Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જ્યારે ઘણી યુવતીઓએ લિપસ્ટિક લગાડેલા હોઠની છાપવાળા રૂમાલ નાણાવટી પર ફેંકીને શુભેચ્છા પ્રગટ કરી

જ્યારે ઘણી યુવતીઓએ લિપસ્ટિક લગાડેલા હોઠની છાપવાળા રૂમાલ નાણાવટી પર ફેંકીને શુભેચ્છા પ્રગટ કરી

Published : 05 July, 2025 02:50 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

કોર્ટની બહાર કડક પોલીસ-બંદોબસ્ત હતો. આઝાદીની લડત વખતે કેટલાક કેસ ચાલતા ત્યારે લોકોનાં ટોળાં અદાલતોની બહાર ભેગાં થતાં.

અદાલતનું મકાન

ચલ મન મુંબઈનગરી

અદાલતનું મકાન


‘નાણાવટી ગન લે લો, નાણાવટી ગન, દો રુપયે મેં. તીન ગોલી મેં સામનેવાલા ખતમ.’

‘આહુજા ટૉવેલ લે લો દો રુપયે મેં આહુજા ટૉવેલ. મરને કે બાદ ભી નિકલેગા નહીં.’



૧૯૫૯ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે ગ્રેટર બૉમ્બેના સેશન્સ જજની ફ્લોરા ફાઉન્ટન નજીક આવેલી કોર્ટની બહાર ફેરિયાઓ ગન અને ટુવાલ વેચવા માટે આ રીતે બૂમો પાડી રહ્યા હતા. અને કોર્ટની બહાર ભેગા થયેલાં લોકોનાં ટોળાં ભાવતાલ કરાવ્યા વગર ગન કે ટુવાલ ખરીદી લેતાં હતાં. એ ટોળાંમાં યુવાન સ્ત્રીઓ પણ સારીએવી સંખ્યામાં હતી. તેમાંની ઘણી સ્ત્રીઓ આજે ત્રણ-ચાર હાથરૂમાલ સાથે લઈને આવી હતી. તેમણે ડાર્ક લાલ રંગની લિપસ્ટિક લગાડી હતી અને પોતાના હોઠોની છાપ એ રૂમાલો પર લીધી હતી. કોર્ટની બહાર કડક પોલીસ-બંદોબસ્ત હતો. આઝાદીની લડત વખતે કેટલાક કેસ ચાલતા ત્યારે લોકોનાં ટોળાં અદાલતોની બહાર ભેગાં થતાં. પણ આજે હતા તેટલા લોકો તો અગાઉ ક્યારેય જોવા મળ્યા નહોતા.


સવારે બરાબર ૧૦ ને ૫૫ મિનિટે ઇન્ડિયન નેવીની મોટી સફેદ કાર આવીને કોર્ટના દરવાજા પાસે ઊભી રહી. ૩૭ વર્ષના કાવસ નાણાવટીની બાજુમાં નેવી કમાન્ડર એમ. બી. સૅમ્યુઅલ પ્રોવોસ્ટ માર્શલ બેઠા હતા. પાછલી સીટ પર નેવીના બે ઑફિસર અને નેવીના હથિયારધારી પોલીસ બેઠા હતા. મોટર ઊભી રહ્યા પછી ડ્રાઇવરે બારણું ખોલ્યું એટલે ૩૭ વર્ષના, છ ફીટ ઊંચા કમાન્ડર કાવસ નાણાવટી નીચે ઊતર્યા. અગાઉની લડાઈઓ દરમ્યાન બતાવેલી બહાદુરી માટે મળેલા સાત-સાત ચંદ્રક તેમની છાતી પર શોભતા હતા. ચાલતા હતા ટટ્ટાર ચાલે, પણ આંખો નીચી ઢળેલી હતી. તેમને આવતા જોઈને કેટલાય લોકોએ ‘નાણાવટી ઝિન્દાબાદ’ના પોકારો કર્યા. ઘણી યુવતીઓએ પોતાના હોઠની છાપવાળા હાથરૂમાલ નાણાવટી પર ફેંકીને પોતાની શુભેચ્છાઓ પ્રગટ કરી.


બચાવ પક્ષના વકીલે રજૂ કરેલું પુસ્તક  

ત્રીજે માળે આવેલો જજ મહેતાનો કોર્ટરૂમ એ વખતનાં છાપાંનો મનગમતો શબ્દ વાપરીને કહીએ તો ‘હકડેઠઠ’ ભરાઈ ગયો હતો. છાપાના ખબરપત્રીઓ તો હોય જ પણ કેટલાક આગળ પડતા વકીલો હાજર હતા, કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર હતા અને બહાર કૉરિડોરમાં પણ માણસો ઊભરાતા હતા. એમાં પારસીઓ અને સિંધીઓની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. જેમને કૉરિડોરમાં જગ્યા ન મળી તે નીચે કમ્પાઉન્ડમાં ઊભા હતા અને જેમને ત્યાં પણ જગ્યા ન મળી તે રસ્તા પર ઊભા હતા.

જજ રતિલાલ ભાઈચંદ મહેતા

જજ રતિલાલ ભાઈચંદ મહેતા આવ્યા. તેઓ મૂળ પાલનપુરના વતની. વકીલ પિતા ભાઈચંદભાઈ ઝૂમચંદભાઈના એ સૌથી નાના દીકરા. તેમના મોટા ભાઈ મણિલાલ મહેતા ૧૯૪૭ સુધી પાલનપુરના દેશી રાજ્યના દીવાન હતા. રતિલાલભાઈએ LLBની પરીક્ષા મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી ૧૯૨૪માં ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી હતી. ૧૯૨૭થી તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ શરૂ કરી. ૧૯૪૮માં તેમની નિમણૂક બૉમ્બે સિટી સિવિલ કોર્ટના એક જજ તરીકે થઈ અને ૧૯૫૭માં તેઓ સેશન્સ કોર્ટ ઑફ બૉમ્બેના પ્રિન્સિપલ જજ બન્યા. ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બે અલગ રાજ્યોની સ્થાપના થઈ ત્યારે જજ રતિલાલ મહેતાએ અમદાવાદ જવાનું પસંદ કર્યું. નવી સ્થપાયેલી ગુજરાત હાઈ કોર્ટના પહેલવહેલા ન્યાયાધીશોમાંના એક હતા જસ્ટિસ રતિલાલ મહેતા. ૧૯૬૫ના જાન્યુઆરીની પાંચમી તારીખે તેમનું અવસાન થયું. ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટીની LLMની પરીક્ષામાં સૌથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીને ‘ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ આર. બી. મહેતા ગોલ્ડ મેડલ’ આપવામાં આવે છે. 

પ્રેમ આહુજા 

હવે પાછા જઈએ ૧૯૫૯ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખની એ સવારે. કોર્ટની કારવાઈ શરૂ થઈ. સૌથી પહેલાં કોર્ટના રજિસ્ટ્રાર ડી.આર. નાડકર્ણીએ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૩ હેઠળ કમાન્ડર નાણાવટી ઉપર મૂકવામાં આવેલો આરોપ વાંચી સંભળાવ્યો. યુનિવર્સલ મોટર્સના માલિક પ્રેમ આહુજાનું મૃત્યુ નીપજાવવાનો આરોપ નાણાવટી પર મૂકવામાં આવ્યો. જજ મહેતાએ કાવસ નાણાવટીને પૂછ્યું: ‘આ આરોપ તમે સ્વીકારો છો?’ ‘ના, નામદાર. મેં આવો કોઈ ગુનો કર્યો નથી. એટલે મારી આપને અરજ છે કે મારા પર ખટલો ચલાવવામાં આવે.’ એટલે પછી જ્યુરીના નવ સભ્યો કોર્ટરૂમમાં દાખલ થયા અને પોતપોતાની જગ્યાએ બેઠા. એ પછી પબ્લિક પ્રોસિક્યુટર સી. એમ. ત્રિવેદીએ કેસની શરૂઆત કરતાં કહ્યું: ‘અહીં આરોપીના કઠેડામાં ઊભા છે તે કમાન્ડર કાવસ નાણાવટી ઇન્ડિયન નેવીના સૌથી વધુ બાહોશ અફસરોમાંના એક હોવાનું મનાય છે. અને જેમનું ખૂન થયું હોવાનું કહેવાય છે એ પ્રેમ આહુજા મુંબઈના એક જાણીતા વેપારી હતા. તેમનો ધંધો મોટર વેચવાનો હતો.’

