Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફૂલ ખિલતે રહેંગે દુનિયા મેં, રોઝ નિકલેગી બાત ફૂલોં કી

ફૂલ ખિલતે રહેંગે દુનિયા મેં, રોઝ નિકલેગી બાત ફૂલોં કી

16 March, 2022 08:11 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘બાઝાર’ના આ ડ્યુએટ સમયે હું નર્વસ થઈ ગયો હતો. તમારું એક પણ આલબમ હજી રિલીઝ ન થયું હોય અને તમારે લતાજી સાથે માઇક શૅર કરવાનું આવે તો પરસેવો છૂટી જાય એ સ્વાભાવિક છે

બાઝારનું ‘ફિર છિડી રાત બાત ફૂલોં કી...’નું દૃશ્ય.

નગમેં કિસ્સે બાતેં યાદેં

બાઝારનું ‘ફિર છિડી રાત બાત ફૂલોં કી...’નું દૃશ્ય.


વાત એંસીના દશકની છે. એ સમયે હું ઇન્ડસ્ટ્રીમાં સાવ નવો-નવો. મારું આલબમ રેકૉર્ડ થઈ ગયું હતું પણ હજી રિલીઝ નહોતું થયું એટલે ખાસ કોઈ મને ઓળખે નહીં. છૂટાછવાયા શો થાય અને પ્રાઇવેટ બેઠક થાય જેમાં પચાસ-સો લોકો આવ્યા હોય અને સરસ મજાની ગઝલો સાથે રાતની શરૂઆત થાય. આ જ પિરિયડમાં મને એક એવી ઑપોર્ચ્યુનિટી મળી જે સપના સમાન હતી.
વર્ષ ૧૯૮૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાઝાર’માં મને એક સૉન્ગ ગાવાની તક મળી અને એ પણ ડ્યુએટ સૉન્ગ, જેમાં મારી સાથે બીજું કોઈ નહીં પણ ખુદ લતાજી હતાં. ખય્યામસાહેબને ત્યાંથી મને ફોન આવ્યો અને હું તો બે દિવસ સુધી સૂઈ નહોતો શક્યો. ખય્યામસાહેબને મારા પર ખૂબ પ્રેમ. તેમણે જ ફિલ્મના ડિરેક્ટર સાગર સરહદીસાહેબને મારી ગઝલો સંભળાવી હતી અને એ સાંભળીને જ સાગરસાહેબે પણ લતાજી સાથેના ડ્યુએટમાં મને લેવાની તૈયારી દર્શાવી હતી. એ જે ગઝલ હતી એ લખી હતી મખદૂમ મોહિયુદ્દીને.
ફિર છિડી રાત, બાત ફૂલોં કી
રાત હૈ યા બારાત ફૂલોં કી
રિહર્સલ થયા બાદ બૉમ્બેલાઇવ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ હતું. મને આજે પણ સ્ટુડિયોનું ઇન્ટીરિયર યાદ છે. સિંગર્સની ચેમ્બર હતી અને સામે મોટો હૉલ. હૉલમાં સાઠ વધારે મ્યુઝિશ્યન બેઠા હતા અને મ્યુઝિક-કન્ડક્ટર ડૅનિયલસાહેબ હતા. ખય્યામસાહેબ સાઉન્ડ રેકૉર્ડિસ્ટ સાથે બેઠા હતા. રેકૉર્ડિંગ ચાલુ થવાની તૈયારી હતી અને મેં ધીમેકથી લતાજીને કહ્યું કે હું બહુ નર્વસ છું.
લતાજી સાથે ગાવાનું હતું એ વાત જ નર્વસ કરવા માટે કાફી હતી. જો ભૂલથી પણ ભૂલ થાય તો આખું રેકૉર્ડિંગ પહેલેથી ચાલુ કરવું પડે. સાઠ જેટલા જે મ્યુઝિશ્યન હતા એ પણ લાઇવ મ્યુઝિક જ વગાડે. જો એમાંથી કોઈની પણ ભૂલ થાય તો આખું રેકૉર્ડિંગ પહેલેથી ચાલુ કરવાનું અને એ સમયે તો સ્પૂલ પર પણ રેકૉર્ડિંગ લેવામાં નહોતું આવતું, ટેપ પણ નહોતી. બ્રૉડ સાઉન્ડની જરૂર હોય એટલે ફિલ્મની જે ૩પ એમએમ પ્રિન્ટ હોય એના પર રેકૉર્ડિંગ લેવામાં આવે. જો ભૂલ થાય તો એ જે ફિલ્મની પ્રિન્ટ હોય એ રૉ-સ્ટૉક પણ વેસ્ટ થાય.
સ્ટુડિયો પર પહોંચીને અમે રિહર્સલ કરી લીધું હતું. બધી સાઇડથી ગ્રીન લાઇટ મળી ગઈ એટલે ડૅનિયલસાહેબે પણ ગ્રીન લાઇટ આપી દીધી અને પછી ખય્યામસાહેબનો પણ અવાજ આવી ગયો કે ચાલો શરૂ કરીએ અને મેં ધીમેકથી લતાજીને કહ્યું કે હું નર્વસ છું.
‘ક્યૂં, આપ તો અચ્છા ગાતે હો...’
તેમના આ શબ્દો મને આજે પણ યાદ છે. લતાજીએ કાચની એ કૅબિનમાંથી બહારની તરફ ઇશારો કરીને મને કહ્યું હતું, હું સારું ગાઉં છું! 
મેં તેમની સામે જોઈને સવાલ પૂછ્યો કે તમે મને ક્યારે સાંભળ્યો?
હવે વાત ધ્યાનથી સાંભળજો તમે. અમારું રેકૉર્ડિંગ હતું એનાં બેચાર વર્ષ પહેલાં દૂરદર્શન પર એક ‘આરોહી’ નામનો પ્રોગ્રામ આવતો હતો, જેમાં હું એક વાર ગયો હતો. લતાજીને એ યાદ હતું. તેમણે મને એ પ્રોગ્રામની વાત કહી અને કહ્યું કે ‘આરોહી’માં તમે બે ગઝલ ગાઈ હતી. વાત સાવ સાચી હતી. મને નવાઈ લાગી કે તેમને એ હજી પણ યાદ છે એટલે મેં તો તેમને પૂછ્યું અને તે પણ મારી સાથે આરામથી વાતો કરવા માંડ્યાં. અમારી આ વાતોમાં સાત-આઠ મિનિટ પસાર થઈ એ પછી લતાજીએ જ કહ્યું કે ચાલો પહેલાં રેકૉર્ડિંગ પૂરું કરી લઈએ. હું રેડી થઈ ગયો અને અમે રેકૉર્ડિંગની તૈયારીમાં લાગી ગયા. મને એ દિવસે બધું કામ પૂરું થયા પછી છેક સમજાયું હતું કે લતાજીએ એ વાત જ એટલા માટે કાઢેલી કે મારી નર્વસનેસ દૂર થાય અને અમારે જે ગઝલ ગાવાની હતી એ ગાઈ શકું. તેમનામાં વડીલપણું છલકાતું હતું. એવો ભાવ હતો એમાં કે હું છું, તારે ચિંતા કરવાની જરૂર નથી. 
આ એક જ ગીત અમે સાથે ગાયું પણ એમાં મારી સિન્ગિંગ કરીઅરનાં તમામ લેસન શીખી ગયો. લતાજી દરેક પંક્તિના અંતિમ શબ્દને એવી રીતે છોડે જાણે કે આગળની લાઇનના પહેલા શબ્દને રસ્તો શોધવાની જરૂર ન પડે. અગાઉના છેલ્લા શબ્દના રસ્તે એ આગળ વધી શકે. હા, લતાજી રીતસર શબ્દોના આધાર પર આગળ વધવા માટે બ્રિજ બનાવતાં જતાં હતાં.
આપ કા સાથ, સાથ ફૂલોં કા
આપ કી બાત, બાત ફૂલોં કી
ફૂલ ખિલતે રહેંગે દુનિયા મેં,
રોઝ નિકલેગી બાત ફૂલોં કી
પંક્તિના છેલ્લા અને નવી પંક્તિના પહેલા શબ્દને લતાજી એટલી સરસ રીતે ગૂંથતાં કે જાણે કે શબ્દોની આખી માળા હોય અને માળાને એક ધાગામાં પરોવવાનું કામ મ્યુઝિક કરતું હોય. આ અંદરથી જન્મતી કળા છે અને એનું કારણ પણ એ જ કે લતાજીને માલિકે બક્ષિસમાં આ કળા આપી હતી. એક વાત હું કહીશ કે આવી કળાને ક્યારેય આકાર ન આપી શકાય. આ બક્ષિસ જ હોય અને બક્ષિસ હોય તેને જ આ કળા મળે. કોઈ શંકા કરી ન શકાય કે લતાજી ઉપર ભગવાન મહેરબાન હતા અને એનું જ પરિણામ હતું કે લતાજીએ ઓછામાં ઓછા ત્રણસો સિંગરની સાથે પેર બનાવી અને એંસી વર્ષની ઉંમરે ત્રીસ વર્ષના કુમાર શાનુ અને ઉદિત નારાયણ સાથે પણ ડ્યુએટ ગાયાં.

(ખય્યામસાહેબની કઈ વાત લતાજીએ તલત અઝીઝના ધ્યાન પર મૂકી એ વાતો આવતી કાલે)
શબ્દાંકનઃ રશ્મિન શાહ


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2022 08:11 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK