શ્રીયંત્રમાં સાક્ષાત્ લક્ષ્મીનો વાસ છે એવા સમયે એ લાવીને ઘરમાં એમ જ મૂકી રાખવું વાજબી નથી
ધાતુના એક સિંગલ ટુકડામાંથી શ્રીયંત્ર બનાવવાનું કામ અઘરું છે અને બહુ મોંઘું છે, પણ ક્રિસ્ટલનું શ્રીયંત્ર એક જ પથ્થરમાંથી બની શકે. જો એક જ સ્ફટિકમાંથી તૈયાર થયું હોય તો એ બહુ સારું પરિણામ આપે છે.
હમણાં શનિવારે એટલે કે ગઈ કાલે એક વાચકમિત્ર અનાયાસ જ મુંબઈ ઍરપોર્ટ પર મળી ગયા જેઓ આ શ્રીયંત્રની સિરીઝ વાંચે છે. તેમણે કેટલાક એવા પ્રશ્નો કર્યા જેના જવાબ સર્વજન માટે પણ ઉપયોગી છે એટલે એ વાત પહેલાં કરીએ. તેમનો પહેલો પ્રશ્ન હતો કે ખરેખર શ્રીયંત્ર લાભદાયી પુરવાર થાય કે નહીં? અહીં વાત શ્રદ્ધાની છે અને શ્રદ્ધા હોય તો કાગળ પર અંકિત કરેલું શ્રીયંત્ર પણ ભરપૂર લાભ આપી જાય અને જો એને માત્ર એક સ્ટૅચ્યુની નજરથી જોવામાં આવતું હોય તો સુવર્ણ જેવી મોંઘી ધાતુથી બનાવવામાં આવેલું શ્રીયંત્ર પણ કોઈ લાભ ન આપે. શાસ્ત્રોનાં વિધાનોને છોડીને જો કહેવાનું હોય તો કહી શકાય કે જ્યાં લૉજિક છે ત્યાં મૅજિક નથી અને જ્યાં મૅજિક દેખાય છે ત્યાં કોઈનું લૉજિક કામ નથી કરતું. મંદિરમાં રહેલી મૂર્તિ આમ જોઈએ તો મૂર્તિ જ છે અને એ પછી પણ અમુક મંદિર કેટલાક લોકોને ખૂબ ફળતાં હોય છે. આવું શું કામ બનતું હોય છે એના વિશે ક્યારેય વિચાર કરવાનું કે પછી એ વિચારોનું પોસ્ટમૉર્ટમ કરવાનું કોઈને મન ન થાય.
અયોધ્યાના રામલલાના મંદિર વખતે જ્યારે રામલલાની મૂર્તિ તૈયાર થતી હતી ત્યારે શરૂઆતના તબક્કે અનેક પ્રકારની અવઢવ મનમાં હતી. મૂર્તિ તૈયાર કરતાં પહેલાં ડિઝાઇન તૈયાર કરવાની હોય, એ ડિઝાઇન સમયની વાત કરું છું. ભગવાન શ્રીરામની તો અનેક મૂર્તિઓ છે, પણ રામલલાની મૂર્તિ ક્યાંય નથી એટલે રેફરન્સની દૃષ્ટિએ પણ કશું હાથમાં નહોતું. રામ જન્મભૂમિ પર રામલલાની જ સ્થાપના કરવી એ તો પહેલેની નક્કી હતું, પણ એ રામલલા કેવા દેખાતા હશે એનું કોઈ દાર્શનિક દૃષ્ટાંત આંખ સામે નહોતું એટલે કામ અતિશય કઠિન લાગતું હતું. મહિનાઓ નીકળતા ગયા અને પસાર થતા એ મહિનાઓ વચ્ચે એક રાતે અચાનક જ આંખ સામે રામલલાનો ચહેરો આવ્યો અને ગણતરીના કલાકોમાં રામલલાની મૂર્તિની ડિઝાઇન તૈયાર થઈ ગઈ. આવું કેમ બન્યું એના લૉજિકમાં જાઓ તો તમે ક્યારેય મૅજિકને પામી ન શકો.
ADVERTISEMENT
શ્રીયંત્રનું પણ એવું જ છે. મંત્ર, યંત્ર કે શ્લોક એ દાર્શનિક રીતે તરત જ રિઝલ્ટ આપે એવી દવા નથી અને એની સામે જો લૉજિક છોડીને વાતને વિચારો તો ક્ષણવારમાં તમને એનું પરિણામ મળી પણ જાય માટે માત્ર શ્રીયંત્ર જ નહીં, કોઈ પણ યંત્ર કે મંત્રને શ્રદ્ધા સાથે જોડી રાખો તો જ તમને એનું સાચું પરિણામ પ્રાપ્ત થાય. કહ્યું એમ, કાગળ પર બનાવેલું શ્રીયંત્ર પણ સુંદર પરિણામ આપે અને એ સાક્ષાત્ લક્ષ્મી બનીને ઘરમાં વાસ કરે. આ વાત જેટલી સાચી એટલું જ સાચું એ પણ ખરું કે શ્રીયંત્ર પણ અન્ય કોઈ મૂર્તિની જેમ અંદરથી ખાલી ન હોવું જોઈએ. એ નક્કર જ હોવું જોઈએ. આ વાત ઘરમંદિરની ચાલતી હતી ત્યારે મૂર્તિ માટે અહીંથી જ કહી હતી. જેમ મૂર્તિ ખાલી ન હોવી જોઈએ, એ અંદરથી ખોખું ન હોવી જોઈએ એવી જ રીતે શ્રીયંત્ર પણ અંદરથી ખાલી ન હોવું જોઈએ. બીજી વાત, શ્રીયંત્રને ભલે યંત્ર તરીકે ઓળખવામાં આવતું હોય, પણ જો સામાન્ય નજરે જોવાનું હોય તો આ શ્રીયંત્ર પણ એક મૂર્તિ જ ગણી શકાય. એમાં મા લક્ષ્મીનો સાક્ષાત્ વાસ છે, માટે એની પણ પૂરતા પ્રમાણની કાળજી રાખવી જોઈએ.
જેમ મૂર્તિ ક્યારેય લોખંડની ન હોવી જોઈએ અને એવું જ શ્રીયંત્રનું છે. એ જેટલી ઉમદા ધાતુનું હોય એટલું શ્રેષ્ઠ સંયોજન ઊભું કરે છે. જો મૂર્તિને નિયમિત રીતે સેવા-પૂજા આપવાની હોય તો એવી જ રીતે શ્રીયંત્રની પણ નિયમિત પૂજા થવી જોઈએ. પૂજા માટે શાસ્ત્રોક્ત રીત અપનાવવામાં આવે તો બહુ સારું, પણ ધારો કે ન આવડે કે ન ફાવે તો અગાઉ કહ્યું હતું એમ નિયમિત રીતે શ્રી સુક્તમની રુચા-ગાન કરીને પણ શ્રીયંત્રને જાગ્રત કરી શકાય.