લગભગ ૬૦ મિનિટ ચાલેલા ભાષણમાં ત્રિવેદીએ આ કેસની વિગતો જણાવી હતી. પછી જ્યુરીના સભ્યોને ઉદ્દેશીને કહ્યું હતું કે કોઈના પણ તરફ પક્ષપાત કે દુશ્મનાવટ રાખ્યા વગર તમારી સામે જે હકીકતો રજૂ થાય એના આધારે જ શુદ્ધ બુદ્ધિથી અને નિષ્પક્ષપાત રહીને તમારો નિર્ણય બાંધશો એવી મને આશા છે. સદોષ મનુષ્યવધ અને ખૂન વચ્ચેના કાનૂની તફાવતની તેમણે ચર્ચા કરી. જો આ કિસ્સો ખૂનનો હોય તો એ ખૂન કરવા પાછળ કયાં કારણો હતાં એની સાથે કાયદાને કે અદાલતને કશો સંબંધ નથી. પછી પબ્લિક પ્રોસિક્યુટર ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું કે આ ખટલામાં હું કુલ સત્તર સાક્ષીને જુબાની માટે બોલાવવાની મંજૂરી આપવા વિનંતી કરું છું.

કોર્ટની મંજૂરી મળતાં કાનૂની દૃષ્ટિએ જરૂરી એવી પોલીસના એક-બે અફસરોની પૂછપરછ કર્યા બાદ મરનાર પ્રેમ આહુજાની બહેન મિસ મામી આહુજાને સાક્ષી તરીકે બોલાવવામાં આવી. તેણે અદાલતને જણાવ્યું કે ૧૯૫૯ના જાન્યુઆરીમાં મારે મારા ભાઈ પ્રેમ આહુજા સાથે વાત થઈ ત્યારે તેણે મને કહ્યું હતું કે તે સિલ્વિયા નાણાવટી સાથે લગ્ન કરવા ધારે છે. અલબત્ત, તેનો વર કાવસ નાણાવટી તેને ડિવૉર્સ આપે તો જ આ શક્ય બને. મામીએ અદાલતને કહ્યું કે મેં આ વાતનો ઉગ્ર રીતે વિરોધ કર્યો અને કહ્યું કે સિલ્વિયાને ત્રણ-ત્રણ બાળકો છે, તેમનો તો વિચાર કર! ત્યારે ભાઈએ મને કહ્યું કે સિલ્વિયાએ તો છૂટાછેડા લેવાનું નક્કી કરી જ નાખ્યું છે. મામી આહુજાએ આટલું કહ્યું એ જ વખતે અદાલતનો સમય પૂરો થયો અને તેની જુબાની અધૂરી રહી.

બીજા દિવસે તો લોકોનો ધસારો ઘણો વધી ગયો. કોર્ટનું આખું મકાન ચિક્કાર. સાક્ષીઓને કોર્ટરૂમ સુધી લઈ જવાનું પણ મુશ્કેલ બન્યું. છેવટે જજસાહેબની પરવાનગી લઈને પોલીસ બોલાવીને લોકોને આઘા ખસેડવા પડ્યા. મામી આહુજાની જુબાની આગળ વધી. તેમણે કહ્યું કે અમે જીવનજ્યોત મકાનમાં રહેવા આવ્યાં એ પહેલાં મરીન ડ્રાઇવ પર આવેલા શ્રેયસ નામના મકાનમાં રહેતાં હતાં. ૧૯૫૬ના અરસામાં ઇન્ડિયન નેવીમાં કામ કરતા મિસ્ટર યાજ્ઞિક અને તેમનાં પત્નીએ અમારી ઓળખાણ નાણાવટી કુટુંબ સાથે કરાવી હતી. એ વખતે હું પહેલી વાર સિલ્વિયાને મળી. તેની જુબાની રોકીને ત્રણ સ્ત્રીઓને તેની સામે ખડી કરવામાં આવી. મામી આહુજાએ એમાંથી સિલ્વિયાને ઓળખી બતાવી એ પછી જુબાની આગળ વધી ત્યારે મામી આહુજાએ કહ્યું કે એપ્રિલની ૨૭મી તારીખે બપોરે લગભગ પોણાબે વાગ્યે પ્રેમ અને પોતે સાથે જમવા બેઠાં હતાં. પછી બન્ને પોતપોતાના બેડરૂમમાં સૂવા ચાલ્યાં ગયાં. બપોરે સવાચાર વાગ્યે ડોરબેલ વાગી એ પોતે સાંભળેલી એમ મામીએ કહ્યું. નોકરાણીએ બારણું ખોલ્યું. થોડી વાર પછી પ્રેમ આહુજાના બેડરૂમમાંથી પહેલાં રાડારાડી અને પછી ચીસ સંભળાઈ. બે નોકરોને લઈને હું તરત પ્રેમના બેડરૂમમાં ગઈ. એ જ વખતે કમાન્ડર નાણાવટી રૂમમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રિવૉલ્વર હતી. એ જોઈ મેં પૂછ્યું: ‘આ શું થયું?’ નાણાવટીએ જવાબ આપ્યો નહીં. પછી મેં મારા ભાઈને લોહીલુહાણ હાલતમાં બેડરૂમની ફર્શ પર પડેલો જોયો. તેના શરીર પર માત્ર એક ટુવાલ વીંટાળેલો હતો. મેં પ્રેમ, પ્રેમ, એવી બૂમો પાડી પણ તેના તરફથી કશો જવાબ મળ્યો નહીં કારણ કે તેનું ખૂન થઈ ચૂક્યું હતું.

એ વખતે બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલાએ જજસાહેબને સંબોધીને કહ્યું: ‘માય લૉર્ડ, આ સાક્ષીએ જ્યારે કાવસ નાણાવટીને જતા જોયા ત્યારે તેમના હાથમાં રિવૉલ્વર હતી એટલું જ જોયું હતું. આરોપીને પ્રેમ આહુજા પર રિવૉલ્વર ચલાવતાં જોયો નહોતો. એવી જ રીતે તેમણે પોતાના ભાઈને બેડરૂમમાં ફર્શ પર પડેલો જોયો હતો. તેના પર ગોળીબાર થતો કે તેને ગોળીથી ઘવાતો જોયો નહોતો. એટલે કે મિસ આહુજા એક ચશ્મદીદ ગવાહ નથી એટલે તેમની જુબાનીને આધારે આરોપીને ખૂની ઠરાવી શકાય નહીં.’

ત્યાર પછીના સાક્ષી હતા સી. ટી. ભણગે, બૅલિસ્ટિક એક્સપર્ટ. એ ક્ષેત્રનો બાવીસ વર્ષનો અનુભવ. પહેલાં તેમણે આરોપી નાણાવટીએ સરન્ડર કરેલી રિવૉલ્વર, એની વપરાયેલી ત્રણ ગોળીઓ અને ન વપરાયેલી ત્રણ ગોળીઓ વિશે વિગતે વાત કરી. તેમણે કહ્યું કે વપરાયેલી ત્રણમાંથી બે ગોળી દબાઈને ચપટી થઈ ગઈ હતી. કોઈ બહુ કઠણ વસ્તુ સાથે ગોળી અથડાય ત્યારે આવું બની શકે. ત્રણે ગોળી પરની નિશાનીઓ સરખાવ્યા પછી કહી શકાય કે એ ત્રણે એક જ રિવૉલ્વરમાંથી છોડવામાં આવી હશે.

સાક્ષીને અટકાવીને બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ પૂછ્યું: મેજર સર ગેરાલ્ડ બુરાડનું Identification of Fire-Arms and Forensic Ballistic નામનું પુસ્તક તો તમે વાંચ્યું જ હશે.

ભણગેએ ‘હા’ પાડી.

‘આ વિષય પરનું આ એક ઉત્તમ પુસ્તક છે એ વાત તમે સ્વીકારો છો?’

ભણગે: ‘હા, જી.’

ખંડાલાવાલાએ પુસ્તકમાંથી થોડાં વાક્યો વાંચ્યાં:

If two persons are struggling for the possession of a loaded revolver, it can easily be fired by accident – because most modern revolvers have what is called double-action as well as ordinary single action. પછી તેમણે ભણગેને પૂછ્યું: ‘લેખકની આ વાત સાથે તમે સહમત થાઓ છો?’ ‘સહમત ન થવા માટે મારી પાસે કોઈ કારણ નથી એટલે હું સહમત થાઉં છું.’ ખંડાલાવાલાએ જજ મહેતા સામે જોઈને કહ્યું: ‘સરકારી નિષ્ણાતના આ અભિપ્રાયની નોંધ લેવી ઘટે, યૉર ઓનર. કમાન્ડર કાવસ નાણાવટી અને મરનાર પ્રેમ આહુજા વચ્ચેની ઝપાઝપી દરમ્યાન રિવૉલ્વરમાંથી અકસ્માત ગોળીઓ છૂટી હોય એવો પૂરો સંભવ છે.’

એ જ વખતે અદાલતનો સમય પૂરો થતાં વધુ જુબાની લેવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2025 02:50 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK