી જેને આજની તારીખે બે લાખથી પણ વધુ વ્યુઝ મળ્યા છે જેમાં તેણે સૂરજ અને એના ૮ ગ્રહો પર બાલગીત બનાવી એમના વિશેની માહિતી સરળતાથી સમજાવી છે. આ સિવાય પ્રવાસ એટલે કે હૉલિડેઝ પર તેણે સિરીઝ કરી છે જેમાં બાળકોને પ્રવાસમાં શું જરૂરી છે એ વિશે પણ સમજાવ્યું છે. 
આ સિવાય સ્વચ્છતા પર પણ તેણે એક બાલગીત તૈયાર કર્યું છે.

 લોકોને લાગે છે કે યુટ્યુબ પર વિડિયો બનાવવા એક ટાઇમપાસ જૉબ છે પરંતુ એવું નથી, એ એક ફુલ ટાઇમ જૉબ છે. હું હિસાબ લગાવું તો મારો એક વિડિયો મને લગભગ ૧૫,૦૦૦ જેવા ખર્ચે પડે છે.
બિંદી શાહ મહેશ

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2022 01:33 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK