Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈગરાઓએ ફાળો ઉઘરાવીને અંગ્રેજ પોલીસ-કમિશનરનું પૂતળું કેમ મુકાવ્યું?

મુંબઈગરાઓએ ફાળો ઉઘરાવીને અંગ્રેજ પોલીસ-કમિશનરનું પૂતળું કેમ મુકાવ્યું?

Published : 12 April, 2025 05:08 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

સાર્જન્ટ વેટકિન્સ નાગપાડા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા હતા. પણ જ્યાં ગુનો બન્યો એ મલબાર હિલનો વિસ્તાર ગામદેવી પોલીસ સ્ટેશનની હકૂમત હેઠળ આવતો હતો

ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલીસની ઑફિસ અને બહાર મૂકેલું કેલીનું આરસનું પૂતળું (સર્કલમાં).

ચલ મન મુંબઈનગરી

ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલીસની ઑફિસ અને બહાર મૂકેલું કેલીનું આરસનું પૂતળું (સર્કલમાં).


ઑપરેશન થિયેટરમાં બાવલા શેઠનો જાન બચાવવા ડૉ. એ. ફિડસન અને તેમના સાથીઓ જે કાંઈ કરી શકાય એ બધું કરી છૂટ્યા પણ પછી ૧૩ જાન્યુઆરી, ૧૯૨૫ની વહેલી સવારે ડૉ. ફિડસન સામે ટાઇપ કરેલો એક અહેવાલ મૂકવામાં આવ્યો. પહેલાં તો આખો અહેવાલ જોઈ ગયા. પછી કાળા રંગની ફાઉન્ટન પેન ખિસ્સામાંથી કાઢી અને અહેવાલની નીચે પોતાની સહી કરી : Dr. A. Fidson. એ લાંબા અહેવાલને અંતે લખ્યું હતું :


Cause of Death : Death, in my opinion, was due to hemorrhage from gunshot injuries of liver. સહી કર્યા પછી ડૉક્ટરે પોતાના હસ્તાક્ષરમાં નીચે તારીખ અને સમય લખ્યાં : ૧૩ જાન્યુઆરી, ૧૯૨૫, સવારે ૦૧.૧૫.



ઑપરેશન થિયેટર તૈયાર થાય ત્યાં સુધી બાવલાને બાજુના રૂમમાં પલંગ પર રાખ્યો હતો. એ વખતે તે કણસતો હતો, પણ પૂરેપૂરા ભાનમાં હતો. આ જોઈ પોલીસ સાર્જન્ટ વેટકિન્સે ડૉક્ટરને પૂછ્યું : ‘હું બાવલા સાથે થોડી વાત કરી શકું?’ ડૉક્ટરે હા પાડી. એક યુરોપિયન નર્સને બાજુમાં ઊભી રાખી અને સાર્જન્ટે પોતાના ખિસ્સામાંથી પૉકેટ ડાયરી અને પેન કાઢ્યાં. સૌથી પહેલાં બાવલાએ કહ્યું : ‘હું ન બચું તો મારી સ્થાવર-જંગમ બધી જ માલમિલકત મારી માને મળશે. પણ એમાંથી ફક્ત એક લાખ રૂપિયા મુમતાઝને આપવા.’ પછી સાર્જન્ટે પૂછ્યું : ‘તમારા પર જે હુમલો થયો એનું કારણ તમે શું માનો છો?’ બાવલાએ જવાબ આપ્યો : ‘આ બધું મુમતાઝને કારણે થયું છે. જેમને આ છોકરે જોઈતી હતી, તેમને મેં સોંપી નહીં એટલે તેણે અમારા પર આ હુમલો કર્યો. અને જેમણે હુમલો કર્યો તેમની પાછળ રહેલા હાથ બહુ લાંબા છે.’ બાવલાએ જે કંઈ કહ્યું એ બધું સાર્જન્ટે પોતાની પૉકેટ ડાયરીમાં લખી લીધું. પછી એની નીચે બાવલાની સહી લીધી અને સાક્ષી તરીકે યુરોપિયન નર્સની સહી લીધી. હવે બાવલાનું મૃત્યુ થયા પછી તેની આ જુબાની ‘ડાઇંગ ડેક્લરેશન’ તરીકે કોર્ટમાં રજૂ કરી શકાશે.


