જન્મ અને મરણ જીવન નામના સિક્કાની બે બાજુઓ છે. પ્રત્યેક શ્વાસ તમને મૃત્યુની નજીક લાવે છે તો એ પણ હકીકત છે કે પ્રત્યેક શ્વાસ મુક્તિના માર્ગમાં તમને એક ડગલું આગળ વધારે છે.
શ્યામ બેનેગલ
Death is not the opposite of life but part of life.
જન્મ અને મરણ જીવન નામના સિક્કાની બે બાજુઓ છે. પ્રત્યેક શ્વાસ તમને મૃત્યુની નજીક લાવે છે તો એ પણ હકીકત છે કે પ્રત્યેક શ્વાસ મુક્તિના માર્ગમાં તમને એક ડગલું આગળ વધારે છે. એક કલાકાર માટે જન્મ અને મરણ વચ્ચેનો ગાળો એટલે પોતાના અસ્તિત્વનું પ્રયોજન શોધવાનો પ્રયાસ.
ADVERTISEMENT
૨૩ ડિસેમ્બરે ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘જુનૂન’, ‘કલયુગ’, ‘મંડી’, ‘સરદારી બેગમ’, ‘ઝુબૈદા’ જેવી અનેક ફિલ્મો ઉપરાંત ડૉક્યુમેન્ટરી, શૉર્ટ ફિલ્મ્સ અને ટીવી સિરિયલના સર્જક શ્યામ બેનેગલના નિધનના સમાચાર મળ્યા. સમાંતર ફિલ્મોના આ વિખ્યાત ડિરેક્ટરને આપણે પૂરતી ક્રેડિટ નથી આપી. મેહબૂબ ખાન, વી. શાંતારામ, રાજ કપૂર, બિમલ રૉય, ગુરુ દત્ત અને બીજા ફિલ્મમેકર્સની ફિલ્મો લોકપ્રિય થઈ અને તેઓ નામ અને દામ બન્ને કમાયા. દેશવિદેશમાં તેમના કામની નોંધ લેવાઈ. ભલે શ્યામ બેનેગલની ફિલ્મોએ કમાણી અને લોકપ્રિયતાની દૃષ્ટિએ મોટા રેકૉર્ડ નથી તોડ્યા પરંતુ તેમના યોગદાનને ઓછું આંકવાની ભૂલ ન કરવી જોઈએ.
૨૦૦૯ની ૧૨ એપ્રિલની રાતે અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે ગીતા દત્ત અને ગુરુ દત્તને સ્વરાંજલિ આપવા ‘જાને ક્યા તુને કહી’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માટે મારા મનમાં શ્યામ બેનેગલનું નામ આવ્યું. તેઓ ગુરુ દત્તના કઝિન થાય (ગુરુ દત્તનાં નાની અને શ્યામ બેનેગલનાં દાદી બન્ને સગી બહેનો હતી). તેમને ફોન કર્યો તો ઉમળકાથી વાત કરી અને બીજા દિવસે ઑફિસ આવવાનું આમંત્રણ આપ્યું.
વર્ષો પહેલાં તાડદેવમાં એક વિશાળ સ્ટુડિયો હતો જેનું નામ હતું જ્યોતિ સ્ટુડિયો. શહેરીકરણના જુવાળમાં એને જમીનદોસ્ત કરીને ઑફિસ માટેનાં વિશાળ બિલ્ડિંગો ઊભાં કરવામાં આવ્યાં. એવા એક બિલ્ડિંગમાં તેમની ઑફિસ હતી. મૂળ તેઓ ઍડ્વર્ટાઈઝિંગ ફીલ્ડના આગળ પડતા કસબી હતા. તેમની વિશાળ કૅબિનમાં અઢળક પુસ્તકોના ભંડાર હતા. ઊંચું કદ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને છતાં સૌમ્ય વ્યવહારનો પરિચય મને પાંચ જ મિનિટમાં થયો.
ઔપચારિક વાતો થયા બાદ મેં તેમને કાર્યક્રમનું આમંત્રણ આપ્યું. તેમણે ડાયરી જોઈ કહ્યું કે એ દિવસે તેઓ મુંબઈમાં નથી. હું નિરાશ થઈ ગયો. મને કહે, ‘તમે તરુણ અને લલિતા લાજમીને આમંત્રણ આપોને? They are the right persons.’
મને તો બગાસું ખાતાં પતાસું મળી ગયું. મેં કહ્યું, ‘મારી પાસે તેમનો કોઈ નંબર નથી.’ તરત તેમણે વરલીસ્થિત લલિતા લાજમી (ગુરુ દત્તનાં બહેન)ને ફોન કર્યો. મારી ઓળખાણ આપી વાત કરાવી. ત્યાર બાદ પુણે તરુણ (ગુરુ દત્તના પુત્ર)ને ફોન કરી મારી સાથે વાત કરાવી. આમ દત્ત પરિવારના સભ્યો સાથે મુલાકાત થઈ અને બન્નેએ કાર્યક્રમમાં હાજરી આપી. તેમની સાથેની મુલાકાતોમાં બન્નેએ ગુરુ દત્ત અને ગીત દત્તનાં અનેક સંસ્મરણો મારી સાથે શૅર કર્યાં જે અગાઉ લખી ચૂક્યો છું. આજે મારે વાત કરવી છે શ્યામ બેનેગલની. એ દિવસે હું લગભગ દોઢ કલાક તેમની ઑફિસમાં હતો અને અનેક વિષયો પર વાતો થઈ. ત્યાર બાદ તેમના વિશે લખવાનો મોકો ન મળ્યો. અફસોસ, તેઓ હયાત નથી ત્યારે શ્રદ્ધાંજલિ નિમિત્તે આ લેખ લખવાનું થયું.
કર્ણાટકના મૅન્ગલોરમાં તેમનો જન્મ, પરંતુ બાદમાં પરિવાર હૈદરાબાદ આવ્યો એટલે પૂરું ભણતર હૈદરાબાદમાં થયું. ૧૦ ભાઈબહેનોમાં શ્યામ બેનેગલનો નંબર છઠ્ઠો. માતાને અમ્મા અને પિતાને ‘માયે’ કહે. પિતા સાહિત્યના ઊંડા અભ્યાસુ એટલે લોકો તેમને ‘મહારાજ’ કહીને બોલાવે. એટલે શ્યામ બેનેગલના મોટા ભાઈ નાનપણમાં પિતાને મહારાજ કહીને બોલાવે પણ બોલાઈ જાય ‘માયે’. ત્યારથી સૌ બાળકો પિતાને એ જ નામથી બોલાવે.
અમારી વાતોમાં સહજ રીતે ગુરુ દત્તનો ઉલ્લેખ આવે જ. તેઓ એટલા ફ્રૅન્ક હતા કે મને કહે, ‘As a film Maker, I used to admire him and envy him. તેની મોટા ભાગની ફિલ્મો સફળ રહી. નવો વિષય લઈને હિટ ફિલ્મ બનાવવી સહેલી નથી. પરંતુ તેની ફિલ્મોમાં ઘણા Aesthetical Lapses હતા. એ માટે હું તેની ટીકા કરતો. તે સ્વભાવે Restless હતો. તેના મગજમાં એકસાથે અનેક વિચારો ચાલતા હોય. એકસાથે અનેક વસ્તુ કરવાની તેની આદત હતી. ‘ચૌદહવીં કા ચાંદ’ અત્યંત લોકપ્રિય બની પરંતુ ‘કાગઝ કે ફૂલ’ સદંતર ફ્લૉપ. જોકે એમાં વી. કે. મૂર્તિની ફોટોગ્રાફી અદ્ભુત હતી. ત્યાર બાદ મારી દરેક ફિલ્મમાં તેઓ કૅમેરામૅન હતા.’
શ્યામ બેનેગલની ઘણી ફિલ્મોમાં નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જોવા મળે છે. બન્ને તેમના ફેવરિટ હતા. મને કહે, ‘બન્નેની રોલ માટેની તૈયારીની રીત જુદી-જુદી હતી. નસીરુદ્દીનને સૌથી અલગ પાડવો પડે. ભીડમાં તે પોતાનું ફોકસ ખોઈ નાખે અને અપસેટ થઈ જાય. ઓમ એકદમ નૉર્મલ. તમારી સાથે વાતો કરે, કામમાં મદદ કરે. તમારા હાથમાં કૅમેરા હોય તો ઊંચકી લે. આપણે જેમ વાતો કરીએ છીએ એમ સહજ વર્તે અને શૉટ આપે. મારી આદત છે કે કોઈ કલાકારને ફોર્સ ન કરું. તેમને રૉલમાં પોતાની રીતે ખૂલવા માટેની મોકળાશ આપું.’
અનેક ઑફબીટ પણ સફળ ફિલ્મો બનાવનાર શ્યામ બેનેગલને મેં પૂછ્યું, ‘કોઈ દિવસ બૉલીવુડની ચીલાચાલુ ફિલ્મ બનાવવાની ઇચ્છા ન થઈ?’ તો કહે, ‘મારે જે પ્રકારની ફિલ્મો બનાવવી હતી એ બનાવી. બ્લૉકબસ્ટર પૉપ્યુલર ફિલ્મો બનાવવાનો કદી વિચાર નથી આવ્યો. આપણે જે ઑફિસમાં બેઠા છીએ ત્યાં બાજુમાં થિયેટર છે. એમાં ‘મંડી’એ સિલ્વર જ્યુબિલી ઊજવી હતી. એમાં મારાં ફેવરિટ નસીરુદ્દીન, ઓમ પુરી, શબાના, અમરીશ, દરેક હતાં. હું મારી ફિલ્મોનું સળંગ શૂટિંગ કરું છું. મેં ૪૪-૪૫ દિવસનું શેડ્યુલ નક્કી કર્યું હતું. તમે માનશો? આ ફિલ્મ અમે ૨૮ દિવસમાં પૂરી કરી. છેલ્લો શૉટ પૂરો કર્યો અને મેં કહ્યું, ‘No more? Finished?’ અમે સૌ ગમગીન થઈ ગયા કે હવે છૂટાં પડવાનું. It was terrible feeling.
‘જ્યારે ‘ઝુનૂન’ બનાવી ત્યારે મનથી હું ૧૮૫૭માં રહેતો હતો. અમે શાહજહાંબાદ ગયા અને શૂટિંગ માટે એવા સ્થળની ખોજમાં હતા જ્યાં એ સમયનાં બાંધકામ હોય. એક ગ્રામીણ મહિલા અમને કહે કે શું શોધો છો? અમે જવાબ આપ્યો તો કહે મારા ઘરે ચાલો. વર્ષો જૂના ઘરમાં તેણે રસોડાની દીવાલ બતાવી જેના પર અનેક કાણાં હતાં. એ ગોળીઓનાં નિશાન હતાં. બ્રિટિશરોએ તેના ઘર પર ગોળીબાર કર્યો હતો.
‘ભૂતકાળ મને હંમેશાં રોમાંચિત કરે છે. I used to live with the ghosts of the past. મેં ‘ભારત એક ખોજ’ બનાવી જે ‘Discovery of India’ પર આધારિત હતી. જવાહરલાલ નેહરુનો હું મોટો પ્રશંસક રહ્યો છું. તે યુવાનોમાં લોકપ્રિય હતા. ૫૦ના દશકની વાત છે જ્યારે તેઓ PM હતા. અમે યુથ ફેસ્ટિવલમાં ગયા ત્યારે એક દિવસ લંચ ટાઇમમાં બહાર મેદાનમાં જમતા હતા ત્યાં અચાનક તેઓ આવ્યા અને કહે, May I join you? એ ઘટના યાદગાર છે. મેં એક ડૉક્યુમેન્ટરી ‘નેહરુ’ પણ બનાવી જે ઇન્દિરા ગાંધીએ ઇન્ટ્રોડયુસ કરી હતી.’
એ દિવસની મારી મુલાકાતમાં શ્યામ બેનેગલ સાથે ગુરુ દત્તના જીવનની અનેક વાતો થઈ જે ઑફ ધ રેકૉર્ડ છે. મને ઘણી વાર નવાઈ લાગે છે કે આ દિગ્ગજો કોઈ પણ જાતના છોછ વિના આવી સેન્સિટિવ વાતો શા માટે શૅર કરતા હશે? મકરંદ દવે યાદ આવે છે, ‘દરેકને કશું કહેવું છે, પણ કહેવું કોને? દાગીના રાખવા માટે તો તિજોરી અને બૅન્કનાં લૉકર છે પણ દિલની વાત જેવી જણસને મૂકવા માટેનાં હૈયાં જલદી મળતાં નથી.’
મારા એક પ્રશ્નના જવાબમાં શ્યામ બેનેગલના પૂરા વ્યક્તિત્વનો અણસાર મને મળી ગયો. ‘આપના હિસાબે તમારી સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ?’ જવાબ મળ્યો, ‘એક પણ નહીં. તમે જે કાંઈ કર્યું એનાંથી સંતુષ્ટ થઈ જાઓ એ તો જાતછેતરામણી છે, કારણ કે તમને ખબર છે કે તમે કેટલી ભૂલો કરી છે. તમે સંતોષી થઈ જાઓ તો આગળ જ ન વધો.’
થોડા મહિના પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં શ્યામ બેનેગલ કહે છે, ‘જે કંઈ કર્યું છે એના કરતાં વધુ કરી શક્યો હોત એવું લાગે છે. આજે પણ લોકો આવીને કહે છે કે તમારી સાથે કામ કરવું છે. હું કહું છું તમને ભરોસો હોવો જોઈએ કે તમારી ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી હું જીવિત રહીશ.’
સામાન્ય વ્યક્તિના જીવનને ફિલ્મોના માધ્યમથી કવિતા સ્વરૂપે જીવંત કરનાર શ્યામ બેનેગલ પુનર્જન્મમાં નહોતા માનતા. ૯૦મા વર્ષે અંતિમ ક્ષણોએ તેમણે આમ કહીને વિદાય લીધી હશે, ‘I joyfully await the exit and hope never to return.’
-- Frida kahlo [Mexican Artist]

