પરંપરાગત રીતે ઊંચી દીવાલો, દીવાલો પર લાગેલી કાંટાળી વાડ, અંદરથી ડોકિયું પણ ન થઈ શકે એટલી ઊંચી અને એ પણ અડધા ફુટ બાય અડધા ફુટની બારી અને એ બારીની પાછળ સડતી જિંદગી. આનું નામ જેલ; પણ ના, એવું નથી.
રાજસ્થાનની સાંગાનેરની ઓપન જેલ
જ્યાં વાતાવરણ મુક્ત છે, કામ કરવા બહાર જઈ શકાય છે અને સાંજે પાછા આવવાનું છે. પરિવાર પણ સાથે રહી શકે છે અને રહેનારાને કેદી નહીં પણ મર્યાદિત આઝાદી સાથે જીવતા નાગરિકનો દરજ્જો મળે છે. ઓપન જેલની દુનિયામાં એક લટાર મારશો તો તમને પણ સમજાશે કે ગાંધીજી સાચું જ કહેતા હતા, ‘ગુનાને નફરત કરવાની હોય, ગુનેગારોને નહીં’
તાજેતરમાં રાજસ્થાનની સાંગાનેરની ઓપન જેલનાં કેદી પ્રિયા સેઠ અને હનુમાન પ્રસાદે મૅરેજ કર્યાં. આ બન્ને કેદીઓ પર મર્ડરનો ગુનો નોંધાયેલો હતો. મજાની વાત એ છે કે પ્રિયાએ ખોટી રીતે કોઈને પ્રેમમાં પાડીને તેની હત્યા કરી હતી તો હનુમાન પ્રસાદે સાચે જ પરિણીત સ્ત્રીના પ્રેમમાં પડીને તે મહિલાના પતિ, ત્રણ બાળકો અને ભત્રીજાની હત્યા કરી હતી. જોકે મુદ્દો અહીં આ કતલનો નથી, મુદ્દો અહીં છે જેલમાં પ્રેમમાં પડીને કરેલાં લગ્નનો. એવું નથી કે ઓપન જેલમાં આ પહેલાં લગ્ન થયાં હોય. ૨૦૨૩-’૨૪માં રાજસ્થાનની જ ભીલવાડા ઓપન જેલમાં સુખદેવ અને અલકા પ્રેમમાં પડ્યાં અને બન્નેએ જેલની જ સજા દરમ્યાન મૅરેજ કર્યાં. સુખદેવ અને અલકા પર પણ મર્ડરનો આરોપ હતો, પણ તેમના સારા વર્તનને જોઈને તેમને નૉર્મલ જેલમાંથી ઓપન જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં અને ત્યાં તેમના જીવનમાં નવેસરથી પ્રેમ આવ્યો અને બન્નેનું દામ્પત્યજીવન શરૂ થયું. રાજસ્થાન જેલ વિભાગના નિયમો અનુસાર જો કોઈ કેદીનું વર્તન સારું હોય તો તેને સામાજિક જીવન જીવવાની છૂટ મળે છે અને જેલનું પ્રશાસન માનવીય અભિગમ દાખવીને લગ્ન માટે પરમિશન આપે છે. આવું જ અન્ય રાજ્યોની ઓપન જેલમાં પણ છે.
ADVERTISEMENT

રાજસ્થાનની સાંગાનેર ઓપન જેલમાં મર્ડર બદલ સજા કાપી રહેલાં પ્રિયા સેઠ અને હનુમાન પ્રસાદને તાજેતરમાં લગ્ન કરવા માટે રજા આપવામાં આવી હતી.
પ્રિયા અને હનુમાન પ્રસાદનાં મૅરેજ સાથે ફરી એક વાર એ મુદ્દો ઊભરી આવ્યો છે કે ઓપન જેલનું પ્રમાણ વધારવું જોઈએ; કારણ કે ઓપન જેલમાં માત્ર સજાની વાત નથી, સુધારનો ભાવ પણ જોડાયેલો છે. ઓપન જેલમાં પ્રાયશ્ચિત્તની સાથોસાથ પ્રેમની પણ વાત સમાયેલી છે. હવે મુદ્દો એ આવે કે જેલ એટલે જેલ, એમાં વળી બીજું શું હોવાનું?