મુંબઈના પોલીસ-કમિશનર પૅટ્રિક કેલી

સાર્જન્ટ વેટકિન્સ નાગપાડા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા હતા. પણ જ્યાં ગુનો બન્યો એ મલબાર હિલનો વિસ્તાર ગામદેવી પોલીસ સ્ટેશનની હકૂમત હેઠળ આવતો હતો. એટલે પોસ્ટ મૉર્ટમ રિપોર્ટની નકલ લઈને વેટકિન્સ ઊપડ્યા ગામદેવી પોલીસ સ્ટેશન. ત્યાં જઈને એ સ્ટેશનના વડા ઈ. એ. ફર્નને મળીને FIR દાખલ કરાવ્યો. ૮/૧૯૨૫ નંબરવાળા આ રિપોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ (ખૂન), ૩૦૭ (ઠાર મારવાના ઇરાદાથી કાતિલ હુમલો), અને ૩૬૫ (લબાડીના ઇરાદાથી અપહરણનો પ્રયત્ન) હેઠળ ગુના નોંધવામાં આવ્યા. આ મુખ્ય ગુના ઉપરાંત કલમ ૧૨૦ બ, ૧૧૪, ૧૦૯, ૫૧૧, ૩૨૬, ૩૦૨, ૩૦૭ અને ૩૬૫ હેઠળના ગુના પણ દાખલ કરવામાં આવ્યા. ઘટનાસ્થળેથી પોતે જપ્ત કરેલી જણસો પણ વેટકિન્સે ગામદેવી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી : પિસ્ટલ, ચાકુ, લાકડી, ઑટોમૅટિક પિસ્ટલ, ખુકરી, છરા, બાંબુની લાકડી, બંદૂકની ગોળીઓ. આ બધું પતાવી સાર્જન્ટ વેટકિન્સ ઘરે પહોંચ્યા ત્યારે સૂરજ માથોડું ઊંચો ચડી ગયો હતો. ગામદેવી પોલીસ સ્ટેશન તરફથી માહિતી મળે એ પહેલાં જ છૂપી પોલીસના બાતમીદારો તરફથી મુંબઈના પોલીસ-કમિશનર પૅટ્રિક કેલીને આ ઘટના વિશેની માહિતી મળી ચૂકી હતી અને તેઓ કેસની ગંભીરતા અને મુશ્કેલીઓ તરત સમજી ગયા હતા.


મુંબઈના પોલીસ-કમિશનરની આૅફિસનો દાદર

હવે થોડી વાર માટે બાવલાને બાજુએ મૂકીને આપણે વાત કરીએ પોલીસ-કમિશનર પૅટ્રિક એ. કેલી વિશે. મુંબઈ પોલીસના ઘડવૈયાઓમાંના એક. મૂળ વતની આયરલૅન્ડના. ઇમ્પીરિયલ પોલીસમાં જોડાઈને ૨૨ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા. નાશિક, ખાનદેશ, કાઠિયાવાડ, થાણે, સોલાપુર વગેરે જગ્યાએ કામ કર્યા પછી મુંબઈ આવ્યા અને ૧૯૨૨ના જૂનની પહેલી તારીખે મુંબઈના પોલીસ-કમિશનરની જવાબદારી સંભાળી. કેલી મરાઠી અને પુશ્તુ ભાષાઓ બહુ સારી રીતે બોલી શકતા. તેઓ મુંબઈ આવ્યા ત્યારે શહેરમાં પઠાણ શાહુકારોનો ખાસ્સો ત્રાસ. વ્યાજ અને મૂળ રકમ સમયસર ન મળે તો લેણદારના હાથ-પગ તોડતાં વાર ન લાગે. એ વખતે લોન આપતી સંસ્થાઓ લગભગ નહીં. એટલે ઘણાબધા પોલીસો પણ અવારનવાર પઠાણો પાસેથી બહુ ઊંચા વ્યાજે પૈસા ઉધાર લે. આથી જ એક જમાનામાં બહુ ઊંચા વ્યાજદર માટે ગુજરાતી-મરાઠીમાં ‘પઠાણી વ્યાજ’ શબ્દો વપરાતા. ૧૯૨૯ના ફેબ્રુઆરીમાં મુંબઈમાં એવી અફવા ફેલાઈ કે પઠાણો બાળકોને ઉપાડી જતા હતા. પરિણામે શહેરમાં હુલ્લડ થયું જેમાં પરળ લાલબાગ જેવા વિસ્તારોમાં મિલ કામદારોનાં ટોળાંએ કેટલાક પઠાણોને મારી નાખ્યા હોવાની અફવા ફેલાઈ. પઠાણોનું એક ટોળું ક્રૉફર્ડ માર્કેટ નજીક આવેલી મુંબઈના પોલીસ-કમિશનરની ઑફિસે પહોચ્યું. દરવાજા આગળ રખેવાળી કરતા એક પોલીસને જમીન પર પટકીને બેફામપણે મારવા લાગ્યા. બીજા પોલીસો ત્યાં હાજર હતા પણ માર પડવાની બીકે આઘા રહ્યા. આ બધી ધાંધલનો શોરબકોર પહેલા માળ પર આવેલી ઑફિસમાં બેઠેલા પોલીસ-કમિશનર કેલીના કાને પડ્યો. દાદરનાં બબ્બે પગથિયાં કુદાવતા દોડ્યા નીચે અને ભોંય પર પડેલા પોલીસ આડે જાતે ઊભા રહી ગયા અને તેના પર પડતા ઘા પોતે ઝીલવા લાગ્યા. અત્યાર સુધી ઊભા-ઊભા તમાશો જોતા બીજા પોલીસો પણ સાહેબને આ રીતે લડતા જોઈ વહારે ધાયા અને હુમલાખોર પઠાણોને તગેડી મૂક્યા.

રસ્તા પરથી પોલીસ-કમિશનરની આૅફિસમાં ખસેડાયેલું કેલીનું પૂતળું.

કેલી મુંબઈના પોલીસ-કમિશનર હતા એ વર્ષો એટલે દેશની આઝાદી માટેની લડતનાં વર્ષો. અવારનવાર સભા-સરઘસ થાય. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એટલે સભા-સરઘસ રોકવાં તો પડે. પણ કાયમ માટે કેલીની પોલીસ દળને સ્પષ્ટ સૂચના કે આવે વખતે બળનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. બંદૂક તો ખરી જ, પણ લાઠી ચલાવતાં પહેલાં પણ બે વાર વિચાર કરવો. આને કારણે આ અંગ્રેજ અમલદાર મુંબઈના રહેવાસીઓના મોટા વર્ગના માનીતા થઈ પડ્યા હતા. નોકરીનાં અઢી વર્ષ બાકી હતાં ત્યારે ૫૩ વર્ષની ઉંમરે વહેલી નિવૃત્તિ લઈ કેલીએ સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું. ૧૯૩૩ના સપ્ટેમ્બરની પહેલી તારીખે નિવૃત્ત થયા પછી કેલી સ્ટીમર દ્વારા સ્વદેશ જવા મુંબઈની હાર્બર પહોંચ્યા ત્યારે કહે છે કે હજારો લોકો તેમને વિદાય આપવા એકઠા થયા હતા. તેમના ગયા પછી મુંબઈ પોલીસે ક્રૉફર્ડ માર્કેટ નજીક કેલીનું આરસનું પૂતળું મૂકવાનું નક્કી કર્યું. પોલીસ ખાતાએ તો આ માટેની રકમ ફાળવેલી જ. પણ એ વખતના મેયર ડૉ. મોરેશ્વર જાવલેની અપીલના જવાબમાં મુંબઈના લોકો તરફથી પણ ૧૩,૫૦૦ રૂપિયા દાનમાં મળ્યા. (૧૯૩૩-૧૯૩૪ના અરસાના ૧૩,૫૦૦ એટલે આજના કેટલા એ ગણી લેવું.) પૂતળું બનાવવાનો ઑર્ડર એ માટે જાણીતા મેસર્સ ગોરેગાંવકર બ્રધર્સને આપવામાં આવ્યો અને ૧૯૩૬ના સપ્ટેમ્બરની બીજી તારીખે એ વખતના મેયર અને આઝાદી માટેની લડતના એક નેતા બૅરિસ્ટર જમનાદાસ માધવજી મહેતાને હાથે એ પૂતળાનો અનાવરણ વિધિ થયો (આઝાદી પછી મલબાર હિલ વિસ્તારના એક રસ્તા સાથે જમનાદાસ મહેતાનું નામ જોડવામાં આવ્યું છે. પહેલાં એ રસ્તો ‘ઓલ્ડ ચર્ચ રોડ’ તરીકે ઓળખાતો). એ વખતે આ પૂતળું ક્રૉફર્ડ માર્કેટ સામેના ટ્રાફિક આઇલૅન્ડમાં મૂકવામાં આવ્યું હતું પણ પાછળથી એને પોલીસ-કમિશનરની ઑફિસમાં ખસેડવામાં આવ્યું.

આવા બાહોશ અને વિચક્ષણ પોલીસ-કમિશનર કેલી પાસે બાવલાનું ખૂન થયાના ખબર પહોંચ્યા કે તરત જ તેઓ સાવધ થઈ ગયા. આ કેસ ઉકેલવાનું કામ સહેલું નહીં બને એ વાત તરત જ સમજી ગયા કારણ કે બાવલા અને મુમતાઝ વિશેની ઘણી માહિતી તેમની પાસે પહેલેથી જ હતી. ગુનો બન્યો છે મુંબઈમાં, બ્રિટિશ રાજ્યમાં, પણ એની પાછળના હાથ ઘણા લાંબા હોવા જોઈએ અને પગેરું કોઈક એવી જગ્યાએ પહોંચતું હોવું જોઈએ જ્યાં જવાનું મુંબઈ પોલીસ માટે બહુ સહેલું નહીં બને એટલું તો કેલી પહેલી નજરે જ સમજી ગયા. અને સાથોસાથ મનમાં પાકો નિશ્ચય કર્યો કે ભલે આ કામ ગમે તેટલું મુશ્કેલ હોય, ગુનેગારોને સજા કરાવીને જ રહીશ. પહેલું કામ કર્યું મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓની એક ખાસ ટુકડી બનાવવાનું. એ ટુકડીના વડા હતા ડેપ્યુટી પોલીસ-કમિશનર ઈ. એલ. કોટી. બીજા સભ્યો હતા સુપરિન્ટેન્ડન્ટ સી. ડબ્લ્યુ સાયકીઝ, ઇન્સ્પેક્ટર રૉય બિશપ સ્મિથ, ઇન્સ્પેક્ટર સી. આર. જાફરીઝ, ઇન્સ્પેક્ટર એન. પી. વાગળે, ઇન્સ્પેક્ટર એસ. સી. લ્યોન, ઇન્સ્પેક્ટર એસ. પટવર્ધન, અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુંદર ભટકળ.

બાવલા અને મુમતાઝ પર હુમલો કરનારી મોટરમાં સાત-આઠ જણ હતા એમ નજરે જોનારાઓનું કહેવું હતું પણ એમાંથી ફક્ત એક જ ગુનેગારને પકડી શકાયો હતો. બાકીના બધા ભાગી છૂટ્યા હતા. પોલીસ-કમિશનર બાવલા અને મુમતાઝ વિશે ઘણું જાણતા હતા એટલે એ ભાગેડુઓ ક્યાં જઈને છુપાયા હશે એનો અંદાજ તેમને હતો. પણ એ જગ્યાએ જઈને, તેમની ધરપકડ કરીને મુંબઈ લાવવાનું કામ સહેલું નહોતું એટલું તો કેલી પહેલેથી જ સમજી ગયા હતા. અને એટલે તેમણે મનોમન નક્કી કરી લીધું હતું : Come what may, I will pursue this case till the end and solve it.

ગુનેગારોને પકડવાનું કામ સહેલું કેમ નહોતું એની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2025 05:08 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK