સરકારી યોજનાનો જ ઉપયોગ કરીને તેમણે રોજ સવારે ઊઠીને માથે બેડાં મૂકીને હૅન્ડ-પમ્પમાંથી પાણી ભરવા દૂર જતી બહેનોની સમસ્યાને દૂર કરી દીધી

માલેગામનાં સરપંચ તન્મય ઠાકરે. અને ઘરે પાણી આવતાં માલેગામની મહિલાઓમાં ખુશી ફેલાઈ ગઈ છે.
ડાંગના લગભગ ૩૫૦ પરિવારો ધરાવતા નાનકડા માલેગામમાં છેક ૨૦૨૧માં ઘરે-ઘરે પાણી આવી શક્યું એનું શ્રેય જાય છે મહિલા સરપંચ તન્મય ઠાકરેના ફાળે. સરકારી યોજનાનો જ ઉપયોગ કરીને તેમણે રોજ સવારે ઊઠીને માથે બેડાં મૂકીને હૅન્ડ-પમ્પમાંથી પાણી ભરવા દૂર જતી બહેનોની સમસ્યાને દૂર કરી દીધી. તેમની આ સજાગ કામગીરી માટે દિલ્હીમાં પણ તેમનું સન્માન થયું
ઉનાળાની સીઝનમાં તરસી વ્યક્તિને એક ગ્લાસ પીવાનું પાણી મળે તો કેવી રાહત થઈ જાય, હાશકારો લાગે અને જીવ હેઠે બેસે એવો જ કંઈક હાશકારો ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારાની તળેટીમાં આવેલા માલેગામની મહિલાઓને થયો છે. જેમણે રોજ વહેલી સવારે માથે પાણીનાં બેડાં મૂકીને હૅન્ડ-પમ્પ સુધી જવુ પડતું હતું તેવી મહિલાઓના ઘરઆંગણે પાણી આવી જતાં આ મહિલાઓને વહેલા ઊઠીને પાણી ભરવા જવા માટેની રોજની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે.
માલેગામનાં મહિલા સરપંચ તન્મય ઠાકરેએ ગામની મહિલાઓની વર્ષોની આ તકલીફને ઉકેલવા એવું તો કાર્ય કર્યું કે એના માટે દિલ્હીમાં તેમનું સન્માન થયું. આ મહિલા સરપંચે મહિલાઓના ઘરે-ઘરે પાણી પહોંચતું કર્યું અને હવે તો રોજ અઢીથી ત્રણ કલાક ઘરે જ પાણી આવતાં ગામની મહિલાઓને રાહત થઈ ગઈ.
વર્ષોની તકલીફને દૂર કરીને મહિલાઓના મોં પર કેવી રીતે સ્મિત રેલાવ્યું અને કયા સંજોગોમાં આ કાર્ય કરવાનો વિચાર આવ્યો અને એ કાર્ય પૂરું કર્યું એની વાત કરતાં માલેગામનાં મહિલા સરપંચ તન્મય ઠાકરે કહે છે, ‘અમારા ગામમાં ત્રણ ફળિયાં છે અને ૩૩૦ ઘરોમાં ૨,૧૬૭ લોકો રહે છે. અમારા ગામમાં પહેલાંની પરિસ્થિતિ એવી હતી કે ઘરે-ઘરે પાણીની સુવિધા નહોતી એટલે મહિલાઓ રોજ સવારે ચારેક વાગ્યે ઊઠી જાય, બેડાં લઈને હૅન્ડ-પમ્પ પર જતી અને ત્યાં જઈને પાણીની રાહ જોતી બેસી જાય. એક-એક બેડું પાણી ભરતાં સવાર સવારમાં ખાસ્સો સમય જતો રહેતો. મહિલાઓનો સમય પાણી ભરવામાં જતો રહેતો હોવાથી ઘરવાળાને નોકરીએ જવાનું હોય કે ખેતીના કામે જવાનું હોય, બાળકોને સ્કૂલમાં જવાનું હોય એટલે કામમાં તકલીફ પડતી અને પહોંચી ન વળાય. હું પણ મહિલા છું એટલે મહિલાઓની તકલીફને સમજી શકતી હતી. મને થતું કે ગામની મહિલાઓની આ તકલીફનું કંઈ સૉલ્યુશન લાવવું પડશે. આ દરમ્યાન સરકારની નલ સે જલ યોજના આવી. આ યોજનામાં આખા ગામને જોડ્યું અને લોકોના ઘરે-ઘરે નળનાં કનેક્શન નખાઈ ગયાં. હવે ઘરેઘર સુધી પાણી આપવાનો પ્રશ્ન હતો. એ માટે મૅનેજમેન્ટ કરતાં અમે ગામમાં પાણીના બોર ઊભા કર્યા. બોરમાંથી લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે ગામના ત્રણ ફળિયાંમાં પાણીની ટાંકીઓ બનાવી ત્યાં સુધી પાણી લઈ ગયા અને આ ટાંકીઓમાંથી લોકોના ઘર સુધી પાઇપલાઇન નાખી અને ત્યાંથી લોકોના ઘરઆંગણે આપેલા પાણીના નળમાં પાણી પહોંચતું કર્યું. અમે રોજ સવારે સાત વાગ્યાથી સાડાનવ વાગ્યા સુધી પાણી આપીએ છીએ. એને કારણે હવે મહિલાઓએ પાણી લેવા માટે બહાર જવું પડતું નથી. ઘરનાં બધાં કામ સમયસર પૂરાં થઈ જાય છે. પાણી પૂરતું મળી રહે છે અને ઘરે બનાવેલી ટાંકીમાં લોકો પાણી પણ ભરી લે છે.’
આ પણ વાંચો: ત્રણ નામ અને એની સાથે ત્રણગણી સફળતા પણ
ગામમાં પાણીના મૅનેજમેન્ટ અંગે વાત કરતાં તેઓ કહે છે, ‘ગામમાં ઘરે-ઘરે પાણી આપવાની શરૂઆત ૨૦૨૧થી કરી છે. પાણીના કામ માટે અમે પાણી સમિતિ પણ બનાવી છે. આ સમિતિની દર મહિને મીટિંગ થાય છે અને મૅનેજમેન્ટ કરીએ છીએ. ક્યાંક કોઈ તકલીફ ઊભી થાય તો એક ફળિયામાંથી બીજા ફળિયામાં પાણી પહોંચાડીને મૅનેજ કરીએ છીએ, જેથી ગામમાં પાણીની મુશ્કેલી ઊભી ન થાય. પાણી આપવાના ખર્ચને પહોંચી વળવા અમે ઘરદીઠ વેરો લેવાનું શરૂ કર્યું છે. મહિને ૫૦ રૂપિયા વેરો લઈએ છીએ. એનું કારણ એ છે કે જે પૈસા આવે એમાંથી મેઇન્ટેનન્સ કરી શકીએ. પાઇપલાઇનમાં ખરાબી થાય, તૂટી જાય તો આ પૈસામાંથી ખર્ચ કરીએ છીએ અને ઑપરેટરને પગાર ચૂકવીએ છીએ. પહેલાં ગામમાં પાણીની તકલીફ હતી એ હવે દૂર થઈ ગઈ છે. અમને ગામના લોકોનો પણ સહકાર મળ્યો છે એટલે અમે વધુ સારી રીતે સેવા કરી શકીએ છીએ.’
જનપ્રતિનિધિ હોઈએ તો પ્રજાના કામમાં પહેલાં ઊભાં રહેવું પડે અને તેમની મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ એવી નીતિમાં માનતાં તન્મય ઠાકરે કહે છે, ‘એક જનપ્રતિનિધિની પ્રથમ ફરજ બને છે કે લોકોના કામમાં સહાયરૂપ બનવું. જોવા જઈએ તો પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે. ઘરમાં કામ કરતી મહિલાઓને પાણીની મુશ્કેલીને કારણે તકલીફ ઉઠાવવી પડે એ સ્વભાવિક છે ત્યારે ગામના લોકોના સહકારથી ગામની પાણીની સમસ્યા દૂર કરી છે અને એની મને બહુ ખુશી થઈ છે કે મહિલાઓને સમસ્યામાંથી બહાર કાઢી શકી છું અને બધાને હવે સમયસર ઘરઆંગણે પાણી મળી રહ્યું છે. હું સવારે ગામમાં આંટો મારું છું અને પાણીનો બગાડ ન થાય એનું ધ્યાન રાખું છું. જોકે હવે તો અમારા ગામના લોકો પણ ટાંકી ભરાઈ જાય તો ચકલી બંધ કરી દે છે અને પાણીનો વેડફાટ કરતા નથી.’
પાણીના મૅનેજમેન્ટ માટે તાજેતરમાં તન્મય ઠાકરેનું દિલ્હીમાં સન્માન થયું હતું.
પીટીસી અને બીએસસી સુધીનો અભ્યાસ કરનાર તન્મય ઠાકરેએ ગામની મહિલાઓની વર્ષો જૂની પાણીની સમસ્યાને દૂર કરીને તેમના ઘરઆંગણે પાણી લાવીને પાણીના વિતરણનું બખૂબી રીતે મૅનેજમેન્ટ કરતાં તાજેતરમાં તેમનું ભારતના જલશક્તિ મંત્રાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.