અને આ માન્યતા ખોટી પણ નથી.
પરંપરાગત રીતે ઊંચી દીવાલો, દીવાલો પર લાગેલી કાંટાળી વાડ, અંદરથી ડોકિયું પણ ન થઈ શકે એટલી ઊંચી અને એ પણ અડધા ફુટ બાય અડધા ફુટની બારી અને એ બારીની પાછળ સડતી જિંદગી. આનું નામ જેલ; પણ ના, એવું નથી. આપણા દેશમાં ઓપન જેલનું ચલણ છે અને એ કેદીઓમાં સાચા અર્થમાં સુધાર લાવવાનું કામ કરે છે.
કઈ રીતે એ જાણવા જેવું છે.
મૂળ વિચાર કોનો?
જવાબ છે સર ઍલેક્ઝાન્ડર પૅટરસનનો. વાત ૧૯૦૩ની છે. બ્રિટનના જેલ-કમિશનર ઍલેક્ઝાન્ડર પૅટરસન માનતા કે માણસને પકડીને ક્યારેય સુધારી ન શકાય, તેને સુધારવા માટે તેની સાથે રહેવું પડે અને તેની સ્વતંત્રતા અકબંધ રાખવી પડે. આ જ માનસિકતા સાથે સર ઍલેક્ઝાન્ડર પૅટરસને ઓપન જેલ શરૂ કરાવી જેનાં તેમને સારાં રિઝલ્ટ્સ મળ્યાં.
ભારતમાં ઓપન જેલના વિચારને અમલમાં લાવવા પાછળ એક વ્યક્તિ અને એક સમિતિનો મોટો હાથ છે. પહેલાં વાત કરીએ સમિતિની. ૧૯૧૯-’૨૦ની ઇન્ડિયન જેલ કમિટીએ પહેલી વાર ભલામણ કરી કે કેદીઓ સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ અને જેલમાં વર્ગીકરણ હોવું જોઈએ જેથી સુધરી શકે એવા કેદીઓને અલગ રાખી શકાય. આ કમિટીના મનમાં ગાંધીજીના વિચારો હતા. ગાંધીજી કહેતા કે ગુનાને નફરત કરવી જોઈએ, ગુનેગારોને નહીં. કમિટીના સૂચન પછી ઓપન જેલના વિચારને આગળ વધારવામાં આવ્યો, પણ એને જોઈએ એવો વેગ નહોતો મળતો. આ વેગ આપ્યો ડૉ. સંપૂર્ણાનંદે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જાણીતા કેળવણીકાર ડૉ. સંપૂર્ણાનંદે ૧૯૫૨-’૫૩માં વારાણસી પાસે ચંદ્રપ્રભા ડૅમના બાંધકામ માટે કેદીઓને મુક્ત વાતાવરણમાં કામ કરવા મોકલ્યા હતા. આ કૅમ્પનું નામ પાછળથી ‘સંપૂર્ણાનંદ શિબિર’ રાખવામાં આવ્યું.
ડૉ. સંપૂર્ણાનંદે લીધેલા પગલા પછી તો દેકારો મચી ગયો હતો, પણ ડૅમનું કામ પૂરું થયા પછી એક પણ કેદી ભાગ્યો નહોતો અને એ વાતે દેશની આંખમાં અચરજ આંજી દીધું. ડૉ. સંપૂર્ણાનંદ કહેતા કે જો તમે કેદી પર વિશ્વાસ કરશો તો તે વિશ્વાસ તોડતાં પહેલાં ૧૦૦ વાર વિચારશે.

રાજસ્થાનની સાંગાનેરની ઓપન જેલનો અંદરનો ભાગ
ઓપન જેલ શું છે?
સુપ્રીમ કોર્ટે હજી હમણાં જ ઓપન જેલ વધારવાનું સૂચન કર્યું છે અને કહ્યું છે કે જેલનો હેતુ માત્ર સજા આપવાનો નહીં પણ કેદીને સુધારવાનો હોવો જોઈએ જેના માટે જેલના હાલના કાયદાઓમાં ફેરફાર કરવાની જરૂર છે, જેથી ઓપન જેલ વધારી શકાય.
આગળ કહ્યું એમ ઓપન જેલ એટલે એક એવી જેલ-વ્યવસ્થા જ્યાં કેદીઓ પર ઓછામાં ઓછી દેખરેખ રાખવામાં આવે. આ ઓપન જેલને ઊંચી દીવાલો નથી હોતી, કેદીઓ ફરતે સશસ્ત્ર કૉન્સ્ટેબલો પણ નથી હોતા અને કેદીઓએ લોખંડના સળિયાની પાછળ પણ નથી રહેવું પડતું. આ ઓપન જેલમાં કેદીઓ ટ્રસ્ટના આધારે રહે છે. ઓપન જેલની મોટામાં મોટી ખાસિયત એ છે કે કેદીઓને દિવસ દરમ્યાન જેલના કૅમ્પસની બહાર જઈને કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે તો કેટલીક ઓપન જેલોમાં તો કેદીઓને તેમના પરિવાર સાથે રહેવાની સુવિધા પણ આપવામાં આવે છે. ઓપન જેલ સાઇકોલૉજિકલી બહુ પૉઝિટિવ અસર છોડે છે.

સાંગાનેર ઓપન જેલ
ઓપન જેલને લીધે કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને તેઓ સમાજમાં પાછા ફરવા માટે માનસિક રીતે તૈયાર થાય છે તો સાથોસાથ કેદીના પરિવારને પણ જેલ શબ્દ સાથે જોડાયેલા સ્ટ્રેસમાંથી રાહત મળે છે. સુપ્રીમ કોર્ટે ઓપન જેલ વધારવાની વાત પર વિચારણા કરવાનું સૂચવ્યું એની પાછળનું એક કારણ ખર્ચ પણ છે. સામાન્ય જેલોની સરખામણીમાં ઓપન જેલમાં ૯૦ ટકા ઓછો સ્ટાફ જોઈએ છે, કારણ કે કેદીઓ સ્વયં શિસ્તનું પાલન કરે છે એટલે આ પ્રકારની જેલનું સંચાલન કરવું રાજ્ય સરકારની તિજોરી પર બોજ વધારતું નથી. જોકે એ પછી પણ ઓપન જેલ વધવાની સંભાવના પ્રમાણમાં ઓછી છે, કારણ કે આપણે ત્યાં ‘કેદી અધિનિયમ ૧૮૯૪’ મુજબ જેલ-વ્યવસ્થા ચાલે છે. આ અધિનિયમમાં ઓપન જેલ માટે સ્પષ્ટ જોગવાઈઓ ઓછી છે. જોકે એ પછી પણ ઓપન જેલ જે રાજ્યોમાં ચાલે છે ત્યાં તો એનું પરિણામ ઉત્કૃષ્ટ મળ્યું જ છે. અલબત્ત, આ ઓપન જેલમાં જવા માટેના પણ કેટલાક નિયમો હોય છે.
ઓપન જેલના વીરલાઓ
લક્ષ્મણ ગોલે : ભારતના જેલસુધારણાના ઇતિહાસમાં તેમનું નામ સૌથી આદરપાત્ર ગણવામાં આવે છે. એક સમયે ૧૪ ગુનામાં જે સંડોવાયેલા હતા એ મહારાષ્ટ્રિયન લક્ષ્મણ ગોલેના સારા વર્તન પછી તેમને ઓપન જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. ત્યાં તેમણે ખેતીની સાથોસાથ વાંચન શરૂ કર્યું અને મહાત્મા ગાંધીના ‘સત્યના પ્રયોગો’એ તેમનું જીવન બદલી નાખ્યું. જેલમાંથી બહાર આવીને તેમણે ગાંધી-વિચારધારાના પ્રસાર-પ્રચાર માટે જીવન સમર્પિત કરી દીધું. લક્ષ્મણ ગોલેએ સેંકડો કેદીઓના જીવનમાં સુધાર લાવવાનું કામ પણ કર્યું. તેમના જીવન પર અનેક ડૉક્યુમેન્ટરી પણ બની.

પૂજપ્પુરા ઓપન જેલ
જિતેન્દ્ર સિંહ : સાંગાનેર ઓપન જેલના અનેક કેદીઓએ બહાર આવીને સામાન્ય નાગરિક તરીકે મોટું નામ કમાયું છે, પણ એ બધામાં જિતેન્દ્ર સિંહનું નામ સૌથી ઉપર આવે છે. સાંગાનેર ઓપન જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે રાજકારણ અને સામાજિક સેવામાં ઝંપલાવ્યું. તે પંચાયત સ્તરે ચૂંટાયા અને પોતાના ગામના સરપંચ પણ બન્યા. આજે પણ જિતેન્દ્ર સિંહનું નામ રિસ્પેક્ટ સાથે જેલમાં લેવામાં આવે છે. રાજસ્થાનની ટિપિકલ જેલોમાં જઈને તેમણે કેદીઓને સુધારવા માટે પુષ્કળ લેક્ચરો પણ આપ્યાં.
હનુમાન સિંહ : રાજસ્થાનની ઓપન જેલમાં ખેતીની સુવિધાનો લાભ લઈને ઘણા કેદીઓ સફળ ખેડૂત બન્યા છે, પણ હનુમાન સિંહ બધામાં અદકેરા છે. ઓપન જેલમાં રહેતી વખતે તેમને ખેતી માટે જમીન મળી, જેના પર તેમણે નવી ટેક્નિકથી ખેતી કરવાનું શરૂ કર્યું અને જબરદસ્ત સફળતા મળી. બસ, હનુમાન સિંહને માર્ગ મળી ગયો. જેલમાંથી મુક્ત થયા પછી તેમણે પોતે આધુનિક ખેતી એટલે કે મૉડર્ન ફાર્મિંગ શરૂ કર્યું અને આજે તેઓ રાજસ્થાનના સૌથી ડેવલપ્ડ ફાર્મર છે. હવે તેઓ અન્ય ખેડૂતોને પણ મૉડર્ન ટેક્નૉલૉજી તરફ વળવા માટે પ્રેરણા આપવાનું કામ કરે છે.

ચેરલાપલ્લી ઓપન જેલ
કોને મોકલવામાં આવે?
કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવ્યા પછી કેદીને સામાન્ય જેલમાં મોકલવામાં આવતો હોય છે. આ સામાન્ય જેલથી ઓપન જેલમાં ટ્રાન્સફર થવાની જે પ્રક્રિયા છે એ ઘણી લાંબી છે. અત્યારના નિયમો મુજબ ઓપન જેલમાં એ જ કેદી ટ્રાન્સફર થાય છે જે સામાન્ય જેલમાં આવ્યા પછી પોતાના વાણી-વર્તન અને વ્યવહારમાં અવ્વલ દરજ્જાના માર્ક્સ લાવી શકે, જેનામાં સાચા અર્થમાં પ્રાયશ્ચિત્તનો ભાવ દેખાતો હોય અને સાથોસાથ જેનું ક્રાઇમ ખરા અર્થમાં સામાન્ય ઉશ્કેરાટ કે મામૂલી ચડામણીની આડઅસરરૂપે બહાર આવ્યું હોય.
ઓપન જેલમાં માત્ર કેદીઓને બહાર જઈને કામ કરવાની જ સગવડ નથી મળતી. જો કોઈની પાસે બહાર કામ ન હોય તો તે કેદી ઓપન જેલમાં ચાલતા અલગ-અલગ કોર્સમાંથી તાલીમ લઈને જેલમાંથી છૂટ્યા પછી બહારની દુનિયામાં પોતાની કરીઅરને સેટ કરી શકે છે.
દેશની શ્રેષ્ઠ પાંચ ઓપન જેલ વિશે થોડું
પહેલા નંબરે નિર્વિવાદ રીતે જો કોઈ ઓપન જેલનું નામ લેવાનું આવે તો એ જયપુર જિલ્લાની સાંગાનેર ઓપન જેલ આવે છે.
સાંગાનેર જેલમાં કેદીઓને કેદી તરીકે નહીં પણ મર્યાદિત આઝાદી ભોગવતા નાગરિક તરીકે રાખવામાં આવે છે. આ જેલમાં કેદીઓ પોતાના પરિવાર સાથે એટલે કે વાઇફ અને બાળકો સાથે રહી શકે છે તો સાથોસાથ જેલની બહાર જઈને પોતાની નોકરી પણ કરી શકે છે અને નાનો વ્યવસાય પણ ચલાવી શકે છે. ઓપન જેલમાં રહેતાં બાળકોને નજીકની સરકારી સ્કૂલમાં ભણાવવાનું કામ પણ જેલ-પ્રશાસન કરે છે.
સાંગાનેર ઓપન જેલને સુપ્રીમ કોર્ટ પણ શ્રેષ્ઠ ઓપન જેલ માને છે અને એને આદર્શ ઉદાહરણ ગણીને જ અન્ય ઓપન જેલ શરૂ કરવા માટે સૂચન કરે છે.
બીજા નંબરે આવે છે પુણેની યેરવડા મહિલા ઓપન જેલ.
તમને યાદ હશે કે મહારાષ્ટ્રમાં જેલસુધારણાના ઘણા પ્રયોગો થયા છે જેમાં યેરવડા હંમેશાં મોખરે રહી છે. યેરવડા મહિલા ઓપન જેલમાં મહિલાઓનો જ સમાવેશ થાય છે. અહીં આવેલી મહિલાઓને સીવણકામ, હસ્તકલા અને બાગાયત જેવી તાલીમ આપવામાં આવે છે તો સાથોસાથ મહિલાઓ દ્વારા તૈયાર થયેલી હૅન્ડિક્રાફ્ટ્સની આઇટમોનું સેલ પણ સમયાંતરે ગોઠવે છે. યેરવડા મહિલા ઓપન જેલ શરૂ થવાને કારણે મહારાષ્ટ્રની અન્ય જેલોમાં રહેલી મહિલાઓના વર્તન અને વ્યવહારમાં પણ જબરદસ્ત સુધારો થઈ ગયો છે, જેનું કારણ એ છે કે મોટા ભાગની મહિલાઓને યરવડા ઓપન જેલમાં જવું છે.
ત્રીજા નંબરે આવે છે કેરલાની પૂજપ્પુરા ઓપન જેલ.
આ જેલ એની આર્થિક પ્રવૃત્તિઓ અને કેદીઓની આવક માટે જાણીતી છે.
અહીં કેદીઓ મોટા પાયે ખેતી અને ખાદ્ય પદાર્થોના ઉત્પાદન સાથે જોડાયેલા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે આ ઓપન જેલની ચપાતી અને નૉન-વેજ આઇટમ આખા કેરલામાં જબરદસ્ત પૉપ્યુલર છે. આ ઓપન જેલના કેદીઓ કૅન્ટીન પણ ચલાવે છે તો અન્ય કેદીઓ ખેતી કરીને જેલને આર્થિક રીતે પગભર બનાવે છે. ઓપન જેલ માટે ખેતી કરનારા કેદીઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે છે જે સીધું જ તેમના બૅન્ક-ખાતામાં જમા થાય છે.
ચોથા નંબર પર હૈદરાબાદ પાસે આવેલી ચેરલાપલ્લી ઓપન જેલ આવે છે.
આ જેલ એના આધુનિક મૅનેજમેન્ટ અને કેદીઓના પુનર્વસન માટે જાણીતી છે. આ ઓપન જેલમાં કેદીઓને ટેક્નિકલ તાલીમ આપવામાં આવે છે તો સાથોસાથ ભણેલા કેદીઓને સૉફ્ટવેર ડેવલપમેન્ટ માટે પણ ટ્રેઇન કરે છે. આ ઉપરાંત જેલના કૅમ્પસમાં પૅટ્રોલ-પમ્પ અને આયુર્વેદિક ગાર્ડન પણ છે જે બન્ને સંભાળવાની જવાબદારી કેદીઓની છે. એ માટે કેદીઓને ઑફિશ્યલ સૅલેરી પણ ચૂકવવામાં આવે છે. તેલંગણ સરકાર દ્વારા સંચાલિત ‘માય નેશન’ બ્રૅન્ડ હેઠળ કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે જે સમગ્ર તેલંગણમાં મળતી હોય છે.

હોશંગાબાદ ઓપન જેલ
પાંચમા ક્રમ પર મધ્ય પ્રદેશની હોશંગાબાદ ઓપન જેલ આવે છે.
નર્મદા નદીના કિનારે આવેલી આ ઓપન જેલ ‘નવજીવન શિબિર’ તરીકે દેશભરમાં પૉપ્યુલર છે. આ જેલની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. અહીં રહેનારા કેદીઓને કેદી નહીં પણ શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. દરેક કેદીને રહેવા માટે એક સ્વતંત્ર મકાન આપવામાં આવે છે, જ્યાં તે પરિવાર સાથે રહી શકે છે. આ જે કેદી છે તેને ખેતી માટે ચોક્કસ માપ-સાઇઝ મુજબ જમીન ફાળવવામાં આવે છે. મજાની વાત એ છે કે એ જમીન પર થયેલા પાકમાંથી જે પણ કમાણી થાય એ કેદીએ પોતે રાખવાની છે. બસ, તેને મળેલી જમીનપેટે માત્ર ટોકન અમાઉન્ટ આપવાની રહે છે.
ભારતમાં કેટલી ઓપન જેલ?
આપણે ત્યાં અત્યારે ૧૭ રાજ્યોમાં ૯૦થી વધુ ઓપન જેલ ચાલે છે. એમાં રાજસ્થાનમાં સૌથી વધારે ૪૧ ઓપન જેલ છે જેમાં ૬૦૦૦ કેદીઓ રહે છે. ઓપન જેલની બાબતમાં બીજા નંબરે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં ૧૯ ઓપન જેલ છે.
ઓપન જેલનો કન્સેપ્ટ લાવવાનું કામ બ્રિટિશરોએ કર્યું. ૧૯૦પમાં પહેલી ઓપન જેલ શરૂ થઈ, પણ ૧૯૧૦માં જ એને બંધ કરી દેવામાં આવી. એ પછી બ્રિટિશરોએ ઓપન જેલ ઇન્ડિયામાં શરૂ કરી નહીં અને આઝાદ ભારતની પ્રથમ ઓપન જેલ ૧૯૪૯માં લખનઉમાં શરૂ થઈ અને એ પછી ૧૯૬૩માં રાજસ્થાનના સાંગાનેરમાં ઓપન જેલ શરૂ કરવામાં આવી છે. આ સાંગાનેર જેલ એવી ઓપન જેલ છે જ્યાં કેદીને તેની ફૅમિલી સાથે રહેવાની અને બહાર જઈને કામ કરવાની મંજૂરી આપે છે.

પુણેની યેરવડા મહિલા ઓપન જેલ
ત્યાર પછી સમયાંતરે દેશમાં ઓપન જેલ શરૂ થતી રહી અને ૨૦૧૦માં પુણેની યેરવડામાં દેશની પહેલી મહિલા ઓપન જેલ શરૂ કરવામાં આવી તો ૨૦૧૨માં છેલ્લી ઓપન જેલ કેરલાના પૂજપ્પુરામાં શરૂ થઈ જે સાઉથ ઇન્ડિયાની પહેલી ઓપન જેલ બની.
