છત્તરપુરમાં રહેતા વીરેન્દ્ર યાદવની પિટિશનની સુનાવણી દરમ્યાન તેમના વકીલે જણાવ્યું હતું કે બળાત્કારની ફરિયાદ કરનાર સ્ત્રી પરિણીત છે અને તેમના અસીલ પણ પરિણીત છે
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના જસ્ટિસ મનિન્દર ભાટીએ એક વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલા બળાત્કારના કેસને ફગાવી દેતાં કહ્યું હતું કે પરિણીત સ્ત્રી એવો દાવો ન કરી શકે કે બીજા પુરુષે મારી સાથે લગ્ન કરવાનું ખોટું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા છે. છત્તરપુરમાં રહેતા વીરેન્દ્ર યાદવની પિટિશનની સુનાવણી દરમ્યાન તેમના વકીલે જણાવ્યું હતું કે બળાત્કારની ફરિયાદ કરનાર સ્ત્રી પરિણીત છે અને તેમના અસીલ પણ પરિણીત છે અને તેમની વચ્ચે શારીરિક સબંધો હતા અને બન્ને જણ પોતાના અનૈતિક સંબંધો અને એની હકીકત વિશે માહિતગાર હતાં. પરિણીત મહિલાએ તેના પુરુષ મિત્ર વીરેન્દ્ર યાદવ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે તેણે મને પોતાની પત્નીને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરશે એવું વચન આપી મારી સાથે સંબંધો બાંધ્યા હતા અને હવે તે વચન પૂરું કરતો નથી. તેમની વચ્ચે ત્રણ મહિના સુધી સંબંધ હતો અને તેનો પતિ ઘરે ન હોય ત્યારે વીરેન્દ્ર યાદવ ઘરે જતો અને તેમની વચ્ચે તેમની મરજીથી ફિઝિકલ રિલેશન્સ હતાં. આના આધારે કોર્ટે જણાવ્યું કે કોઈ જબરદસ્તી કે મજબૂર કર્યા વિના શારીરિક સંબંધ હોય તો એને બળાત્કાર ન કહી શકાય.


