આજકાલ સમાજમાં શૉર્ટ ટર્મ સફળતા અને પ્રસિદ્ધિનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે મહદ અંશે માર્કેટિંગ આધારિત હોવાથી એનાં પરિણામ પણ ભળતાં જોવા મળે છે.
પ્રતીકાત્મક તસવીર
જેમ વધુપડતા પીધેલા દારૂના નશામાં માણસને ભાન નથી રહેતું અને એ માણસ કંઈ પણ અને કોઈને પણ આડેધડ બોલવા લાગે છે એમ ઘણા માણસોને સફળતા, સંપત્તિ અને પ્રસિદ્ધિનો નશો ચડી જાય છે ત્યારે એ માણસો ભાન ભૂલી જાય છે અને તેના બીજાઓ સાથેનાં વાણી, વ્યવહાર, ભાવ-સ્વભાવ અને અભિગમ બદલાઈને બગડવા લાગે છે. આવું સતત બને ત્યારે તેની સફળતાના પતનનો પણ આરંભ થયો એ સમજી લેવું. યાદ રહે, સફળતા અને સમૃદ્ધિ સાથે બીજાઓ પ્રત્યે આદર વધવો જોઈએ, અહંકાર નહીં. આજકાલ સમાજમાં શૉર્ટ ટર્મ સફળતા અને પ્રસિદ્ધિનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે મહદ અંશે માર્કેટિંગ આધારિત હોવાથી એનાં પરિણામ પણ ભળતાં જોવા મળે છે.
આપણી આસપાસ એવાં પાત્રો જોવા-સાંભળવા મળે છે કે કોઈ વ્યક્તિને જ્યારે ખૂબ ઝડપી સફળતા મળી જાય છે એમ તેને બહુ ઝડપથી એ સફળતાનો કેફ ચડવા લાગે છે, પરિણામે આવી સફળતા શૉર્ટ ટર્મની બનીને રહી જાય છે, લાંબી ટકતી નથી કે આદરપાત્ર રહેતી નથી. આજના સોશ્યલ મીડિયાના માર્કેટિંગ ફન્ડામાં ચોક્કસ બાબતોમાં સક્સેસફુલ થવાનું અને પ્રસિદ્ધ થવાનું સરળ બનતું જાય છે, પરંતુ એ બન્ને પોકળ નીકળે છે. આવા કથિત સફળ માણસો ખરેખર તો સફળતાને પચાવવામાં પણ નિષ્ફળ જાય છે. બાય ચાન્સ,એતે સફળતા ચાલુ રહે યા ટકી રહે તો પણ તેના પતનની શરૂઆત એ કથિત સફળ વ્યક્તિના અહંકારી અને નેગેટિવ પરિવર્તનથી થવા લાગે છે.
ADVERTISEMENT
સંઘર્ષ સમયે નમ્ર અને નરમ રહેતી વ્યક્તિ સફળતાના અતિરેક સાથે ગરમ રહે અને પોતે જ શ્રેષ્ઠ હોવાના ભ્રમમાં રાચવા લાગે તો ભાન ભૂલે છે એટલું જ નહીં, તે લોકોનો આદર ગુમાવવા લાગે છે. આવી વ્યક્તિ પોતાની કળા, કુશળતા દ્વારા કે સંપત્તિની તાકાત પર ભલે લોકોમાં જાણીતી બની રહે, પરંતુ તેમના અંગત વ્યક્તિત્વ પ્રત્યે લોકોના દિલમાં તેના માટેનું માન ઘટતું જાય છે. વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઝમાં સફળતા પચાવી નહીં શકવાની બાબત તેમને જ ભરખી જતી હોવાના અનેક કિસ્સા જોવા મળશે. જોકે આવા અનેક લોકો વચ્ચે સફળતાના શિખર પર પહોંચ્યા બાદ પણ નમ્રતા અને સમતાભાવ જાળવી રાખનાર ખરી વ્યક્તિઓના દાખલા પણ સમાજમાં હોય છે.
બાય ધ વે, કોઈ પણ વ્યક્તિની સફળતા એકલાની દેખાય છે પરંતુ ખરેખર એ એકલાની હોતી નથી. એમાં તેની ટીમના સભ્યો, પરિવારજનો, સહયોગીઓનો ફાળો હોય જ છે. પડદા પાછળ હંમેશાં અન્ય શ્રેષ્ઠ કળાકારો રહે જ છે. દરેક માનવીએ એ સત્ય હંમેશાં યાદ રાખવું જોઈએ કે જગતની કોઈ પણ વ્યક્તિ હંમેશ માટે ટોચ પર રહી શકે નહીં. ફિલ્મ ‘કભી કભી’ના આ ગીતની આ પંક્તિને કાયમ યાદ રાખીએ, કલ ઔર આએંગે નગમોં કી ખિલતી કલિયાં ચુનનેવાલે, મુઝસે બેહતર કહનેવાલે, તુમસે બેહતર સુનનેવાલે……

