Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાળક જાતે ખાશે તો વધુ એન્જૉય કરશે

બાળક જાતે ખાશે તો વધુ એન્જૉય કરશે

24 March, 2023 08:16 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

નવથી બાર મહિનાના બાળકને જાતે જમવા દેવાથી તેનામાં ફૂડના ટેક્સ્ચર અને ટેસ્ટની જે સમજણ વિકસે છે એનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં તેને વિવિધ વાનગીઓ ખાતાં શીખવવાની જરૂર નહીં પડે

બાળક જાતે ખાશે તો વધુ એન્જૉય કરશે

બાળક જાતે ખાશે તો વધુ એન્જૉય કરશે


ખાવાનું ઢોળશે, કપડાં બગાડશે, જમવામાં વાર લગાડશે જેવાં બહાનાંઓને સાઇડમાં મૂકીને દરેક મમ્મીએ પોતાનું સંતાન આંગળાં મોઢામાં નાખતું થાય ત્યારથી સેલ્ફ-ફીડિંગની આદત કેળવવી જોઈએ. નવથી બાર મહિનાના બાળકને જાતે જમવા દેવાથી તેનામાં ફૂડના ટેક્સ્ચર અને ટેસ્ટની જે સમજણ વિકસે છે એનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં તેને વિવિધ વાનગીઓ ખાતાં શીખવવાની જરૂર નહીં પડે

ધાવણ છૂટે અને ઉપરનો ખોરાક ચાલુ કરવાનો થાય ત્યારે માતાનો બાળકને જમાડવા માટેનો સંઘર્ષ ચાલુ થતો હોય છે. બાળકને જમાડવા માટે મમ્મી થાળી લઈને દોડતી રહે છે. સંતાનને ખોળામાં બેસાડીને પોતાના હાથે જમાડવાનો આનંદ એક માતા જ સમજી શકે છે. જોકે ખાવાનું ઢોળશે, કપડાં કે ટેબલ બગાડશે, જમવામાં વાર લગાવશે, વાગી જશે વગેરે ભયથી પાંચ-છ વર્ષ સુધી સંતાનને જમાડવાનો આગ્રહ રાખવો યોગ્ય નથી. તેનામાં સેલ્ફ-ફીડિંગની આદત વિકસિત કરવા માટે કેટલાક નિયમો સમજવા જરૂરી છે. એ નિયમો કયા છે તેમ જ એનાથી બાળકને શું ફાયદો થશે જાણીએ. 
ક્યારે સ્ટાર્ટ કરશો?
આઠ-નવ મહિનાનું બાળક મોઢામાં આંગળાં નાખે એટલે ઘરમાં બધાનું એક જ રીઍક્શન હોય કે દાંત આવવાના હશે. આ માન્યતા ખોટી છે. બાળક રોલઓવર કરતું હોય ત્યારે તેનો હૅન્ડની મૂવમેન્ટ પર હોલ્ડ નથી હોતો. તેથી તે મુઠ્ઠીથી વસ્તુને પકડવાની કોશિશ કરે છે. મુઠ્ઠી ખોલીને ચીજવસ્તુને પકડવાનો પ્રયાસ કરે ત્યારે તેનો પોતાના પર કન્ટ્રોલ આવ્યો કહી શકાય. કન્ટ્રોલ આવતાં જ પહેલું કામ તે મોઢામાં આંગળાં નાખવાનું કરે છે. આવી સમજણ આપતાં ખારઘરની મધરહુડ હૉસ્પિટલના નીઓનેટોલૉજિસ્ટ ઍન્ડ પીડિયાટ્રિશ્યન ડૉ. સુરેશ બિરાજદર કહે છે, ‘સામાન્ય રીતે નવથી બાર મહિનાની વચ્ચે બાળક મુઠ્ઠીની જગ્યાએ પહેલી અથવા વચલી આંગળી અને અંગૂઠાની મદદથી જમીન પર પડેલી વસ્તુ ઊંચકવાનો પ્રયત્ન કરે છે. તબીબી ભાષામાં એને પીન્સર ગ્રૅસ્પ કહેવાય. હાથથી પકડેલી વસ્તુને મોઢા સુધી લઈ જવાની શરૂઆત થતાં જ માતાએ પોતાના સંતાનને સેલ્ફ-ફીડિંગ માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. વાસ્તવમાં બાળકની તંદુરસ્તીના મમ્મીઓના માપદંડ જુદા છે. ગોળમટોળ બાળક તેમને હેલ્ધી લાગે છે. બીજું, નવા જમાનાની મમ્મીઓને બધું ઝટપટ જોઈએ તેથી તેઓ પ્રી-મિક્સ બેબી ફૂડ ખવડાવ્યા કરે છે. આ પ્રકારની પ્રોડક્ટ્સમાં શુગરનું પ્રમાણ વધુ હોવાથી બાળક ચબી બને છે. ઘરનાં પ્રી-મિક્સ પણ લાંબો સમય સુધી નથી આપવાનાં. પેસ્ટ લાઇક કન્સ્ટિટન્સી દેતા રહેવાથી બાળક અલગ ટેક્સ્ચરનું ફૂડ ખાતા નથી શીખતું. હાથની ઍક્શન આવતાં જ પેસ્ટ ફૉર્મમાં ખવાતો આહાર બંધ કરી દેવો.’
ખાતી વખતે બાળક ગંદું થાય એ ન ગમે એટલે મમ્મીઓ પાછળ-પાછળ દોડ્યા કરે છે. સેલ્ફ-ફીડિંગની એજ સેટ કરવામાં સરેરાશ પેરન્ટ્સ મોડા પડે છે એવી વાત કરતાં કાંદિવલીનાં કન્સલ્ટન્ટ ન્યુટ્રિશનિસ્ટ રૂપલ સંઘવી કહે છે, ‘જાતે ખાતા શીખવાની દરેક બાળકની એજ જુદી હોઈ શકે છે. તમારું બાળક બરાબર બેસતા શીખે અને આપણે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હોઈએ ત્યારે હાથ લંબાવીને કંઈક ઉપાડવાનો પ્રયાસ કરે એ સેલ્ફ-ફીડિંગ માટેની તેની પ્રૉપર એજ કહેવાય. તમે તેના મોઢામાં કંઈક મૂકો ત્યારે તેને વેલકમ કરે ત્યારે સમજવું કે એને ટચ કરવા માગે છે. પછી ભલે ન ભાવે અને કાઢીને ફેંકી દે, પણ સેલ્ફ-ફીડિંગ માટે પ્રિપેર છે એટલું ઇન્ડિકેશન મળી જશે.’
એજ અપ્રોપ્રિયેટ ફૂડ
સેલ્ફ-ફીડિંગ એ બેબી ડેવલપમેન્ટનો એક ભાગ છે એવી વાત કરતાં ડૉ. સુરેશ કહે છે, ‘હૅન્ડ ટુ માઉથનું કો-ઑર્ડિનેશન સ્ટાર્ટ થાય પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ખવડાવવાની જરૂર નથી. દાંત વગર કેમ ખાશે એવી ચિંતા મૂકી દો. તમારા હાથેથી સ્મૅશ કરેલું કેળું, પાકી કેરી અથવા પનીરનો ટુકડો બાળક જાતે ઉપાડીને મોઢામાં મૂકયા બાદ એને પેઢાંની મદદથી ખાશે કાં તો ગળી જશે. એક વાત સમજી લો કે આપણે બાળકને ખાતાં નથી શીખવવાનું, ખાવાની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે. શરૂઆત નહીં કરો તો એ નૉન-ઈટેબલ વસ્તુ મોઢામાં નાખશે, કારણ કે મોઢામાં આંગળાં નાખવાની ઍક્શન છે. ત્યાર બાદ ઘી અથવા તેલ લગાવેલી ચપાતી અને થેપલાનું બટકું આપી શકાય. તે ચણા ઉપાડી શકે છે, પણ આપવાના નથી. સેલ્ફ-ફીડિંગમાં એજ અપ્રોપ્રિયેટ ફૂડ આપવાનું છે. ખાતી વખતે ઢોળશે અને કપડાં પણ બગાડશે. આખો હાથ ખીચડીમાં નાખ્યા પછી બે આંગળીમાં આવે એટલો જ ખોરાક મોઢા સુધી પહોંચશે. તેથી મમ્મીએ ધીરજ રાખવી પડશે. જાતે ખાવાથી તેના બ્રેઇનને પણ સિગ્નલ જશે. બાળપણમાં ગ્રેઇની, સ્મૂધ, લમ્પી, રસ્ટ વગેરે જુદા-જુદા ટેક્સ્ચરનું જેટલું એક્સપોઝર મળશે ભવિષ્યમાં એટલી વધુ વરાઇટી અડેપ્ટ કરશે.’
સ્વાદ કેળવવા દો
દરેક માતાએ એક વાત માની લેવાની છે કે દુનિયાનું કોઈ પણ બાળક ડાહ્યુંડમરું થઈને જમવા નથી બેસતું. પામ વડે બુકડા ભરે ને અડધાથી વધારે નીચે ઢોળાઈ જાય એની ચિંતા નથી કરવાની એવી ભલામણ કરતાં રૂપલ સંઘવી કહે છે, ‘મોઢા સુધી કેટલો ખોરાક પહોંચે છે એ મહત્ત્વનું નથી. સ્વાદ અને સુગંધ પ્રત્યે તમારું બાળક કેટલું સભાન છે એ સમજવા તેને ઑબ્ઝર્વ કરો. પહેલી વારમાં બધું ખાતાં શીખી નથી જવાનું. કોઈ ડિશ એની સામે મૂક્યા પછી કદાચ ન ખાય. ત્રણ-ચાર દિવસ પછી ફરી એ ડિશ પીરસો. દસેક વાર રિપીટ કરવા સુધી મમ્મીએ ધીરજ રાખવી. એ પછી ન ખાય તો સમજવું કે આ સ્વાદ તેને નથી ભાવતો. ખોરાક મોઢામાં ફેરવીને ગમ્સ અને સલાઈવાની મદદથી ફ્લેવરને રેલીસ કરવાની ટ્રાય કરે છે કે નહીં એના પર ધ્યાન આપો. દરેક પ્રકારનાં ફૂડને એન્જૉય કરવા દો. ઘણાના ઘરમાં દાદા-દાદી ચા પીતાં હોય ત્યારે તેઓ બાળકને એક શીપ પીવડાવે છે. બાળપણમાં બાળકોનો સ્વીટ ટૂથ પ્રત્યે ઝુકાવ વધુ હોય છે. ઘણી વાર આપણે તીખી વાનગી ખાતા હોઈએ અને હાથ લંબાવે તો ના પાડી દઈએ છીએ, એવું પણ નથી કરવાનું. તીખું લાગશે તો નહીં ખાય અથવા બની શકે કે એને તીખો સ્વાદ પસંદ પડે. ધીમે-ધીમે તીખો, તુરો, ગળ્યો, કડવો એમ સ્વાદ કેળવાતો જશે.’



Dr. Suresh Birajdar


 સામાન્ય રીતે નવથી બાર મહિનાની વચ્ચે બાળક મુઠ્ઠીની જગ્યાએ પહેલી અથવા વચલી આંગળી અને અંગૂઠાની મદદથી જમીન પર પડેલી વસ્તુ ઊંચકવાનો પ્રયત્ન કરે છે. હૅન્ડની મૂવમેન્ટ પર કન્ટ્રોલ આવતાં જ માતાએ પોતાના સંતાનને સેલ્ફ-ફીડિંગ માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. 
ડૉ. સુરેશ બિરાજદર 

Rupal Sanghvi


ટ્રિકી આઇડિયાઝ 
બાળકોને વ્યવસ્થિત રીતે હાથમાં પકડી શકે એવો ખોરાક આપવો જોઈએ એમ જણાવતાં રૂપલ કહે છે, ‘હાલમાં મૅન્ગોની સીઝન છે તો મમ્મીને થાય કે તેને ગોટલું ચૂસવા આપી દઈએ. હવે એ હાથમાંથી સરકી જવાનું છે. બે-ત્રણ વાર હાથમાંથી છટકી ગયા પછી લેશે નહીં. બાળકનો કૉન્ફિડન્સ ચાલ્યો ન જાય એ માટે ટ્રિકી આઇડિયાઝથી ડીલ કરો. હૉલ ગ્રેઇનને ગ્રાઇન્ડ કરીને ગોટલા પર જરા અમથું કોટિંગ કરી દો તો સરકી નહીં જાય અને ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ વધી જશે. ઍપલના પીસ પર સહેજ તજ પાઉડર લગાવીને આપો. સ્વીટ પટેટો પર નમક લગાવી શકાય. એવોકાડા, બ્રોકલી, ગાજર પર આંગળી વડે લેમન ડ્રૉપ સ્પ્રેડ કરીને આપો. આવા ઘણા આઇડિયાઝ શોધી કાઢો. દોઢ વર્ષ સુધી વટાણા, પૉપકૉર્ન અને ચીઝ ન આપવામાં સમજદારી છે.

આટલી તકેદારી રાખો
 બાળકને ક્યારેય પ્લાસ્ટિકમાં જમવાનું ન પીરસો. આપણે ત્યાં પ્રસંગોપાત્ત ચાંદીનાં વાસણો આપવાની પ્રથા છે, એ તિજોરીમાં રાખી મૂકવા માટે નથી. 
ચાંદીનાં વાસણોમાં જમવું સ્વાસ્થ્યપ્રદ છે.
 બાળકને જમવાની વસ્તુની વિઝ્‍યુઅલ ઇફેક્ટ આપવી. ટીવી પર જાહેરાત જોઈને વેફર કે ચૉકલેટ ખાવાની ઇચ્છા થાય છે એવી જ રીતે ઘરના બનાવેલા સક્કરપારા, ફરસી પૂરી કે ચિક્કી જેવા નાસ્તા પારદર્શક ડબ્બામાં ભરીને ડાઇનિંગ ટેબલ પર રાખવાથી બાળકની નજરે પડે છે અને ખાવાની ઇચ્છા થાય છે.
 પીરસવામાં આવેલો આહાર ખાઈ જ જવાનો એવો આગ્રહ ન રાખો. ભૂખની તેને પણ ખબર પડે છે.
 સ્મૂધ, સ્મૅશ્ડ, રસ્ટ, સેમી-સૉલિડ અને સૉલિડ એમ તબક્કાવાર આહાર આપવાની સાથે ટેક્સ્ચર અને ટેસ્ટનું ધ્યાન રાખો.
 માત્ર ભારતીય આહાર સ્વાસ્થ્યપ્રદ છે અને બીજા દેશનો ખોરાક અનહેલ્ધી છે એવું ન માનવું. ઘરની બનાવેલી હેલ્ધી વિદેશી ડિશનો ટેસ્ટ પણ ડેવલપ થવો જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2023 08:16 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK