Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મારું મન મોહી ગયું...

મારું મન મોહી ગયું...

04 August, 2022 08:31 AM IST | Mumbai
JD Majethia

આમ તો આ એક ગુજરાતી ગીત છે, પણ આ ગીતની જેમ જ મારું મન જમનાબાઈ નરસી સ્કૂલ દ્વારા દર વર્ષે ઊજવાતા ફેસ્ટિવલ પર મોહી પડ્યું છે. હજી પણ એ નશો અકબંધ છે. આપણી ગુજરાતી ભાષા માટે સ્કૂલ જે કામ કરે છે એ ખરેખર અદ્ભુત છે, આપણે સૌએ એની નોંધ લેવી જ રહી

જમનાબાઈ નરસી સ્કૂલના વાર્ષિક ફેસ્ટિવલનું દ્રશ્ય

જમનાબાઈ નરસી સ્કૂલના વાર્ષિક ફેસ્ટિવલનું દ્રશ્ય


જોવા જેવી સુંદર વાત એ હતી કે એ ગ્રુપમાં લગભગ ૧૪-૧૫થી વધારે બાળકો હતાં અને એ બાળકોમાં એક પંજાબી છોકરો હતો અને એ ગુજરાતી ગીત ગાતો હતો. આજના આ સમયમાં ગુજરાતી બાળકો નથી ગાતાં અને એ સરદાર છોકરો ગુજરાતીમાં ગાતો હતો!

આજનો આ આર્ટિકલ આમ તો ગયા વીકમાં આવવો જોઈતો હતો, પણ આપણી બૉલીવુડની ફિલ્મોનો આર્ટિકલ બૅન્કમાં હતો એટલે આ આર્ટિકલને આ વીક પર મૂકવો પડ્યો અને આમ જોઈએ તો આ આર્ટિકલ આ વીકમાં પણ નહોતો આવવાનો. હવે જે સિરીઝ શરૂ થવાની હતી એ મારા હૉલિડે વિશે થવાની હતી. સ્કૉટલૅન્ડ અને લંડનના હૉલિડેની, બહુ જ સુંદર અનુભવ રહ્યો મારો. સાચું કહું તો એટલી મજા આવી કે તમને એ બધી વાત કરીશ ત્યારે તમે પણ કહેશો કે અરે, આ તો તમે એ સુંદર અનુભવ મિસ કર્યો, પણ કરીશું, આપણે એની વાત પણ કરીશું, પણ પહેલાં વાત કરીએ મેં અચાનક વિષય કેમ બદલ્યો એની. હકીકતમાં મારે એ વિષય બદલવો પડ્યો અને મારા એ સુંદર અનુભવ કરતાં પણ બહુ સરસ અનુભવ મને ગયા બુધવારે થયો, જ્યારે હું અતિથિવિશેષ તરીકે જમનાબાઈ નરસી સ્કૂલમાં ગયો. ખરેખર, દિલ ખુશ થઈ ગયું મારું એ બધું જોઈને.



જમનાબાઈ નરસી સ્કૂલમાં દર વર્ષે તેમનો એક પ્રોગ્રામ થાય છે, જેમાં ખાસ આપણું ગુજરાતી કલ્ચર જાળવી રાખવા માટે ઇન્ટર સ્કૂલ ફેસ્ટિવલ થાય છે. માઇન્ડ વેલ, કૉમ્પિટિશન નહીં, પણ ફેસ્ટિવલ એટલે કે સ્પર્ધા નહીં, પણ ઉત્સવની ઉજવણી અને એ પણ દર વર્ષે. મને જ્યારે ખબર પડી ત્યારે મને બહુ ખુશી થઈ અને આનંદ થયો કે મરાઠી, હિન્દી, બંગાળીમાં આ પ્રકારના ફેસ્ટિવલ થાય છે, પણ આ તો ગુજરાતી માટેનો ફેસ્ટિવલ. વાહ, મારું મન તરબતર થઈ ગયું. એક ગુજરાતી તરીકેની ખુશી હતી તો સાથોસાથ કલ્ચરલ ઍક્ટિવિટી થતી હતી એ વાતનો આનંદ પણ હતો. મને થયું કે આનાથી ઉત્તમ વિષયનો આર્ટિકલ ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી પેપર માટે આજ સુધી થયો નથી એટલે મારે એ કરવો જ જોઈએ અને મારે ‘મિડ-ડે’નાં મારાં સગાં, મારાં વહાલાં, મારા મિત્રો, મારા વાચકો માટે આ અનુભવ શૅર કરવો જ જોઈએ; જેથી એ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ આ ફેસ્ટિવલના સાક્ષી બને અને એનો આનંદ માણે.
જમનાબાઈ નરસી સ્કૂલે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૦૬થી શરૂ કર્યો છે. વર્ષમાં એક વાર આ ગુજરાતી ફેસ્ટિવલ થાય, જેમાં અલગ-અલગ સ્કૂલમાંથી બધાને એકત્રિત કરવાના અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો. કાર્યક્રમ, પણ કહેવાય તો બધેબધા ગુજરાતી. ગીત-સંગીત, નાટિકાઓથી લઈને ઘણું એટલે ઘણું બધું હોય એમાં. 


આ વર્ષના આ ફેસ્ટિવલની થીમ બહુ સરસ હતી, ‘હાલોથી હેલો...’ 

કેટલો સરસ પ્રાસ બેસે છે, ‘હાલોથી હેલો.’


ગુજરાતીમાં આપણે હાલો (ચાલોનું અપભ્રંશ) એમ કોઈને કહીએ અને ફોન પર કહીએ હેલો... મૂળમાં આ થીમમાં વાત હતી એ કમ્યુનિકેશનની હતી, સંવાદની હતી.
એકબીજાને જોવાની, મળવાની વાત થીમમાં અને સરસ રીતે હાલો-થી-હેલોનું જોડાણ. હું તો થીમ સાંભળીને જ ખુશ થઈ ગયો. કેટલી સરસ રીતે આખી વાતને રજૂ કરવામાં આવી. તમે પોતે જરા પાછળ જઈને જુઓ. થોડાં વર્ષો પહેલાં આપણે કેવી રીતે જીવન જીવતા, અને આજે, અત્યારે શું છે? આપણા જીવનમાં કેટકેટલા બદલાવ આવ્યા અને એ બદલાવની સાથે આપણી ભાષા પણ બદલાઈ. ખાસ કરીને આપણાં બાળકોની, બાળકો જે અમુક ટર્મિનોલૉજી વાપરે છે એ દાદા-દાદીને તો ઘણી વાર સમજાતી પણ નથી. તમને અને મને પણ ક્યારેક એ સમજવામાં પ્રૉબ્લેમ થઈ જાય. એક નાનકડું ઉદાહરણ આપું તમને. આ બાળકો લૅન્ગ્વેજને પણ હવે લૅન્ગ્વેજ નથી બોલતાં, તેમની ટર્મિનોલૉજીમાં આ લૅન્ગ્વેજ પણ હવે ‘લિંગો’ થઈ ગઈ છે.

સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટનો જબરદસ્ત પ્રોગ્રેસ થયો છે અને આ પ્રોગ્રેસના સમયમાં કેટકેટલું બદલાયું છે અને એ ચેન્જ વચ્ચે આપણને એવું જ લાગે કે આપણે આપણી ભાષા, સંસ્કૃતિને તો સાવ પાછળ છોડી દીધી છે, પણ ના, જ્યારે આ પ્રોગ્રામ જોવા બેઠો ત્યારે ખરેખર આંખથી માંડીને કાન, હૈયું અને મન તરબતર થઈ ગયાં.

૫૧ વર્ષથી ચાલતી સંસ્થા જમનાબાઈ નરસીના વિદ્યાર્થીઓના પર્ફોર્મન્સે રીતસર મારું મન મોહી લીધું. પેલું બહુ પૉપ્યુલર ગીત છેને આપણું, ‘મારું મન મોહી ગયું...’ એવું જ થયું હતું મારી સાથે, એ વિદ્યાર્થીઓએ મારું મન મોહી લીધું. તમે તેમનાં ગીતો જુઓ, તેમના હાથ જે રીતે મ્યુઝિક-ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચાલતા હતા. સૂરમય રીતે ચાર ગિટાર અને બીજાં અલગ-અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતાં સ્કૂલનાં બાળકો અને એટલી જ સરસ રીતે એકદમ સૂરમાં, મીઠાશ સાથે ગુજરાતી ગીતો ગાતાં બાળકો. મને પહેલી વાર એવું થતું હતું કે આ અટકે જ નહીં, બસ એમ જ ચાલુ રહે અને હું એ માણતો રહું. એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં હોય એવા લોકોની એક નબળાઈ હોય, એ બહુ જલદી બોર થઈ જાય, પણ એ પ્રોગ્રામમાં મને એક સેકન્ડ પણ એવી કંટાળાની અનુભૂતિ નહોતી થઈ. એક સેકન્ડ પણ નહીં. બસ, એમ જ થયા કરે કે આ જે આનંદ છે, આ જે મજા છે એનો અંત ન આવવો જોઈએ અને મારા જેવી જ ફીલિંગ્સ બીજા સૌની હતી.

ત્યાં હાજર હતા એ બધેબધા પૂરેપૂરા એન્જૉય કરતા હતા. એ બાળકોના ચહેરા પર જે ખુશી હતી એ અમારા સુધી પ્રસરતી હતી અને એને લીધે આખું વાતાવરણ આનંદમય બની ગયું હતું. હું ખરેખર દિલથી કહીશ કે જમનાબાઈ નરસી સ્કૂલને ધન્ય છે કે એણે આ કલ્ચરને જાળવી રાખ્યું છે. 

જોવા જેવી સુંદર વાત એ હતી કે એ ગ્રુપમાં લગભગ ૧૪-૧૫થી વધારે બાળકો હતાં અને એ બાળકોમાં એક પંજાબી છોકરો હતો અને એ ગુજરાતી ગીત ગાતો હતો. આજના આ સમયમાં ગુજરાતી બાળકો નથી ગાતાં અને એ સરદાર છોકરો ગુજરાતીમાં ગાતો હતો! મને ખૂબ આનંદ થયો. આ જ ગ્રુપમાં પેલા સરદારજી છોકરાની આગળ રાઇટર-ઍક્ટ્રેસ સ્નેહા દેસાઈ અને મ્યુઝિક-ડિરેક્ટર આલાપ દેસાઈનો દીકરો કવિત હતો એટલે મારું ધ્યાન વિશેષ ત્યાં હતું એ પણ સહજ રીતે કહીશ, પણ એમ છતાં મારે કહેવું પડશે કે બધાં એટલું સરસ ગાતાં હતાં કે તમને એમ જ થાય કે સાંભળ્યા જ કરીએ, જોયા જ કરીએ. એ પછી એ લોકોએ જબરદસ્ત સરપ્રાઇઝ આપી અને એમાં મને બહુ મજા આવી ગઈ. મજા પણ આવી અને સાથોસાથ એટલો આનંદ પણ થયો કે ન પૂછો વાત.

તમે-મે, આપણે બધાએ ‘વાગલે કી દુનિયા’ જોઈ છે. એમાં હ્યુમર છે, ઇમોશન્સ છે, થ્રિલ છે, ફૅમિલી-ગેધરનેસ છે. બધું જ છે પણ આટલી ક્યુટ ‘વાગલે કી દુનિયા’ની મેં ક્યારેય કલ્પના નહોતી કરી, એ દિવસે મને ક્યુટ કહેવાય એવી ‘વાગલે કી દુનિયા’ જોવા મળી અને સાચું કહું તો હું પણ અત્યાર સુધી આવી ક્યુટ ‘વાગલે કી દુનિયા’ ઊભી નથી કરી શક્યો એ પણ એટલું જ સાચું છે.
એ એક સ્કિટ હતી. ‘વાગલે કી દુનિયા’નાં જેટલાં પાત્રો છે એ બધાં પાત્રોને લઈને સ્કૂલે સરસ નાટિકા બનાવી હતી, ૧૫-૨૦ મિનિટની એ નાટિકામાં આપણાં વાગલે ફૅમિલીનાં બધાં કૅરૅક્ટર હતાં. એ કૅરૅક્ટરની આઇકૉનિક સ્ટાઇલથી લઈને, એનું મૅનરિઝમ અને એની બૉડી-લૅન્ગ્વેજ બધેબધું એ બાળકોએ અડૉપ્ટ કરવાની કોશિશ કરી હતી. બહુ એટલે બહુ, બહુ, બહુ મજા આવી મને એ જોઈને. હસી-હસીને લોથપોથ થઈ ગયો અમારી ‘વાગલે કી દુનિયા’નાં એ ક્યુટ કૅરૅક્ટર્સને જોઈને. મને તો ઊભા થઈને તાળીઓ પાડીને એ બાળકોને વધાવી લેવાનું મન થયું. બાળકોએ ઊભી કરેલી એ દુનિયા વિશે વધુ વાતો અને એ ફેસ્ટિવલના બીજા પ્રોગ્રામની બીજી વાતો હવે આપણે કરીશું આવતા ગુરુવારે અને સાથોસાથ આપણા જાજરમાન ગુજરાતી સાહિત્યકાર-કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ને પણ યાદ કરીશું, પણ કહ્યું એમ, આવતા ગુરુવારે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2022 08:31 AM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK