Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વહુઘેલો

વહુઘેલો

27 November, 2022 08:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોજ ઠાકોરજી પાસે ને દયા પાસે એક જ વિનંતી કરે, ‘મને વંશ ચલાવનાર દીકરો જોઈએ.’ દયા પણ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી, ‘બાની ઇચ્છા પૂરી કરજે ભગવાન.’ પણ વેલજી અને કનુભાઈ ઈશ્વર જે આપે તેને આવકારવા પૂરા દિલથી તૈયાર હતા.

ઇલસ્ટ્રેશન

શોર્ટ સ્ટોરી

ઇલસ્ટ્રેશન


‘આટલાં વર્ષો થયાં તોય રસોઈમાં કંઈ ભલીવાર નથી. આજેય આ શાક સાવ ફિક્કું છે. જાઓ, સરખો મસાલો કરી આવો. હવે તો ભગવાન મને જલદી બોલાવી લે તો દયાવહુ, તમેય છુટ્ટાં ને હુંય છુટ્ટી.’ કમળાબા બોલતાં રહ્યાં ને ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર દયા બાની જમવાની થાળી લઈ ફરી રસોડામાં ગરી ગઈ. વાસણોના ખખડાટ પરથી પોતાના ઓરડામાં બેઠેલો વેલજી સમજી ગયો, દયા ફરી બાનાં મહેણાંનો શિકાર બની છે અને હમણાં તે રસોડામાં કામ કરતી રડી રહી હશે.

રસોઈ તો એકદમ સ્વાદિષ્ટ હતી. હા, મસાલેદાર નહોતી. એનું કારણ એટલું જ કે આજકાલ બાનું બીપી ઘણું ઊંચું રહેતું હતું, પગે સોજા રહેવા લાગ્યા, વારતહેવારે ઉધરસ ચડી આવે. દાક્તરની દવા ધારે એવી અસર નહોતી કરતી. માટે દાક્તરે જ રોજિંદી રસોઈમાં મીઠું ને મસાલા ઓછાં કરી નાખવા કહ્યું. દયાની હથોટી એકદમ સરસ, ઓછા મસાલાવાળી વાનગી પણ આંગળાં ચાટતાં કરી મૂકે. બા જીદ ન કરે એટલે હવે ઘરમાં એક જ જાતની રસોઈ થતી ને હવે બાની સાથે-સાથે વેલજી ને દયા પણ મોળી રસોઈ ખાવા લાગ્યાં.



વેલજીનાં લગ્ન દયા સાથે માતાપિતાએ જ કરાવ્યાં હતાં. એકનો એક દીકરો, લાડકોડથી ઉછેરેલો, માતાપિતાના હરેક બોલ ઉઠાવનાર આ સંસ્કારી દીકરા માટે એવી જ ગુણિયલ સંસ્કારી દયા મળી. દયાનાં માતાપિતા નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. મામા-મામીને આશ્રય હેઠળ મોટી થઈ હતી. એમને કોઈ સંતાન નહીં. દયાને સગી દીકરીથીયે વિશેષ લાડકોડમાં મોટી કરી, ભણાવી-ગણાવી, મામીએ બધું જ ઘરકામ ખૂબ પ્રેમથી શીખવાડ્યું ને સંસ્કારના પાઠ પણ ભણાવ્યા. 


વેલજીના ઘરનું માગું આવતાં રંગેચંગે પરણાવી ને દીકરી વિદાય થતાં દૂર પોતાને ગામડે રહેવા લાગ્યાં.

સાસરીમાં દયા દૂધમાં સાકરની જેમ સમાઈ ગઈ. પતિનો અનહદ પ્રેમ તો સાસુ કમળાબહેનને  સસરા કનુભાઈ પણ હથેળીમાં રાખે. વારેતહેવારે ભેટ આપે તો સામે એટલાં જ પ્રેમ અને લાગણીથી દયા પણ સૌનો ખૂબ જ ખ્યાલ રાખે ને પડ્યો બોલ ઝીલે. વહેલી સવારે નહાઈ-ધોઈ, તુલસીક્યારે પાણી પાવું, ઘરમંદિરના ઠાકોરજીને આરતી ગાઈ જગાડવા, એમને માખણમિસરીનો ભોગ ધરાવવો, પતિ, સાસુ, સસરા માટે ચા મૂકવી, ગરમાગરમ નાસ્તો બનાવવો ને જેવા બધાં પરવારે કે પતિ ને સસરાનું ટિફિન તૈયાર કરવું. એ બન્ને ઑફિસ જાય કે કમળાબાને મંદિરે લઈ જવાં. બપોરે જમીપરવારીને કમળાબા આડેપડખે થાય ત્યારે દયા રેડિયો પર મનગમતાં ગીતો સાંભળે ને કયારેક બાની સાડી પર સરસ રંગીન ભરત કરવા બેસી જાય. 


સાંજે ફરી સ્વાદિષ્ટ રસોઈ બનાવે ને બધાં જમી લે એટલે વેલજી અને દયા પોતાના મિત્રોને ત્યાં ગપસપ માટે જાય. રવિવાર કમળાબા રસોડું સાચવી લે ને વેલજી ને દયાને બહાર ફરવા કે નાટક-સિનેમા જોવા કે વળી મૉલમાં શૉપિંગ માટે મોકલી દે. આમ હસીખુશી તેમની જિંદગી પસાર થતી. વળી દયા જેવી ગુણિયલ વહુની બધાને એવી આદત થઈ ગઈ કે તેના વગર કોઈને જરાય ન ચાલે. તો એવું તે શું થયું કે હવે કમળામા, દયાને મહેણાં મારવામાંથી ઊંચાં જ નથી આવતાં! 

વાત એમ હતી કે લગ્નના દોઢ વરસમાં જ દયાને સારા દિવસો રહ્યા. કમળાબા તો સાતમા આસમાને વિહરવા લાગ્યાં. દાક્તરને તો પહેલી જ વારમાં કહી દીધું, મને દીકરો જોઈએ, અમારો વંશ આગળ વધારવાવાળો. નવ મહિના ખૂબ ખ્યાલ રાખ્યો. સગી માથીયે વિશેષ દયાના આ સારા દિવસો સાચવ્યા. રોજ ઠાકોરજી પાસે ને દયા પાસે એક જ વિનંતી કરે,

‘મને વંશ ચલાવનાર દીકરો જોઈએ.’ દયા પણ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી,

‘બાની ઇચ્છા પૂરી કરજે ભગવાન.’ પણ વેલજી અને કનુભાઈ ઈશ્વર જે આપે તેને આવકારવા પૂરા દિલથી તૈયાર હતા. ને પૂરા નવ મહિને દયાએ ખૂબ જ સુંદર તંદુરસ્ત કન્યાને જન્મ આપ્યો.  કમળામા નિરાશ થઈ ગયાં. ઠાકોરજીની મૂર્તિ પાસે બોલીયે ગયાં,

‘આ કરતાં પેટે પાણો પાક્યો હોત તો સારું થાત.’ પતિ પાસે બોલ્યાં ત્યારે કનુભાઈ એવા ગુસ્સે ભરાયાં કે કમળાબહેન ચૂપ. 

હૉસ્પિટલમાંથી રજા મળતાં જ ‘પહેલી સુવાવડ તો પિયરમાં જ થાય’ કહીને દયાને મામા-મામી પાસે ગામડે મોકલી દીધી. અહીં ગામડે કોઈ સગવડ ન મળે ને મામીની પણ ઉંમર થયેલી તોય હોંશે-હોંશે ઘણું કર્યું ને દયા અને નાનકડી માયાને ખૂબ સાચવી. 

આ બાજુ કમળાબા દયાને તેડાવવાનું નામ જ ન લે અને વેલજીને પણ કોઈ ને કોઈ બહાનું કાઢી જવા ન દે. આખરે બાની ઉપરવટ જઈ વેલજી છેક ત્રીજે મહિને દયા ને માયાને લેવા પહોંચી ગયો. કમળાબા મનમાં બોલ્યાં, ‘વહુઘેલો’. નાનકડી માયા એવી મીઠડી ને થોડું બોલતાં શીખી કે ‘બા’ ‘બા’ બોલતી કમળાબાને વળગી જ પડે. કમળાબા હવે થોડાં કૂણાં પડ્યાં ને ફરી દયા અને માયાને પ્રેમસભર રાખવા લાગ્યા. માયા ત્રણ વરસની થઈ ને દયાને ફરી સારા દિવસો રહ્યા.

આ વખતે કમળામાએ દાક્તર જ બદલી નાખ્યો. બીજી હૉસ્પિટલમાં લઈ ગયાં. ફરી એ જ વાત. ‘મને વંશ ચલાવનાર દીકરો જોઈએ,’ દાક્તરે કહ્યું,

‘પણ બા, દીકરો કે દીકરી, સ્ત્રીના હાથની વાત નથી.’ એમણે વેલજીને પણ આખું વિજ્ઞાન  સમજાવ્યું કે દીકરો કે દીકરીનો જન્મ એ પુરુષ પર આધારિત છે. અને પૂરે મહિને ફરી સરસ દીકરી જન્મી. મામી રહ્યાં નહોતાં એટલે દયાની સુવાવડ સાસરીમાં જ થઈ. બાના કકળાટ પર વેલજીએ દયાનો વાંક નથી કહેતાં બા ફરી બોલ્યાં, ‘વહુઘેલો’. 

કનુભાઈ ટૂંકી માંદગીમાં શ્રીજીચરણ પામ્યા હતા એટલે કમળાબાને રોકટોક કરવાવાળું કોઈ રહ્યું  નહીં ને છુટ્ટો દોર મળી ગયો. બા હવે વેલજીને બીજાં લગ્ન માટે  બાણ કરવા લાગ્યાં. દયાને ભરણપોષણના પૈસા આપી બન્ને દીકરીઓ સાથે છૂટી કર ને દીકરો જણે એવી વહુ લઈ આવ. વારંવાર આ સાંભળીને આખરે વેલજી ખૂબ ગુસ્સે થયો ને હવે બીજી વાર આ કહ્યું તો દયા અને બાળકીઓ સાથે હું પણ ઘર છોડી જતો રહીશ એવી ધમકી આપી. કમળાબા જરા જોરથી બોલ્યાં,

‘વહુઘેલો છે સાવ વહુઘેલો.’ પણ વેલજીની આંખો જોઈ આગળ ન બોલી શકયાં. હવે અવારનવાર નાની-નાની વાતે બા વેલજીને ‘વહુઘેલો’ કહેવા લાગ્યાં ને દયાને મહેણાં મારવાનાં બહાનાં શોધવા લાગ્યાં કમળામા તો નહીં, પણ વેલજી અત્યંત કાળજીપૂર્વક માયા અને ફોરમના ઉછેર બાબત પ્રેમથી દયાની પડખે ઊભો રહ્યો. બન્ને દીકરીઓ પણ એવી મીઠડી કે અજાણ્યાને પણ પરાણે વહાલી લાગે. કમળાબાને અલગાવ નહીં તોય દયાએ દીકરો ન જણ્યો એ યાદ આવે ને બધું વહાલ ઓસરી જાય જીએ માયા અને ફોરમને સરસ ભણાવીગણાવી ને સારા મુરતિયા જોઈ સાસરે વળાવી.  અહીં  દયા કેટલુંય કરે, કમળાબા તેને બસ મહેણાં મારવામાંથી ઊંચાં જ ન આવે. વેલજી કંઈ બોલે તો તરત કહે, ‘વહુઘેલો’. દયાની રસોઈ ફિક્કી લાગે એટલે બા વરસી પડે પછી એ જરા આડીઅવળી થાય કે વાટકી ભરીને તીખું અથાણું પોતાના રોટલી-શાક સાથે ખાઈ લે. 

આજે પણ આવું જ થયું. એક તો દીકરો ન જણવા બદલ દયા ઉપર ગુસ્સો તો હતો જ, વળી આજે વેલજીએ દયાને રસોઈમાં મીઠું-મસાલા ભભરાવવાની મનાઈ કરી, બાને પણ જરા ઊંચા અવાજે દાક્તરે ના પાડી છે એટલે મસાલેદાર ખાવા નહીં મળે એમ કહ્યું ને બા બોલી પડ્યાં ‘વહુઘેલો’. થાળી પછાડીને રૂમમાં જતા રહ્યાં. એક તો ગુસ્સો, ખાલી પેટ, વળી દીકરાએ પણ મા સાથે ઊંચે સાદે વાત કરી એટલે કમળામાનું મગજ ફાટફાટ થવા માંડ્યું. બીપી એકદમ વધી ગયું ને લકવાનો હુમલો થયો.

