ભગવાને દરેકને અલગ બનાવ્યા છે. સ્વભાવ, દેખાવ અને પરિસ્થિતિ બધું જ ભિન્ન છે. કોઈક પાસે કરોડો રૂપિયા હશે પણ તેને ફરવાનો શોખ નહીં હોય, જ્યારે કોઈ સામાન્ય આવક ધરાવતો માણસ પણ ફાઇનૅન્સ મૅનેજ કરીને દુનિયા જોઈ આવતો હશે
હેમલ વોરા
આજનો યુગ ટેક્નૉલૉજીની સાથે-સાથે એ દેખાદેખીના અનોખા રોગનો પણ છે. હમણાં જ મારી દીકરીએ મને કહ્યું કે આપણી ગાડી નાની લાગે છે. કારણ પૂછ્યું તો જવાબ મળ્યો : મમ્મી, મારી ફ્રેન્ડ પાસે મોટી ગાડી છે, મારે પણ એવી જ જોઈએ. આ સાંભળીને મને વિચાર આવ્યો કે શું આપણે ખરેખર આપણી જરૂરિયાતો જીવી રહ્યા છીએ કે બીજાના સ્ટેટસ? વૉટ્સઍપના સ્ટેટસ, ફેસબુકની પોસ્ટ અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર દેખાતી દુનિયા સત્ય નથી, માત્ર એક મૃગજળ છે. આ પ્લૅટફૉર્મ્સ પર લોકો પોતાની જિંદગીના શ્રેષ્ઠ અંશો જ મૂકે છે અને આપણે એ ફિલ્ટર કરેલી લાઇફ સાથે આપણી વાસ્તવિક જિંદગીની સરખામણી કરીને દુખી થઈએ છીએ. જો હું પણ આવી લાઇફ નહીં જીવું તો લોકો શું કહેશે? મારો હસબન્ડ મને ફરવા નથી લઈ જતો, મારી વાઇફ પેલાના જેવી સ્ટાઇલિશ નથી કે પાડોશીની છોકરી ડાન્સ કરે છે એટલે મારી દીકરીએ પણ કરવો જ જોઈએ... પછી ભલે તેને એમાં રસ હોય કે નહીં. આ અપેક્ષાઓનો ભાર આપણે નકામો બીજી વ્યક્તિ પર લાદતા રહીએ છીએ.
ભગવાને દરેકને અલગ બનાવ્યા છે. સ્વભાવ, દેખાવ અને પરિસ્થિતિ બધું જ ભિન્ન છે. કોઈક પાસે કરોડો રૂપિયા હશે પણ તેને ફરવાનો શોખ નહીં હોય, જ્યારે કોઈ સામાન્ય આવક ધરાવતો માણસ પણ ફાઇનૅન્સ મૅનેજ કરીને દુનિયા જોઈ આવતો હશે. જ્યારે આપણે બીજા સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણી પાસે જે શ્રેષ્ઠ ઉપલબ્ધ છે એની કિંમત આપણે ગુમાવી દઈએ છીએ. આપણી પાસે ભલે ગમેતેટલી મોટી ચાદર હોય, પણ બીજાની ચાદર જોઈને આપણને આપણી હંમેશાં ટૂંકી જ લાગશે. સૌથી વધુ ચિંતાની વાત તો પેરન્ટિંગમાં અનુકરણ છે. બીજાનાં સંતાનો સાથેની સરખામણીમાં આપણે જ આપણાં બાળકોના અજાણતાં દુશ્મન બની જઈએ છીએ. આ દેખાદેખીના ચક્કરમાં જ આજે આપણી માતૃભાષા વેન્ટિલેટર પર છે. કોઈએ બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂક્યું એટલે મારે પણ એવું જ કરવું આ વિચારધારા ઘાતક છે. અંગ્રેજી જ્ઞાન જરૂરી છે, પણ શું એ આપણી માતૃભાષાના ભોગે? આપણે ભૂલી રહ્યા છીએ કે સંસ્કાર અને સમજણ તો માતૃભાષામાં જ પાંગરે છે. ચાલો, આ દેખાદેખીના રોગમાંથી મુક્ત થઈએ. આપણી મહેનત, સમય અને પ્રારબ્ધનો સ્વીકાર કરીએ. બીજાના સુખના પ્રદર્શનમાં અંજાવા કરતાં આપણા આંગણે ઊગેલાં ફૂલોની સુગંધ માણતાં શીખીએ. યાદ રાખો, મૌલિકતામાં જ સાચું સુખ છે, નકલમાં નહીં.
ADVERTISEMENT
- હેમલ વોરા
(હેમલ વોરા છેલ્લાં ૨૩ વર્ષથી ટ્રાવેલ-કંપનીમાં મૅનેજરપદે કાર્યરત છે અને માતૃભાષાપ્રેમી પણ છે)


