વ્યક્તિઓની વ્યક્ત થવાની નૅચરલ જરૂરિયાત અને એ બાબતની સમજ જ અનૈસર્ગિક થઈ ગઈ છે. સામેની વ્યક્તિની સ્વીકૃતિ મેળવવાનો આપણો આગ્રહ પણ એક કારણ છે.
પ્રતીકાત્મક તસવીર
દિલની વાતો એટલે કે આપણી નૈસર્ગિક લાગણીઓ. એને દબાવવી પડે કે છુપાવવી પડે એ કેટલી અનૈસર્ગિક વાત છે, પરંતુ અંતરંગ સંબંધો હોય ત્યાં પણ વ્યક્ત થવાની આઝાદી આજે આપણે ગુમાવી બેઠા છીએ. એટલે જ દરેક લાગણી વ્યક્ત થઈ શકતી નથી. સામી વ્યક્તિને કેવું લાગશે તેમ જ તેને શું સ્વીકાર્ય હશે અથવા નહીં હોય, તેને ગમશે કે નહીં, વ્યક્ત કરેલી લાગણીઓની આપણા પોતાના લાભાલાભ પર અસર કેવી પડશે એ આધારે આપણે લાગણીઓને વ્યક્ત કરતા અથવા છુપાવતા થઈ ગયા છીએ. આમાં કારણ એ છે કે વ્યક્તિઓની વ્યક્ત થવાની નૅચરલ જરૂરિયાત અને એ બાબતની સમજ જ અનૈસર્ગિક થઈ ગઈ છે. સામેની વ્યક્તિની સ્વીકૃતિ મેળવવાનો આપણો આગ્રહ પણ એક કારણ છે.
સારાનરસાનો ભેદ સમજ્યા વગર પોતાની લાગણીઓને બેફામ વ્યક્ત કરવાની સ્વચ્છંદતાની વાત નથી થઈ રહી અહીં. વાત થઈ રહી છે એવા સંબંધોની જરૂરિયાતની જ્યાં તમને ખુલ્લા હૃદયે અભિવ્યક્ત થવાની આઝાદી મળે. સામેની વ્યક્તિનું માન જાળવીને પ્રામાણિકપણે પોતાની ભાવના વ્યક્ત કરી શકાય એવા સંબંધોની.
ADVERTISEMENT
દબાવેલી લાગણીઓને કારણે સર્જાતા માનસિક પરિતાપ જેવા કે લાગણીશૂન્યતા, તનાવ, ડિપ્રેશન, ગુસ્સો, સ્વભાવમાં નકારાત્મકતા, એકાગ્રતાનો અભાવ વગેરેનો પ્રાદુર્ભાવ શારીરિક થાક, અનિદ્રા, નબળી રોગપ્રતિકારક શક્તિ જેવાં લક્ષણો સાથે થાય છે. લાગણીઓને દબાવવાથી પોતાની જાતને સમજવામાં પણ ગૂંચવાડો ઊભો થાય છે.
કોની પાસે હૃદય ખોલવું એ એક ખૂબ જ નિજી બાબત છે. જીવનસાથી, કોઈક નજીકનો મિત્ર, પરિવારનો સભ્ય, કાઉન્સેલર અથવા ગુરુ કે માર્ગદર્શક પાસે જ એ કરી શકાય. કોઈ એવી વ્યક્તિ કે જે આપણને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર સાંભળી શકે એવી વ્યક્તિ શોધવાની કવાયત કરવી પડે. એવી વ્યક્તિ મળે ત્યાર બાદ જ દિલમાં સંઘરેલી વાતોનો ઉઘાડ થઈ શકે. આવી વ્યક્તિ શોધવાની શરૂઆત તો વિશ્વાસના વાવેતરથી થાય. વિશ્વાસની વાવણી અને લણણી બન્ને શક્ય હોય તો જ આગળ વધી શકાય. આપણી નાની-નાની વાતોનો પ્રતિભાવ કેવો મળે છે એ ઉપરથી પણ વ્યક્તિની સંવેદનશીલતા વિશે અંદાજ બાંધી શકાય. બન્ને વચ્ચે કેટલું સામંજસ્ય છે એ જાણવું પણ જરૂરી છે. વ્યક્તિમાં ભાવનાત્મક પરિપક્વતા હોય તો જ એ સામેની વ્યક્તિની લાગણીઓને તટસ્થતાથી સમજી શકે. આવી વ્યક્તિઓ માટે પરસ્પર સમજણ વિકસાવવાનો સમય આપવો પડે, ધીરજ ધરવી પડે. સાચા સંબંધો વિશ્વાસના આધારે બને અને ટકે છે.
-સોનલ કાંટાવાલા