ઓરડામાં જ ધબ્બ દઈ પડી ગયાં. અવાજ સાંભળી વેલજી ને દયા બન્ને દોડી ગયાં. તરત  હૉસ્પિટલ લઈ ગયાં. ઉપચાર પણ એ ઘડીએ જ શરૂ કરાવ્યો. દયા બાની સેવામાં લાગી ગઈ. ખબર મળતાં માયા અને ફોરમ બાળકોને પતિ ને સાસુને સોંપી મમ્મીને મદદ કરવા અને દાદીના હાલચાલ પૂછવા દોડી આવી. દિવસ આખો બન્ને પૌત્રી દાદીની  વારાફરતી ચાકરી કરે ને રાત્રે દયા બા પાસે રોકાય. થોડું સારું થતાં દાક્તરે હૉસ્પિટલમાંથી રજા આપી. ઘરે પણ ત્રણે મહિલાઓએ કમળામાની જવાબદારી ખૂબ જ સમજદારીથી ઉપાડી લીધી.

નર્સ રાખવા માટે વેલજીને મનાઈ કરી અને બાનાં મળમૂત્ર સાફ કરવાથી માંડી દવા સમયસર આપવી, ચમચી-ચમચીએ પાણી, રસ પીવડાવવા, ધીરજ અને પ્રેમથી બાને જમાડવું બધું દયા જાતે કરતી. 

રસોઈપાણી ને બજારનું કામ બંને દીકરીઓએ ઉપાડી લીધું. વેલજીને ભાગે કેવળ દાક્તરને બાની પ્રગતિનો હેવાલ આપવો ને એ જે કહે એ પ્રમાણે બજારેથી દવા લાવી દેવી. 

હવે બાની સ્થિતિમાં ઘણો સુધારો હતો. બોલવામાં જીભના લોચા વળતા, પણ હાથનું હલનચલન સારું એવું થતું. પોતાની મેળે ખાઈ શકતાં અને માયા ને ફોરમનો હાથ પકડી ઘરમાં બે-ત્રણ આંટાય મારતાં. વરંડામાં જઈ બેસતાં ને ભૂતકાળના દિવસો યાદ કરી પોતાની જાત પર જ ગુસ્સો કરતાં. દયા તો દાક્તરના જણાવ્યા મુજબ તેમને કસરત કરાવતી ને સમયસર દવા અને  ભાવતાં ભોજન બનાવી ખવડાવતી. વેલજી, દયા, માયા અને ફોરમ, ચારેય જણ બાની સેવા કરવામાં અને એમને ખુશ રાખવાના બધા જ પ્રયત્ન કરતાં. 

માયા અને ફોરમ પિયરમાં બહુ રોકાઈ એટલે દયાએ હવે તેમને

સાસરિયે જઈ ઘર ને બાળકોને સંભાળવાની સલાહ આપી. જતાં પહેલાં દાદીને પગે લાગતાં કમળાની આંખો રડી પડી. તરત જ ચારે એકઅવાજે બોલી ઊઠ્યાં,

‘બા શું થાય છે? કંઈ જોઈએ છે?’ દયા દોડીને પાણી લઈ આવી. આટલી સારી વહુને દીકરી જણવા બદલ બાએ જે મહેણાં મારેલાં ને આવી સુંદર સુસંસ્કારી પૌત્રીઓને બદલે પૌત્રની અપેક્ષા કરવા માટે કમળાને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો. હાથ જોડીને સજળ નેત્રે દયાની માફી માગવા લાગ્યાં. આ જોતાં જ બાની સામે જ પ્યારથી વેલજીએ દયાને બાથમાં લીધી ને અત્યંત પ્રેમ અને મૃદુતાથી બા બોલ્યાં, ‘વહુઘેલો’

અને હવે તો બા પણ ‘વહુઘેલાં’ થઈ જવાનાં એમાં કોઈ શંકા નથી.

-હર્ષા મહેતા

 

(નવા લેખકોને આમંત્રણ - તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. જો વાર્તા સિલેક્ટ થશે તો જ પબ્લિશ થશે. એ બાબતે પૂછપરછ ન કરવી.)

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2022 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK